Aapnu Gujarat
બ્લોગ

વ્યભિચારને ગુનો માનવોનો સુપ્રીમનો ઇન્કાર

સુપ્રીમ કોર્ટે વ્યભિચાર (એડલ્ટ્રી)ને ગુનો ગણાવતા કાયદાની જોગવાઈને ગેરબંધારણીય ગણાવ્યું છે.મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર, જસ્ટિસ આર એફ નરીમન, જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા, અને જસ્ટિસ ચંદ્રચુડે પોતાના ચુકાદમાં જણાવ્યું છે કે, વ્યભિચાર સંબધિત ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૭ બંધારણ વિરુદ્ધ છે.મુખ્ય ન્યાયાધીશ મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરે કહ્યું,અમે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૭ અને ગુનાહિત દંડ સંહિતાની કલમ ૧૯૮ને ગેરબંધારણીય ગણાવીએ છીએ.જસ્ટિસ નરીમને કહ્યું કે આ કાયદો સમાનતાના અધિકાર અને મહિલાઓને એકસમાન અધિકારોની જોગવાઈનું ઉલ્લંઘન છે.આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે વ્યભિચાર છુટાછેડા માટેનો આધાર બની શકે છે, પરંતુ ગુનો નહીં.સ્ત્રીના દેહ પર તેનો પોતાનો અધિકાર છે. તેની સાથે બાંધછોડ ન કરી શકાય.
આ પિતૃસત્તાત્મક સમાજનું પરિણામ છે.આ તેનો અધિકાર છે. તેને આ માટે કોઈ પ્રકારની શરતોમાં ન બાંધી શકાય.પવિત્રતા માત્ર મહિલાઓ માટે જ નથી અને તે સમાન રૂપે પતિઓને પણ લાગુ પડે છે.ઇટાલીમાં રહેતા બિન નિવાસી ભારતીય જોસેફ શાઇને વર્ષ ૨૦૧૭ના ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી.તેમની અપીલ હતી કે, ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૭ હેઠળ બનેલા વ્યભિચારના કાયદામાં પુરુષ અને મહિલા બન્નેને એકસમાન સજા મળવી જોઈએ.
આ અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વ્યભિચારના કાયદામાં પરિવર્તન કરવાનથી કાયદો હળવો થઈ જશે અને સમાજ પર તેની ખરાબ અસર પડશે.જાણકારો માને છે કે આ ચુકાદાની અસર અન્ય ઘણા મુદ્દા પર પણ પડી શકે છે.
વર્ષ ૧૮૬૦માં બનેલો વ્યભિચારનો કાયદો લગભગ ૧૫૮ વર્ષ જૂનો હતો. એ કાયદા હેઠળ જો કોઈ પુરુષ અન્ય કોઈ પરિણીત મહિલા સાથે તેની સહમતિથી શારીરિક સંબંધો બનાવે, તો એ મહિલાના પતિની ફરિયાદ પર પુરુષને વ્યભિચારના ગુના હેઠળ ગુનેગાર માનવામાં આવતો હતો.આ કાયદા હેઠળ પુરુષને પાંચ વર્ષની કેદ અને દંડ અથવા બન્ને સજા કરવાની જોગવાઈ હતી.
અંગ્રેજોના સમયના ૧૫૮ વર્ષ પુરાણા ભારતીય કાયદા મુજબ, કોઈ પુરુષ અન્ય કોઈ પરિણીત સ્ત્રી સાથે તે સ્ત્રીના પતિની પરવાનગી વિના જાતીય સંબંધ બાંધે તો તેને ઍડલ્ટરી (વ્યભિચાર)નું ગુનાહિત કૃત્ય આચરવા બદલ દોષી ગણવામાં આવે છે.આ કૃત્યમાં મદદગારી બદલ પરિણીતાને સજા કરવામાં આવતી નથી, પણ પુરુષને પતિવ્રતનો ભંગ કરાવનાર ગણવામાં આવે છે.જોકે, કાયદા અનુસાર, પરિણીતાને તેના વ્યભિચારી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની છૂટ નથી.એ ઉપરાંત પરિણીત પુરુષ કોઈ અપરણીત મહિલા કે વિધવા કે કોઈ પરિણીત મહિલા સાથે તેના પતિની પરવાનગી લઈને વ્યભિચાર કરે તો એ પુરુષની પત્ની તેના પતિ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ કરી શકતી નથી.વ્યભિચાર બદલ દોષી સાબિત થયેલા પુરુષને મહત્તમ પાંચ વર્ષના કારાવાસની સજા અથવા દંડ કે બન્ને થઈ શકે છે.આ કાયદો અમલી બન્યો ત્યાર પછી તેના ઉલ્લંઘન બદલ કેટલા પુરુષોને સજા થઈ છે તે સ્પષ્ટ નથી. તેના કોઈ આંકડા ઉપલબ્ધ નથી.આ ગુના માટે મહિલાને શા માટે સજા કરી ન શકાય એવો સવાલ કરીને આ કાયદાને એક અરજદારે ૧૯૫૪માં સૌપ્રથમવાર પડકાર્યો હતો.અરજદારે એવી દલીલ પણ કરી હતી કે મહિલાને અપાયેલી મુક્તિ ભેદભાવપૂર્ણ છે.
સુપ્રીમ કોર્ટે એ અરજીને ફગાવી દીધી હતી. એ પછી કોર્ટે આવી અરજીઓને કમસેકમ બે વખત ૧૯૮૫માં તથા ૧૯૮૮માં ફગાવી દીધી હતી.એક ન્યાયમૂર્તિએ ૧૯૮૫માં કહ્યું હતું,સ્થિર લગ્નનો આદર્શ ધિક્કારપાત્ર નથી.એક પરિણીતાને એક પુરુષ સાથે કથિત જાતીય સંબંધ હતો. પરિણીતાના પતિએ તેના વિરુદ્ધ વ્યભિચારની ફરિયાદ કરી હતી. એ પછી પરિણીતાએ કોર્ટમાં ધા નાખી હતી.સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ કાયદો લગ્નજીવનમાં ભંગાણ પાડતી અને તેને અપવિત્ર કરતી બહારની વ્યક્તિને સજા કરવાના હેતુસરનો છે.
કાયદામાં સુધારાની બે અલગ-અલગ સમિતિએ ૧૯૭૧ અને ૨૦૦૩માં ભલામણ કરી હતી કે આ ગુના બદલ મહિલા સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.એક ન્યાયમૂર્તિના વડપણ હેઠળની ૨૦૦૩ની સમિતિએ જણાવ્યું હતું, વૈવાહિક જીવનમાં વ્યભિચારને સમાજ ધિક્કારે છે. પરિણીત પુરુષ સાથે જેણે જાતીય સંબંધ બાંધ્યો છે એ પત્ની સાથે પણ સમાન વ્યવહાર નહીં કરવાનું કોઈ કારણ નથી.
૨૦૧૧માં વધુ એક અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું, સખત જાતીય પક્ષપાત દાખવવા બદલ આ કાયદાની ટીકા થઈ રહી છે. કાયદાનું એવું વલણ પરિણીત મહિલાને તેના પતિની પ્રોપર્ટી બનાવી દે છે.આ વિશેની લેટેસ્ટ અરજી બદલાયેલી સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં કરવામાં આવી હોવાનું અરજદાર જોસેફ શાઈને જણાવ્યું હતું.ભારતીય જનતા પક્ષની વર્તમાન સરકારે આ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે વ્યભિચાર એક ફોજદારી ગુનો જ રહેવો જોઈએ.
વ્યભિચાર સંબંધી કાયદાને હળવો બનાવવાથી તેની લગ્નની પવિત્રતા પર માઠી અસર થશે. તેને કાયદેસરની બનાવવાથી વૈવાહિક સંબંધને નુકસાન થશે,એવું અદાલતને જણાવતાં સરકારી વકીલે ઉમેર્યું હતું, લગ્નસંસ્થા અને તેની પવિત્રતાને ભારતીય સમાજ સર્વોચ્ચ મહત્ત્વ આપે છે.ટીકા કરતા લોકો આ કાયદાને સ્ત્રીઓ પ્રત્યે અણછાજતું વલણ દાખવતો, હડહડતો મહિલા-વિરોધી અને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરતો ગણાવે છે.
અરજદાર જોસેફ શાઈને કહ્યું હતું, જાતીય સંબંધમાં ભાગીદાર બે પૈકીની એક વ્યક્તિને જ સજા કરવાનું કોઈ તર્કસંગત કારણ નથી.
આ કાયદાને પડકારતી અગાઉની અરજીઓ ફગાવતી વખતે સર્વોચ્ચ અદાલતે એવું ધાર્યું હતું કે ભ્રષ્ટ કરનાર પુરુષ છે, સ્ત્રી નહીં, એવું જોસેફ શાઈને જણાવ્યું હતું.તેમણે કહ્યું હતું,અદાલતનું આ વલણ સમજી શકાય તેવું નથી. તેનું સમર્થન કરતી કોઈ વૈજ્ઞાનિક માહિતી કે સામગ્રી પણ નથી.
જોસેફ શાઈને એવું પણ જણાવ્યું હતું કે આ કાયદાનો હેતુ લગ્નની પવિત્રતાનું રક્ષણ કરવાનો હોય તો પતિની સહમતી પર આધારિત વ્યભિચારી સંબંધને તેમાંથી બાકાત રાખવાનું બુદ્ધિગમ્ય નથી.આ કાયદાની ટીકા કરતા અન્ય લોકોએ જણાવ્યું હતું કે પ્રસ્તુત કાયદો મહિલાઓની લૈંગિકતા વિશેની પિતૃપ્રધાન સમાજની માન્યતાઓનું રક્ષણ કરવામાં જ મદદરૂપ બન્યો છે.પ્રાઇવસી એટલે કે નિજતાના અધિકારમાં જાતીય નિજતાનો પણ સમાવેશ થાય છે અને બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચેના, પારસ્પરિક સંમતિ સાથેના જાતીય સંબંધને ગુનો ગણવાનું કોઈ કારણ નથી.
ગયા વર્ષે સીમાચિહ્નરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નાગરિકોને નિજતાનો મૂળભૂત અધિકાર છે.નિજતાને મૂળભૂત અધિકાર નહીં માનતા સર્વોચ્ચ અદાલતના અગાઉના બે ચૂકાદાને ગત વર્ષના ચુકાદાએ રદ કર્યા હતા.બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચેનો પારસ્પરિક સંમતિથી બંધાયેલો જાતીય સંબંધ અંગત બાબત છે, ત્યારે ચુકાદો એડલ્ટરીના કાયદા સાથે ન્યાય કઈ રીતે કરી શકશે તે નિષ્ણાતો સમજી શકતા નથી.
કાયદાનું શિક્ષણ આપતાં રશ્મી કાલિયાએ લખ્યું હતું, કોણે કોની સાથે શયન કરવું તેના પર નિયંત્રણનો પ્રયાસ કાયદાકીય વ્યવસ્થાએ ન કરવો જોઈએ.
આદરપાત્ર ગણાતા ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી મેગેઝિનના જણાવ્યા મુજબ,લગ્નમાં વફાદારીની આશા યોગ્ય છે કે અયોગ્ય અથવા વ્યભિચારને જાતીય સ્વાતંત્ર્ય સાથે સંબંધ છે કે નહીં, એ મુદ્દો નથી.
સામયિકે તાજેતરના તેના તંત્રીલેખમાં લખ્યું હતું,મુદ્દો એ છે કે બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચેના જટિલ, સંવેદનશીલ સંબંધ પર સરકારે નજર રાખવી જોઈએ કે તેને ન્યાયસંગત બનાવવો જોઈએ.
દક્ષિણ કોરિયાની સરકારે ૨૦૧૫માં આવા જ એક કાયદાને રદ કર્યો હતો.તે કાયદા અનુસાર, વ્યભિચારી પુરુષને બે વર્ષ કે તેથી ઓછા કારાવાસની સજા કરી શકાતી હતી.
અદાલતે જણાવ્યું હતું કે આ કાયદો આત્મનિર્ણય અને નિજતાનું ઉલ્લંઘન કરે છે.
બ્રિટન અને મોટાભાગના યુરોપમાં એડલ્ટરી ગુનો નથી. સર્વેક્ષણના તારણ અનુસાર, મોટાભાગના અમેરિકનોને એડલ્ટરી સ્વીકાર્ય નથી, પણ તેઓ તેને ગુનો ગણતા નથી.તેમ છતાં ન્યૂ યોર્ક સહિતનાં અમેરિકાનાં વીસથી વધુ રાજ્યોમાં એડલ્ટરીને ગેરકાયદે ગણવામાં આવે છે.
સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટી ખાતેના કાયદાના પ્રોફેસર અને ’એડલ્ટરીઃ ઇનફિડિલિટી ઍન્ડ ધ લૉ’ પુસ્તકનાં લેખિકા ડેબોરાહ રોડે કહ્યું હતું,ફોજદારી કાયદાઓ મોટેભાગે પ્રતિકાત્મક કારણોસર અમલમાં છે અને તેને રદ કરવાની રાજકીય કિંમત કોઈએ ચૂકવવી પડે તેમ નથી.
બ્રિટનમાં એડલ્ટરી ફોજદારી ગુનો નથી અને અન્ય ઘણા દેશોની માફક એડલ્ટરી છૂટાછેડા માટે આપવામાં આવતા મુખ્ય કારણો પૈકીની એક છે.જીવનસાથીની બેવફાઈની જાણ થયા પછીના છ મહિના સુધી દંપતિ સાથે રહ્યું હોય તો તેઓ એડલ્ટરીને છૂટાછેડા લેવાનું એક કારણ ગણાવી શકતા નથી.અડલ્ટરી કાયદા બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યો હોય તેવો આ પહેલો કિસ્સો નથી. ૧૯૫૪, ૧૯૮૫ અને ૧૯૮૮માં પણ આ કાયદા બાબતે સવાલ કરવામાં આવ્યા હતા.
ગયા વર્ષે એક અરજીની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે માત્ર પુરુષને જ ગુનેગાર માનતો અડલ્ટરી કાયદો જૂનવાણી તો નથીને?
૧૯૫૪ અને ૨૦૧૧માં આ મામલે બે વખત ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં આ કાયદાને સમાનતાનું ઉલ્લંઘન કરતો ગણવામાં આવ્યો ન હતો.

Related posts

ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

નિતંબની નજાકતની માવજત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1