Aapnu Gujarat
ગુજરાત

પેપર લીક કાંડમાં હજુય ૨૦ આરોપીની સંડોવણીની શંકા

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક કૌભાંડમાં પોલીસે ગઇકાલે ધરપકડ કરેલા ચારેય આરોપીઓને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તમામ ચાર આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજીબાજુ, લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અત્યારસુધીમાં કુલ ૧૨ આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે અને હજુ વધુ ૨૦ આરોપીઓની સંડોવણીની આશંકા છે, જેઓના નામ આગામી દિવસોમાં ખુલે તેવી શકયતા છે. આ તમામ ડેવલપમેન્ટ વચ્ચે પોલીસ હજુ સુધી કેસના મુખ્ય સૂત્રધાર આરોપી યશપાલસિંહ સોલંકી(ઠાકોર)ને શોધી શકી નથી. પોલીસે આજે અરવલ્લીના બાયડના પરબડીના પ્રીતેશ નટવરલાલ પટેલ, મહેસાણાના મેદવનો નરેન્દ્ર પૃથ્વીરાજ ચૌધરી, બનાસકાંઠાના વડગામનો અજયસિંહ મફતસિંહ પરમાર અને ઉત્તમસિંહ હરિસિંહ ભાટી એ ચાર આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં સરકારપક્ષ તરફથી માંગ કરાઇ હતી કે, આરોપીઓને સાથે રાખી ગુજરાતથી દિલ્હી સુધીના રૂટમાં વિવિધ હોટલો સહિતના સ્થળોએ તપાસ કરવાની છે. ખાસ કરીને સીસીટીવી ફુટેજ સહિતના પુરાવા એકત્ર કરવાના છે. એટલું જ નહી, આ ગુનામાં સંડોવાયેલા દિલ્હીની ગેંગના અન્ય સભ્યો સહિતના અન્ય આરોપીઓની જાણકારી મેળવી આરોપીઓ પાસે તેઓની ઓળખ કરવાની છે. આરોપીઓને આન્સર શીટ કયાંથી મળી અને કોના મારફતે મળી તે જાણવાનું છે. આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે અને કોની કોેની મદદગારી સામેલ છે તે સહિતની વિગતો કઢાવવાની છે. પોલીસની રિમાન્ડ અરજી ધ્યાને લઇ કોર્ટે તમામ ચાર આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, એલઆરડી પેપર લીક કૌભાંડમાં ગઇકાલે ભાજપના મહામંત્રી જયેન્દ્ર રાવલની અટકાયત કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. આ સાથે ગાંધીનગર સેકટર-૭ પોલીસે આરોપી મુકેશ ચૌધરીના ભાઇ સંદીપ ખડક, પ્રીતેશ પટેલ, નવાભાઇ વાઘડિયા, ભરત ચૌધરી સહિત દસ આરોપીઓની અટકાયત કરી હતી. પેપર લીક કૌભાંડમાં ભાજપના નેતાઓ અને આગેવાનોના નામો ખૂલતાં ભાજપની પ્રતિષ્ઠાને બહુ મોટુ નુકસાન થયું છે. ખાસ કરીને પક્ષની ઇમેજ ખરડાતાં કેન્દ્રીય મોવડીમંડળ પણ ભારે નારાજ થયું છે અને હવે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં પડયું છે. ભાજપ સરકાર પર આ સમગ્ર મામલે જોરદાર સલવાઇ છે અને જબરદસ્ત ચિંતામાં ગરકાવ બની છે. જો કે, ગાંધીનગર પોલીસ હવે એટીએસ અને ક્રાઇમબ્રાંચની મદદથી ગુજરાત, દિલ્હી સહિતના રાજયોમાં તપાસનો ધમધમાટ વેગવંતો બનાવ્યો છે અને આગામી દિવસોમાં નવા ચોંકાવનારા ખુલાસા સામે લાવે તેવી પૂરી શકયતા છે.

Related posts

લાકડી અને કાગળ મોંઘા થતા પતંગનો ભાવ વધ્યો

aapnugujarat

નર્મદા જિલ્લામાં પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવ લોકોત્સવમાં ફેરવાયો

aapnugujarat

જાહેર ટ્રસ્ટના ૨.૫૦ કરોડથી વધારે દસ્તાવેજો ડિજિટલ થયા : વિધાનસભા ગૃહમાં જાડેજાએ માહિતી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1