Aapnu Gujarat
બ્લોગ

હાર્દિક પટેલ : ઉપવાસની અસર જોઇએ તેવી નહી….

હાર્દિક જે બે મુદ્દાઓ જેમાં પાટીદાર અનામત અને ખેડૂતોનું દેવુ માફ થાય તે મુદ્દે ઉપવાસ કરે છે. હાર્દિકના મુદ્દા સાથે પાટીદાર અને ખેડૂત બંન્ને સંમત્ત છે, પાટીદારોને અનામત પણ જોઈએ છે અને ખેડૂતોને દેવુ પણ માફ કરાવવુ છે. ૨૦૧૫માં પાટીદાર અનામતની આંદોલનની શરૂઆત થઈ ત્યારે હાર્દિક પટેલ નામનો એક છોકરડો કદાચ નરેન્દ્ર મોદી કરતા પણ વધુ લોકપ્રિય થઈ ગયો હોય તેવુ કહીએ તો અતિશયોકિત નહીં કહેવાય, ગામે ગામ અને શહેરોમાં હાર્દિકની રેલીઓ નિકળવા લાગી હતી. કદાચ ૧૯૭૫માં થયેલા નવનિમાર્ણ આંદોલન અને ૧૯૮૫માં થયેલા અનામત આંદોલન કરતા પણ વધુ ઉગ્ર આંદોલન હતું.પાટીદાર અનામતની માગણી સાથે બીનપાટીદાર જ્ઞાતિઓ પણ સંમત્ત હતી જેમને અનામતનો લાભ મળતો નથી તેવી જ્ઞાતિના બીનપટેલ લોકો પણ માનતા હતા કે હાર્દિક પટેલની વાત સાચી છે. વર્ષો પછી એક યુવાનેતાગીરી ગજરાતને મળી હતી. બધાના મનમાં હતું કે છોકરો ક્રાંતી લાવશે, પહેલા ભાજપ સરકારે તેની અવગણના કરી સાથે ભાજપના જ કેટલાંક નેતાઓ હાર્દિકને પોતાનો સ્વાર્થ પુરો કરવા માટે આંદોલનને હવા આપવાનું પણ કામ કરતા હોવાની વાતો પણ લોકોમાં ચર્ચાઇ હતી. તા. ૨૫ ઓગષ્ટ ૨૦૧૫ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલી જંગી સભા જેમાં દસ લાખ કરતા વધુ પાટીદારો આખા રાજ્યમાંથી ઉમટ્યા હતા. આખુ અમદાવાદ ચક્કાજામ થઈ ગયુ હતું.પહેલી વખત હાર્દિકને પોતાની તાકાત સમજાઈ હતી અને સરકાર સ્તબ્ધ બની ગઈ હતી. જીએમડીસી ગ્રાઉન્ડમાં આવેલી ભીડને કારણે ખુદ ભાજપ સરકારને પણ હાર્દિક સાથે સંવાદ કરવા મજબુર થઈ ગઈ હતી, પણ હાર્દિકે હાથમાં આવેલી તક ગુમાવી અને રાજ્યમાં તોફાન શરૂ થઈ ગયા.હાર્દિક નવ મહિના જેલમાં રહ્યો, પછી કોર્ટના આદેશ પ્રમાણે રાજસ્થાન ગયો. હજી ગુજરાતના પાટીદારોને હતું કે હાર્દિક ગુજરાત આવશે અને તેમને અનામત મળશે, પણ આ દરમિયાન હાર્દિકના નજીકના સાથીઓએ તેનો સાથ છોડવાની શરૂઆત કરી હતી. ભાજપે હાર્દિકના સાથીઓને તોડવા માટે શામ-દામ અને દંડ ત્રણે બાબતો અપનાવી હતી, ચૂંટણી દરમિયાન હાર્દિકે આખા રાજ્યમાં પ્રવાસ કર્યો અને જાહેર સભાઓ કરી અને તેણે ભાજપને પાડી જ દો તેવુ જાહેરમાં કહ્યુ. હાર્દિકની ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં જે સંખ્યામાં લોકો બહાર આવતા હતા તેના કારણે ખુદ ભાજપીઓ ફફડી ગયા હતા.પરંતુ હાર્દિકને ખ્યાલ રહ્યો નહીં, કે પ્રજા ભાજપથી થાકેલી અને નિરાશ હોવા છતાં તે કોંગ્રેસ તરફી ન્હોતી. આ બધી સ્થિતિમાં ચૂંટણીના પરિણામ જ્યારે જાહેર થયા ત્યારે જો ભાજપની સરકાર પડી ગઈ હોત તો હાર્દિક રાષ્ટ્રીય નેતા બની જતો, પણ તેવુ થયુ નહીં. હાર્દિકને કારણે ચોક્કસ ભાજપના વિધાનસભામાં નંબર ઓછા થયા પણ તે કોંગ્રેસને સત્તા અપાવી શક્યો નહીં. ચોવીસ વર્ષના હાર્દિક પટેલ ઑગસ્ટ-૨૦૧૫ની વીસનગરમાંની તેમની સૌપ્રથમ રેલીથી માંડીને અત્યારે ૨૦૧૮માં અમદાવાદના ગ્રીનવૂડ્‌ઝ બંગલોઝમાં ચાલતા તેમના ઉપવાસ સુધીમાં એક મજબૂત રાજકીય નેતા તરીકે ઊભર્યા છે.ગ્રૅજ્યુએટ હાર્દિક પટેલે ૨૦૧૫થી ૨૦૧૮ સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાવશાળી કામગીરી, જેલ, તડીપારી એ બધું જોયું છે.હાર્દિક પટેલ તેમની ત્રણ વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા. તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા. તેમની સામે રાજ્યભરમાં ૫૬ એફઆઈઆર નોંધાઈ છે.હાર્દિક પટેલના ટેકેદારો માને છે કે આનંદીબહેન પટેલને ગુજરાતનાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો.પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના સ્થાપક અને સંયોજક હાર્દિક પટેલને વીસનગરમાં ૨૦૧૫માં યોજાયેલી રેલીથી લોકપ્રિયતા મળવી શરૂ થઈ હતી.
એક સામાન્ય યુવાન સાથે એ રેલી બાદ લોકો સેલ્ફી ક્લિક કરતા થઈ ગયા હતા.ઉત્તર ગુજરાતમાં સફળ જાહેર સભાઓએ હાર્દિકને અમદાવાદ આવવા પ્રેર્યા હતા અને તેમણે ૨૦૧૫ની ૨૫ ઑગસ્ટે અમદાવાદના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી. એ પછી હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થઈ ગયું હતું.અલબત, એ કાર્યક્રમ પછી ગુજરાતભરના પાટીદારો રસ્તા પર ઊતરી પડ્યા હતા અને પાટીદારોની વસતી ન હોય તેવા વિસ્તારોમાં થયેલાં તોફાનમાં ૧૪ લોકો મૃત્યુ પામ્યા હતા.આ પછી રાજ્ય સરકારે કાયદા અનુસાર કાર્યવાહી કરી હતી અને હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.પાટીદાર આંદોલને કડવા અને લેઉવા પટેલના અલગ-અલગ નેતૃત્વને જોયું છે. બન્ને પાટીદારો અલગ-અલગ કુળદેવીને પૂજે છે.કડવા પાટીદારનાં કુળદેવી ઉમિયા માતા છે, જ્યારે લેઉવા પટેલનાં કુળદેવી ખોડિયાર માતા છે.આ વખતના આંદોલનમાં જય ઉમા-ખોડલનો નારો ગાજ્યો હતો નારાનો અર્થ એ છે કે કડવા અને લેઉવા બન્ને એક જ છે અને હવે એક થઈને લડશે, જે ૨૦૧૫માં થયું ન હતું.પાટીદાર સમાજના લોકોને એકતા માટે આપેલી પ્રેરણા હાર્દિક પટેલની મુખ્ય સિદ્ધિ છે.ગુજરાતમાં પટેલ સમાજ આગળ પડતો છે. ગુજરાતમાં વિધાનસભાની આશરે ૩૯ બેઠકોના પરિણામ પર પટેલ મતદારો પ્રભાવ પાડી શકે છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર પાટીદારો મુખ્ય પ્રધાન બની ચૂક્યા છે.આ પાટીદારો માટે હાર્દિક પટેલ અનામતની માગણી કરી રહ્યા છે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોની અનામતની ટકાવારીમાં ઘટાડો ન થાય એ રીતે અનામતની માગણી તેઓ કરી રહ્યા છે.હાર્દિક પટેલના અનામત આંદોલનને કારણે જ ગુજરાતમાં કોંગ્રેસને નવજીવન મળ્યું છે.ખેડૂતોનાં દેવાંની માફીની માગણી પણ હાર્દિક પટેલના આંદોલનમાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે.દેવાંમાફીની માગણીને કારણે પણ હાર્દિકને ખોવાયેલી લોકપ્રિયતા પાછી મળી રહી હોવાનું તેમના સમર્થકો માને છે.આ બે માગણી ઉપરાંત અલ્પેશ કથિરિયાને જામીન પર મુક્ત કરવાની માગણી પણ હાર્દિકે કરી છે.જો કે સરકાર હાલ હાર્દિક મામલે બહુ ચિંતિત હોય તેવું લાગતું નથી તે સરકારને મંત્રણા માટે બોલાવી રહ્યો છે પણ સરકારે તેને પારણા કરી લેવાની સલાહ આપી છે જે અસર તેણે જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉભી કરી હતી તે અસર હાલમાં તેના ઉપવાસને કારણે સર્જાઇ નથી અને હાર્દિકને કારણે સરકાર ઘાંઘી થઇ નથી.

Related posts

વાયુ પ્રદૂષણને કારણે ગુણાકાર,ભાગાકાર કરવાની ક્ષમતા ઘટે છે

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1