Aapnu Gujarat
બ્લોગ

ભાજપને ઉભો કરનાર દિલ્હીનાં શેર : મદનલાલ ખુરાના

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યપાલ મદનલાલ ખુરાનાનું શનિવારે મોડી રાતે દિલ્હી ખાતે નિધન થયું. ૧૫ ઓક્ટોબર ૧૯૩૬ના રોજ પાકિસ્તાનના ફેસલાબાદમાં જન્મેલા મદનલાલ ખુરાના ૮૨ વર્ષના હતાં. લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર હતાં. દિલ્હી ભાજપમાં તેમની ગણતરી કદાવર નેતાઓમાં થતી હતી. તેઓ ૧૯૯૩થી લઈને ૧૯૯૬ સુધી દિલ્હીના મુખ્યમંત્રી હતાં. વર્ષ ૨૦૦૪માં તેઓ રાજસ્થાનના રાજ્યપાલ પણ રહ્યાં. જો કે વાજપેયી સરકારના ગયા બાદ તેમણે પદેથી રાજીનામું આપી દીધુ હતું.ખુરાના ૨ વર્ષ ૯૬ દિવસ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં. તેમણે પોતાનું શિક્ષણ એવિંગ ક્રિશ્ચન કોલેજ ઉપરાંત યુનિવર્સિટી ઓફ અલાહાબાદ અને કિરોડીમલ કોલેજથી પૂરું કર્યું હતું. અલાહાબાદ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનમાં ખુરાના જનરલ સેક્રેટરી રહ્યાં. અહીંથી તેમના રાજકારણની કારકિર્દી શરૂ થઈ હતી. ૧૯૬૦માં તેઓ સંઘના અનુષાંગિક સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મુખ્ય સચિવ બન્યાં. રાજકારણમાં એન્ટ્રી પહેલા તેઓ ટીચર રહ્યાં. તેઓ ૧૯૬૫થી ૬૭ સુધી જનસંઘના જનરલ સેક્રેટરી રહ્યાં. ૧૯૮૪માં જ્યારે ભારતીય જનતા પાર્ટી ખરાબ રીતે હારી રહી હતી ત્યારે રાજધાની દિલ્હીમાં ફરીથી પાર્ટીને ઊભી કરવામાં ખુરાનાની મોટી ભૂમિકા હતી. આ જ કારણે તેમને દિલ્હીના શેર પણ કહેવામાં આવતા હતાં. કેન્દ્રમાં જ્યારે પહેલીવાર ભાજપના નેતૃત્વમાં સરકાર બની ત્યારે મદનલાલ ખુરાના કેન્દ્રીય મંત્રી હતાં.૨૦૦૫માં તેઓ લાલકૃષ્ણ અડવાણીની ટીકાના કરવાના કારણે ભાજપમાંથી બહાર કઢાયા હતાં. ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૫ના રોજ ફરીથી તેમને પાર્ટીમાં પાછા લેવાયા હતાં. ૨૦૦૬માં તેઓ ફરીથી ભાજપમાંથી બહાર કાઢી મૂકાયા હતાં. કોઈ જમાનામાં જેમના નામના સિક્કા પડતા હોય એવા લોકો અચાનક પતી જાય ને ગુમનામીની જિંદગી જીવીને ગુજરી પણ જાય એવા કિસ્સા એક શોધશો તો એકવીસ મળી આવશે. શનિવારે રાત્રે મદનલાલ ખુરાના ગુજરી ગયા એ સાથે જ એવો એક વધુ કિસ્સો ઉમેરાયો.ભાજપ આજે કેન્દ્ર સરકારમાં સત્તા પર છે ને દેશનાં ૧૫ રાજ્યોમાં તેની પોતાની સરકારો છે પણ એક જમાનામાં ભાજપનો કોઈ ભાવ નહોતું પૂછતું. એ વખતે કેટલાક વિરલા એવા હતા કે જે ભાજપને આગળ લાવવા મથ્યા કરતા હતા. તેમના પ્રયત્નો ફળ્યા ને ભાજપ દેશમાં જોરાવર બન્યો પછી ભાજપને આગળ લાવવા મથતા લોકો બાજુ પર ધકેલાઈ ગયા ને ભળતા લોકો જ ચડી બેઠા. જેમણે ભાજપને બેઠો કરવા લોહી-પાણી એક કરેલાં એવા લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા ને ગુમનામીના અંધારામાં ધકેલાઈ ગયા. મદનલાલ ખુરાના પણ ભાજપના એવા નેતાઓમાં જ એક હતા ને શનિવારે રાત્રે એ ગુજરી ગયા તેની ભાગ્યે જ નોંધ લેવાઈ છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સહિતના ભાજપના નેતાઓએ ટ્‌વીટ કરીને ખુરાનાને શ્રદ્ધાંજલિ આપવાની વિધિ પતાવી પણ ભાજપના ઘણા નેતાઓએ તો એ સૌજન્ય પણ ના બતાવ્યું. આમેય હાલમાં ભાજપમાં મોદી અને શાહ સિવાય કોઇને પણ માન આપવાની કોઇ રીત રસમ જ બચી નથી જે લોકો આ જોડીની સામે પડે છે તેને ગુમનામીમાં ધકેલી દેવામાં આવે છે ભલેને તે ગમે તેટલો દિગ્ગજ નેતા કેમ ન હોય. અડવાણીનો દાખલો હાજરાહજુર છે.આમ મદનલાલ ખુરાનાં હાંસિયામાં ધકેલાયા હતા તે કોઇ નવાઇની વાત નથી.રવિવારે ખુરાનાની અંતિમવિધિ કરાઈ ને એ વખતે ભાજપમાંથી ગણ્યાંગાંઠ્યા લોકો હાજર હતા. ભાજપના પહેલી હરોળના કહેવાય એવા તો કોઈ નેતા હાજર હતા જ નહીં.આજની પેઢી માટે મદનલાલ ખુરાના બહુ જાણીતું નામ નથી કેમ કે છેલ્લા એકાદ દાયકાથી ખુરાના બાજુ પર ધકેલાઈ ગયેલા. બાકી એક સમય એવો હતો કે દિલ્હીમાં ખુરાનાના નામના સિક્કા પડતા ને દિલ્હી ભાજપમાં તો ખુરાનાની મરજી વિના પાંદડું પણ નહોતું હલતું. ખુરાનાનો એ દબદબો સ્વાભાવિક પણ હતો કેમ કે દિલ્હીમાં ભાજપને ઊભો ખુરાનાએ જ કરેલો. જે જમાનામાં કૉંગ્રેસનું એકચક્રી શાસન હતું એ જમાનામાં સામા પ્રવાહે તરીને અને જાત જાતના અવરોધો સામે ઝીંક ઝીલીને ખુરાના સહિતના લોકોએ ભાજપનાં મૂળિયાં મજબૂત કરેલાં.
ખુરાના પંજાબી હતા ને આઝાદી પહેલાં જન્મેલા. અત્યારે પાકિસ્તાનના પંજાબમાં આવેલું ફૈઝલાબાદ ખુરાનાનું વતન હતું. એ જમાનામાં ફૈઝલાબાદ લાયલપુર કહેવાતું ને મદનલાલના પિતા એસ.ડી. ખુરાના મોટા વેપારી હતા. દેશ આઝાદ થયો ને ભાગલા પડ્યા એ વખતે પંજાબથી લાખો હિંદુઓએ પહેરેલાં લૂગડે ભાગવું પડેલું ને તેમાં ખુરાનાનો પરિવાર પણ આવી ગયો. પંજાબથી ભાગીને ખુરાનાનો પરિવાર દિલ્હી આવ્યો એ વખતે મદનલાલ ૧૨ વર્ષના હતા.દિલ્હીમાં નિરાશ્રિતો બધા કિર્તીનગર કોલોનીમાં રહેતા ને એકબીજાની મદદથી ફરી બેઠા થવાની મથામણ કરતા. ખુરાનાનો પરિવાર પણ કિર્તીનગરમાં સ્થાયી થયો ને તેમના પિતાએ કપડાંની ફેરી શરૂ કરેલી. પંજાબથી ભાગીને આવેલા એ બધા પથ્થરની છાતીવાળા માણસો હતા ને બધા ગમ ભુલાવીને તેમણે અહીં નવી શરૂઆત કરી. જાતમહેનત કરીને જે ખોયેલું એ બધું પાછું મેળવ્યું ને સ્વમાનની જિંદગી જીવતા થઈ ગયેલા. જો કે ભાગલા વખતે ભોગવવી પડેલી યાતના અને પોતાના કશા વાંકગુના વિના બધું છોડવું પડ્યું તેનો ગમ આખી જિંદગી ન ગયો. ભાગલા માટે કૉંગ્રેસ જવાબદાર છે તેનો ડંખ લઈને એ લોકો જીવ્યા ને મદનલાલ જેવા લાખો લોકો એ ખાર સાથે જ મોટા થયા.આ ડંખના કારણે મદનલાલ પહેલેથી કૉંગ્રેસ વિરોધી રહ્યા. એ વખતે જનસંઘ સ્થપાઈ ગયેલો પણ તેનો પ્રભાવ બહુ નહોતો. દિલ્હીમાં તો જનસંઘની સ્થાપના પણ નહોતી થયેલી. અલબત્ત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની શાખા ચાલતી ને તેમાં ખુરાના નિયમિત રીતે જતા. મદનલાલ દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા ત્યાં સુધી તેમને રાજકારણમાં સક્રિય થયાની તક નહોતી મળી પણ અલાહાબાદ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ગયા ત્યારે તેમને રાજકારણમાં સક્રિય થવાની તક મળી. ખુરાનાને રાજકારણનો એવો ચસકો લાગ્યો કે એ તેમાં ખૂંપી ગયા ને આખી જિંદગી રાજકારણી બનીને જ રહ્યા. ૧૯૫૯માં એ અલાહાબાદ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્‌સ યુનિયનના જનરલ સેક્રેટરી એટલે કે જી.એસ. ચૂંટાયા ને ૧૯૬૦માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના જનરલ સેક્રેટરી બન્યા. આ દરમિયાન તે વિદ્યાર્થી નેતા વિજયકુમાર મલ્હોત્રાના સંપર્કમાં આવ્યા હતા.ખુરાના એમ.એ. થઈને દિલ્હી પાછા આવ્યા પછી વિજયકુમાર મલ્હોત્રાની મદદથી પીજીડીએવી કોલેજમાં લેક્ચરર બન્યા. અહીં તેમના જેવા બીજા લોકો સાથે સંપર્ક થયો ને ખુરાના જનસંઘમાં સક્રિય થયા. ધીરે ધીરે રાજકારણનો રંગ જામતો ગયો ને છેવટે વિજયકુમાર મલ્હોત્રા, કેદારનાથ સાહની અને કંવરલાલ ગુપ્તા સાથે મળીને ૧૯૬૨માં ખુરાનાએ દિલ્હીમાં જનસંઘની ઑફિસ શરૂ કરી. જનસંઘ સાથેનો એ નાતો બહુ લાંબો રહ્યો. આખડતા પછડાતા રહીને પણ ખુરાના પહેલાં જનસંઘમાં ને પછી ભાજપમાં જ લાંબો સમય રહ્યા. પાછલાં વરસોમાં તેમને ભાજપમાંથી તગેડી મુકાયેલા પણ એ વાતનું બહુ મહત્ત્વ નથી કેમ કે ત્યાં લગીમાં ખુરાના પતી ગયેલા.ખુરાનાએ જનસંઘ અને ભાજપમાં આપેલા બધા યોગદાનની વાત કરવી શક્યા નથી પણ તેમનું સૌથી મોટું યોગદાન એ કે તેમણે કપરા સમયમાં જનસંઘ અને ભાજપને આર્થિક ટેકો આપીને ટકાવી રાખ્યો. જનસંઘ અને ભાજપ બંનેની ઓળખ પહેલાં સવર્ણોના પક્ષ તરીકે જ હતી તેથી તેને ચૂંટણીમાં બહુ સફળતા નહોતી મળી. એ દિવસોમાં લોકો જનસંઘના નામથી ભડકીને દૂર ભાગતા ત્યારે તેને આર્થિક મદદની તો વાત જ ક્યાંથી થાય ? ખુરાના પોતે વેપારી પરિવારમાંથી આવતા હતા ને દિલ્હીના વેપારીઓ સાથે તેમના જીવંત સંપર્ક હતા. આ સંપર્કોનો ઉપયોગ ખુરાનાએ જનસંઘને દાન અપાવવામાં કરવા માંડ્યો ને તેના કારણે જનસંઘને કદી ફંડની તકલીફ ના પડી. સામે ખુરાના આ વેપારીઓના સમર્થક તરીકે હંમેશાં તેમને પડખે ઊભા રહ્યા. દિલ્હીમાં મધ્યમ વર્ગનાં લોકોની સમસ્યાઓને પણ તેમણે આક્રમકતાથી ઉઠાવી ને તેના કારણે પહેલાં જનસંઘ ને પછી ભાજપ દિલ્હીમાં મધ્યમ વર્ગમાં પોતાનો પ્રભાવ વધારી શક્યો. ભાજપ જનસંઘ હતો એ વખતે ગણતરીનાં રાજ્યોમાં તેનો પ્રભાવ હતો ને એ રાજ્યોમાં દિલ્હી એક હતું. ભાજપ છેક ૧૯૬૦ના દાયકાથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધપાત્ર બેઠકો જીતતો થઈ ગયેલો.ભાજપ માટે સૌથી કપરો કાળ ૧૯૮૪ની લોકસભા ચૂંટણીનો હતો. એ વખતે ભાજપને આખા દેશમાંથી બે બેઠકો મળી હતી ને ભાજપ પતી જશે એવું લાગતું હતું એ વખતે જે નેતાઓ ભાજપમાં ટકી ગયા ને જેમણે તનતોડ મહેનત કરી તેમાં એક ખુરાના હતા. ખુરાનાએ હાર માન્યા વિના દિલ્હીમાં લોકો વચ્ચે જઈ કામ શરૂ કર્યું ને મધ્યમ વર્ગનાં લોકોની તકલીફો માટે રેલીઓ કાઢવાની શરૂ કરી. તેના કારણે લોકો તેમને દિલ્લી કા શેર કહેતા હતા. ખુરાનાના પ્રયત્નોના કારણે જ દિલ્હીમાં ભાજપ એટલો મજબૂત બન્યો કે, દિલ્હીને રાજ્યનો દરજ્જો મળ્યો પછી ૧૯૯૩માં યોજાયેલી પહેલી ચૂંટણી પછી મદનલાલ ખુરાનાને મુખ્યમંત્રી બનાવાયેલા. દિલ્હીને ૧૯૫૨થી ૧૯૫૬ સુધી રાજ્યનો દરજ્જો મળેલો ને એ દરમિયાન ચૌધરી બ્રહ્મપ્રકાશ તથા દુરમુખ નિહાલસિંહ એ બે કૉંગ્રેસી મુખ્યમંત્રી બનેલા. અલબત્ત એ પછી આ હોદ્દો રદ કરાયેલો ને ફરી દિલ્હીમાં ચૂંટણી થઈ ત્યારે ખુરાના પહેલા મુખ્યમંત્રી બનેલા.કમનસીબે ભાજપની આંતરિક લડાઈએ ખુરાનાનો ભોગ લીધો. ભાજપને જાટ મતબૅંકની જરૂર હતી તેથી અઢી વર્ષ પછી ખુરાનાને હટાવીને સાહિબસિંહ વર્માને બેસાડાયા. વર્મા પાસે ખુરાના જેવી પકડ નહોતી તેથી તેમણે દિલ્હીમાં ભાજપને ડૂબાડી દીધો. તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા તેથી ભાજપની ડૂબતી નાવને બચાવવા ૧૯૯૮ની ચૂંટણી પહેલાં સુષમા સ્વરાજને મુખ્યમંત્રી બનાવાયેલાં. જો કે સુષમા પણ ભાજપને ના બચાવી શક્યાં ને એ પછી દિલ્હીમાં ભાજપ સરકાર નથી રચી શક્યો.ખુરાના પોતાની હકાલપટ્ટીથી ગિન્નાયેલા હતા પણ અટલ બિહારી વાજપેયીના કારણે ચૂપ બેસી રહેલા. વાજપેયીએ તેમને સાચવવા માટે પોતાની સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બનાવેલા પણ ખુરાનાનો જીવ દિલ્હીમાં હતો તેથી તેમણે ૧૯૯૯માં કેબિનેટમાંથી રાજીનામું આપી દીધેલું. ભાજપે તેમને ફરી આગળ કર્યા પણ એ શીલા દિક્ષીતને ના પછાડી શક્યા. ૨૦૦૩માં શીલા ફરી જીત્યાં એટલે ભાજપે તેમને બાજુ પર મૂકવા રાજસ્થાનના રાજ્યપાલ બનાવીને રવાના કરેલા પણ એ પાછા દિલ્હી આવી ગયા તેમાં ડખો થઈ ગયેલો. ભાજપની નેતાગીરી સાથે એ પછી તેમને સંઘર્ષ થતો રહ્યો. એક વાર તેમને તગેડીને પાછા લેવાયેલા પણ અડવાણીની ટીકા કરી તેમાં તેમને તગેડ્યા પછી એ બાજુ પર જ મુકાઈ ગયેલા.ખુરાના છેલ્લે ખોવાઈ ગયેલા તેથી ભાજપ ભલે તેમને યાદ ના કરે પણ ભાજપને ઊભો કરનારા નેતા તરીકે યાદ રહેશે.

Related posts

MORNING TWEET

aapnugujarat

सरदार और धारा 370: शिवसेना ने इतिहास के जरिये भाजपा को दिखाया आइना..?

aapnugujarat

મોબાઈલ મેનિયાઃ લાંબે ગાળે રોગને નિમંત્રણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1