Aapnu Gujarat
Uncategorized

ઉઘરાણી તકરાર : વેપારીને એસિડ પીવડાવતા મોત

રાજકોટના જીયાણા ગામે એક વેપારી યુવકનું રૂ.૨૦ લાખની ઉઘરાણીની તકરારમાં એસિડ પીવડાવી મોત નીપજાવાયાની ઘટના સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. એસિડ પીવાથી વેપારીના મોતમાં પરિવારજનો દ્વારા એસિડ પીવડાવાયું હોવાનો આરોપ લગાવતાં પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બીજીબાજુ, મરનાર વેપારી યુવકે લખેલી સુસાઇડ નોટ મળી આવતાં કે જેમાં જણાવ્યું હતું કે, હું જયેશ રામાણી મને કિશોર ચના રામાણીએ એસિડ પીવડાવ્યું છે. તેથી પોલીસે હવે આ દિશામાં તપાસ વેગવંતી બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર રાજકોટ પંથક સહિત રાજયભરના વેપારીઓમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના સંતકબીર રોડ પરની કબીરવન સોસાયટીમાં રહેતા અને મોરબી રોડ પર ભગવતી હોલ નજીક ચાંદીકામ કરતા જયેશ છગનભાઇ રામાણી (ઉ.વ.૩૫)ને સોમવારે સાંજે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, ફરજ પરના તબીબે જયેશને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. જયેશને તેના પિતા છગનભાઇ નાગજીભાઇ રામાણી હોસ્પિટલે લઇને આવ્યા હતા. છગનભાઇએ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ સમક્ષ જણાવ્યું હતું કે, ચાંદીકામ કરતો જયેશ મોરબી રોડ પરના રામપાર્કમાં રહેતા કિશોર ચના રામાણી પાસે રૂ.૨૦ લાખ માગતો હતો અને તેની ઉઘરાણી કરવા કિશોરના મૂળ ગામ જિયાણા ગયો હતો ત્યારે કિશોરે લેણદાર જયેશને એસિડ પીવડાવી દેતા જયેશનું મોત નીપજ્યું હતું. જ્યારે કિશોર રામાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મેં પાંચ લાખ લીધા છે. સામાપક્ષે રામપાર્કનો કિશોર ચનાભાઇ રામાણી (ઉ.વ.૨૬) પણ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તેણે તેના પર જયેશ રામાણી અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે છરીથી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ મોડિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જયેશ બે ભાઇમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. જયેશની પત્ની સોનલબેન હાલમાં સગર્ભા છે. પરિવારમાં નવા સભ્યનું આગમન થાય તે પૂર્વે જયેશનાં મોતથી ગમગીની છવાઇ ગઇ હતી. જયેશની એસિડ પીવડાવી હત્યા કરાયાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ મોડિયાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં તેઓ પહોંચ્યા ત્યારે જયેશ રામાણી જિયાણામાં કિશોર રામાણીના ઘરમાં ખાટલા પર સૂતો હતો અને તે ચાલીને ૧૦૮માં બેઠો હતો જોકે તે બોલી શકતો નહોતો. પીઆઇ મોડિયાએ ઉમેર્યું હતું કે, જયેશ અને એક અજાણ્યો શખ્સ જિયાણા ગામે કિશોરભાઇ રામાણીના ઘરે પહોંચ્યા હતા.
કિશોર અને તેની પત્ની જલ્પાબેન ચાલીને રૂમ તરફ જતા હતા ત્યારે જયેશે પાછળથી કિશોર રામાણી પર છરીથી હુમલો કર્યો હતો. કિશોર પર હુમલો થતાં તેની પત્ની જલ્પા એક્ટિવા પર કિશોરને સિવિલ હોસ્પિટલે લઇને પહોંચી હતી, જ્યારે હુમલો કર્યા બાદ જયેશે કિશોરના રૂમમાં જઇ રૂમ અંદરથી બંધ કરી દીધો હતો અને એસિડ ગટગટાવી લીધું હતું. જો કે, તપાસમાં એસિડ પીવડાવ્યું કે જાતે પીધુ તે મુદ્દે ખરાઇ અને તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ તે સ્પષ્ટ થઇ જશે. સ્યુસાઇડ નોટના આધારે પણ તપાસ હાથ ધરી પોલીસે આરોપી કિશોર રામાણીની અટકાયત પણ કરી હતી અને તેની પૂછપરછ હાથ ધરી હતી.

Related posts

નરેન્દ્ર મોદી ૨૯-૩૦ જૂન, બે દિવસ ગુજરાતના પ્રવાસે, રાજકોટમાં રોડ શો કરશે

aapnugujarat

ધાનાણીના ઘરે જઇ અનામતના પ્રાઇવેટ બિલની માંગ કરીશું : હાર્દિક

aapnugujarat

બોટાદના પ્રહલાદનગર ગામમાં યુવાનની હત્યા

editor

Leave a Comment

UA-96247877-1