Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રેક્સિટ મામલે વાદવિવાદ વચ્ચે મંત્રીઓનાં રાજીનામાંનો ઘટનાક્રમ શરૂ

બ્રેક્સિટ મામલે વાદવિવાદ વચ્ચે મંત્રીઓનાં રાજીનામાંનો ઘટનાક્રમ શરૂ થઈ ગયો છે.બ્રેક્સિટ સેક્રેટરી ડૉમિનિક રાબે રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો હતો.ડૉમિનિક રાબે કહ્યું કે તેઓ યુરોપિયન યુનિયન સાથેના યૂકેના બ્રેક્સિટ કરાર અંગે વિવેકબુદ્ધીથી સમર્થન આપી શકે એમ નથી.ડૉમિનિક રાબના રાજીનામા બાદ પેન્શન સેક્રેટરી એસ્થર મૅકવૅ અને જુનિયર બ્રેક્સિટ મંત્રી સુએલા બ્રેવરમૅને પણ રાજીનામાં આપ્યાં હતાં.વડાપ્રધાન થૅરેસા મૅએ બ્રેક્સિટ ડીલ મામલે કૅબિનેટના સમર્થનની જાહેરાત કરી, તેના થોડા જ કલાકોમાં મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં.બ્રિટનની સરકારના કૅબિનેટ મંત્રીઓએ પાંચ કલાકની લાંબી ચર્ચા બાદ બ્રિટનના યુરોપીય સંઘની બહાર જવા સંબંધિત એક કરારના પ્રસ્તાવિત ડ્રાફ્ટ પર મહોર લગાવી દીધી છે.લંડનમાં થયેલી આ બેઠકમાં કૅબિનેટે ભવિષ્યમાં બ્રિટન અને યુરોપના દેશો વચ્ચેના સંબંધોના મામલે એક રાજકીય ઘોષણાપત્ર પર મહોર લગાવી છે.આ મામલે જાણકારી આપતા ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની સામે વડાં પ્રધાન થેરેસા મેએ કહ્યું કે આ એક નિર્ણાયક ફેંસલો છે અને તેમને પૂરો ભરોસો છે કે આ દેશના હિતમાં છે.થેરેસા મેએ કહ્યું કે આ સમજૂતિથી દેશમાં નોકરીઓ બચશે અને દેશની સુરક્ષા તથા બંધારણીય એકતા માટે આ મદદરૂપ થશે. તેમાં બ્રિટનને પોતાની સીમાઓ અને કાયદા પર નિયંત્રણ હાંસલ થશે.તેમણે કહ્યું કે આ ડ્રાફ્ટ પર વિચાર કરતી વખતે મુશ્કેલ સવાલો સામે આવ્યા. જેવા કે ઉત્તર આયર્લૅન્ડ અને આયર્લૅન્ડની વચ્ચેની સીમા સંબંધિત નિયમો સાથે જોડાયેલા સવાલો.ગુરુવારે થેરેસા મે બ્રિટનની સંસદમાં આ ફેંસલા મામલે નિવેદન આપશે.જોકે, આ ડ્રાફ્ટને લઈને વડા પ્રધાન થેરેસા મેએ વિરોધનો પણ સામનો કરવો પડ્યો છે.કેટલાક વિપક્ષોએ આ પ્રસ્તાવિત ડ્રાફ્ટની ટીકા પણ કરી છે.લેબર પાર્ટીના મંત્રી જેરેમી કૉર્બિનનું કહેવું છે, સંસદમાં આ મામલો અડધા રસ્તે જ રોકાઈ શકે છે.આ પહેલાં બ્રસેલ્સમાં થઈ રહેલી યુરોપીય સંઘમાં સામેલ ૨૭ દેશોના રાજદૂતની એક મહત્ત્વની બેઠક બ્રેક્સિટ સમજૂતિ પર પ્રસ્તાવિત ડ્રાફ્ટ પર કોઈ ચર્ચા વિના જ ખતમ થઈ ગઈ હતી.જોકે, હવે બ્રિટનની સંસદના આ ચુકાદા બાદ બ્રેક્સિટ પર યુરોપીય સંઘના મુખ્ય મધ્યસ્થ માઇકલ બાર્નિયરે કહ્યું છે કે આ બંને પક્ષોના હિતમાં હશે.તેમણે કહ્યું, ૨૦૨૦ જુલાઈ સુધી આવું કરવું શક્ય નહીં બને અને આ માટે સમયસીમા આગળ વધી શકે છે.જો ત્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ના કરી શકાય તો અમારે બૅક-અપ પ્લાન લાગુ કરવો પડશે.એનો મતલબ એ છે કે યુનાઇટેડ કિંગ્ડમ અને યુરોપીય સંઘને એક જ કરક્ષેત્રના રૂપમાં જોવામાં આવશે જ્યાં સરહદો પર ટૅક્સ લગાવવામાં નહીં આવે.ઉત્તર આયર્લૅન્ડ યુરોપીય સંઘના બજાર નિયમોની અંદર જ રહેશે અને એ પણ જરૂરી છે કે સરહદોને વધારે મુશ્કેલ ના બનાવવામાં આવે.આ મહિનાના અંતમાં આ વિષય પર ૨૭ દેશોના નેતાઓની બેઠક થઈ શકે છે, જ્યાં આ ડ્રાફ્ટ પર ચર્ચા કરવામાં આવશે.આ વિષય પર સહમતિ બન્યા બાદ બ્રેક્સિટની સમજૂતી બ્રિટન અને યુરોપીય સંઘની સંસદમાં રજૂ કરવામાં આવશે.બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેયરનું કહેવું છે કે પ્રસ્તાવિત સમજૂતીથી કોઈ પણ પક્ષને લાભ નહીં થાય.તેમનું માનવું છે કે વર્તમાન વડાં પ્રધાને આ સવાલને ફરીથી દેશની જનતા સામે લાવવો જોઈએ.કન્ઝર્વેટીવ પાર્ટીના એક વરિષ્ઠ સભ્યએ કહ્યું કે ગુરુવારે વર્તમાન વડાં પ્રધાન વિરુદ્ધ વિશ્વાસમત સાબિત કરવાનો પ્રસ્તાવ પણ આવી શકે છે. જોકે, હજી સુધી આ વાતની પુષ્ટિ કરી શકાઈ નથી.જોકે, એવા પણ અહેવાલ છે કે બ્રેક્સિટનો વિરોધ કરનારા અનેક મંત્રીઓ ૧૯૨૨માં બનેલી કમિટીને આ મામલે લખી શકે છે અને થેરેસા મેના રાજીનામાની માગણી કરી શકે છે.આ તરફ થેરેસા મેનું સમર્થન કરનારી ઉત્તર આયર્લૅન્ડની ડેમોક્રેટિક યુનિયન પાર્ટીએ ચેતવણી આપી છે કે જો યુનાઇટેડ કિંગ્ડમના ટુકડા કરવાના પ્રયાસ કરવામાં આવશે તો તેનું પરિણામ ગંભીર હશે.

Related posts

जकार्ता में भूकंप से मरने वालों की संख्या बढ़कर ३० हो गई

aapnugujarat

मैक्सिको सीमा पर 175 मील लंबी दीवार बनाएगा अमेरिका : मार्क एस्पर

aapnugujarat

एलओसी पर जवाबी कार्रवाई के बाद इमरान खान ने बुलाई सुरक्षा बैठक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1