Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ૭ માર્ચથી શરૂ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ આજે બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાઓ તા.૭મી માર્ચથી શરૂ થશે અને તા.૨૩મી માર્ચના રોજ પૂર્ણ થશે. માર્ચ-૨૦૧૮ની પરીક્ષા તા.૧૨ માર્ચથી શરૂ થઇ હતી. એટલે કે, આ વખતે બોર્ડની પરીક્ષા પાંચ દિવસ વહેલા શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે અત્યારસુધીમાં કુલ મળી, ૧૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાઇ ચૂકયા છે અને હજુ ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની નોંધણીની કાર્યવાહી ચાલુ હોઇ આ આંકડો વધશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ગઇ વખતે ધોરણ-૧૨ સાયન્સમાં પ્રથમ વખત સેમેસ્ટર સીસ્ટમ વગર બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવનાર છે, તે નોંધનીય હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯ માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને વાલીઓના આગોતરા આયોજનને ધ્યાનમાં રાખી આજરોજ જાહેર કરવામાં આવ્યો હતો. ગત વર્ષે સૌપ્રથમવાર ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા સેમેસ્ટર સીસ્ટમ વિના યોજાઇ હતી. ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા તા.૭મી માર્ચથી શરૂ થશે અને તા.૨૩મી માર્ચ,૨૦૧૯ના રોજ પૂર્ણ થશે. સાયન્સની પરીક્ષા દરમ્યાન મહત્વના પેપરો વચ્ચે એક દિવસ રજા આપવાની પરંપરા બોર્ડ દ્વારા આ વખતે પણ જાળવી રાખવામાં આવી છે. સાયન્સમાં પ્રથમ વિજ્ઞાનના ત્રણ વિષયની પરીક્ષા લેવાશે અને છેલ્લુ પેપર અંગ્રેજી(પ્રથમ અને દ્વિતીય ભાષા)નું રાખવામાં આવ્યું છે. આ જ પ્રકારે ધોરણ-૧૦ની પરીક્ષા પણ તા.૭મી માર્ચથી શરૂ થશે અને તા.૧૯મી માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ-૧૦ની પરીક્ષામાં પણ મહત્વના વિષયોની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બે દિવસનો ગેપ આપવામાં આવ્યો છે. જયારે ધોરણ-૧૦ના સૌથી અઘરા મનાતા ગણિત વિષયના પેપર માટે વિદ્યાર્થીઓને આ વખતે બે દિવસના ગેપનો ફાયદો આપવામાં આવ્યો છે. આ સિવાય ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ તા.૭મી માર્ચથી જ શરૂ થશે પરંતુ તે સૌથી છેલ્લે એટલે કે, તા.૨૩મી માર્ચના રોજ પૂર્ણ થશે. વિષયોની સંખ્યા વધુ હોવાથી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા મોડે સુધી ચાલવાની છે. બોર્ડની પરીક્ષા માટે ધોરણ-૧૦માં ૧૧ લાખ આસપાસ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, ગત પરીક્ષામાં ધોરણ-૧૦ના ૧૧.૦૬ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જયારે ધોરણ-૧૨ સાયન્સમાં આ વખતે ૧.૩૦ લાખ આસપાસ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે ગત પરીક્ષામાં ૧.૩૫ લાખથી વધુ હતા. આ સિવાય ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે અત્યારસુધી પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. જો કે, ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન તા.૧૦મી ડિસેમ્બર અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે તા.૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેનાર હોવાથી આ આંકડો હજુ વધશે તેમ બોર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું. ગત પરીક્ષામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૫.૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

Related posts

હવે ડિપ્લોમા પ્રવેશ સમિતિમાં વિવાદીત અધિકારીઓ સામેલ

aapnugujarat

फीस निर्धारण को चुनौती की अर्जियों में जवाब पेश करने आदेश

aapnugujarat

ઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ ઝડપી થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1