Aapnu Gujarat
બ્લોગ

યુપી-બિહારમાં યાદવ-દલિત-મુસ્લિમ ધરીને તોડવાની ભાજપની કોશિશ

ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા બેઠકો અને બિહારની ૪૦ એટલે ૧૨૦ બેઠકોનો ખેલ દિલ્હીમાં સત્તા નક્કી કરતો હોય છે. આ વાત અજાણી નથી. જોકે ગઠબંધનોના જમાનામાં આ પછીના રાજ્યોની વાત કરીએ તો ૪૮ મહારાષ્ટ્ર, ૪૨ પશ્ચિમ બંગાળ, ૪૨ આંધ્ર અને તેલંગાણા અને ૩૯ તામિલનાડુની લોકસભાની બેઠકો છે તે પણ અગત્યના રાજ્યો છે, પણ યુપી-બિહાર જીતે તે દેશ જીતે આ જમાનામાં પણ કહેવું ખોટું નથી. ૨૦૧૪માં ભાજપને યુપીમાં ૭૩ અને બિહારમાં ૩૧ બેઠકો સાથે સદી કરવાની તક મળી ગઈ હતી.તે વખતે એસપી અને બીએસપી બંને અલગ લડ્યા હતા અને મુઝફ્ફરપુરના તોફાનોને બરાબરના ચગાવીને ભાજપે મતોનું ધ્રુવીકરણ પણ કર્યું હતું. પણ હવે એસપી અને બીએસપી સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે ત્યારે ધ્રુવીકરણ પણ કામ ના આવે, વિભાજનની રાજનીતિ પણ કામ ના આવે, હિન્દુ મતોને એક કરવાની વાત પણ કામ ના આવે અને માત્ર મતોની સંખ્યા, જ્ઞાતિઓની વૉટબેન્ક જ કામ આવે. કોઈ વિચારધારા નહિ, પણ આંકડાનું ગણિત જ કામ કરવાનું છે, ત્યારે પ્રચારના મુદ્દા પણ બુઠ્ઠા થઈ જવાના છે.આ સંજોગો ભાજપ ના જાણતું હોય તેવું નથી. ભાજપ પણ ગઠબંધનના રાજકારણને સમજે છે અને તેનો સારી રીતે ઉપયોગ પણ કરે છે. યુપીમાં અપના દળને સાથે રખાયું હતું. તે જ રીતે હવે નાની નાની જ્ઞાતિઓને દરેક મતવિસ્તારમાં શોધીને તેમની મહત્ત્વાકાંક્ષાઓનો ઉપયોગ કરીને યાદવ-દલિત-મુસ્લિમ ધરીને તોડવાની ભાજપની કોશિશ છે.તેના માટેનું ઉદાહરણ પણ પેટાચૂંટણીમાં સમયસર મળી ગયું છે. લાલ બત્તી દેખાડતા ગોરખપુરના પરિણામો પછી ભાજપે નવસેરથી ગણિત માંડ્યું છે. ગોરખપુરમાં યોગી આદિત્યનાથ પાંચ વાર જીત્યા હતા. જો જીતા વોહી સિકંદર એટલે આપણે પછી ઝીણવટથી બહુ જોતા નથી, પણ યોગી દર વખતે માંડ માંડ જીતતા હતા. એક તો એસપી બીએસપી દર વખતે અલગ હોય અને બે નિષાદ જ્ઞાતિના ઉમેદવારો હોય. નિષાદોના વધારે મતો હોવાથી તે મતો વહેંચાઈ જતા હતા. પરંતુ પેટાચૂંટણીમાં એસપી અને બીએસપીએ ભેગા થઈને બેના બદલે એક જ નિષાદ ઉમેદવાર રાખ્યો તો બેઠક ભાજપ હારી ગયું.
યુપીમાં અલગ નિષાદ પાર્ટી પણ છે. તેના નેતા સંજય નિષાદના પુત્ર સંજય નિષાદને એસપી-બીએસપીના સંયુક્ત ઉમેદવાર બન્યા અને જીત્યા. હવે ભાજપે સંજય નિષાદને જ ખેડવી દેવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના શક્તિશાળી નેતાઓને ભાજપ લઈ જાય છે, તેમ સંજય નિષાદને લાલચો આપવાનું શરૂ થયું છે. સંજય નિષાદને અને નહિતો તેમના પુત્ર પ્રવીણને જ ભાજપમાં લાવીને ગોરખપુર બેઠક પર ફરી તેમને જીતાડવા માટેના દાવપેચ શરૂ થઈ ગયા છે એવી ચર્ચા યુપીમાં છે.દેખાવ ખાતર બાપ દીકરો અલગ અલગ પાર્ટીમાં રહી શકે. સંજય નિષાદ એવું કહી શકે કે દીકરો માનતો નથી. ઉત્તર પ્રદેશમાં ગત વિધાનસભાની ચૂંટણી વખતે આવો જ ખેલ થયો હતો. મુલાયમસિંહ યાદવના પરિવારમાં વિખવાદ ચાલ્યો હતો. દીકરો અખિલેષ યાદવ પોતાની રીતે રાજનીતિ રમવા લાગ્યો ત્યારે મુલાયમસિંહે તેનો વિરોધ કર્યો. કાકા શિવપાલ સામે અખિલેષે મોરચો માંડ્યો. બીજા એક કાકા રામનરેશ પણ અખિલેષ તરફ જોડાયા. આ રીતે યાદવાસ્થળી બરાબર જામી હતી અને ભાજપને આસાનીથી જંગી વિજય મળી ગયો.
તે વખતે એવું લાગતું હતું કે મુલાયમ અને અખિલેષ વચ્ચે દેખાવ ખાતરનો ઝઘડો થઈ રહ્યો છે. લાલુ પ્રસાદ યાદવને ભાજપે જેલમાં મોકલ્યા છે તે રીતે મુલાયમ સિંહ સામે પણ ફાઇલો તૈયાર કરીને રખાયાની ચર્ચા હતી. ગુજરાતમાં શંકરસિંહ પર સીબીઆઈની રેડ કરીને ફાઇલ બનાવી લેવાઇ અને પછી તેમનો ઉપયોગ કોંગ્રેસ તોડવા માટે કરવામાં આવ્યો. તે જ રીતે મુલાયમ સામે ફાઇલ તૈયાર કરીને એસપીને તોડવા માટે ઉપયોગ કરાયો. તેથી એવું લાગતું હતું કે મુલાયમે દીકરો માનતો નથી એમ કહીને ભાજપને ભ્રમમાં રાખવા કોશિશ કરી હતી.
પણ હવે લાગે છે કે ઝઘડો સાચો થઈ ગયો હતો. ખાસ કરીને મુલાયમ સાથે વર્ષો સુધી રહીને સંગઠનનું કામ કરનારા શિવપાલને લાગ્યું કે પક્ષમાં તેમનું વર્ચસ્વ ઘટી રહ્યું છે. શિવપાલની સાથે રહેલા અમરસિંહને પણ હાંકી કાઢવામાં આવ્યા હતા. તેના કારણે શિવપાલે ભત્રીજા સામે ભારે વિરોધ કર્યો. ઘર ફૂટે ઘર જાય. યાદવાસ્થળીને કારણે ફરી એકવાર યાદવ પરિવારને સત્તા ગુમાવી. હવે શિવપાલે અલગ પક્ષની રચના કરી છે. ભાજપના એક દિગ્ગજ નેતાઓ તેમને હાથમાં લીધા છે. તેમની ચઢવણીથી તેઓ યુપીની બધી જ ૮૦ બેઠકો પર તેમના પક્ષ સમાજવાદી સેક્યુલર મોરચાના ઉમેદવારો ઊભા રખાશે. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા પાસે ભાજપે આ જ કામ કરાવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે ઠેર ઠેર શંકરસિંહના માણસોને ઊભા કરાયા હતા. આ માણસો બે પાંચ સાત હજાર વૉટ કોંગ્રેસના તોડી નાખે. તે જ કામ હવે શિવપાલ પાસે કરાવાશે.
શિવપાલ આજકાલ યોગી આદિત્યનાથ માટે સારું બોલતા થઈ ગયા છે. બીજી બાજુ અમરસિંહ પણ ભાજપની વાહવાહ કરવા લાગ્યા છે. દેશના સૌથી મોટા દલાલ તરીકે જાણીતા નફ્ફટ નેતા અમરસિંહને ભાજપ પોતાના કોઈ સાથી પક્ષની ટિકિટ અપાવશે અને સાંસદ બનાવશે તેવી ગણતરી છે. તેમની જવાબદારી છે કે શિવપાલ પાછા હટે નહીં અને યાદવ પરિવારને બરાબરનું નુકસાન કરે. વ્યૂહ હજી નક્કી નથી થયો, પરંતુ એસપી અને બીએસપી વચ્ચે બેઠકોની વહેંચણીની ચર્ચા શરૂ થાય તે પછી ભાજપ ચોકઠા માંડશે અને કઈ બેઠકો પર કઈ નાની નાની જ્ઞાતિઓને એકઠી કરી શકાય છે તેનો વિચાર કરાશે.
ભાજપ ખતમ કરી નાખશે તેવો ભય ભાળી ગયેલા અખિલેષ અને માયાવતી અસ્તિત્ત્વ બચાવવા માટે એક થવા તૈયાર છે, પણ સૌથી મોટી કસોટી થવાની છે બેઠકોની વહેંચણી વખતે. કોંગ્રેસ પણ તેમની સાથે જોડાવાની છે એટલે કોંગ્રેસને પણ બેઠકો આપવી પડશે. રાજસ્થાન સિવાય કોંગ્રેસ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સારો દેખાવ કરે તો વધારે બેઠકો માટે દબાણ કરશે. તેલંગણાની ચૂંટણી સાથે જ થવાની નક્કી લાગે છે, ત્યારે ટીડીપી સાથે ગઠબંધન માટે કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. કર્ણાટકનું પુનરાવર્તન તેલંગાણામાં થાય તો ફરી શ્વાસ લેતી થયેલી કોંગ્રેસને કારણે પણ એસપી-બીએસપીની બેઠકોની વહેંચણીમાં ખલેલ પડી શકે છે.
બીજી બાજુ અમેઠી અને રાયબરેલી માટે પણ ભાજપ તૈયારીઓ કરી રહ્યું છે. સ્મૃતિ ઇરાની ભલે અમેઠીમાં હારી ગયા પણ તેઓ સતત અમેઠીની મુલાકાતો લેતા રહે છે. સ્થાનિક જાણકારોએ નોંધ્યું છે તે પ્રમાણે રાહુલ ગાંધી વિદેશ જાય ત્યારે જ ખાસ સ્મૃતિ ઇરાની અમેઠી પહોંચી જાય છે અને કાર્યક્રમો કરીને પોતાની હાજરી વધારે સ્પષ્ટપણે દેખાડે છે. સાથેસાથે રાજ્યના અને કેન્દ્ર સરકારના એક બે પ્રોજેક્ટના ઉદ્ધાટન પણ કરી આવે છે. સ્થાનિક પત્રકારોને ઇરાની કહેતા હોય છે કે ગયા મહિને પોતાને ઓછો સમય મળ્યો, ત્યારે એક લાખ વૉટથી જ રાહુલ ગાંધી જીતી શક્યા હતા. આ વખતે પાંચ વર્ષ વિસ્તારમાં ફરવા મળ્યું છે અને કેન્દ્ર તથા રાજ્યમાં ભાજપની સરકારો છે ત્યારે અમેઠીમાં પોતે બરાબર ટક્કર આપવાના છે.
કદાચ તેથી જ રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કર્ણાટકની કોઈ બેઠક પરથી પણ ચૂંટણી લડે તેવી ચર્ચા કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ચાલે છે. પ્રિયંકા ગાંધીની વાત વિના યુપીની ચર્ચા અધુરી રહે. પ્રિયંકા ચૂંટણી લડશે કે નહિ તેની ચર્ચા પણ અનિવાર્યપણે થવાની. રાયબરેલીમાં માતાની બેઠક પર પ્રિયંકા લડશે કે સોનિયા ગાંધી હજી પાંચ વર્ષ સંસદમાં રહેવાનું પસંદ કરશે તેની ચર્ચા પણ છે. તેની સામે ભાજપ આ બેમાંથી કમ સે કમ એક બેઠક યેનકેનપ્રકારેણ જીતવા માટે મક્કમ બન્યું છે. યુપીમાં એસપી-બીએસપી-કોંગ્રેસની ત્રિપુટીને કારણે અને બિહારમાં લોટા જેવા ચારે બાજુ ઢળ્યા કરતા નીતિશકુમારની આબરૂનો અંત આવી ગયો હોવાથી આરજેડી ફાયદામાં રહેવાનું છે ત્યારે સદી ફટકારવાનું ભાજપ માટે શક્ય રહ્યું નથી. પણ અડધી ફટકારી છેલ્લે છેલ્લે થાય તેટલી ફટકાબાજી કરી લેવાની ગણતરી છે, જેથી સામાવાળાની અડધી સદી ના થાય.

Related posts

प्रेमचंदजी की एक सुंदर कविता•٠

aapnugujarat

વિકલાંગ અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્ય કરતાં ખોડાભાઈ

aapnugujarat

ભાજપનું મિશન 2024 : આગામી ચૂંટણીમાં 35 કરોડ મત મેળવવાનો ટાર્ગેટ કઈ રીતે સિદ્ધ થશે?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1