Aapnu Gujarat
ગુજરાત

ચાંદીની લૂંટમાં પીએએસઆઇ અને કોન્સ્ટેબલની સંડોવણી

સરખેજમાં ગઈકાલે વેપારીને માર મારીને ૪૦ કિલો ચાંદીની લૂંટ કરી ફરાર થઈ જવાના ચકચારી કિસ્સામાં એસઆરપીના પીએસઆઈ તેમજ બે કોન્સ્ટેબલોની સંડોવણી સામે આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે હવે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સરસપુરથી વેપારી ૪૦ કિલો ચાંદી લઈને જઈ રહ્યો હતો તે સમયે ત્રણેય પોલીસ કર્મચારીઓએ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી તેમને રોક્યા હતા. વેપારીનું અપહરણ કરી ત્રણેય જણા સરખેજ લઈ ગયા હતા. જ્યાં તેમને મારી ૪૦ કિલો ચાંદીની લૂંટ ચલાવી હતી. ગોમતીપુર પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર એસઆરપીના પીએસઆઈ અને કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, સંતોષભાઈ પોપટભાઈ ૪૦ કિલો ચાંદીના ચોસલા એક્ટિવા પર માણેકચોકના વેપારીને આપવા જતા હતા ત્યારે ગોમતીપુર પાસે બે ગઠિયાઓએ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને તેમને રોક્યા હતા. સાહેબને મળવાનું છે તેમ કહીને બંને ગઠિયાઓ સંતોષભાઈને લઈ ગયા હતા અને ત્રણ કલાક સુધી શહેરની અલગ અલગ જગ્યાએ ફેરવ્યા હતા. બાદમાં બંને જણા સંતોષભાઈને સરખેજ લઈ જઇ તેમને માર માર્યો હતો અને રૂ.૧૮ લાખની ૪૦ કિલો ચાંદી લૂંટી ગયા હતા. લૂંટારુઓ સંતોષભાઈનું એક્ટિવા લઈને પણ જતા રહ્યા હતા. ત્યારબાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં તેઓ ફરિયાદ કરવા ગયા હતા. ઘટનાની શરૂઆત ગોમતીપુરથી થઇ હોઈ તેમને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મોકલ્યા હતા. ત્યાં ગોમતીપુર પોલીસે ફરિયાદ લેવાનો ઈન્કાર કરતાં તેઓ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. શહેરકોટડા પોલીસે પણ ફરિયાદ લેવાનો ઈન્કાર કરતા અંદાજિત સાત કલાક સુધી ત્રણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હતા. અંતે મોડી રાતે ગોમતીપુર પોલીસે સંતોષભાઈની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ગોમતીપુરના અલગ અલગ સીસીટીવી ફૂટેજ અને ખાનગી સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે ક્રાઈમ બ્રાંચના અધિકારી બની એસઆરપી ગ્રૂપ-૧૩ના પીએસઆઈ, બે કોન્સ્ટેબલોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સી.બી. ટંડેલે પીએસઆઈ તેમજ બે કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. સંતોષભાઈએ ક્રાઈમ બ્રાંચના અધિકારી બનીને આવેલા બંને શખ્સોને ઓળખી પાડ્‌યા હતા. સમગ્ર લૂંટ પ્રકરણમાં પીએસઆઇ અને બે કોન્સ્ટેબલોની સંડોવણી ખુલતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગઇ છે.

Related posts

સાબરકાંઠા એલસીબીએ ઘરફોડ ઝડપ્યો

aapnugujarat

લલિત વસોયાએ મગફળી મુદ્દે અધિકારીને અપશબ્દો ભાંડયા

aapnugujarat

ઉપલેટામાં પેટ્રોલ – ડીઝલ અને રાંધણગેસમાં થયેલો ભાવવધારો પાછો ખેંચવા મામલતદારને અપાયું આવેદનપત્ર

editor

Leave a Comment

UA-96247877-1