Aapnu Gujarat
ગુજરાત

યુવતીને ૧.૧૦ લાખમાં વેચવાના ષડયંત્રનો પર્દાફાશ

શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં રાજસ્થાનમાં વેચી દીધી હોવાના ચોંકાવનારા કાવતરાનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ કાવતરૂ રચી રાજસ્થાનના એક ઉંમરલાયક પુરુષ સાથે લગ્ન કરાવવા યુવતીનો સોદો કર્યો હતો. નિકોલ વિસ્તારમાં આવેલ એક આવાસ યોજનામાં રહેતી મીતા નામની યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ૧૪ લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. મીતા તેની માતા અને ભાઇ સાથે રહે છે અને કેટરીંગમાં વાસણ ધોવાનું કામ કરે છે. થોડાક સમય પહેલાં મીતાનાં બહેન અને બનેવી તેને નડિયાદ લઇ ગયા હતા અને તારે સુખી થવું હોય તો હું કહું તેમ કર અને ઘરે કોઇની સાથે વાત કરતી નહીં તેમ કહ્યું હતું. નવરાત્રી દરમિયાન નરોડા વિસ્તારમાં રહેતા મહેશભાઇ અને પુષ્પાબહેન નડીયાદ મીતાનાં બહેન બનેવીના ઘરે આવ્યા હતા. પુષ્પાબહેને મીતાને અલગ અલગ ગામે લઇ ગયા હતા અને મોટી ઉમરના પુરુષોને લગ્ન માટે બતાવ્યા હતા, જોકે મીતાએ તમામ પુરુષો સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. દિવાળી પહેલાં પુષ્પાબહેને તેમના ઓળખીતા અને લગ્ન કરાવવાના દલાલોનું કામ કરતા પરેશભાઇ પટેલ સાથે મીતાનો સંપર્ક કરાવ્યો હતો. પરેશભાઇ અને પુષ્પાબહેન મીતાને નડીયાદ પાસે આવેલ ડભાણ ગામમાં રહેતો ઠાકોર જ્ઞાતિનો પુરુષ લગ્ન માટે બતાવ્યો હતો. પુરુષ દેખાવમાં સારો હોવાથી મીતાએ લગ્ન માટે હા પાડી દીધી હતી અને દિવાળી પછી લગ્ન કરવાનું પરેશભાઇ અને પુષ્પાબહેને જણાવ્યું હતું. બન્ને જણાએ પુરુષના પરિવાર પાસેથી દસ હજાર રૂપિયા લીધા હતા. રૂપિયા લઇને પરેશભાઇએ પુરુષ સાથે મીતાનાં લગ્ન કરાવ્યા નહીં અને હાથીજણમાં રહેતી અને મેરેજ બ્યૂરોનું કામ કરતી સવિતાબહેન ઉર્ફે ડોસી પરેજિયાના ઘરે લઇ ગયા હતા. મીતા સવિતાબહેનના ઘરે રોકાઇ ગઇ હતી અને તેના લગ્ન કરાવી આપીશ તેવી બાંયધરી આપી હતી. બે-ત્રણ દિવસ સવિતાબહેનના ઘરે રોકાયા બાદ મીતાને એક પણ છોકરો બતાવ્યો નહીં. સવિતાબહેને બે દિવસ બાદ પાલનપુરમાં રહેતી અને મેરેજ બ્યૂરોનું કામ કરતી ગીતાબહેન માળી સાથે મીતાની મુલાકાત કરાવી હતી. સવિતાબહેન મીતાને પાલનપુર મુકવા માટે ગઇ હતી જ્યાં ગીતાબહેને સવિતાને કમિશન પેટે પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. ગીતાબહેને દિવાળીમાં મીતાને તેના ઘરમાં ગોંધી રાખી હતી. લગ્ન કરવાના બહાને યુવતીઓને વેચી મારતા દલાલ સોમસિંહ વાઘેલા ઉર્ફે ખેમાભાઇ દરબારને મીતા માટે કોઇ સારો પુરુષ હોય તો બતાવજો તેવું ગીતાબહેને કહ્યું હતું. તારીખ ૧૩-૧૧-૧૮ના રોજ ગીતાબહેન, સોમસિંહ, સલીમભાઇ અને સોનલબહેન ભેગા મળીને મીતાને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને ડીસા ચાર રસ્તા આકોલ ચોકડી પાસે લઇ ગયા હતા. જયાં ગીતાબહેને તેને એક ઉંમરલાયક પુરુષ બતાવ્યો હતો અને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. મીતાએ લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતાં સોમસિંહે તેને ધમકી આપી હતી. સોમસિંહ, ગીતાબહેન, સોનલબહેન અને સલીમે મીતાને કહ્યું હતું કે તારા લગ્ન માટે અમે ૧.૧૦ લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો છે અને પાર્ટી પાસેથી ૭૦ હજાર રૂપિયા એડવાન્સ પણ લીધા છે અને ૪૦ હજાર રૂપિયા ત્યાં પહોંચીશ એટલે આપવાના છે. ચારેય જણાએ ભેગા મળીને મીતાને ૧.૧૦ લાખ રૂપિયામાં રાજસ્થાનની પાર્ટીને વેચી દીધી હતી. ગીતાબહેને મીતાને સમજાવ્યું હતું કે તારે લગ્ન કરવાં ના હોય તો બે-ત્રણ દિવસ રાજસ્થાન તેમના ઘરે રહી આવ અને તેમના ઘરના સોના-ચાંદીના દાગીના લઇને પાછી આવતી રહેજે. મીતાને પ૦૦ રૂપિયા ભાડાના આપીને ગીતાબહેન, સોનલબહેન અને સલીમભાઇ જતા રહ્યા હતા ત્યારે સોમસિંહ રાજસ્થાનની પાર્ટીની ઇકો કારમાં બેસી ગયો હતો અને મીતાને બળજબરી બેસાડી દીધી હતી. મીતાને લઇને કાર રાજસ્થાન જતી હતી ત્યારે પોલીસને જોઇને મીતાએ બચાવો બચાવોની બૂમો પાડી હતી. પોલીસે કારનો પીછો કરીને તમામને અટકાવ્યા હતા. ધાનેરા પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. મીતાના જેની સાથે લગ્ન થવાના હતા તેનું નામ સ્વરૂપસિંહ રાજપૂત છે તેની સાથે આવેલા ખેરાજસિંહ, ઉગમસિંહ, ગેમરસિંહ સહિત તમામ લોકોની ધરપકડ કરી હતી.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

કાંકરેજ મહાકાલ સેના દ્વારા ગાયોને લીલો ઘાસચારો અપાયો

editor

જગન્નાથ મંદિરને જોડતા રોડની એક જુદી ઓળખ ઉભી કરાશે

aapnugujarat

અકસ્માતો રોકવા માટે કેસ બેરિયર લગાડવા જોગવાઈ : નીતિન પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1