વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકીઓના ટાર્ગેટ પર છે. મધ્યપ્રદેશના સતના જિલ્લા નિવાસી કુશલ સોની નામના શખ્શને અજાણ્યા નંબર ઉપરથી વિદેશથી કોલ આવ્યો હતો, જેમાં આગામી ૨૫ મેના રોજ મુંબઈમાં યોજનારી રેલી દરમિયાન પીએમ મોદીને બોમ્બથી ઉડાવી દેવા માટે રુપિયા ૫૦ કરોડની ઓફર આપવામાં આવી છે. કુશલ સોનીએ આ મામલે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી છે. જેના પર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની સાઈબર સેલ ટીમ પણ તપાસમાં લાગી ગઈ છે.ફોન કરનાર શખ્સે કહ્યું કે, ૨૫મેના રોજ મુંબઈમાં યોજાનારી રેલીમાં પીએમ મોદીને બોમ્બથી ઉડાવવાનો પ્લાન છે.
આ ઘટનાને અંજામ આપવા માટે બે માણસો તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં ફોન કરનાર શખ્સે કુશલ સોનીને પણ આ ઘટનાને અંજામ આપવામાં સામેલ થવા જણાવ્યું હતું. જોકે કોલ કરનાર શખ્સે તેની ઓળખાણ આપી ન હતી.
મળતી માહિતી મુજબ કુશલ સોનીને પહેલા તો એવુ લાગ્યું કે, કોઈએ મજાક કરી છે. પરંતુ તેણે જ્યારે મોબાઈલ નંબર જોયો તો તેના હોંશ ઉડી ગયા. આ નંબરનો કોડ પાકિસ્તાનનો હોવાનું જાણવા મળ્યું છે. કુશલે આ અંગેની લેખિત ફરિયાદ પોલીસમાં નોંધાવી છે અને વાતચીતનો ઓડિયો પણ પોલીસને સોંપ્યો છે.