Aapnu Gujarat
બ્લોગ

રાજકીય પક્ષો પોતાની નિષ્ફળતા છૂપાવવા ખેડૂતોના દેવા માફી જેવા પગલાં ભરે છે…!!?

મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં સોમવારે ત્રણ કૉંગ્રેસી મુખ્ય મંત્રીઓની તાજપોશી થઈ ગઈ ને ત્રણમાંથી બે રાજ્યોમાં તો સત્તા મળ્યાના કલાકોમાં જ ખેડૂતોનાં દેવાં માફ કરીને કૉંગ્રેસે કિસાન કાર્ડ ખેલી નાખ્યું. રાજસ્થાનમાં પણ બહુ જલદી દેવાં માફ કરાશે જ એવું રાહુલે કહ્યું છે એ જોતાં સવાલ સમયનો જ છે. કૉંગ્રેસમાં રાહુલ ગાંધીથી ઉપર કોઈ નથી ને એ કહે તેની સામે નાફરમાની કરવાની કોઈની હિંમત નથી એ જોતાં અશોક ગેહલોત સપરમો દાડો જોઈ એ કામ કરી જ નાખવાના છે એ સામી ભીંતે લખાયેલું છે.
કૉંગ્રેસે ચૂંટણી પ્રચાર વખતે વચન આપેલું કે, પોતે સત્તામાં આવશે તો ખેડૂતોનાં દેવાં માફ કરી દેશે. ભાજપ કૉંગ્રેસની આ વચનની મજાક ઉડાવતો હતો ને જાત જાતના આંકડા રજૂ કરીને સવાલ કરતો હતો કે, ખેડૂતોનાં દેવાં માફ કરવા માટેની રકમ કૉંગ્રેસ ક્યાંથી લાવશે ? દેવાં માફ કરવા માટે હજારો કરોડ રૂપિયા જોઈએ ને એ રાજ્ય સરકારો પાસે છે જ નહીં તો કૉંગ્રેસીઓ તબેલામાંથી આટલા રૂપિયા લાવશે એવો ભાવાર્થ ભાજપના નેતાઓનો હતો.
પાંચેય રાજ્યોની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી પણ ભાજપવાળા આ જ વાજું વગાડતા હતા. રાહુલ ગાંધીએ કહેલી વાતને વિકૃત રીતે રજૂ કરીને પણ સોશિયલ મીડિયા પર ફરતી કરાયેલી. ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસની સરકાર રચાશે એવું નક્કી થઈ ગયું પછી રાહુલ ગાંધીએ એવું કહેલું કે, ખેડૂતોનાં દેવાં માફ કરવાની વાત તો ઠીક છે ને એ ઉપાય નથી. ઉપાય તો ખેડૂતોની સ્થિતિ સુધરે એવાં લાંબા ગાળાનાં પગલાં લેવાં એ છે. રાહુલની વાતમાંથી અડધી વાત કાપી નખાઈ ને રાહુલ ખેડૂતોનાં દેવાં માફ કરવાની વાતમાંથી ફરી ગયા એવી ઠોકાઠોક સોશિયલ મીડિયા પર શરૂ કરી દેવાયેલી.
કૉંગ્રેસે આ ઠોકાઠોકને સાંભળી ના સાંભળી કરી ને ત્રણ રાજ્યોમાં તાજપોશી પર ધ્યાન આપ્યું. સોમવારે આ તાજપોશી થઈ ગઈ ને કૉંગ્રેસના મુખ્ય મંત્રીઓએ પહેલું કામ ખેડૂતોનાં દેવાં માફ કરવાનું કર્યું. શરૂઆત મધ્ય પ્રદેશમાં કમલનાથે કરી ને શપથવિધિના કલાકમાં તો સચિવાલય પહોંચીને તેમણે દેવાં માફીની ફાઈલ પર મત્તુંય મારી દીધું. કમલનાથે તો સ્થાનિક ઉદ્યોગોમાં ૭૦ ટકા નોકરીઓ સ્થાનિક લોકોને આપવાનું પણ ફરમાન બહાર પાડીને બીજો પણ મોટો દાવ ખેલી નાખ્યો. કમલનાથ પછી છત્તીસગઢમાં ભૂપેશ બઘેલે શપથ લીધા ને તેમણેય ગાદી પર બેસતાં વેંત કમલનાથના રસ્તે ચાલીને ખેડૂતોનાં દેવાં માફ કરી દીધાં. ભાજપવાળા સવારથી રાફેલ મુદ્દે ને સજ્જનકુમાર મુદ્દે હોહા કરીને કૉંગ્રેસને ભિડાવવા મથતા હતા. કમલનાથ ને ભૂપેશ બઘેલે પેનના બે લસરકા મારીને ભાજપની બધી હવા કાઢી નાખી ને ભાજપવાળાને ચાટ પાડી દીધા.
આ ઓછું હોય તેમ મંગળવારે રાહુલ ગાંધી મેદાનમાં આવ્યા. તેમણે પહેલાં તો બે રાજ્યોમાં કૉંગ્રેસે પોતાનું બોલેલું પાળી બતાવ્યું તેની વધાઈ ખાધી ને પછી એલાન કર્યું કે, અમે બે રાજ્યોમાં ખેડૂતોનાં દેવાં માફ કરીને અટકવાના નથી. જ્યાં લગી દેશના તમામ ખેડૂતોનાં દેવાં માફ નહીં થાય ત્યાં લગી અમે પગ વાળીને બેસવાના નથી ને નરેન્દ્ર મોદીને નિરાંતે ઊંઘવા દેવાના નથી. રાહુલ ગાંધી હમણાંથી દરેક વાતમાં અનિલ અંબાણીને વચ્ચે લઈ આવે છે ને ભાજપને બરાબર બજાવે છે. રાહુલે આ વખતે પણ એ જ કર્યું ને આક્ષેપ મૂકી દીધો કે, મોદીએ અનિલ અંબાણીનું ૪૫ હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કરી દીધું છે, પણ ખેડૂતોનાં દેવાં માફ કરવામાં તેમને પેટમાં ચૂંક આવે છે. મોદી અનિલ અંબાણી જેવા બીજા ધનિકોનાં દેવાં માફ કરતા ફરે છે, પણ ખેડૂતોનું ભલું થાય તેમાં તેમને રસ નથી એવો આક્ષેપ પણ રાહુલે કર્યો છે. રાહુલ છેલ્લા કેટલાક સમયથી સતત એક વાત કહ્યા કરે છે કે, મોદીને આ દેશના કરોડો સામાન્ય માણસો, નાના વેપારીઓ કે ખેડૂતોની કંઈ પડી જ નથી. તેમને તો પોતાના ૧૫-૨૦ માલેતુજારોની ચિંતા છે ને તેમને કઈ રીતે લાભ ખટાવી શકાય તેની ચિંતા છે. આ વાત પાછી તેમણે દોહરાવી છે ને સંકેત આપી દીધો છે કે, લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ આ મુદ્દા સાથે મેદાનમાં ઊતરવાની છે.
ભાજપ રાહુલની આ વાતોનો શું જવાબ આપશે એ ખબર નથી, પણ કૉંગ્રેસે બે રાજ્યોમાં ખેડૂતોનાં દેવાં માફ કરી દીધાં તેના કારણે ભાજપમાં સોપો તો પડી જ ગયો છે. ભાજપ અત્યાર લગી રાહુલની મજાક ઉડાવતો હતો ને એવું જ માનતો હતો કે, રાહુલની વાતમાં કોઈને રસ પડવાનો નથી. ત્રણ રાજ્યોમાં સત્તા ખોયા પછી ભાજપને ભાન તો થયું જ છે કે, રાહુલને હળવાશથી લેવાય એમ નથી ને આ રીતે જ રાહુલ મચેલા રહેશે તો ભાજપનું ભૂંગળું ઊંચું મુકાઈ જશે. રાહુલના રસ્તે સીધેસીધા ચાલવા જાય તો ભાજપનું નાક વઢાય એમ છે એટલે ભાજપ શરમનો માર્યો સીધેસીધો ખેડૂતોનાં દેવાં માફ કરવા તરફ કદાચ તાબડતોબ ના વળે પણ લોકસભાની ચૂંટણી આવે ત્યાં લગીમાં ભાજપે એ રસ્તે વળવું પડશે એ નક્કી છે.
જો કે, ગુજરાતમાં ભાજપની વિજય રૂપાણી સરકારે કરેલી જાહેરાત જોતાં તો ભાજપે એ આસ્તે આસ્તે દિશામાં વળવાનું શરૂ કરી પણ દીધું છે એવું લાગે. હજુ બે દાડા પહેલાં જ ગુજરાત ભાજપના નેતાઓ રાહુલની મશ્કરી કરતા હતા ને કૉંગ્રેસ ખેડૂતોને ઊઠાં ભણાવે છે એવું કહેતા હતા. એ જ ભાજપની સરકારે મંગળવારે નાકલીટી તાણીને ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૬૫૦ કરોડ રૂપિયાની ખૈરાત વીજ રાહતના નામે કરવી પડી. વીજચોરી કે બીજાં કારણસર જેમનાં વીજ જોડાણ કપાયાં હોય એવા લોકોનાં બિલ રૂપાણી સરકારે માફ કરી દીધાં. એ લોકોને નવાં વીજ કનેક્શન પણ માત્ર ૫૦૦ રૂપિયામાં આપવાની જાહેરાત પણ ભાજપ સરકારે કરવી પડી છે.
રૂપાણી સરકારે આ જાહેરાત કરવી પડી તેનું કારણ એ છે કે, ગુજરાતમાં હમણાં જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો જંગ ચાલે છે. ભાજપના નેતા કૉંગ્રેસમાંથી કોળી આગેવાન કુંવરજી બાવળિયાને તોડી લાવ્યા ન તેમને મોટા ઉપાડે કેબિનેટ મિનિસ્ટર તો બનાવી દીધા, પણ હવે કુંવરજી બાવળિયાને પોતાના જ મતવિસ્તારમાં જીતતાં ફીણ પડી ગયું છે. કૉંગ્રેસે તેમના જ ચેલા ને કોળી આગેવાન અવસર નાકિયાને મેદાનમાં ઉતારીને પહેલાં જ બાવળિયાને ભાજપના નેતાઓનું બ્લડ પ્રેશર વધારી દીધેલું. બાકી હતું તે ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ ધબોનારાયણ થઈ ગયો તેમાં કૉંગ્રેસ તરફી હવા જામવા માંડી.
આ ઓછું હોય તેમ કૉંગ્રેસે આવતાં વેંત ખેડૂતોનાં દેવાં માફ કરી દીધાં. તેના કારણે જસદણમાં ખેડૂતોને એવું ના લાગે કે, કૉંગ્રેસ સાથે રહેવામાં મજા છે એટલે રૂપાણી સરકારે વીજચોરોને ખૈરાત કરવા માંડી છે. જસદણમાં ભાજપ હારે તો ખાલી ભાજપનું નાક ના વઢાય પણ નરેન્દ્ર મોદી ને અમિત શાહ માટે પણ નીચાજોણું થાય. રૂપાણી અમિત શાહના લાડકા ખરા પણ પોતાને નીચાજોણું થાય પછી રાજકારણીઓ વહાલા કે દવલા જોતા નથી. ભલભલાની બૂરી વલે થતી હોય છે ને પોતાની એ વલે ના થાય એટલે રૂપાણીએ આ એલાન કરવું પડ્યું છે. જસદણમાં ગુરૂવારે મતદાન છે ને અત્યારે કૉંગ્રેસ તરફી જે હવા છે તેને દૂર કરવા આવું કશું કર્યા વિના છૂટકો નહોતો.
રૂપાણી માટે તો સામી ચૂંટણી છે એટલે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે. તેના કારણે તેમણે બધી શરમ મૂકીને ખેડૂતોને રીઝવવા પગલાં લેવાં પડ્યાં. ભાજપના બીજા મુખ્ય મંત્રીઓને કે નરેન્દ્ર મોદીને એટલી ઉતાવળ નથી એટલે એ લોકો તાબડતોબ કશું ના કરે એવું બને, પણ આજે નહીં તો કાલે પણ તેમણે ખેડૂતોને રીઝવવા મોટી જાહેરાત તો કરવી જ પડશે. આ દેશમાં હજુય બહુમતી મતદારો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે ને તેમાં મોટો વર્ગ ખેડૂતોનો છે એ જોતાં છૂટકો જ નથી.
ખેડૂતોને લોન માફી ને એ પ્રકારનાં પગલાં બહુ આવકારદાયક નથી. આ રીતે તમે સ્પૂન ફીડિંગ કર્યા કરો તેમાં ભલીવાર ના આવે પણ તેમાં વાંક પણ સત્તાવાળાઓનો જ છે. આપણે ત્યાં ખેડૂતો મહેનત ભરપૂર કરે છે છતાં તેમની હાલત ખરાબ છે, બલકે દયનિય છે તેનું કારણ રાજકારણીઓ જ છે. આઝાદીનાં આટલાં વર્ષ પછીય પૂરતી સિંચાઈની વ્યવસ્થા નથી, ખેત ઉત્પાદનોના યોગ્ય ભાવ નથી મળતા તેનું કારણ તેમનો કારભાર છે. પોતાની નિષ્ફળતા તેમણે આ રીતે દેવાં માફી જેવાં પગલાં લઈને છુપાવવી પડે છે.(જી.એન.એસ)

Related posts

સટ્ટો કાયદેસર થવાથી સડો દુર નહી થાય

aapnugujarat

કોંગ્રેસનાં વધુ એક કદાવર નેતા આશા પટેલની વિકેટ પડી

aapnugujarat

જોજો રડવું ના આવે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1