ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇંગ્લેન્ડ રવાના થઇ રહી છે. આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. વિરાટે કહ્યું કે અમે પ્લેઇંગ ઇલેવનમાં સૌથી શાનદાર ટીમને મેદાન પર ઉતારીશું. સાથે જ વિરાટે કહ્યું કે અમે માત્ર જીતવા માટે રમવા માંગીએ છીએ. મહત્વપૂર્ણ છે કે વિરાટ પ્રથમ વખત આઇસીસીની કોઇ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળશે.
વિરાટ કોહલીએ કહ્યું કે પાકિસ્તાન વિરૂદ્ધ મેચ ક્રિકેટ ફેન્સ માટે હંમેશા રોમાંચક રહી છે પરંતુ અમારી તરફથી કઇ નહી બદલાય અને તે અન્ય મેચની જેમ જ રમતનો ભાગ રહેશે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પ્રથમ મેચ ૪ જૂને પાકિસ્તાન વિરૂદ્ધ બર્મિંઘમમાં રમશે.વિરાટે કહ્યું કે આ પ્રવાસ પડકારરૂપ જરૂર છે કારણ કે વિશ્વની ટોચની ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે.
વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયામાં યુવરાજસિંહ અને ધોનીની હાજરીને સૌથી મહત્વની ગણાવતા કહ્યું કે તેમનાથી ટીમને મજબૂતી મળી છે.આઠ ટીમો વચ્ચે રમાનાર આ ટૂર્નામેન્ટ ૧થી ૧૮ જૂન સુધી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે.
ટીમોને બે ગ્રુપમાં વેચવામાં આવી છે.ગ્રુપ એમાં યજમાન ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે જ્યારે ગ્રુપ બીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, કટ્ટર પાકિસ્તાન, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો છે. તમામ ટીમ ૩-૩ મુકાબલા રમશે અને બન્ને ગ્રુપમાંથી બે મુખ્ય ટીમ સેમીફાઇનલમાં પ્રવેશ કરશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ