Aapnu Gujarat
Uncategorized

પાલિતાણામાં કતલખાના તરત બંધ કરાવવા માંગ

જૈનોના પવિત્ર તીર્થધામ શેત્રુંજય-પાલિતાણાના અનેક વિસ્તારોમાં ગેરકાયદે રીતે ધમધમતા કતલખાન અને માંસ-મટનના ખુલ્લેઆમ વેચાણના વિરોધમાં હવે જૈન સમાજ ફરી એકવાર શાંતિપૂર્ણ રીતે રાષ્ટ્રવ્યાપી આંદોલનની ઘોષણા કરવામાં આવી છે. આજે શહેરના સોલા રોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન દેરાસર ખાતે જીવદયા પ્રેમી અને શેત્રુંજય સેવક ક્રાંતિકારી પ.પૂ.વિરાગસાગરજી મહારાજની નિશ્રામાં જૈન મુનિઓ, સાધ્વી મહારાજ સાહેબ અને સંખ્યાબંધ ક્રાંતિકારી જૈન આગેવાનો અને અનુયાયીઓની હાજરીમાં આંદોલનની મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં રાજયના વિવિધ શહેરો અને જિલ્લા-તાલુકાના જુદા જુદા જૈન સંઘ અને જૈન મુનિઓને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સામેલ કરાશે. જીવદયા પ્રેમી પન્યાસ ગુરૂ પ.પૂ.વિરાગસાગરજી સ્વામીએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, જયાં સુધી જૈનાના પવિત્ર તીર્થધામ પાલિતાણામાં તાત્કાલિક ધોરણે કતલખાના, માંસ-મટન અને ઇંડાનું ખુલ્લેઆમ વેચાણ બંધ કરવામાં નહી આવે ત્યાં સુધી જૈનસમાજની લડત અને આંદોલન ચાલુ રહેશે. પ્રાથમકિ તબક્કે તેમની લડત અને આંદોલનમાં એક હજારથી વધુ જૈન મુનિ, ગુરૂ ભગવંતો અને સાધ્વી મ.સા વગેરે જોડાશે અને તબક્કાવાર દેશભરમાંથી લોકો જોડાતા જશે. શ્રી વિશ્વરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્રાંતિ પરિવાર તરફથી આંદોલનની લડતને ખુલ્લો ટેકો જાહેર કરવામાં આવ્યો હતો અને ગુજરાત સહિત સમગ્ર દેશના જૈન સમાજને તેમાં જોડાવા હાકલ કરવામાં આવી હતી. શેત્રુંજય સેવક ક્રાંતિકારી અને જીવદયા પ્રેમી પન્યાસ ગુરૂ પ.પૂ.વિરાગસાગરજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, જૈનાના પવિત્ર તીર્થધામ શેત્રુંજય-પાલિતાણા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે રીતે ધમધમી રહેલા કતલખાના, કસાઇવાડા ઉપરાંત માંસ-મટન, ઇંડાના વેચાણ અને પવિત્ર શેત્રુંજય નદીમાં માછીમારી અંગે જૈન સમાજ તરફથી વારંવાર પોલીસ ફરિયાદથી લઇ અદાલતના દ્વાર ખખડાવી આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા ન્યાયની ગુહાર લગાવાઇ છે પરંતુ હજુ સુધી કોઇ જ નક્કર કે સંતોષજનક પરિણામ સામે આવ્યું નથી.
જૈન સમાજના ૫૦૦થી વધુ ગુરૂ ભગવંતોએ આ મામલે અગાઉ કેટલાય દિવસના ઉપવાસ પણ કર્યા હતા, જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તરફથી કતલખાન અને માંસ-મટનના વેચાણની પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવાની હૈયાધારણ અપાઇ હતી પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. હિન્દુઓના પવિત્ર તીર્થધામ હરિદ્વાર અને ઋષિકેશની જેમ શેત્રુંજય-પાલિતાણામાં પણ આવી કોઇપણ ગેરકાયદે પ્રવૃત્તિ કાયદેસર રીતે માન્ય ના કરાય તેવુ જાહેરનામું તાત્કાલિક અસરથી જારી કરાય તેવી અમારી માંગ છે. શેત્રુંજય સેવક ક્રાંતિકારી અને જીવદયા પ્રેમી પન્યાસ ગુરૂ પ.પૂ.વિરાગસાગરજી મહારાજે સ્પષ્ટ કર્યું હતું કે, આ મામલે જરૂર પડયે આગામી દિવસોમાં અમે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ મળીશું અને સરકાર સમક્ષ ઉપરોકત જાહેરનામું જારી કરવા માંગણી કરીશું. તેમણે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે, જો અમારી માંગણી શાંતિથી નહી સ્વીકારાય તો, ક્રાંતિથી હલ કરીશું. આગામી દિવસોમાં રાજય સહિત દેશભરમાં આ સંવેદનશીલ મુદ્દે રેલી, સભા-સરઘસો, બેઠકો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ માત્ર જૈનોની જ લાગણી નથી પરંતુ હિન્દુ સમાજ અને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો મામલો છે, તેથી તેનો સુખદ ઉકેલ જરૂરી છે. આજના કાર્યક્રમ દરમ્યાન જૈન મુનિ પ.પૂ હેમેન્દ્રસાગરજી મહારાજ, જૈન સાધ્વી સિધ્ધિપૂર્ણાયશાશ્રીજી મ.સા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

Related posts

અમિત શાહના 55 માં જન્મદિવસ નીમીતે શ્રી સોમનાથ મહાદેવને પૂજા કરવામાં આવેલ

aapnugujarat

આજે વિશ્વ મહિલા દિવસ

aapnugujarat

भावनगर जिले में तेंदुए ने ३ वर्षीय बच्चे का किया शिकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1