Aapnu Gujarat
ગુજરાત

નારોલ ખાતે સોની પાસેથી ૧૧ લાખથી વધુના દાગીનાની લૂંટ

શહેરના નારોલ વિસ્તારમાં ગઇ મોડી રાતે રૂ.૧૧.૭૦ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના લઇને ઘરે જઇ રહેલા સોનીની આંખમાં મરચું નાખીને ત્રણ શખ્સોએ લૂંટ ચલાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવને પગલે સામાન્ય નાગરિકો અને વેપારીઓના જાનમાલની સુરક્ષા અને પોલીસની ભૂમિકા સામે પણ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ જવેલર્સ સોની એકિટવા લઇને જતા હતા ત્યારે તેમની રાહ જોઇને ઊભેલા ત્રણ શખ્સોએ તેમના આંખમાં મરચાંની ભૂકી નાખીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપી શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. નારોલ વિસ્તારમાં આવેલ રીષીત રેસિડન્સીમાં રહેતા અને નારોલ ગામમાં અર્બુદા જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન ધરાવતા વિક્રમભાઇ સોનીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ કરી હતી. ફરિયાદની વિગતો મુજબ, વિક્રમભાઇ મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના વતની છે અને છેલ્લાં આઠ વર્ષથી નારોલમાં તેમના પરિવાર સાથે રહે છે. વિક્રમભાઇની નારોલ ગામમાં અર્બુદા જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન આવેલી છે. વિક્રમભાઇ જ્વેલર્સની દુકાનમાં સેફ લોકર નહીં હોવાથી દરરોજ રાતે દુકાન બંધ કરીને તમામ સોના- ચાંદીના દાગીના એક થેલામાં ભરીને પોતાના ઘરે લાવે છે. વિક્રમભાઇએ ચાર દિવસ પહેલા તેમની દુકાન પર દીપક કોલી નામના રાજસ્થાની યુવકને નોકરી પર રાખ્યો હતો. ગઇકાલે રાતે ૬.ર૦ લાખ રૂપિયાનું ૩૧૦ ગ્રામ સોનાના દાગીના અને પ.પ૦ લાખ રૂપિયાનું રર કિલો ચાંદી એક થેલામાં મૂકીને વિક્રમભાઇ અને દીપક ઘર તરફ જતા હતા ત્યારે તેમને લૂંટી લેવામાં આવ્યા હતા. વિક્રમભાઇ એકિટવા લઇને ઘરે જતાં તેમની પાછળની સીટ પર દીપક બેઠો હતો અને દાગીના ભરેલી બેગ વિક્રમભાઇએ બે પગની વચ્ચે મૂકી હતી. બન્ને જણા અંદાજિત ૪૦થી પ૦ની સ્પીડ પર ઘરે જતા તે સમયે નારોલના નંદનવન ફ્‌લેટ પાસે આવેલ ત્રણ રસ્તા પર બાઇક લઇને ઊભેલા ત્રણ યુવકોએ તેમની આંખમાં મરચાંની ભૂકી નાખીને રૂ.૧૧.૭૦ લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. જે રીતે લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો છે તે રીતે એ વાત સ્પષ્ટ થાય છે કે વિક્રમભાઇ દાગીના ભરેલી બેગ લઇને રોજ તેમના ઘરે જાય છે તેની જાણ લૂંટારુઓને ખબર હતી. લૂંટારુઓ વિક્રમભાઇની રાહ જોઇને પહેલાંથી નંદનવન ફ્‌લેટ પાસે ઊભા હતા.
ત્રણ પૈકી એક લૂંટારુએ તેના હાથમાં મરચાંની ભૂકી રાખી હતી અને વિક્રમભાઇ ત્યાંથી પસાર થયા ત્યારે લૂંટારુ યુવક તેમના એક્ટિવા પાસે દોડી ગયો હતો અને મરચાંની ભૂકી તેમની આંખમાં નાખી હતી. મરચું વિક્રમભાઇના આંખમાં જતાં તેમણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે દીપક સાથે જમીન પર પટકાયા હતા. જમીન પર પડતાંની સાથે જ લૂંટારુઓ તેમનો સોના-ચાંદી દાગીનાથી ભરેલો થેલો લઇને નાસી ગયા હતા. વિક્રમભાઇની આંખમાં ઓછું મરચું પડતાં તે ઊભા થઇ ગયા હતા જ્યારે દીપકની આંખમાં વધુ મરચું પડતાં તે જમીન પર તરફડિયાં મારતો હતો. પલ્સર બાઇક લઇને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે આવેલા ત્રણેય લૂંટારુઓ દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. મોડી રાતે ઘટેલી આ ઘટનાની જાણ નારોલ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. લૂંટારુઓને પકડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ લેવાનો પ્રયત્ન કર્યો છે. વિક્રમભાઇએ આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related posts

गांधीनगर के कुडासण रोड पर कार का टायर फटने पर दो विद्यार्थिनी की मौत हुई

aapnugujarat

રાષ્ટ્રપતિએ ગુજરાત વિધાનસભામાં ગુજરાત વિધેયક વિશે આ મહત્વની વાત તેમના ભાષણમાં કરી

aapnugujarat

एडमिशन की लालच देकर ठग ने ६ लाख रुपये वसूले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1