Aapnu Gujarat
ગુજરાત

જગન્નાથ મંદિરને જોડતા રોડની એક જુદી ઓળખ ઉભી કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ના બજેટમાં ઐતિહાસિક જગન્નાથ મંદિરને સાંકળતા રોડની અલગ ઓળખ ઊભી કરવા માટે ખાસ ઠરાવ મંજૂર કરાયો હતો. આ માટે શાસક પક્ષ દ્વારા બજેટમાં રૂ.૧૦ કરોડની ફાળવણી પણ કરાઇ હતી. હવે અમ્યુકો તંત્ર દ્વારા આ દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. જેમાં રૂ.દસ કરોડના ખર્ચે ઐતિહાસિક જગન્નાથ મંદિરને સાંકળતા રોડની અલગ જ ઓળખ ઉભી કરાશે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિશાના જગન્નાથપુરીમાં આવેલું છે, ત્યારબાદ અમદાવાદના જમાલપુરનું જગન્નાથ મંદિર આવે છે. શહેરનું જગન્નાથ મંદિર આશરે સાડા ચારસો વર્ષ જૂનું છે. સાધુ સારંગદાસજી મહારાજે જમાલપુરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બડે ભૈયા બલરામજીની મૂર્તિની સ્થાપના કરી હતી. જ્યારે જગન્નાથ મંદિરના ચોથા મહંત નરસિંહદાસજીએ વર્ષ ૧૯૭૮માં ભગવાન જગન્નાજીની પ્રથમ રથયાત્રાનું આયોજન કર્યું હતું. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની સૌથી મોટી અને સૌથી જૂની ઐતિહાસિક રથયાત્રા છે. જગન્નાથજી મંદિર અને ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રા અને બડે ભૈયા બલરામજી સાથે દર વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રા અમદાવાદની અસ્મિતાના પ્રતીકરૂપે છે. આમ તો સમગ્ર વર્ષ દરમિયાન સેંકડો કૃષ્ણભક્તો પ્રભુનાં દર્શને જગન્નાથ મંદિરે ઊમટે છે, પરંતુ અષાઢી બીજે સ્વયં પ્રભુ સપરિવાર ભકતોના સુખ-દુઃખથી વાકેફ થવા નગરચર્યાએ નીકળે છે, તેમાંય ખાસ કરીને વૃદ્ધો અને વિકલાંગોને પ્રભુ સામે ચાલીને ઘરઆંગણે દર્શન આપે છે. રથયાત્રા પૂર્વે વર્ષોવર્ષ રાજ્યના મુખ્યપ્રધાન સોનાના સાવરણાથી પહિંદવિધિ કરી રથ ખેંચીને તેનો પ્રારંભ કરાવે છે. ગત અષાઢી બીજે હાલના મહંત દિલીપદાસજી મહારાજની આગેવાનીમાં ૧૪૧મી રથયાત્રા પરંપરાગત માર્ગ પર જય જગન્નાથ અને જય રણછોડના ગગનભેદી જયઘોષ સાથે હજારો ભાવિકજનોની ભીડ સાથે હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. ઐતિહાસિક જગન્નાથજી મંદિર અને તેનું પરિસર તો ભકતોની આંખને દીપાવે તેવું નયનરમ્ય બન્યું છે, પરંતુ મંદિરને સાંકળતા રસ્તા વગેરેનો વિકાસ થયો નથી, જેના કારણે અગાઉના ચેરમેન પ્રવીણ પટેલ દ્વારા જગન્નાથજી મંદિર આસપાસના વિસ્તાર માટે એરિયા ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો ઠરાવ બજેટમાં મંજૂર કરાયો હતો. હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ તેની અમલવારી માટેની કવાયત આરંભી છે. જમાલપુર ચાર રસ્તાથી એપીએમસી માર્કેટ, જમાલપુર દરવાજા થઇને જમાલપુર ચાર રસ્તા સુધીના રોડના ત્રિકોણને ચકાચક કરવા હિલચાલ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે. તંત્રના ડેવલપમેન્ટ પ્લાન મુજબ આ ત્રિકોણિયો રોડ સો ટકા વોલ ટુ વોલ કાર્પેટના બનાવાશે. શહેરના મોડલ રોડની જેમ આ રસ્તાને સ્પેશિયલ ડિઝાઇનની ફૂટપાથ અને સ્ટ્રીટલાઇટથી સુશોભિત કરાશે. સ્ટ્રીટ ફર્નિચર, રોડ માર્કિંગ, ઝિબ્રા ક્રોસિંગ, વૃક્ષારોપણથી આ રોડ દીપી ઊઠશે. રોડને દબાણમુકત કરાશે. સર્કલનું ડેવલપમેન્ટ તેમજ એલઇડી લાઇટિંગ ધરાવતા સાઇનિંગ બોર્ડથી જગન્નાથજી મંદિરની દિવ્યતા અને ભવ્યતામાં વૃદ્ધિ થશે. આ અંગે પૂછતાં મધ્ય ઝોનના એડિશનલ સિટી ઇજનેર અમિત પટેલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક જગન્નાથ મંદિરના રૂ.૧૦ કરોડના ખર્ચે થનારા એરિયા ડેવલપમેન્ટ પ્લાન માટે તંત્રે વિવિધ કંપનીઓ પાસેથી આકર્ષક ડિઝાઇન મંગાવી છે, તેમાંથી સર્વોત્કૃષ્ટ ડિઝાઇનને માન્ય કરીને તેના આધારે ડેવલપમેન્ટ કરાશે. આમ, હવે ઐતિહાસિક જગન્નાથજી મંદિરને જોડતા રોડનો વિકાસ પણ ભવ્યતાભર્યો અને નયનરમ્ય બની રહે તે પ્રકારે કરવાની દિશાની તૈયારીઓ હાથ ધરાઇ છે.

Related posts

भगवान का पट खुले उसके पहले भक्त भक्तिरस में डूबे

aapnugujarat

ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદ શહેરમાં રોજનાં ૧૨૦૦ વૃક્ષ ધરાશાયી થવાનાં કોલ મળે છે : હેવાલ

aapnugujarat

સચાણા વૃધ્ધાશ્રમમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માઁ વાત્સલ્ય કાર્ડ અપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1