Aapnu Gujarat
બ્લોગ

પોતાની છબી બદલવા પ્રતિબદ્ધ સંઘ

જ્યારે દેશમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે મોટાભાગે આરએસએસ માટે પુર્વગ્રહ રખાતો હતો અને આજે પણ જ્યારે મોકો મળે છે ત્યારે રાહુલ ગાંધી સહિત મોટાભાગનાં કોંગ્રેસીઓ સંઘ પર વાર કરવાનું ચુકતા નથી જો કે પ્રણવદાએ સંઘનાં કાર્યક્રમમાં પહોંચીને એક નવો ચીલો ચાતરવાનો પ્રયાસ જરૂર કર્યો હતો પણ કોંગ્રેસ હજી સંઘને સ્વીકારે તેવી માનસિકતા તેમની નથી. પણ હાલમાં સંઘને તેમની સ્વીકૃત્તિની પડી પણ નથી કારણકે હાલમાં ભાજપ દેશનાં અઢાર રાજ્યોમાં સત્તા ભોગવી રહ્યું છે અને વડાપ્રધાન પદ પર તે વ્યક્તિ બિરાજમાન છે જેણે સંઘને ગુજરાતમાં મજબૂત કરવા માટે લોહી પરસેવો એક કરી દીધો હતો.છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસને મોટાભાગની ચુંટણીઓમાં પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આગામી ૨૦૧૯ની ચુંટણીમાં પણ એનડીએનો શાનદાર વિજય થશે તેવુંં માનવામાં આવી રહ્યું છે.મોદી અને શાહની જોડી તો હાલમાં દરેક મંચ પરથી એ જ દાવા કરી રહી છે એ રીતે આગામી સમય ઘણો મહત્વપુર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન પાંચ રાજ્યોમાં વિધાનસભાની પણ ચુંટણીઓ થવાની છે જેના પરિણામો ૧૭મી લોકસભાનાં પરિણામોને અસર કરનાર સાબિત થશે.તેવામાં હાલમાં જ દિલ્હી ખાતે મોહન ભાગવતે ત્રણ દિવસનો જે કાર્યક્રમ યોજ્યો હતો તેનાં સુચિતાર્થો ઘણાં ઉંડા છે.આ કાર્યક્રમ માત્ર ૨૦૧૯ની ચુંટણીને ધ્યાનમાં રાખીને યોજાયો હતો તેમ નથી અત્યાર સુધી સંઘ તેની કામગિરી બંધબારણે કરતું હતું પણ હવે તે પોતાને સાર્વજનિક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫નાં રોજ ડોકટર કેશવ બલિરામ હેગડેવારે નાગપુરની તેમની એક નાનકડી રૂમમાં જે સપનું જોયું હતું જે હાલમાં એ બિંદુએ પહોંચી ગયું છે જ્યાં સંઘને તેની નવી ક્ષિતિજની શોધ કરવાની છે.અહી સુધીની તેની યાત્રા અનેક ઉતાર ચઢાવભરી રહી છે.તેમાં સૌથી વધારે કપરો સમય તો ગાંધીની હત્યાનો સમય હતો.મહાત્માની હત્યા કરનાર નાથુરામ ગોડસે સંઘનો કાર્યકર હોવાનું કહેવાયું હતું અને ગાંધી હત્યાનાં આરોપમાં સરસંઘચાલક ગુરૂ ગોલવલકરની ધરપકડ કરાઇ હતી અને સંઘ પર પ્રતિબંધ લાગુ કરાયો હતો જો કે દોઢ વર્ષ સુધી સતત ગોલવલકર એ જ કહેતા રહ્યાં હતા કે સંઘ એક સામાજિક અને સાંસ્કૃતિક સંગઠન છે.જો કે સંઘ પરનો પ્રતિબંધ ત્યારબાદ ઉઠાવી લેવાયો હતો પણ જ્યારે ઇન્દિરાએ ૨૫ જુન ૧૯૭૫માં કટોકટી લાદી ત્યારે ફરી એકવાર સંઘને સાણસામાં લઇને તેના પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.સમગ્ર દેશમાં સંઘનાં કાર્યકરોને શોધી શોધીને પકડવામાં આવ્યા હતા અને તેમને જેલમાં ઠુંસી દેવાયા હતા.આ સંઘર્ષમય સમયમાં સામ્યવાદી અને સમાજવાદી વિચારધારાનાં અનેક લોકો સંઘની નજીક આવ્યા હતા.સરકારની દમનકારી નીતિઓને કારણે લોકોમાં ભારે રોષ ભડક્યો હતો અને ઇન્દિરાને ચુંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.જો કે ત્યારબાદનો ઘટનાક્રમ પણ એટલો જ નાટકીય રહ્યો હતો.ભારે ઉથલપાથલ બાદ મોરારજીએ વડાપ્રધાનપદનાં શપથ લીધા હતા તેમનાં પ્રધાનમંડળમાં જો સંઘનાં લાડકા ગણાતા વાજપેયી સામેલ હતા તો મધુ દંડવતે અને જર્યોજ ફર્નાન્ડિસ જેવા સમાજવાદીઓ પણ સામેલ હતા.આ સરકાર જો કે લાંબુ ટકી ન હતી પણ એ વાત સાફ થઇ ગઇ હતી કે ત્રણ દાયકામાં સંઘે ભારતીય સમાજમાં પોતાના મુળિયા એટલા મજબૂત કર્યા હતા કે કોઇપણ રાજકીય પક્ષ તેમની ઉપેક્ષા કરી શકે તેમ ન હતું.ત્યારબાદ ૧૯૮૦નાં દાયકામાં ફરી સંઘે તેનું વર્ચસ્વ દાખવ્યું હતું.સંઘનાં જ એક એકમ વિશ્વ હિંદુ પરિષદે રામ જન્મ ભૂમિનો મુદ્દો ઉઠાવ્યો હતો જે ધીરેધીરે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો.૧૯૮૯ સુધીમાં તો તે આંદોલન પરાકાષ્ટાએ પહોંચી ગયું હતું ત્યારે સમગ્ર દેશમાંથી કારસેવકો અયોધ્યા પહોચતા હતા અને તેમને રોકવાનું કાર્ય સુરક્ષા દળો માટે પણ દુષ્કર બની ગયું હતું અને ૬ઠ્ઠી ડિસેમ્બરે ઉગ્ર થયેલી ભીડે બાબરીને ધ્વસ્ત કરી નાંખી હતી.આ ઘટનાએ આખા વિશ્વમાં ચર્ચાઓ જગાવી હતી આજે પણ તેની ચર્ચાઓ ચાલતી જ રહી છે.ત્યારે પણ નરસિંહરાવે સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હતો પણ તે માત્ર છ મહિના ચાલ્યો હતો.
અત્યારસુધીનો એ ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ સંઘ પર પ્રતિબંધ લાગ્યો છે તે વધારે મજબૂત બનીને ઉભર્યુ છે.હાલમાં એનડીએ આખા દેશમાં રાજ કરી રહ્યું છે તેવું કહીએ તો ખોટુ નથી. કોંગ્રેસની લોકપ્રિયતાનો ગ્રાફ દિનપ્રતિદિન નીચે ઉતરી રહ્યો છે.તેમણે અન્ય પક્ષોને સાથે લઇને મહાગઠબંધન રચવાની જાહેરાત કરી છે પણ તે કેટલું અસરકારક સાબિત થશે તે અંગે કોઇ નક્કર દાવો કરી શકે તેમ નથી.બીજી તરફ ચારવર્ષમાં મોદી સરકાર ભલે તેમણે જે દાવાઓ કર્યા હતા તેને પુરા કરી શકી નથી પણ એ હકીકત છે કે આગામી ચુંટણીમાં તેમનો વિકલ્પ જનતાની પાસે નથી એટલે જ તેઓ ભારે વિશ્વાસપુર્વક વિજયનાં દાવા કરી રહ્યાં છે અને આ પરિસ્થિતિને સંઘ સારી રીતે સમજી રહ્યું છે તેના માટે આ ખાસ સમય છે અને તે માટે જ સંઘે પોતાની છબીને બદલવા માટે દિલ્હીમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મોહન ભાગવતે પોતાનો દૃષ્ટિકોણ લોકોની સમક્ષ રજુ કર્યો હતો.બે દિવસ તેમણે પોતાની વાતને વિસ્તારપુર્વક મુકી હતી અને ત્રીજા દિવસે તેમણે લોકોનાં સવાલોનો જવાબ આપ્યો હતો.તેમને ખબર હતી કે સંઘ માટે લોકોમાં જે ઇમેજ બની છે તેને તેઓ રાતોરાત ભૂંસી શકતા નથી પણ આ પ્રકારના વૈચારિક આદાન પ્રદાનથી તેની ભૂમિકા સર્જી શકાય છે.
પહેલા દિવસનાં તેમના વકતવ્યમાં તેમણે જણાવ્યું હતું કે સંઘ એક શક્તિશાળી સંગઠન છે.આપણે જાણીએ છીએ કે જે શક્તિશાળી હોય છે તેનાથી લોકો ભય અનુભવે છે.તેમણે પોતાના ત્રણ દિવસનાં વિમર્શ દરમિયાન એ દરેક મુદ્દાને ઉઠાવ્યો હતો જે માટે હંમેશા સંઘની આકરી ટીકાઓ થતી રહે છે.મહિલાઓની ભાગીદારી, હિંદુત્વ, મુસ્લિમ, ત્રિરંગો, કોંગ્રેસ, ગાંધીજી, રિમોટ કંટ્રોલથી સત્તા સંચાલનથી માંડીને જાતિપ્રથા અને રામમંદિર જેવા તમામ મુદ્દાઓ પર તેમણે પોતાના વિચારો રજુ કર્યા હતા.
આ ત્રણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે આમ તો સંઘ ક્યારેય કોઇ કાર્ય એકાએક કરતું નથી તેના દરેક કાર્ય માટે લાંબો વિચારવિમર્શ કરાતો હોય છે.જ્યારથી એનડીએ સત્તામાં આવી છે ત્યારથી સંઘે પોતાની બારીઓ વિપરિત વિચારધારાઓ માટે ખોલવાનું કાર્ય કર્યુ છે.આ ગાળા દરમિયાન મોહન ભાગવતે ઉર્દુ અને અંગ્રેજી સહિત તમામ ભાષાઓનાં અખબારોનાં તંત્રીઓ અને લઘુમતિ સમુદાયનાં બુદ્ધિજીવીઓ સાથે મુલાકાતો કરી હતી.આ ઉપરાંત અન્ય નાના સમુહો સાથે પણ તેમણે મેળમિલાપ વધાર્યો હતો હાલમાં જે સંમેલન આયોજિત થયું તેની ખાસ વાત એ હતી કે આ સંમેલનમાં સંઘે ભાજપનાં કોંગ્રેસ મુક્ત ભારતનાં નારાને નકાર્યો હતો એટલું જ નહી તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમો વિના હિંદુત્વની કલ્પના કરી શકાય નહી.ત્યારે એ સવાલ ઉઠે છે કે આ સંમેલન દ્વારા સંઘ મોદી શાહની જોડીને કોઇ સંદેશ આપવા માંગે છે.તેમણે તેમનું નામ તો લીધુ ન હતું પણ કહ્યું હતું કે આપણે મુક્ત નહી યુક્ત ભારતની વાત કરવી જોઇએ.૨૦૧૭માં વિધાનસભાની ચુંટણીનાં પ્રચાર દરમિયાન ઉત્તરપ્રદેશનાં ફતેહપુરમાં મોદીએ આપેલા ભાષણનો તેમણે સીધો ઉલ્લેખ કર્યો ન હતો પણ એ જરૂર જણાવ્યું હતુંકે રાજકારણમાં કબ્રસ્તાન અને સ્મશાન જેવા મુદ્દાઓ ઉઠાવવા ન જોઇએ.તેમણે આ સંમેલનમાં કોંગ્રેસની સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાનની ભૂમિકાનાં વખાણ કરતા કહ્યું હતું કે તેના યોગદાનને ભૂલાવી શકાય તેમ નથી.તેમણે લોકોના સવાલોનો ઉત્તર આપતી વખતે સ્પષ્ટતા કરી હતીકે તેઓ રિમોટ કંટ્રોલ વડે શાસન ચલાવતા નથી તેમની સરકારનાં નિર્ણયોમાં કોઇ જ ભૂમિકા નથી પણ સરકારમાં મોટાભાગે સંઘના કાર્યકરો છે એટલે જ્યારે તેમની સલાહ માંગવામાં આવે છે ત્યારે તેઓ તે સલાહ જરૂર આપે છે.
આ પહેલા ક્યારેય સંઘે પોતાની રીતે પોતાની વિચારધારાને લોકોની સમક્ષ જાહેર કરવાનો પ્રયાસ કર્યો ન હતો એટલે આ પ્રયાસનાં પરિણામો દુરગામી રહેવાની શક્યતા છે.આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં જે રીતે સંઘે પોતાના વિચારો રજુ કર્યા છે તે એક જનમત ઉભો કરવાનું કામ તો જરૂર કરશે અને તેના કારણે સામાજિક સંસ્થાઓ કે રાજકીય પક્ષોએ પણ સંઘ અંગેની પોતાની વિચારધારા પર નવેસરથી વિચાર કરવાની જરૂરિયાત ઉભી થવાની છે.સંઘ અંગે કેટલીક માન્યતાઓ હતી તે પણ આ ત્રણ દિવસનાં કાર્યક્રમમાં બદલવાની જરૂરિયાત ઉભી કરી છે.પહેલું તો તેમની રાષ્ટ્રપતિ પ્રણાલિની સ્વીકૃત્તિની માન્યતા છે કહેવાય છે કે તેઓ રાષ્ટ્રપતિ પ્રણાલિનાં પ્રોત્સાહક છે પણ ભાગવતે હાલની લોકતાંત્રિક પદ્ધતિનાં વખાણ કરીને રાષ્ટ્રપતિ પ્રણાલિનો છેદ ઉડાડ્યો હતો.તેઓ બંધારણનો અસ્વીકાર કરે છે તેવું મનાય છે પણ ત્રણ દિવસનાં કાર્યક્રમમાં ભાગવતે અનેક વખત બંધારણનો અને તેના મુલ્યોનો ઉલ્લેખ કર્યો હતો.મોબ લિચિંગ અને ગૌરક્ષા અંગે સંઘ પર સવાલો દાગવામાં આવે છે પણ ભાગવતે ગૌરક્ષાનાં નામે થતી હિંસાની આકરી ટીકા કરી હતી અને આમ કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગણી પણ કરી હતી.
ભાગવતે પોતાના ટીકાકારોને જવાબ આપતા જણાવ્યું હતું કે તેમની વિચારધારા એ બદ્ધ વિચારધારા નથી જેમ જેમ સમય બદલાય છે તેમની વિચારધારામાં પણ તે પ્રમાણે બદલાવ આવતો જાય છે.આ ઉપરાંત પણ અનેક એવા મુદ્દાઓ હતા જેને લઇને સંઘની ટીકા કરાય છે તે અંગે ભાગવતે સ્પષ્ટતા આપી હતી અને લોકોનો સંદેહ દુર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તો આ સંમેલન માટે ઘણાં લોકોને આમંત્રણ આપ્યું હતું પણ કોઇ તેમાં સામેલ થયું ન હતું ત્યારે તમામ વર્ગે એક ખુલ્લી ચર્ચાની તક ગુમાવી હોવાનું લાગી રહ્યું છે સંઘે તો પોતાનું કામ કરી લીધુ છે.

Related posts

બિઝનેસમાં માત્ર પાંચ ટકા યુવા સફળ રહે છે : રિપોર્ટ

aapnugujarat

કિન્નરોની ઉત્પત્તિનું રહસ્ય : કિન્નરોનું જીવન ખરાં અર્થમાં સંઘર્ષ !!

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : વિચારવું ભુલ ભરેલું : મતભેદ બાજુએ તારવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1