Aapnu Gujarat
ગુજરાત

અમુલે દૂધના ભાવમાં ઘટાડો કરતા પશુપાલકો ચિંતામાં

ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વચ્ચે પશુપાલકો ઘાસચારાની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે ત્યારે અમુલે પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં ફરીથી ઘટાડો કરતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. ભેંસના દૂધમાં પ્રતિકિલો ફેટે રૂ. ૩૦ અને ગાયના દૂધમાં પ્રતિ કિલોએ લગભગ રૂ. ૯નો ઘટાડો કરવામાં આવ્યો છે.
રાજયમાં ચોમાસામાં વરસાદ ઓછો પડતા દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી સરકાર દ્વારા રાજયના અનેક તાલુકાઓમાં અછતની જાહેરાત કરવામાં આવી છે. તેમજ રાહતદરે ઘાસચારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઓછા વરસાદના કારણે ઘાસચારો અને પાણીની સમસ્યાના કારણે કચ્છના અનેક પશુપાલકોએ હિજરત કરી છે. બીજી તરફ તંત્ર દ્વારા પુરતા પ્રમાણમાં ઘાસચારો નહીં મળતા પશુપલાકોની મુશ્કેલી વધી છે. દરમિયાન લાંભ પાંચમના શુભ દિવસે જ પશુપાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અમુલે પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે. હવે ભેંસના દૂધના પ્રતિકિલો ફેટના હવે રૂ. ૫૯૦ ચુકવવામાં આવશે. પહેલા ભેંસના દૂધના રૂ. ૬૧૦ ચુકવવામાં આવતા હતા. આવી જ રીતે ગાયના દૂધના પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂ. ૨૭૭.૩૦ મળતા હતા. પરંતુ હવે નવા ભાવ પ્રમાણે રૂ. ૨૬૮.૨૦ ચૂકવવામાં આવશે. અગાઉ પણ દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારે પશુપાલકોએ નારાજગી વ્યક્ત કરીને ભાવ વધારવા માટે માંગણી કરી હતી.
દુષ્કાળના સમયમાં જ દૂધના ભાવમાં ફરીથી ઘટાડો કરવામાં આવતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે. દૂધ મંડળીના આગેવાનના જણાવ્યા અનુસાર દૂધના ભાવ ઘટાડા માટે તેની આવક જવાબદાર છે. હાલ ૨૮ લાખ લીટર દૂધની અમુલમાં આવક થાય છે. પશુપાલકો માટે રૂ. ૩૦ પૈકી રૂ. ૨૦ બચતમાં રહેશે. પશુપલકોને પ્રતિકિલો ફેટે માત્ર રૂ. ૧૦ જ ઓછા મળશે. અમુલનો ભાવ અન્ય દૂધ સંધ કરતા સૌથી વધારે છે. અન્ય સંઘોના ભાવ રૂ. ૬૦૦ની અંદર છે. આ ઉપરાંત દાનના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Related posts

વડનગર પાસે ગમખ્વાર અકસ્માત

editor

અમદાવાદમાં બેફામ કાર ચાલકે દંપતીને મારી ટક્કર : પતિનું મોત

aapnugujarat

અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાના હોવ તો ૮૫ રૂપિયા વધુ ચૂકવવા પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1