Aapnu Gujarat
બ્લોગ

સત્ય વાત : દાદા – દાદીને શીખ : ન માંગવી પડે ભીખ

ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબ મોટાભાગે આપણને જોવા મળે છે અને સંયુક્ત કુટુંબ સમાજમાં માન-મરતબો પણ ભોગવે છે. દાદા – દાદી હોય એમનો પણ દીકરો હોય અને દાદા – દાદીની એક જ અપેક્ષા હોય કે મારાં દીકરાને એકાદ બાળક થાય તો અમે મરતાં – મરતાં અમે એને જોતાં જઈએ. સવાર – સાંજ પ્રાર્થનામાં ભગવાનને એક જ પ્રાર્થના હોય છે કે, મારો છોકરો સુખી થાય અને એનાં ઘરે જલ્દીથી પારણું બંધાય. એક દિવસ એમની પ્રાર્થના ફળે છે અને દીકરાનાં ઘરે પારણું પણ બંધાય છે. દીકરાનાં દીકરાને જોઈ દાદા – દાદી અત્યંત ખુશ થાય છે અને મજાકમાં કહેતાં હોય છે કે, આ તો મૂડીનું વ્યાજ છે તેમ કહીને પુત્રનાં પુત્રને હાથથી નીચે નથી ઉતરવા દેતાં, ઘડીકમાં દાદાનાં ખોળામાં કે ઘડીક દાદીનાં ખોળામાં. અરે, એટલું જ નહીં રાત્રે પણ બાળકને એનાં માતા-પિતા સાથે નથી સૂવા દેતાં અને દાદા – દાદી પોતાની સાથે ઉંઘાડે છે. ગાદલું ભીનું કરે કે એમણે પહરેલાં કપડાં બગાડે તો પણ દાદા – દાદીને ગુસ્સો નથી ચઢતો પરંતુ લાડ કરીને કહે છે કે, મારાં લાલાએ મારી સાડી ભીની કરી કે મારું ધોતિયું ભીનું કર્યું તેમ હસ્તે મુખે કહીને આનંદ અનુભવે છે. દાદા – દાદી આવા પૌત્રને હુલામણા નામ આપે છે. લાલો, બાલો, બટુક, કનૈયો અને હવે તો અંગ્રેજી નામ પણ આપવા માંડ્યાં છે રોકી, જોકી અને તેનાં નામ લેતાં થાકતાં નથી. ધીરે ધીરે દીકરાનો દીકરો મોટો થાય ત્યારે પાછાં દાદા – દાદીને ઈચ્છા થાય મારાં લાલાને મારે વિદેશ ભણવા મોકલવો છે. વિદેશનાં સપના સેવે, જે કોઈ મહેમાન આવે તેની સાથે એક જ વાત કરે મારો લાલો તો પાયલોટ બનશે, મારો કાનો તો ડૉક્ટર બનશે, મારો રૉકી તો અમેરિકા જશે. આ બધાં સપનાં સાકાર કરવા માટે મનોમન તો દાદા – દાદી નિશ્ચિત કરી લે છે અને નાનો લાડકવાયો ધીરે ધીરે મોટો થાય છે. હાયરસેકન્ડરી પરીક્ષા પાસ કરે છે ત્યારે તો દાદા – દાદી એમનાં પોતાનાં છોકરાને કહે છે મારે તો મારાં લાલાને વિદેશમાં જ ભણાવવો છો. તું અહીંની કોઈ કોલેજમાં દાખલ ના કરીશ અને વિદેશ ભણવા માટે જે કોઈ પૈસાની જરૂર પડે તે અમે અમારાં દાગીના વેચીને કે ઉછીના – પાછીના કરીને આપીશું પરંતુ અમારે અમારાં લાલાને વિદેશ મોકલવો છે.


દાદા – દાદી સગાવ્હાલા પાસેથી ઉછીના વ્યાજે રૂપિયા લઈ લાલાને વિદેશ ભણવા મોકલે છે. હૈયામાં હરખ સમાતો નથી, જે કોઈ મહેમાન આવે એને પહેલી એક જ વાત કરે કે, અમારો લાલો તો વિદેશમાં ભણે છે, આમ કહેતાં મોંઢુ સુકાતું નથી પણ એમને ક્યાં ખબર હતી કે એમનાં દીકરાની વહુ અને લાલાની મમ્મી પેટની અંદર જુદી – જુદી ગાંઠો વાળી રહી છે અને ઝેરનાં પડીકા બાંધી રહી છે. સમય જતાં દીકરાની વહુ એનું અસલ રૂપ બતાવે છે, પોતાનાં પતિનાં અનેક અપલક્ષણો ગણાવે છે જેને ૨૦-૨૦ વર્ષ સુધી જેની સાથે જીવન ગાળ્યું છે, જેનાં દ્વારા એક નહીં બબ્બે દીકરાઓએ જન્મ લીધો છે એ દીકરાની વહુને હવે પતિ ગમતો નથી, સાસુ ગમતી નથી, સસરા ગમતાં નથી અને જુઠા બહાના બતાવી પોતાનાં પિયર જતી રહી છે અને બાપ પણ શેરનાં માથે સવા શેર બની રહે છે. વહુના પિયરમાં પણ બાપની નોકરી જતી રહી છે, ભાઈને નોકરી નથી અને ઘરનું કેવી રીતે પૂરું કરવું તે એક પ્રશ્ન હોય છે તેવા સમયે વિદેશ મોકલેલો લાલો પણ દાદા – દાદી અને પોતાનાં બાપની વિરોધી બની જાય છે અને એ પણ બાપનાં અપલક્ષણો ગણાવવા માંડે છે, જ્યાં સુધી વિદેશ ગયો નહોતો ત્યાં સુધી દાદા – દાદી અને બાપ એનાં વ્હાલા હતાં. દાદા – દાદી કહેતાં મોં સુકાતું નહોતું, એ વિદેશમાં બેઠેલો લાલો દાદા – દાદીને ભૂલી જાય છે, પોતાનાં બાપને ભૂલી જાય છે. અરે, એટલું જ નહીં ફોન ઉપર પણ વાત કરતો નથી અને વિદેશમાં કમાયેલા ડૉલર પોતાની માને મોકલી આપે છે, પોતાનાં નાનાને મોકલી આપે છે. નાના – નાનીને ઘરમાં પૈસાની ખોટ તો હતી જ અને ભાણીયો વિદેશથી ડૉલર મોકલે અને પોતાની દીકરી ઘરમાં રહી માતા-પિતાની સેવા કરે ત્યારે તે મા-બાપને એ યાદ આવતું નથી કે આનાં સાસુ – સસરાએ પોતાનાં જીવનની કમાણી પોતાનાં પૌત્ર માટે ખર્ચી નાંખી છે, એનાં પૈસાનું ઋણ અદા કરવું તો બાજુ પર રહ્યું પરંતુ વાત સુદ્ધાં ના કરે, અવગુણો ગાય અને દાદા – દાદીને રોતાં મુકી દે છે. દાદા – દાદીએ પોતાની નોકરી દરમિયાન બચાવેલાં રૂપિયા વિદેશ ભણવા માટે ખર્ચી નાંખ્યાં હોય છે ત્યારે માથે હાથ મૂકીને રડવાનો દિવસ આવે છે, એટલું જ નહીં સાસુ – સસરા ઉપર વહુ કેસ કરે છે, જે આજે આપણાં દેશમાં એક સામાન્ય ઘટના બની ગઈ છે. મોટી ઉંમરે સાસુ – સસરાને કોર્ટનાં પગથિયાં ચઢાવીને આજની વહુઓ આનંદ અનુભવે છે, ખુશી અનુભવે છે અને દાદા – દાદી કોર્ટનાં પગથિયે બેસી માથું કૂટે છે અને પોતે બતાવેલાં દીકરાનાં દીકરાનો પ્રેમ યાદ કરીને એનો અવાજ સાંભળવા માટે વલખા મારે છે અને બીજીબાજુ છોકરાંના સાસરીયા આ બધું જોઈને હરખાય છે માટે જ કહેવું પડે છે કે પોતાનાં દીકરા જો માતા-પિતાનાં થતાં નથી તો દીકરાનાં દીકરા ક્યાં થવાનાં છે ? માટે આવું કરતાં પહેલાં સો વાર વિચારજો, એટલે તો વર્ષોથી લોકો કહી ગયા છે કે ‘ગરજ ગાંઠે અને વિદ્યા પાઠે’ જ્યાં સુધી સંપત્તિ તમારી પાસે હશે ત્યાં સુધી તમારું માન-સન્માન છે અને આપીને નવરા થયાં તો અપમાન, અપમાન અને અપમાન જ છે.

Related posts

મહાગઠબંધનનો પ્રયાસ : રાહુલને ભ્રમિત કરવાની ચાલ

aapnugujarat

बजट ऐसा कि भारत बदले

editor

કાર્તિ ચિદમ્બરમ : અબ આયા ઉંટ પહાડકે નીચે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1