Aapnu Gujarat
બ્લોગ

કાર્તિ ચિદમ્બરમ : અબ આયા ઉંટ પહાડકે નીચે

એરસેલ-મેક્સિસ ડીલમાં નિયમોના કથિત ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી સોગંદનામામાં આરોપ લગાવ્યો છે કે એરસેલ-મેક્સિસને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ પાસેથી મંજૂરી આપવાના ‘ષડ્યંત્ર’માં પી. ચિદમ્બરમનો હાથ હતો. ઈડીએ કહ્યું કે ષડ્યંત્ર હેઠળ તથ્યોને છુપાવવામાં આવ્યા જેથી આ મામલાને આર્થિક મામલાની કેબિનેટ સમિતિ પાસે ન મોકલવા પડે અને નાણાં મંત્રાલયે જ તેને મંજૂરી આપી દીધી.સોગંદનામામાં તત્કાલિન સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરી સહિત મોટા અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા છે, જે એજન્સી મુજબ “ષડ્યંત્ર”માં સામેલ હતા. ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ તે વાત પર યથાવત છે કે ઇડીની સાથે-સાથે સીબીઆઇ દ્વારા તેમની સામે લગાવવામાં આવેલા આરોપો પાયા વિહોણા છે અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે મોદી સરકાર આમ કરી રહી છે.પોતાના સોગંદનામામાં ઇડીએ કહ્યું કે એરસેલે ૨૦૦૬માં ૩,૫૦૦ કરોડ રુપિયાના પ્રત્યક્ષ વિદેશી રોકાણને લાવવાની પરવાનગી માગી હતી પણ નાણાં મંત્રાલયે આ આંકડાને ઓછા કરીને દર્શાવ્યા. ઇડીના જણાવ્યા પ્રમાણે નાણાં મંત્રાલયે આ મામલાને આર્થિક મામલાની કેબિનેટ સમિતિ પાસે જતા અટકાવ્યા માટે એરસેલને માત્ર ૧૮૦ કરોડ રુપિયાની એફડીઆઇ માટે મંજૂરી માગી છે. તે સમયે લાગુ નિયમો પ્રમાણે ૬૦૦ કરોડ રુપિયા સુધી વિદેશી રોકાણને નાણાં મંત્રી એફઆઇપીબી હેઠળ મંજૂરી આપી શકતા હતા.ઇડીના સોગંદનામામાં તેના તરફથી સુપ્રીમ કોર્ટમાં એરસેલ-મેક્સિસ કેસની તપાસને લઈને દાખલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટનો ભાગ છે. કોર્ટમાં શુક્રવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઇડીએ આરોપ લગાવ્યો છે કે એરસેલને એફઆઇપીબીથી મંજૂરી મળવાના અવેજમાં પૂર્વ નાણાં મંત્રીના દીકરા કાર્તિ ચિદમ્બરમને ૧૧ એપ્રિલ ૨૦૦૬એ ૨૬ લાખ રુપિયા આપ્યા હતા. ઇડીએ જુલાઈ ૨૦૧૬થી ઓક્ટોબર ૨૦૧૬ વચ્ચેની એફઆઇપીબીના અધિકારીઓની પૂછપરછનો પહેલો તબક્કો પૂર્ણ કર્યો હતો. એફઆઇપીબીના તત્કાલિન અંડર સેક્રેટરી રામ શરણ અને ડેપ્યુટી સેક્રેટરી દીપક સિંહની ઈડીએ ઊંડી પૂછપરછ કરી હતી અને તેમના નિવેદનો નોંધ્યાં હતાં. પુર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ આસપાસ ઈડી અને આવકવેરા વિભાગ સહિતની કેન્દ્રીય એજન્સીઓનો ગાળીયો મજબૂત બની રહ્યા છે અને પી.ચિદમ્બરમના સતાકાળનો તેમના પુત્રએ ભરપુર ઉપયોગ કરીને દેશ-વિદેશમાં ક્ધસલ્ટન્સીના નામે જંગી કમાણી કરીને મિલ્કતો પણ વસાવી લીધી હોવાનું જાહેર થયું છે. શ્રી પી.ચિદમ્બરમ જયારે નાણામંત્રી હતા તે સમયે લગભગ ૧૨થી વધુ નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓએ કાર્તિની ક્ધસલ્ટીંગ ફર્મ એસ મેનેજમેન્ટ સર્વિસ પ્રા.લી.ની ‘સેવા’ લીધી હતી. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ આ કંપનીઓમાં ડીઆગો-બ્રીટન (માલ્યા ફેઈમ) આદિત્ય બિરલા ગ્રુપ- આઈએનએકસ- મીડીયા- એરસેરલ- મેકસીસનો પણ સમાવેશ ચાલુ છે. હવે કાર્તિકની બે કંપનીઓના નાણાંકીય સહિતના વ્યવહારોની ચકાસણી થઈ રહી છે. તેઓએ પોતાની પ્રોડકટસ કઈ રીતે વેચવી તે માટે કાર્તિની સલાહ લીધી હતી.સીનીયર અધિકારીઓના જણાવ્યા મુજબ નાણામંત્રી તરીકે શ્રી પી.ચિદમ્બરમ પાસે એક મર્યાદા સુધીના સીધા વિદેશી મૂડીરોકાણની મંજુરીની છૂટ હતી અને માનવામાં આવે છે કે કાર્તિએ તેની સેવા લેનાર કંપનીઓના માટે નાણામંત્રાલયમાં સરળતા કરી દેવા તેના પિતાની વગનો ઉપયોગ કર્યો હતો અને ચિદમ્બરમના નિર્ણયોમાં પણ તેનો પ્રભાવ હતો.સીબીઆઈએ આખરે કોંગ્રેસનાં નેતા કાર્તિ ચિદમ્બરમને ઉઠાવીને જેલભેગો કરી દીધો. કાર્તિ સામે આમ તો લાંબા સમયથી આક્ષેપો થતા જ હતા ને તેના જાકુબીના ધંધાની વાતો બહાર આવતી જ હતી, પણ ગયા વર્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ’ હેઠળ કેસ નોંધ્યો પછી એ ગમે ત્યારે અંદર થઈ જશે એ નક્કી જ હતું. કાર્તિ ચિદમ્બરમ કૉંગ્રેસના ધૂરંધર નેતા ને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરનો દીકરો પણ છે ને પોતે પણ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડેલો પણ ભૂંડી રીતે હારી ગયેલો. એ રીતે એ પોતે પણ સક્રિય રાજકારણી છે જ પણ તેની વધારે ઓળખ તેના બાપના કારણે છે, કેમ કે તેણે અત્યાર લગી બાપના નામે ચરી ખાધું છે.ચિદમ્બરમ કોંગ્રેસનાં મોટા નેતા ગણાય છે તેથી તેમના દીકરા પર હાથ નાખવા જતાં બબાલ થઈ જશે એ ડરે સીબીઆઈ અત્યાર લગી તેને હાથ નહોતી અડાડતી. સીબીઆઈ તેને સમન્સ ને એવું મોકલતી પણ કાર્તિ પોતાના બાપના કારણે તોરમાં હતો તેથી સીબીઆઈને ઘોળીને પી ગયેલો. સીબીઆઈ પોતાનું કશું તોડી શકવાની નથી એવા તોરમાં જ એ હતો એટલે વારંવારનાં સમન્સ છતાં હાજર નહોતો થતો. એ વિદેશમાં ઉડાઉડ કર્યા કરતો પણ દિલ્હીમાં સીબીઆઈ સામે હાજર થવાનો તેને સમય નહોતો મળતો તેથી સરકારમાં બેઠેલા લોકો પણ અકળાયેલા.સીબીઆઈએ એવી પણ શંકા વ્યક્ત કરેલી કે, કાર્તિ દેશ છોડીને છૂ થઈ જશે ને વિદેશની બેંકોમાં હરામની જે કમાણી જમા કરાવી છે એ બધી સગેવગે કરી નાખશે તેથી એ ભાગી ના જાય એટલે તેની સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરાયેલી ને તમામ એરપોર્ટને સાબદાં કરાયેલાં. કાર્તિ પણ કાચો ખેલાડી નથી, તેથી એ હાઈકોર્ટમાંથી ઓર્ડર લઈ આવ્યો ને વિદેશ જવાની મંજૂરી મેળવી લાવ્યો. આ મંજૂરીના આધારે એ ૧૬ ફેબ્રુઆરીએ પાછો વિદેશ ઉપડી ગયેલો. કાર્તિ તપાસમાં પહેલેથી સહકાર જ નહોતો આપતો ને તેમાં આ નવાં નાટક શરૂ કર્યાં તેથી સરકારે સીબીઆઈને ગાળિયો કસવા ફરમાન કર્યું ને તેના કારણે બુધવારે સવારે કાર્તિ જેવો લંડનથી ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યો કે તરત તેને ઉઠાવી લેવાયો.કૉંગ્રેસે કાર્તિને અંદર કરાયો તે સામે કકળાટ કરી મૂક્યો છે ને ભાજપ સરકાર નીરવ મોદીના કૌભાંડ પરથી ધ્યાન હટાવવા આ બધા ઉધામા કરી રહી છે તેવા આક્ષેપ કરી નાંખ્યા છે. મોદી સરકાર રાજકીય કિન્નાખોરી રાખીને કાર્તિને પરેશાન કરી રહી છે તેવા આક્ષેપ કૉંગ્રેસે પહેલાં પણ કરેલા ને હવે કાર્તિને અંદર કરી દેવાયો ત્યારે તેમણે ફરી એ જ રેકર્ડ વગાડી છે. કૉંગ્રેસે બીજા પણ આક્ષેપો કર્યા છે ને તેની વાત કરવા જેવી નથી કેમ કે આ આક્ષેપોમાં કશો ભલીવાર નથી પણ આ આક્ષેપો દ્વારા કૉંગ્રેસે પોતાની માનસિકતા ફરી છતી કરી છે.કાર્તિ ચિદમ્બરમ સામેનો કેસ બહુ જૂનો છે. કાર્તિના પિતા પી. ચિદમ્બરમ કેન્દ્રીય નાણાં પ્રધાન હતા એ વખતે કાર્તિએ બહુ ખેલ કરેલા. આ બધા ખેલ તો બહાર ના જ આવે પણ મુંબઈની આઈએનએક્સ મીડિયાને ખટાવવા તેણે જે કાંડ કર્યો તેનું પાપ છાપરે ચડીને પોકાર્યું. તેમાં એ ભેરવાયો. આઈએનએકસ મીડિયા હમણાં જેલની હવા ખાઈ રહેલા પીટર મુખરજી અને ઈન્દ્રાણી મુખરજીની છે. ઈન્દ્રાણીની દીકરી શીના બોરાનું કાસળ કાઢી નાંખવાના અપરાધમાં બંને જેલની હવા ખાઈ રહ્યાં છે. આમ તો આ કેસ જ પીટર ને ઈન્દ્રાણી ક્યા પ્રકારનાં માણસ છે તે સમજાવવા માટે પૂરતો છે પણ કાર્તિ સાથે મળીને તેમણે કેવો ખેલ કરેલો તે સમજવા પીટર ને ઈન્દ્રાણીની કુંડળીને સમજવી જરૂરી છે.પીટર મુખરજીનું મૂળ નામ તો પ્રિતમ છે પણ એ બ્રિટનમાં જન્મેલો એટલે પ્રિતમમાંથી પીટર બની ગયો. પીટર એક જમાનામાં સ્ટાર ટીવીનો ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સીઈઓ) હતો. આજે સ્ટાર ટીવી દેશની ટોચની એન્ટરટેઈનમેન્ટ ચેનલોમાં એક છે ને સ્ટારને એ લેવલે પહોંચાડવામાં પીટરનું મોટું યોગદાન છે. પીટર બહુ ખેલાડી માણસ છે ને તેણે બારે કોઠાંકબાડાં કરીને જમાવટ કરેલી. સ્ટાર નેટવર્કની અત્યારે ઢગલો ચેનલો છે પણ એક જમાનામાં સ્ટાર ભારતમાં અંગ્રેજી કાર્યક્રમો જ આપતું. એ વખતે સુભાષચંદ્રાની ઝી ટીવીની બોલબાલા હતી.સ્ટાર નેટવર્ક ઓસ્ટ્રેલિયાના મીડિયા મોગલ રૂપર્ટ મરડોકનું છે. મરડોકે ઝી ટીવી સાથે કરાર કરેલા તેના કારણે ઝી ટીવીનાં હિન્દી કાર્યક્રમો સ્ટાર પર આવે ને સ્ટારના અંગ્રેજી કાર્યક્રમો ઝી પર આવે તેવી ગોઠવણ કરાયેલી. બદલામાં સ્ટારે હિન્દી ચેનલ ના લાવવી ને ઝી અંગ્રેજી ચેનલ ના લાવે તેવી ગોઠવણ થઈ હતી. એ વખતે ભારતમાં સેટેલાઈટ ચેનલો નવીસવી હતી ને શરૂઆતમાં ઝીની મોનોપોલી હતી. તેથી મરડોકે તેનો ફાયદો લેવા આ કરાર કરેલા પણ મરડોક માટે આ સોદો લાખના બાર હજાર કરવાનો સાબિત થયો. ઝી એ વખતે બનેગી અપની બાત ને તારા ને એવા એકદમ હોટ કાર્યક્રમો બતાવતું. તેથી તેનો આગવો ચાહક વર્ગ હતો પણ સ્ટારના અંગ્રેજી કાર્યક્રમોમાં લોકોને ઝાઝો રસ નહોતો પડતો કેમ કે એ બધા ભારતીય ઓડિયન્સ માટે નહોતા બનેલા. બાકી હતું તે સોની ચેનલની એન્ટ્રી થઈ ને તેમાં સ્ટાર સાવ ગગડી ગયું. ઝી સાથે સ્ટારના ચાર વરસ લગી કરાર રહ્યા ને તેમાં સ્ટારના પચાસ કરોડ ડોલરનું આંધણ થયું પછી મરડોકને અક્કલ આવી કે આમાં તો આપણે મૂરખ બની ગયા છીએ. મરડોક માટે પચાસ કરોડ રૂપિયાની રકમ ચણામમરા જેવી છે ને એટલા ઓછા થાય તો કાનખજૂરાનો એક પગ તૂટે તોય શું જેવું ગણાય, પણ મરડોકને સ્ટારને ભારતમાં નંબર વન ચેનલ બનાવવાના ઓરતા હતા તે અધૂરા રહી ગયા. મરડોકે ચાર વર્ષ લગી બેવકૂફ બન્યા પછી ઝી સાથે ફારગતિ લીધી ને પોતાનું નેટવર્ક ઉભું કરવાનું નક્કી કર્યું. મરડોક એ વખતે બે ભેજાબાજોને પકડી લાવેલો. એક સમીર નાયરને બીજો પીટર મુખરજી. સમીર નાયરે એકતા કપૂરને પકડીને ક્યું કિ સાસ ભી કભી બહુ થી ટાઈપની સીરિયલો બનાવડાવી ને અમિતાભ બચ્ચનને ઉતારીને કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમ બનાવડાવ્યો. અમિતાભનો શો જોવા લોકો બેસે પછી તરત જ આવતી એકતાની સીરિયલ જુએ જ તેવી સ્ટ્રેટેજી સમીરે અપનાવી ને પીટરે અમિતાભના નામે જાહેરખબરોના ઢગ ખડક્યા ને તેમાં સ્ટાર ટીવી તરી ગઈ.પીટર મુખરજીએ એ રીતે સ્ટારની જમાવટ કરી નાખી ને સાથે સાથે પોતે પણ માલદાર બની ગયો. પીટરને એ પછી સ્ટાર જેવું પોતાનું નેટવર્ક ઉભું કરવાના અભરખા જાગ્યા ને એ માટે તેણે આઈએનએક્સ મીડિયા નામે કંપની બનાવી. આ કંપનીના નેજા હેઠળ તેણે કાર્યક્રમો બનાવીને બીજી ચેનલોને આપવા માંડ્યા. સાથે સાથે પોતાની પણ થોડીક ચેનલો બનાવી. પીટર સ્ટારના કારણે વિદેશમાં કનેક્શન ધરાવતો હતો તેથી તેનો મુખ્ય ઉદ્દેશ તો કાળાં-ધોળાં કરવાનો હતો. તેના માટે વિદેશમાંથી નાણાં ખેચી લાવવાં અઘરાં નહોતાં ને એ બહાને તે આ બધી ઘાલમેલ કરી શકે તેમ હતો પણ સરકારી નિયમો નડતા હતા. પીટર ખેલાડી હતો તેથી તેણે બીજી પચપચમાં પડ્યા વિના સીધું થડને પકડ્યું ને કાર્તિને ઝાલ્યો. વિદેશથી ભંડોળ લાવવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી) ની મંજૂરી જોઈએ. કાર્તિએ પપ્પાને કહીને એ મંજૂરી અપાવી દીધી ને તેના બદલામાં ૩૦૦ કરોડ રૂપિયા તેને અપાયા એવું કહેવાય છે.

Related posts

પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબ્બાર્ડ લડશે અમેરિકી પ્રમુખ પદની ચૂંટણી

aapnugujarat

चलिये, मानसूनी मौसम में “ममता चाय” की चुस्कियां लेते है, आमार बंग्ला..!

aapnugujarat

વિજય માલ્યાને ભારત લાવવાનો માર્ગ મોકળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1