Aapnu Gujarat
ગુજરાત

લોકરક્ષકદળ પેપર લીક પ્રકરણમાં ૪ની ધરપકડ : ૩ સસ્પેન્ડ

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા ગઇકાલે રદ કર્યા બાદ રાજયભરના પોણા નવ લાખ જેટલા પરીક્ષાર્થી ઉમેદવારો રઝળી પડયા હતા અને ભયંકર હાલાકી અને હતાશાનો ભોગ બન્યા હતા. આ સમગ્ર કૌભાંડના ઘેરા પ્રત્યાઘાત રાજયભરમાં પડયા હતા. બીજીબાજુ, પોલીસે આ ખૂબજ ચકચારભર્યા પ્રકરણમાં એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે જેમાં ભાજપના બે અગ્રણી મનહર પટેલ અને મુકેશ ચૌધરીની સંડોવણી સામે આવતાં ભાજપ સરકાર પર માછલા ધોવાયા હતા. તો, આ કૌભાંડમાં ગાંધીનગરના વાયરલેસ પીએસઆઇ પી.વી.પટેલ અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની મહિલા રેકટર રૂપલ શર્માનું નામ ખુલતાં પોલીસે આ તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક અંગે આજે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ચોંકાવનારા ખુલાસા મીડિયા સમક્ષ કર્યા હતા. આ પ્રકરણમાં સંડોવણી બહાર આવતાં પીએસઆઇ પી.વી.પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. બીજીબાજુ, ભાજપ દ્વારા બનાસકાંઠાના મુકેશ ચૌધરી અને બાયડના મનહર પટેલને ભાજપમાંથી તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમણે ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક દિલ્હીથી થયુ ંહોવાનો દાવો કર્યો હતો અને આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. જો કે, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, યશપાલસિંહ અને દિલ્હીથી તેની સાથે સંકળાયેલા લોકોની ઓળખ અમે કરી લીધી છે પરંતુ તેમની ધરપકડ બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સમગ્ર કૌભાંડનું વિગતવાર વિવરણ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેકટર રૂપલ શર્માએ પોલીસ ભરતી બોર્ડના પીએસઆઇ ભરત બોરાણાને વોટ્‌સઅપ મેસેજ કરી લોકરક્ષક દળના પેપરના આ જવાબો સાચા છે એમ પૂછયું હતું જેથી બોરાણાએ મેસેજમાં જવાબ આપ્યો હતો, તેમને કંઇ ખબર નથી. એ પછી તેમણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને ટેલિફોનિક માહિતી આપી હતી કે જવાબોની ચિટ્ઠી તેમને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા પાસેથી મળી છે. જેમા રૂપલ શર્માએ બોરાણા વોટ્‌સઅપ કર્યો હતો અને વેરિફાઈ કરવાનું કહ્યું હતું. વિકાસ સહાયે તેમને તાત્કાલિક એ મેસેજ વોટ્‌સએપ કરવા કહ્યું હતું. બોરાણાએ ચેરમેન વિકાસ સહાયને વોટ્‌સઅપ કરતાં તેમણે જવાબો ચકાસતાં મોટાભાગના જવાબો પૂછાયેલા પેપરના જ હતા અને વાત ખબર પડી કે, લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થઇ ગયુ છે, જેથી જેન્યુઇન અને ખરી મહેનત કરનારા ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂપલ શર્મા સાથે આ પ્રકરણમાં બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયત ભાજપનો સભ્ય મુકેશ ચૌધરી અને બાયડના મનહર પટેલ પણ સામેલ હતા અને તેઓને જયેશ નામના વ્યક્તિએ પરીક્ષાના દિવસે જ સવારે હસ્તલિખિત જવાબો આપ્યા હતા. જયેશને મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ મારફતે જવાબો પહોંચાડવામાં આવ્યા હતા. મનહર પટેલના કહેવા મુજબ, યશપાલસિંહ સાથે સોદો થયો હતો કે દરેક ઉમેદવારને રૂ.૫ લાખમાં પેપર વહેંચાશે. મનહર પટેલે યશપાલસિંહને એમ પણ કહ્યું હતું કે જો પેપર વહેલા મળી જાય તો વધુ ફાયદો થશે. પરંતુ યશપાલસિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું કે, તેની પાસે તા.૧લી ડિસેમ્બરની રાત્રે જ પેપર આવી જશે, તે પહેલાં નહી. તે મુજબ યશપાલસિંહ દિલ્હી ગયો હતો અને ત્યાંથી પેપર-જવાબો લઇ ફલાઇટ મારફતે સીધો વડોદરા આવ્યો હતો. હવે પોલીસે મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સહિત દિલ્હીથી પેપર લીક કરનારા મુખ્ય કાવતરાખોરોને પકડવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

SOU પ્રવાસીઓ માટે પાંચ દિવસ બંધ રહેશે

editor

अमित शाह के गुजरात दौरे पर सभी की निगाहे होंगी

aapnugujarat

શહેરમાં મેલેરિયા સહિત પાણીજન્ય રોગના કેસોની સંખ્યા વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1