Aapnu Gujarat
બ્લોગ

પ્રાદેશિક પક્ષો માટે કોંગ્રેસનો સાથ અનિવાર્ય

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણીની જાહેરાત સાથે આરંભાયેલી પ્રક્રિયા ૧૧ ડિસેમ્બરે મતગણતરી સાથે પુરી થઇ જશે.જો કે ત્યારબાદ ૨૦૧૯ની સામાન્ય ચુંટણીઓની પ્રક્રિયાનો આરંભ થશે.હાલમાં જે પાંચ રાજ્યોની ચુંટણીઓ જાહેર થઇ છે તેમાં કુલ ૬૮૦ વિધાનસભા બેઠકો છે જેમાં ૨૦૧૩માં ભાજપને ૩૮૨, કોંગ્રેસને ૧૬૯, ટીઆરએસને ૮૨, બીએસપીને ૮ અને મિજો નેશનલ ફ્રંટને પાંચ બેઠકો મળી હતી.આમ આ લડાઇ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે હોવાનું જ જણાઇ આવે છે.જો કે તેલંગાણામાં જે રીતે ટીઆરએસે પોતાની મહત્તા પુરવાર કરી હતી તે જોતા ૨૦૧૯માં પણ તે ભાજપ અને કોંગ્રેસ માટે પડકાર બનશે તે સ્વાભાવિક છે.ટીઆરએસનાં પ્રમુખ એન ચંદ્રશેખર રાવ બિન ભાજપ – કોંગ્રેસ મોરચાની હિમાયત કરી રહ્યાં છે.આ પાંચ રાજ્યોની ચુંટણીઓને ૨૦૧૯ની ચુંટણીનાં ટ્રેલર તરીકે માનવામાં આવે છે મતદારો હાલમાં કોને પોતાના માટે યોગ્ય માની રહ્યાં છે તેનો અંદાજો આ ચુંટણીઓમાં આવી જશે.લોકસભાની કુલ ૮૩ બેઠકો આ રાજયોમાં છે જેમાં ૨૦૧૪માં ભાજપને ૬૩, કોંગ્રેસને ૬ અને ટીઆરએસને ૧૧ બેઠકો મળી હતી.હાલમાં કોંગ્રેસ પાસે ૯ અને ભાજપ પાસે ૬૦ બેઠકો છે.ત્રણ પેટા ચુંટણીઓમાં કોંગ્રેસને વિજય મળ્યો હતો.જો ભાજપને લોકસભામાં પોતાનું વર્ચસ્વ પુરવાર કરવું હોય તો તેમને ૨૦૧૩નાં ઇતિહાસને દોહરાવવો પડશે.તે માટે તેમને મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું પડશે અને તેલંગાણા તથા મિજોરમમાં પોતાના પ્રદર્શનને યોગ્ય બનાવવું પડશે.જો કોંગ્રેસને દેશનાં રાજકારણમાં પુનઃ પ્રવેશ મેળવવો હોય તો મધ્યપ્રદેશ, છત્તીસ ગઢ અને રાજસ્થાનમાં પોતાની સ્થિતિને વધારે મજબૂત કરવી પડશે.રાષ્ટ્રીય રાજનીતિની દૃષ્ટિએ પણ આ રાજ્યો વધારે મહત્વપુર્ણ છે.
રાજસ્થાનમાં ૨૦૧૩માં કોંગ્રેસની સરકાર હતી જેનું નેતૃત્વ અશોક ગેહલોતે સંભાળ્યું હતું.જો કે ત્યારે ગુજરાતમાંથી બહાર નિકળેલા મોદી તરફ લોકોને આકર્ષણ હતું.ભાજપને રેકોર્ડ ૧૬૩ બેઠકો મળી હતી.કોંગ્રેસ ૨૧ બેઠકો સુધી સમેટાઇ ગઇ હતી.ભાજપને ૪૫.૧૭ ટકા અને કોંગ્રેસને ૩૩.૦૭ ટકા મત મળ્યા હતા.બંને પક્ષો વચ્ચે ૧૨ ટકાનો વિશાળ તફાવત હતો.મધ્યપ્રદેશમાં ભાજપને ૧૬૫, કોંગ્રેસને ૫૮ અને બહુજન સમાજ પક્ષને ૪ તથા અપક્ષોને ૩ બેઠકો મળી હતી.બીજેપીને ૪૪.૮૮ ટકા, કોંગ્રેસને ૩૬.૩૮ ટકા મત મળ્યા હતા.બીએસપીને ૬.૨૯ ટકા મત મળ્યા હતા.બંને પક્ષો વચ્ચે આઠ ટકા મતોનો તફાવત હતો.છત્તીસગઢમાં ભાજપને ૪૯, કોંગ્રેસને ૩૯, બીએસપીને ૧ તથા અપક્ષોને ૧ બેઠક મળી હતી.ભાજપને ૪૧.૦૪ ટકા, કોંગ્રેસને ૪૦.૨૯ ટકા, બીએસપીને ૪.૨૭ ટકા મત મળ્યા હતા.બંને પક્ષો વચ્ચે અહી માત્ર ૦.૭૫ ટકા મતોનો તફાવત હતો જેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે.તેલંગાણામાં ૧૨૦ બેઠકોમાંથી ટીઆરએસને ૬૩, કોંગ્રેસને ૧૭, એઆઇએમઆઇએમને ૭, ટીડીપીને ૧૨, ભાજપને પાંચ, વાયએસઆરને ૩, બીએસપીને બે, અન્યોને ૨, સપીઆઇને ૧, સીપીએમને ૧ બેઠક મળી હતી પણ ઓગણીસ અપક્ષો ટીઆરએસમાં સામેલ થતાં તેમની સંખ્યા ૮૨ થઇ ગઇ હતી.મિજોરમમાં કોંગ્રેસને ૩૪, મિજો નેશનલ ફ્રંટને પાંચ તથા મિજોરમ પીપલ્સ કોંફ્રંસને એક બેઠક મળી હતી.કોંગ્રેસને ૪૪.૬૩, મિજો નેશનલ ફ્રંટને ૨૮.૬૫, ભાજપને ૦.૩૭, એમપીસીને ૬.૧૫ તથા જેડએનપીને ૧૭.૪૨ ટકા મત મળ્યા હતા.હવે લોકસભાની ચુંટણી પર નજર નાંખીએ તો છત્તીસગઢમાં બીજેપીને ૪૮.૯૦ ટકા તથા કોંગ્રેસને ૩૮.૪૦ ટકા મત મળ્યા હતા એટલે કે વિધાનસભા ચુંટણીમાં જે તફાવત એક ટકા હતો જે લોકસભામાં વધીને દસ ટકા કરતા વધારે થઇ ગયો હતો.મધ્યપ્રદેશમાં બીજેપીને ૫૪ ટકા અને કોંગ્રેસને ૩૪.૯૦ ટકા મત મળ્યા હતા એટલે કે ૧૯ ટકાનો તફાવત હતો.રાજસ્થાનમાં બીજેપીને ૫૦.૯૦ ટકા અને કોંગ્રેસને ૩૦.૪૦ ટકા મત મળ્યા હતા અહી તફાવત ૨૦.૫૦ ટકા હતો.તેલંગાણામાં ટીઆરએસને ૩૩.૯ ટકા, કોંગ્રેસને ૨૦.૫, બીજેપીને ૮.૫ અને ટીડીપીને ૩.૧ ટકા મત મળ્યા હતા.આમ લોકસભામાં પણ કોંગ્રેસ કરતા ટીઆરએસ બહુમતિથી આગળ હતી.
૨૦૧૩માં જ્યારે પરિણામ બાદ સર્વે થયો ત્યારે લોકોએ જણાવ્યું હતું કે તેમણે કેન્દ્રમાં સરકારે કરેલા કાર્યોને નજરમાં રાખ્યા હતા.હાલમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર નથી અને ત્રણ સ્થળે પક્ષ એકજુથ છે.કેન્દ્ર અને પ્રાદેશિક સ્તરે સરકાર ભાજપની છે ત્યારે તેમના દ્વારા કરાયેલા કાર્યોની સમીક્ષા થવાની છે.છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ લાંબા સમયથી સત્તામાં છે એટલે કેટલાક લોકો પરિવર્તનની ચાહ ધરાવનારા પણ હશે એટલે લોકોની એ ભાવનાનો કોંગ્રેસને લાભ થવાની શક્યતા છે.જો કે છત્તીસગઢમાં બીએસપીએ કોંગ્રેસને સાથ છોડવાની જાહેરાત કરતા કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઇ છે.મધ્યપ્રદેશમાં પણ બીએસપીએ અલગ લડવાની જાહેરાત કરી છે અને રાજસ્થાનમાં પણ અલગ મોર્ચો બનાવવાની કવાયત ચાલી રહી છે.મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ ત્યારે જ લાભની સ્થિતિમાં આવી શકે છે જ્યારે લોકોમાં ભાજપની વિરૂદ્ધ લહેર જાગે જો તેમ ન થાય તો કોંગ્રેસ માટે મોર્ચો પડકારરૂપ સાબિત થવાની શક્યતા છે.આ રાજ્યોમાં ભાજપની સામે કોઇ મહાગઠબંધન નહી હોવાને કારણે તેને રાહત છે પણ આ વખતે તેને ત્રણેય રાજ્યોમાં ઉત્તમ પ્રદર્શન કરવું પડે તેમ છે.જો અહી પરિણામો તેમની વિરૂદ્ધ જશે તો ૨૦૧૯માં કોંગ્રેસ નવા ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરશે.
૨૦૧૯માં પ્રાદેશિક પક્ષો કોઇપણ ભોગે ભાજપને હરાવવા માંગે છે પણ તેઓ કોંગ્રેસને મજબૂત કરવા માટે તૈયાર નથી.આ કારણે જ રાફેલ ડીલથી માંડીને પેટ્રોલ ડીઝલનાં ભાવો મામલે જ્યારે પણ કોંગ્રેસે ભાજપ વિરૂદ્ધ મોર્ચો માંડ્યો ત્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોએ તેમને સાથ આપ્યો ન હતો.તેના કારણે કોંગ્રેસ એ શક્તિપ્રદર્શન કરી શકી ન હતી જેટલી તેને આશા હતી.
પ્રાદેશિક પક્ષો માટે જેટલો ખતરો ભાજપ છે તેટલો જ ખતરો કોંગ્રેસ પણ છે.જો કોંગ્રેસ મજબૂત થાય તો પ્રાદેશિક પક્ષોનું અસ્તિત્વ જોખમમાં આવી જાય તેમ છે કારણકે ત્યારે સંઘર્ષ માત્ર કોંગ્રેસ અને ભાજપની વચ્ચે જ રહે તેમ છે.૯૦નાં દાયકામાં જ્યારે રામમંદિર અને મંડલ આંદોલન તેજ બન્યા ત્યારે દેશનાં રાજકીય પરિદૃશ્યમાં પરિવર્તન આવ્યું હતું જેમાં કેટલાક પ્રાદેશિક પક્ષોને લાભ મળ્યો હતો.ત્યારે કોંગ્રેસનાં ભોગે જ આ પ્રાદેશિક પક્ષો મજબૂત બન્યા હતા.જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં પ્રાદેશિક પક્ષો ક્યારેય મજબૂત થયા નથી.આથી જ પ્રાદેશિક પક્ષો ભાજપને હરાવવા માંગે છે પણ તેઓ કોંગ્રેસને ફરીથી મજબૂત બનાવવા તૈયાર નથી.દેશનાં સૌથી મોટા રાજ્ય ગણાતા ઉત્તરપ્રદેશમાં એક સમયે કોંગ્રેસનો દબદબો હતો પણ જ્યારે તે હાંસિયામાં ધકેલાઇ ત્યારે જ સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષનો ઉભાર થયો હતો.પરિણામે મુલાયમસિંહે કોંગ્રેસથી અંતર જાળવ્યું હતું.૨૦૧૭માં જ્યારે અખિલેશે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા ત્યારે મુલાયમે તેનો વિરોધ કર્યો હતો.બિહારમાં જ્યારે કોંગ્રેસ દબદબો ખોઇ બેઠી ત્યારે જ લાલુ પ્રસાદ યાદવ પ્રભાવશાળી સાબિત થયા હતા.મહારાષ્ટ્રમાં એનસીપી ત્યારે જ મજબૂત થઇ જ્યારે કોંગ્રેસે તેનો જનાધાર ગુમાવ્યો હતો.પ.બંગાળમાં પણ ટીએમસીની પણ એ જ પરિસ્થિતિ છે.આંધ્ર અને તેલંગાણામાં ટીઆરએસ ત્યારે જ મજબૂત બની જ્યારે કોંગ્રેસ નબળી પડી હતી.આસામ કોંગ્રેસનાં હાથમાંથી સરકી ગયુ કારણકે ત્યાં એઆઇયુડીએફે તેની જ મતબેંક પર કબજો જમાવ્યો હતો.આથી આ રાજકીય પક્ષોને જેટલો ખતરો મોદીનો છે તેટલો જ ખતરો કોંગ્રેસથી પણ છે.
૨૦૧૪માં મોદીનાં કરિશ્માઇ નેતૃત્વને કારણે લોકસભામાં ભાજપનો વિજય થયો હતો એટલું જ નહી ત્યારબાદ વિધાનસભાની ચુંટણીમાં પણ ભાજપનો દેખાવ જોરદાર રહ્યો હતો.જ્યાં એક સમયે તેમનો જનાધાર ના બરાબર હતો તે પુર્વોત્તરમાં પણ તેમને સફળતા પ્રાપ્ત થઇ હતી.આથી જે બિન એનડીએ પક્ષો છે તેમને હાલમાં એ ચિંતા સતાવી રહી છે કે જો ૨૦૧૯માં મોદીને વિજય મળ્યો તો ત્યારબાદ તેમનાં માટે વિધાનસભા ચુંટણીમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું મુશ્કેલ બની જશે.આથી આ પક્ષો મોદીની લહેરને ખાળવા માંગે છે.એ ત્યારે જ શક્ય બને તેમ છે જ્યારે ૨૦૧૯માં મોદી સત્તાથી દુર થાય.આ કાર્ય માટે તેમને કોઇ એવા રાજકીય પક્ષની જરૂર છે જે રાષ્ટ્રીય કક્ષાએ મજબૂત હોય.આ કાર્ય માત્ર કોંગ્રેસ કરી શકે છે.આથી પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને માત્ર મોદી સત્તાથી દુર રહે તે માટે જ સહકાર આપવા તૈયાર છે આ કારણે જ કોંગ્રેસે પોતાના વડાપ્રધાનપદનાં ઉમેદવારની જાહેરાત કરી નથી.રાહુલ કહી ચુક્યા છે કે તેઓ પહેલા તો મોદીને સત્તાથી દુર કરવા માંગે છે ચુંટણી બાદ વડાપ્રધાન કોણ બનશે તે ગઠબંધનનાં પક્ષો નેતા નક્કી કરશે.પ્રાદેશિક પક્ષો પણ તમામ વિકલ્પ ખુલ્લા રાખવા માંગે છે.કોંગ્રેસ હાલમાં પરિસ્થિતિની સંવેદનશીલતાને સમજી ચુકી છે અને તેણે એ રીતે સમાધાનકારી વલણ અપનાવી લીધું છે.કર્ણાટકમાં જેડીએસની બેઠકો કોંગ્રેસ કરતા ઓછી હતી પણ તેમ છતાં ત્યાં કોંગ્રેસે તેમનાં મુખ્યમંત્રીનો સ્વીકાર કર્યો હતો.તેમનાં માટે પણ ૨૦૧૯ની ચુંટણી મહત્વપુર્ણ છે.જો આ ચુંટણીમાં તેમને સફળતા નહી મળે તો કોંગ્રેસ માટે આગામી સમય કપરોકાળ સાબિત થાય તેમ છે.પરિણામે તે પ્રાદેશિક પક્ષોને પોતાની સાથે રાખવા માંગે છે આ માટે તે તેમની તમામ શરતો મંજુર કરી રહી છે.એક વખત તેઓ મજબૂત બનશે તો આ જ પ્રાદેશિક પક્ષો તેમનાં નેતૃત્વનો સ્વીકાર કરવા માટે મજબૂર બની જશે કારણકે ત્યારે તેઓ કોંગ્રેસનાં સહકાર વડે જ પોતાનું અસ્તિત્વ બચાવી શકશે.કોંગ્રેસ કોઇપણ ભોગે કેન્દ્રમાં પોતાનું વર્ચસ્વ પુનઃ પ્રાપ્ત કરવા માંગે છે હાલમાં મોદી સરકાર સામે ઘણાં રાજ્યોમાં અસંતોષનું વાતાવરણ છે.ગુજરાતમાં ભલે ભાજપે જીત મેળવી હતી પણ તેઓ કોંગ્રેસને મજબૂત થતી રોકી શક્યા ન હતા.તેમાંય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસ ગઢમાં ભાજપની સરકારો સામે જે તે સમુદાયમાં ભારે અસંતોષ છે જેનો કોંગ્રેસ લાભ ઉઠાવવા માંગે છે અને તે કારણે જ તે પ્રાદેશિક પક્ષોને હાલ સાથ આપી રહી છે.ઉત્તર પ્રદેશમાં યોગીએ સત્તા મેળવી છે પણ ત્યાં જે રીતે સરકાર સામે વિરોધ વધી રહ્યો છે તેમાં કોંગ્રેસને વધારે લાભ દેખાઇ રહ્યો છે અહી બસપા અને સપા બંને પોતના અસ્તિત્વને બચાવવા માટે સંઘર્ષ કરતાં નજરે પડે છે.૨૦૧૯ની ચુંટણીઓ પહેલા થનાર વિધાનસભાની ચુંટણીઓમાં આ કારણે જ પોતાને મજબૂત બનાવવા માંગે છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

શિક્ષિકાથી રાજ્યપાલ પદ સુધી આનંદીબહેનની સફર

aapnugujarat

વિપક્ષની ભૂમિકા ભજવવા ભાજપનો ઈતિહાસ વાંચે ધાનાણી….!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1