Aapnu Gujarat
બ્લોગ

હજી મોદી શાહની જોડીને ઓછી ન આંકી શકાય

પાંચ રાજ્યોનાં પરિણામોએ ભાજપ માટે અત્યાર લગી રણકતા ચલણ જેવા અમિત શાહનું આંશિક ડીમૉનેટાઇઝેશન કરી નાખ્યું છે.ભાજપની દરેક જીતનું શ્રેય અમિત શાહની વ્યૂહરચનાને અપાતું હોય, તો ત્રણ રાજ્યોમાં ભાજપની હારની જવાબદારી નક્કી કરતી વખતે અમિત શાહને શી રીતે સદંતર બાકાત રાખી શકાય?પક્ષ તરીકે ભાજપ ખુશીથી કે મજબૂરીથી અમિત શાહની વ્યૂહબાજીમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી શકે છે.કારણ કે ત્યાં કોઈ નેતાનું કદ એવું રખાયું નથી કે તે અમિત શાહનો વિકલ્પ થઈ શકે.થોડા વખત પછી ભલું હશે તો આ હારને ૨૦૧૯ની ચૂંટણી જીતવાની અમિત શાહની મહાન -અને ’અત્યારે તમને સમજ નહીં પડે એવી’- વ્યૂહરચના પણ ગણાવવામાં આવશે.કેમ કે, સોશિયલ મિડીયા પરની આડેધડ પ્રચારબાજીમાં બધું જ શક્ય છે પરંતુ હિંદી પટ્ટાનાં ત્રણ રાજ્યોમાં ભાજપની હાર પછી અમિત શાહના સ્ટ્રાઇક રેટ વિશે લોકોના મનમાં અને ખાનગી રાહે ભાજપની છાવણીમાં પણ સવાલ ઊભા થશે.
ચૂંટણીનાં પરિણામોથી કૉંગ્રેસની નવી ઇનિંગ શરૂ થઈ, એનાથી વધારે અગત્યનું એ છે કે મોદી-શાહના સહિયારા પ્રૉજેક્ટ ’કૉંગ્રેસમુક્ત ભારત’નાં વળતાં પાણી શરૂ થયાં છે.કૉંગ્રેસે એકદમ ’જીતી ગયા, જીતી ગયા’ ની મુદ્રામાં આવી જવાની જરૂર નથી કે એવું પણ માની લેવાની જરૂર નથી કે ત્રણ રાજ્યોની જેમ બીજે પણ લોકો ભાજપથી કંટાળીને કૉંગ્રેસને જીતાડી દેશે.એવી જ રીતે, ભાજપ (એટલે કે, અરુણ શૌરીની વ્યાખ્યા પ્રમાણે, મોદી-શાહ અને અડધા જેટલી) પાસે એવું માની લેવાનું કોઈ કારણ નથી કે રાજ્યોમાં જે પરિણામ આવે તે, ૨૦૧૯માં તો લોકો નરેન્દ્ર મોદીને જ જીતાડશે.આ પરિણામોએ ભાજપની ટોચની નેતાગીરીને અહમતંદ્રામાંથી ઢંઢોળવાનું કામ કર્યું છે.આ પરિણામો પછી રાજકારણના અઠંગ ખેલાડી તરીકે અમિત શાહનો એકડો કાઢી નખાય એમ નથી.રાજકીય કારકિર્દીમાં આ પ્રકારના ચઢાવઉતાર આવતા હોય છે. કાબા ખેલાડીઓ જીતમાંથી બોધપાઠ લે, તેના કરતાં હારમાંથી વધારે બોધપાઠ લેતા હોય છે.એટલે વિપક્ષો પોતાના હિસાબે અને જોખમે જ અમિત શાહની શક્તિ ઓછી આંકે.સામે પક્ષે અમિત શાહ માટે એ પણ નક્કી છે કે અત્યાર લગીનાં પરિણામ અને પ્રચારની હવાથી બે આંગળ ઊંચો ચાલતો તેમનો રથ હવે જમીન પર છે અને તેમણે જમીન પર રહીને બીજા પક્ષોનો મુકાબલો કરવાનો છે.તેમના હોવાનું અને તેમની અજેયતાનું મનોવૈજ્ઞાનિક દબાણ આ પરિણામો પછી હટી ગયું છે.તેના પરિણામે અત્યાર સુધી ડાહ્યાડમરા રહેલા સાથી પક્ષોમાં સળવળાટ થવાનો, તેમનાં મોં ખુલવાનાં અને મોટાં ખુલવાનાં, શિવસેના જેવા પક્ષો વધુ આક્રમક થવાના અને અત્યાર લગી મન મારીને બેઠેલા બીજાઓને પણ જીભના અસ્તિત્વનો અહેસાસ થવાનો.ખાસ કરીને, હવે લોકસભાની ચૂંટણીઓ સુધી બીજાં કોઈ રાજ્યોમાં ચૂંટણી આવવાની નથી ત્યારે, આ પરિણામોની યાદ અને તેની અસર ભૂંસાતા વાર લાગવાની.
મહત્ત્વનો સવાલ એ છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ સુધીમાં આ પરિણામોની અસર ભૂંસવા માટે અમિત શાહ શું કરશે? તે શું કરી શકે છે? તેમની પાસે કયા વિકલ્પો હશે?૨૦૧૪માં કૉંગ્રેસવિરોધ અને વિકાસનાં સપનાંનું મિશ્રણ ખપ લાગ્યું હતું.હવે લોકસભા ચૂંટણી આડે માંડ છ મહિના રહ્યા છે ત્યારે ફરી એક વાર રંગીન સપનાં બતાવવાનું અશક્ય તો નહીં, પણ અઘરું જરૂર છે.તેની સરખામણીમાં બીજા ટૂંકા રસ્તા મોજૂદ છે અને ભૂતકાળમાં એવા રસ્તા અપનાવવામાં તેમને કદી ખચકાટ થયો હોય એવું જણાયું નથી.એટલે, વર્તમાન હારથી અમિત શાહ વધારે સાવધ- વધારે આક્રમક બને અને તેમની ટોપીમાંથી હજુ નીકળવાં બાકી હોય એવાં કેટલાંક પ્રાણીઓ નીકળે, એવી પણ સંભાવના રહે છે.ભાજપની માટે એ આશા હશે અને બાકીના લોકો માટે તે ઉચ્ચક જીવે અને ખોટી પડે એ આશાએ રાખવાની અપેક્ષા.વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ હજુ થોડા સમય સુધી ચાલુ રહેશે પરંતુ અત્યાર સુધી જેટલી જાણકારી સામે આવી છે, તેના આધારે જ આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે ખતરાની ઘંટડી છે?વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોટી જીત બાદ બિહાર, દિલ્હીથી માંડીને પંજાબ સુધી ભાજપે ઘણી નાની મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આ ઝટકો ખૂબ મોટો છે. ’કૉંગ્રેસ મુક્ત ભારત’નું સૂત્ર આપનારી પાર્ટી પાસેથી કૉંગ્રેસે ત્રણ રાજ્યો છીનવી લીધાં છે.જોકે, આ પરિણામોના આધારે ૨૦૧૯ માટે કોઈ નિષ્કર્ષ કાઢવો એ થોડી ઉતાવળ હશે. આવું માનવાનાં ઘણાં કારણો છે.સૌથી પહેલી વાત તો એ છે કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હજુ આશરે ચાર મહિના બાકી છે.અત્યારે જે ગરમાગરમી જોવા મળી રહી છે તે લોકસભા ચૂંટણી સુધી ચાલશે.વિધાનસભા ચૂંટણીનાં પરિણામો નિશ્ચિત રૂપે પાર્ટીઓના મનોબળ પર અસર કરે છે પરંતુ તેના મહત્ત્વને યોગ્ય રીતે સમજવાની જરૂર છે.અંગ્રેજીની એક કહેવતના આધારે ’રાજકારણમાં એક અઠવાડિયાનો સમય ખૂબ લાંબો સમય હોય છે,’ અહીં તો હજુ ચાર મહિનાનો સમય બાકી છે.સાથે જ એ પણ યાદ રાખવું જોઈએ કે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં લોકો અલગ અલગ રીતે મત આપે છે.તેનું મોટું ઉદાહરણ છે, ફેબ્રુઆરી ૨૦૧૫માં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણી કે જેમાં આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૬૭ બેઠક પર જીત મેળવી હતી, જ્યારે તેના થોડા જ મહિના પહેલાં મોદી લહેરથી કેન્દ્રમાં સરકાર બની હતી.એ પણ સમજવું જોઈએ કે મોદીએ સંસદીય ચૂંટણીને અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સમાન બનાવી દીધી છે.
વર્ષ ૨૦૧૪ની જ જેમ, ૨૦૧૯ની ચૂંટણી પણ તેઓ પોતાની ખાનગી લોકપ્રિયતાના આધારે લડશે, જેમાં મુખ્ય સંદેશ એ જ હશે કે મોદી નહીં તો શું રાહુલ ગાંધી? એ જરા પણ જરૂરી નથી કે આ દાવ કામ કરી જાય.જે લોકોને વર્ષ ૨૦૦૪ની લોકસભા ચૂંટણી યાદ છે, તેઓ જાણે છે કે અટલ બિહારી વાજપેયી કેટલા લોકપ્રિય નેતા હતા.તેમની સામે એક વિદેશી મહિલા હતાં કે જેઓ સારી રીતે હિંદી પણ બોલી શકતાં ન હતાં અને ત્યારે ઇન્ડિયા શાઇન કરી રહ્યું હતું.તે સમયે પાર્ટીના મોટા નેતા પ્રમોદ મહાજને જોશ અને આત્મવિશ્વાસ સાથે જીતની ભવિષ્યવાણી કરી હતી.તેમની ભવિષ્યવાણીથી રાજનીતિ કરતા લોકો અને તેના પર ટિપ્પણી કરતા લોકોએ શીખવું જોઈએ કે ભવિષ્યવાણીઓ ઘણી વખત ખોટી સાબિત થાય છે.ભારતનો મતદાતા ક્યારે શું જનાદેશ આપશે, તે કહેવું ખૂબ મુશ્કેલ છે.જોકે, ૨૦૦૪થી માંડીને અત્યાર સુધી ભારતના રાજકારણમાં ખૂબ ફેરફાર થયા છે પરંતુ એક વાત બદલી નથી.તે છે મતદાતાના મનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં વારંવાર મળતી નિષ્ફળતા.
૨૦૦૪ની થોડી વધારે ચર્ચા કરી લેવામાં આવે તો કદાચ ૨૦૧૯ના ઊંડાણમાં ઊતરવામાં થોડી મદદ મળી જાય.એ કંઈ ઓછી રસપ્રદ વાત નથી કે વર્ષ ૨૦૦૩માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વાજપેયીના નેતૃત્વમાં ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ કૉંગ્રેસ પાસેથી છીનવી લીધાં હતાં.અટલ બિહારી વાજપેયીએ આ જ જીત બાદ અતિ આત્મવિશ્વાસમાં લોકસભાની ચૂંટણી જલદી કરાવવાનો નિર્ણય લીધો.એ સમયે ભાજપને લાગ્યું હતું કે વાજપેયીની સામે સોનિયા ગાંધી ટકી શકશે નહીં.પરંતુ જેવું ડિસેમ્બરમાં વિચાર્યું હતું, તેવું મે મહિનામાં થયું નહીં. ભાજપ ચૂંટણી હારી ગયો અને સરકાર કૉંગ્રેસે બનાવી.કૉંગ્રેસને ખૂબ મહેનત બાદ ત્રણ રાજ્યોમાં સફળતા તો મળી છે, પરંતુ તેને ૨૦૧૯માં જીતની ગેરંટી માની શકાતી નથી, એમ વિચારવું ઉતાવળ હશે.કૉંગ્રેસની સફળતાને ધ્યાનથી જોવામાં આવે તો ઘણી નાની મોટી વાતો સમજાય છે.પહેલી વાત તો એ છે કે બે મોટાં રાજ્યો- મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસ અને ભાજપનો વોટશેર લગભગ એક સમાન છે.પરિણામોનાં વલણના સમયના ચૂંટણી પંચના આંકડા જણાવે છે કે બન્ને વચ્ચેનું અંતર વધુમાં વધુ એક ટકાનું છે.આ ખૂબ જ ઓછા અંતરનો મતલબ છે કે આ ચૂંટણીનાં પરિણામો મોદીની લોકપ્રિયતા વધારે ઓછી થવાના સંકેત આપતા નથી.પરંતુ એ વાત સામે ચોક્કસ આવી છે કે રાહુલ ગાંધી તેમની સામે એક પડકરારૂપે સામે આવી રહ્યા છે.આ પડકાર અને મોદી-શાહની રણનીતિ આગામી ચાર મહિના સુધી ઘણા રસપ્રદ રાજકીય ખેલ બતાવશે.તેનાથી એ નિષ્કર્ષ પણ ન કાઢવો જોઈએ કે ૨૦૧૯માં મોદી પરત ફરશે એ નક્કી છે. ઘણાં એવા ફેક્ટર ભાજપને અનુકૂળ નથી.મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ ખૂબ મજબૂત માનવામાં આવી રહ્યો છે.આ રાજ્યોમાં કુલ ૬૫ લોકસભા બેઠક છે. મધ્ય પ્રદેશમાં ૨૯, રાજસ્થાનમાં ૨૫ અને છત્તીસગઢમાં માત્ર ૧૧ લોકસભા બેઠક છે.વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની મોટી જીતમાં આ રાજ્યોનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.મધ્ય પ્રદેશમાં ૨૭, રાજસ્થાનમાં ૨૫ અને છત્તીસગઢમાં ૧૦ બેઠક, એમ કરીને કુલ ૬૨ બેઠકો આ ત્રણ રાજ્યોમાંથી મેળવી હતી.જો જનતાનો વર્તમાન મૂડ યથાવત રહ્યો તો ભાજપને આ રાજ્યોમાં બેઠકનું નુકસાન ચોક્કસ થશે.પરંતુ મોદી વિરોધીઓએ એ ન ભૂલવું જોઈએ કે મોદી-શાહની જોડીએ દેશમાં ચૂંટણી લડવાની રીતને બદલી નાખી છે.તેમણે જીત માટે કોઈ પણ હદ સુધી જવાના પોતાના જુસ્સાથી ઘણી વખત લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.૨૦૧૯ની લોકસભા ચૂંટણી તેઓ આ વિધાનસભા ચૂંટણીની જેમ નહીં લડે.જોતા જાઓ, આગળ આગળ શું થાય છે! પરિણામ બહાર લાવવા તેમજ ખતરાની ઘંટડી વગાડવામાં આટલી ઉતાવળ કરવી યોગ્ય નથી.

Related posts

MORNING TWEET

aapnugujarat

ભાજપને ઉભો કરનાર દિલ્હીનાં શેર : મદનલાલ ખુરાના

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1