Aapnu Gujarat
ગુજરાત

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પહોંચવા અમદાવાદથી સી-પ્લેનની સુવિધા થશે શરૂ

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે અમદાવાદથી સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે અગાઉ કેટલીક જગ્યાએ જવા માટે અમદાવાદની સાબરમતી નદીમાંથી સી-પ્લેનની સુવિધા શરૂ કરવાનો વિચાર મૂક્યો હતો ત્યાં હવે ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડે અમદાવાદથી કેવડિયા માટે સી-પ્લેનની સુવિધા શરૂ કરવા માટે તૈયારી હાથ ધરી છે.સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા માટે અમદાવાદથી સી-પ્લેનની સવલત ઊભી કરવા માટેના ચક્રો ગતિમાન થઈ ગયા છે. એકલા અમદાવાદ જ નહિ પરંતુ અન્ય ત્રણ જગ્યાએથી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે સી-પ્લેનની સુવિધા શરૂ કરાશે.ટૂરિઝમ વિભાગના ટોચના સૂત્રો કહે છે કે, અમે કેવડિયા ખાતે પ્રવાસીઓ વધુને વધુ આકર્ષાય તે માટે અન્ય સવલતો ઊભી કરવાનું પણ વિચારી રહ્યા છીએ. વધુમાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે અને આ સ્થળ ગ્લોબલ ટૂરિઝમ બને તે પ્રકારની સવલતો ઊભી કરવા પ્રયત્નો થઈ રહ્યા છે.
સૂત્રો કહે છે કે, સી પ્લેનની સુવિધા ઊભી કરવા માટે ટૂંક સમયમાં જ ટેન્ડર બહાર પાડવામાં આવશે, આ પ્રક્રિયા ઝડપથી આટોપીને સી-પ્લેનની સુવિધા શરૂ કરાશે. જોકે સી-પ્લેન થકી અમદાવાદના સાબરમતીથી કેવડિયા સુધી જવા માટે આશરે કેટલા નાણાં યાત્રીએ ચૂકવવા પડશે તે વિશે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.ઉલ્લેખનીય છે કે, બુધવારે કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ૫૦ લાખ જેટલા લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શક્યતા અમે જોઈ રહ્યા છે, કેન્દ્ર સરકારે આ સ્થળના વધુ વિકાસ માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય લીધો છે. કેવડિયાનો વિકાસ કરવાથી વધારે લોકો સ્ટેચ્યુ જોવા માટે આવશે એટલે ગુજરાતને આર્થિક રીતે વિકાસમાં મદદ મળી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતાં પ્રવાસીઓ અહીં બે-ત્રણ દિવસ માટે રોકાણ કરી શકે તેવા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

Related posts

ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ

editor

પ.પૂ.શ્રી જગદીશાનંદજીની ૬૫મી વર્ષગાંઠ નિમિતે નવો રેકોર્ડ : ૧૦૦૮ કિલોની અવધૂતી ખીચડી તૈયાર થઈ

aapnugujarat

૮૨૨ ઉમેદવાર પૈકીના ૧૦૧ ઉમેદવારો સામે ફોજદારી કેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1