Aapnu Gujarat
બ્લોગ

મોદી સરકારના તમામ દાવાઓ પોકળ પુરવાર થયા

મોદી સરકારે સત્તાના સુત્રો સંભાળ્યા ત્યાર પહેલા દેશની જનતાને અનેક પ્રકારના સપના બતાવ્યા હતા.મોદીએ પોતાની વાકપટુતાથી દેશના લોકોને એ ઠસાવી દીધુ હતું કે યુપીએ સરકાર ભ્રષ્ટ છે અને જ્યાં સુધી તે સત્તા પર છે ત્યાં સુધી દેશની જનતાનું ભલુ થવાનું નથી.કૌભાંડોથી જનતા ત્રસ્ત થઇ જ ગઇ હતી અને તેવામાં મોદીએ રામરાજનું જે સપનું બતાવ્યું લોકોને તેમની વાત સોળઆની સાચી લાગી અને સત્તાનાં સુત્રો ભાજપને સોંપી દીધા હતા.ત્યારબાદ ભ્રષ્ટાચારના અહેવાલો બહાર આવ્યા નથી પણ લોકોને કોઇ લાભ થાય તેવી પણ કોઇ કામગિરી થઇ નથી.આ ચાર વર્ષમાં જીએસટી અને નોટબંધી એ બે કાર્યો મોદી સરકાર પોતાના અંકે હોવાનું ગણાવી શકે છે.ભ્રષ્ટાચારને નાથવા માટે નોટબંધી જરૂરી છે તે મોદીએ લોકોને સમજાવ્યું હુતું અને લોકોએ તકલીફો વેઠીને પણ તેમના એ નિર્ણયને ટેકો આપ્યો હતો.ત્યારે હાલમા આરબીઆઇએ જે વાર્ષિક રિપોર્ટ આપ્યો તેમાં નોટબંધી અંગે કેટલાક તારણો આપ્યા છે.આરબીઆઇએ પહેલીવાર એ જાહેર કર્યુ છે કે કે ૫૦૦ અને ૧૦૦૦નાં નોટ બંધ કર્યા બાદ કેટલી નોટો બેંકમાં પરત ફરી છે.જો કે તેમના આ અહેવાલ બાદ ચર્ચા માત્ર નોટબંધીનાં આંકડાઓમાં સમેટાઇ ગઇ છે અને રિપોર્ટના કેટલાક મહત્વનાં પાસાઓ તરફ કોઇએ ધ્યાન આપવાની તસ્દી લીધી નથી.જો કે નોટબંધી બાદ બેંકોમાં જમા થયેલ નોટોની ગણતરીનું કામ લાંબો સમય સુધી ચાલ્યું હતું આથી મીડિયા અને રાજકારણનું ધ્યાન તે મુદ્દા પર ખોડાયેલું રહે તે સ્વાભાવિક છે.૯૯.૩ ટકા નોટો પાછી ફરવાની વાતને મુદ્દો બનાવીને વિપક્ષે એ કોહરામ મચાવ્યો છે કે નોટબંધીનો ફેંસલો તમામ રીતે નિષ્ફળ રહ્યો હતો.હવે મોદી સરકાર માટે કેટલાક સવાલોનાં જવાબ આપવા ભારે પડે તેમ છે કારણકે ચુંટણી પહેલા તેમણે કાળાનાંણાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કાળાનાણાંની હાજરી નોટોની શકલમાં તો હોવાની વાત પચે તેમ નથી આમ જે કકળાટ ભાજપે તે વખતે કર્યો હતો અને કોંગ્રેસને બચાવની મુદ્રામાં લાવી દીધી હતી તે મુદ્દો અર્થહીન બની રહ્યો છે.આ પગલાને કારણે લોકોએ ડિઝીટલ ટ્રાન્જેકશનને અપનાવ્યું જે એક સકારાત્મક બાબત ગણાવી શકાય અને આ પ્રવૃત્તિને કારણે મોટા ખેલાડીઓની કામગિરી પર અંકુશ લાગી શક્યો છે કારણકે તેનાથી તેમને એ સંદેશ પહોચ્યો છે કે તેમની રમત પર સરકારની નજર છે.
આરબીઆઇનાં વાર્ષિક અહેવાલમાં ચિંતાજનક વાત એ છે કે સરકારના લાખ પ્રયાસ છતાં એનપીએમાં ઘટાડો થઇ રહ્યો નથી.અહેવાલ અનુસાર આગામી વર્ષે તે હાલનાં ૧૧.૫ ટકા કરતા પણ વધારે રહે તેવી શક્યતા છે.વિશ્વબજારમાં રક્ષાવાદી પ્રવૃત્તિઓને કારણે ભારતીય ઉત્પાદનોને ભારે વેઠવાનો વારો આવી શકે તેમ છે.ઇરાન પર અમેરિકાએ લગાવેલા પ્રતિબંધોને કારણે ક્રુડની કિંમતો હાલમાં ઘટવાની કોઇ શક્યતા નથી તે ક્યાં જઇને અટકશે તે હાલ તો પ્રશ્ન છે.તેમાંય રૂપિયો ડોલર સામે પ્રતિદિન નીચેની સપાટીએ પહોંચી રહ્યો છે જે વ્યાપાર ખાધને વધારવાનું જ કામ કરશે.જો કે આ તમામ બાબતો છતાં આ વર્ષે કૃષિ ઉત્પાદન ઉત્તમ રહેવાની આશા છે.જીડીપીનો અનુમાનિત દર ૭.૪ ટકા દર્શાવાયું છે જે ગત વર્ષના ૬.૭ ટકા કરતા તો ઉત્તમ જ છે.આપણે સ્થાનિક બજારોને જ એટલા મજબૂત બનાવવા રહ્યાં જેથી બાહ્ય બજારને કારણે થયેલું નુકસાન ભરપાઇ કરી શકાય.આગામી વર્ષે ચુંટણી છે એટલે નાણાંકીય શિસ્ત જાળવવાનું કામ મુશ્કેલ છે સૌથી મોટો સવાલ એ છે કે ઉત્તમ રાજનીતિનું સંતુલન ઉત્તમ અર્થનીતિ સાથે કેવી રીતે સાંકળી શકાય છે.
જો કે આરબીઆઇનો અહેવાલ ભાજપ સરકાર માટે તો મુશ્કેલીઓ સર્જનાર જ પુરવાર થાય તેમ છે કારણકે બે વર્ષ પહેલા નોટબંધી લાગુ કરતી વખતે તેમણે જે દાવો કર્યો હતો તે દાવાની પોલ અહેવાલ ખોલી રહ્યો છે જે અનુસાર નોટબંધીનો ફાયદો દેશને થયો નથી.સરકારનો દાવો હતો કે આ પગલાથી કાળા ધન પર આકરો પ્રહાર થયો છે અને નકસલી અને આતંકવાદી ગતિવિધિઓને ભારે અસર પહોંચી છે.ભ્રષ્ટાચાર રોકાયો છે અને પથ્થરબાજો પર અંકુશ લાગ્યો છે.જો કે દેશની જનતાએ જોયું છે કે કેવી અસર થઇ છે.આરબીઆઇનાં અહેવાલ અનુસાર સિસ્ટમમાં ૯૯.૩ ટકા નોટો પાછી આવી છે.જ્યારથી નોટબંધી લાગુ કરાઇ છે ત્યારથી આરબીઆઇ પર દબાણ હતું કે તેઓ સિસ્ટમમાં પાછી આવેલ નોટોનો આંકડો જાહેર કરે.હાલમાં જ આરબીઆઇએ પોતાનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે.
આરબીઆઇ અનુસાર ૮ નવેમ્બર ૨૦૧૬નાં રોજ નોટબંધી જાહેર કરાઇ હતી ત્યારે ૧૫.૪૧ લાખ કરોડની ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બજારમાં હતી આજે જ્યારે આરબીઆઇએ પોતાની કામગિરી પુરી કરી છે ત્યારે ૫૦૦ અને ૧૦૦૦ની લગભગ ૧૫.૩૧ લાખ કરોડની નોટો સિસ્ટમમાં પાછી ફરી છે.આરબીઆઇની આ જાહેરાતે વડાપ્રધાનનાં તમામ દાવાઓને ખોખલા પુરવાર કર્યા છે જે તેમણે નોટબંધી સમયે કર્યા હતા.એટલું જ નહી જુની ૫૦૦ અને ૧૦૦૦ની નોટોનાં બદલે જે નવી ૫૦૦ અને ૨૦૦૦ની નોટો જાહેર કરાઇ હતી તે માટે આરબીઆઇને બમણો ખર્ચ કરવો પડ્યો જે કોઇપણ રીતે યોગ્ય ગણાવી શકાય તેમ નથી.આમ નોટબંધી માટે જે વાયદાઓ કર્યા હતા તે તો ખોખલા જ પુરવાર થયા છે.આરબીઆઇએ લાંબો સમય સુધી આ આંકડાઓ જાહેર કર્યા ન હતા આથી તે દબાણમાં કામ કરતી હોવાની શંકાઓ ઉઠાવવામાં આવી હતી.વડાપ્રધાન પણ નોટબંધીનાં પરિણામથી અજાણ હતા તે ખોટી વાત છે.આ કારણે જ નોટબંધીનો મામલો ડિઝિટલ ઇન્ડિયા સાથે જોડવાનો પ્રયાસ કરાયો હતો અને ત્યારબાદ તો મોદીએ નોટબંધીનો મુદ્દો જ પોતાના ભાષણોમાં ઉઠાવવાનો બંધ કર્યો હતો.આમ તો તેમની પાસે પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરાયેલા પોતાનાં ભાષણમાં આ મુદ્દો ઉઠાવવાની તક હતી પણ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો જ ન હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર, ૨૦૧૬ની સાંજે જાહેર કર્યું કે ઊંચા દરની ચલણી નોટોને નાણાંકીય વ્યવસ્થામાંથી પરત ખેંચવામાં આવી રહી છે.આ નિર્ણય ભ્રષ્ટાચારને ડામવા અને કાળા નાણાંના સંગ્રહને ડામવા માટેનો આ એક પ્રયત્ન હોવાની તેમણે વાત કરી હતી. અર્થશાસ્ત્રી પ્રવીણ ચક્રવર્તી એક વર્ષ બાદ આ વિવાદાસ્પદ નિર્ણય વિશે તેમનો મત રજૂ કરી રહ્યા છે.દેશની કુલ ચલણી નોટોના મૂલ્યનો આશરે ૯૦ ટકા હિસ્સો ધરાવતી ચલણી નોટો રાતોરાત રદબાતલ થઈ જશે તેવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.આ નિર્ણયને ભૂલભરેલી રીતે ’ડિમોનેટાઈઝેશન’ એટલે કે વિમુદ્રીકરણ અને વ્યાપક રીતે નોટબંધીનું નામ અપાયું હતું, જેમાં રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ના દરની નોટો રદ્દ કરવામાં આવી હતી.રૂપિયા ૫૦૦ની નવી રીતે ડિઝાઈન કરેલી નોટ અને રૂપિયા ૨૦૦૦ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. તકનિકી રીતે આ પગલું ’ડિમોનેટાઈઝેશન’ નહીં પરંતુ ’રિફર્બિશમેન્ટ’ એટલે કે નવીનીકરણ છે.આ નિર્ણયની ૧૦૦ કરોડથી પણ વધુ લોકોને અસર થઈ હતી. વર્ષ ૨૦૧૬ની ’ધ ગ્રેટ ઈન્ડિયન ડિમોનેટાઈઝેશન’ વર્તમાન ઈતિહાસની સૌથી વધુ લોકોને અસર કરનારી આર્થિક નીતિ ગણી શકાય.આઠમી નવેમ્બર, ૨૦૧૬ના રોજના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કાળા નાણાંને બહાર લાવવું, નકલી ચટણી નોટોને દૂર કરવી અને ઉગ્રવાદ માટે મળતા ભંડોળનો અંત આણવો એ આ નિર્ણયના મુખ્ય ત્રણ હેતુ છે.બાદમાં તેઓ જાપાનના ત્રણ દિવસના પ્રવાસ પર જતા રહ્યા હતા, જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે સ્થિતિ વધુ વણસી ગઈ હતી. બેન્ક એટીએમમાંથી રોકડ ઉપાડવા માટેની લાંબી કતારો રોજ જોવા મળતી હતી.ઘણાં પરિવારો રોકડના અભાવના કારણે અસહાય બન્યા હતા. લગ્નો રદ્દ કરવામાં આવ્યા, નાના વેપારીઓએ વેપાર બંધ કર્યો અને આર્થિક સક્રિયતામાં વિક્ષેપ પડ્યો હતો.
રોકડની તરલતા સમક્ષ સંકટ ઊભું થયું હતું. સ્ટેન્ડ-અપ કોમેડિયનો આ મુદ્દા પર નવી રમૂજી સ્ક્રીપ્ટ લખી રહ્યા હતા.તે સમયે ભારતમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવતી ચૂકવણીઓમાં ૯૫ હિસ્સો રોકડનો હતો. મોદી જાપાનથી પરત ફર્યા અને આ અવ્યવસ્થાની સ્થિતિ વિશે લોકોને સંબોધિત કરવા માગતા હોય તેવું લાગી રહ્યું હતું.બાદમાં તેમણે કહ્યું કે ભારતને ’કૅશલેસ’ અને ’ડિજિટલ અર્થતંત્ર’ બનવા તરફ વેગ આપવા માટે આ નિર્ણય જરૂરી હતો.જાપાનથી પરત આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ આપેલા ભાષણોમાં ’બ્લેક મની’ શબ્દ કરતા ’કૅશલેસ’ અને ’ડિજિટલ’ શબ્દોનો ઉપયોગ ત્રણ ગણો થયો હતો.જ્યારે આઠમી નવેમ્બરે તેમણે કરેલી જાહેરાતમાં ’કૅશલેસ’ કે ’ડિજિટલ’ શબ્દોનો ઉલ્લેખ નહોતો.અમુક અઠવાડિયાઓમાં જ ’ડિમોનેટાઈઝેશન’ એ બેનામી સંપત્તિને બહાર લાવવાના પ્રયત્નમાંથી એક એવી જાદુઈ છડીમાં પરિવર્તિત થયું હતું જેના દ્વારા ગરીબીથી ઘેરાયેલા દેશને ’કૅશલેસ અર્થતંત્ર’માં ફેરવવાનો હતો.બહાદુરીનો આ દેખાવ પ્રસંશનીય અને હાસ્યાસ્પદ હતો.કરુણાંતિકા એ છે કે દેશને રોકડમાંથી મુક્ત કરવાનો દેખાડો કરતા નિર્ણય બાદ વડાપ્રધાન જાપાન ગયા હતા ત્યાંના જીડીપી દરમાં રોકડનો સૌથી મોટો હિસ્સો છે.વિશ્વનાં મોટા અર્થતંત્રોના જીડીપી દરમાં રોકડની હિસ્સેદારની દૃષ્ટિએ આ જાપાનનું અર્થતંત્ર મોખરે છે.એ વાત અસ્પષ્ટ છે કે ’કૅશલેસ અર્થતંત્ર’નો માર્ગ શા માટે એકાએક ભારતની સૌથી મહત્વની આર્થિક પ્રાથમિકતા બની રહ્યો છે?
’ડિમોનેટાઈઝેશન’ માટે કહેવાયેલી આ વાર્તામાં ફેરફાર કરવો અનિવાર્ય હતો કારણ કે ત્રણ મુખ્ય હેતુઓ માટે થયેલો અમલ અસ્પષ્ટ અને શંકાસ્પદ હતો.’ડિમોનેટાઈઝેશન’ કાળાં નાણાંને બહાર લાવી શકે તેમ નહોતું. કારણ કે વિવિધ સંશોધન અભ્યાસોએ દૃઢ રીતે તારણ આપ્યું છે કે ભારતમાં રહેલી ગેરકાયદે સંપત્તિનો છ ટકાથી પણ ઓછો હિસ્સો રોકડ સ્વરૂપે છે.આમ, છ ટકા ગેરકાયદે સંપત્તિને બહાર લાવવા દેશનાં કુલ રોકડ મૂલ્યના ૯૦ ટકાથી પણ વધુ હિસ્સાને રદ્દ કરવો એ માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરવા સમાન છે.નકલી ચલણી નોટને નાબૂદ કરવાનો તર્ક પણ ગેરમાર્ગે દોરનારો હતો. કારણ કે ’રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયા’નો જ એક અંદાજ હતો કે દેશમાં ચલણમાં રહેલી કુલ ચલણી નોટોનો ૦.૦૨ ટકાથી પણ ઓછો હિસ્સો નકલી ચલણી નોટોએ રોકેલો છે.નકલી ચલણ એ વૈશ્વિક અને નિરંતર સમસ્યા છે. જેનો ઉકેલ ’ડિમોનેટાઈઝેશન’ દ્વારા નહીં પરંતુ સમયાંતરે ડિઝાઈનમાં પરિવર્તન કરી લાવવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું ત્રીજું કારણ એ હતું કે ભારતમાં ઊંચા દરની ચલણી નોટોનું પ્રમાણ અમર્યાદિત રીતે વધુ છે, જેના કારણે ઉગ્રવાદી પ્રવૃત્તિઓને ભંડોળ મળી રહે છે. આ કારણ પણ ભૂલભરેલું છે.ઊંચા દરનાં ચલણનો હિસ્સો ભારતના જીડીપી સાથે સમાંતર વૃદ્ધિ કરી રહ્યો હતો. દેશના જીડીપીમાં આ પ્રકારના ચલણનો હિસ્સો લગભગ નવ ટકા હતો જે પાંચેક વર્ષ સુધી સતત રહ્યો હતો.બીજી વાત એ કે એવો કોઈ પુરાવો નથી કે ઊંચા દરની ચલણી નોટોના પ્રમાણમાં વધારો થતા ઉગ્રવાદી ઘટનાઓમાં પણ વધારો થાય છે.આમ આ વાત સ્પષ્ટ છે કે ’ડિમોનેટાઈઝેશન’ માટે રજૂ કરવામાં આવેલા આર્થિક તર્ક નક્કર નહોતા. મોટા સ્તરે પર લેવાયેલા આ નિર્ણય પાછળ અન્ય કોઈ તર્ક હતા જેના વિશે અટકળો લગાવવાની બાકી છે.
જેવી રીતે ’ડિમોનેટાઈઝેશન’ના તર્ક અસ્પષ્ટ છે તેવી જ રીતે તેની કિંમતના ચોક્કસ પરિમાણો પણ અસ્પષ્ટ છે.દેશના અર્થતંત્રની ધીમી પડી રહેલી પ્રગતિ અને ’ડિમોનેટાઈઝેશન’ના કારણે સર્જાયેલી બેરોજગારી વિશેના વિવિધ સર્વે અને અભ્યાસ પર પણ વધારે ધ્યાન અપાઈ રહ્યું છે.
જીડીપીના આંકડાઓ પરથી અર્થતંત્ર વિશે અટકળો લગાવવી મુશ્કેલ છે. કદાચ ’ડિમોનેટાઈઝેશન’ની આર્થિક અસરનો તાગ મેળવવા માટે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે.ખેતી, ઉત્પાદન અને બાંધકામ આ ત્રણ ક્ષેત્રો રોકડની અછતના કારણે વિકટ પરિસ્થિતિમાં છે. દેશની ’ગ્રોસ વેલ્યુ એડેડ(જીએવી)’નો ૫૦ ટકાથી પણ વધુ હિસ્સો આ ક્ષેત્રો પાસે છે.વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓ દ્વારા કેટલા પૈસા મેળવવામાં આવે છે, તેના આધારે ’ગ્રૉસ વેલ્યુ એડેડ’(જીવીએ) નક્કી કરવામાં આવે છે. દેશની રોજગારીના ૭૫ ટકાથી પણ વધુનો હિસ્સો આ ક્ષેત્રો પાસે છે.જીવીએની માહિતી પર નજર કરવામાં આવે તો મારા અભ્યાસ મુજબ આ ત્રણેય ક્ષેત્ર ૮ ટકાના સતત અને નજીવા દરે પ્રગતિ કરી રહ્યા હતા.’ડિમોનેટાઈઝેશન’ બાદના છ મહિના દરમિયાન આ દર ઘટીને ૪.૬ ટકા પર પહોંચ્યો હતો. વૃદ્ધિમાં આવેલી આ પડતી પરથી આ ત્રણેય ક્ષેત્રમાં ’ડિમોનેટાઈઝેશન’ની અસરનો અંદાજ મેળવી શકાય છે.જો કે ’ડિમોનેટાઈઝેશન’ના કારણે અમુક અકારણ લાભ પણ મળ્યા હતા. બૅંકોનું ભંડોળ ડિપોઝીટોથી ભરપૂર થયું હતું. જેના કારણે વ્યાજ દર નીચા રહ્યા છે.મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા સંચાલિત બૅન્કોને ’રિકેપિટલાઈઝેશન બૉન્ડસ’ની વ્યવસ્થા દ્વારા દેવામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરાયો છે.ડિજીટલ ટ્રાન્ઝેક્શનમાં પણ ઉછાળો આવ્યો છે અને એવી દલીલ કરવામાં આવે છે કે ભારત હવે રોકડ પર ઓછું આધારિત રહેશે જો કે હજુ નિષ્ણાતોએ આ વિશે કોઈ અટકળ લગાવી નથી.
આ નિર્ણયના કારણે જે હાનિઓ થઈ છે જેમાંથી ઉગરતા ઘણો સમય લાગશે. દુઃખદ વાત એ છે કે આ મોટાં પગલાં પાછળનું ચોક્કસ કારણ હજી પણ આપણને ખબર નથી.
એવી આશા રાખી શકાય કે ભારતના આ અનુભવ પરથી અન્ય વિકાસશીલ દેશો શીખે આર્થિક નીતિ નિર્માણના માર્ગ પર વધુ ચીવટતાથી ચાલે. આગામી સમયમાં જ્યારે ભાજપ લોકો પાસે જશે ત્યારે લોકો આ મુદ્દો ઉઠાવશે જરૂર ત્યારે તેમનાં માટે આ પગલુંં ન્યાયોચિત હતું તે પુરવાર કરવું ભારે પડે તેમ છે.

Related posts

दुनिया में बज रहा भारत का डंका

editor

क्या अमेरिका चीन से युद्ध के लिए भारत को जरीया बनाना चाहता है….?

editor

સુનામીથી વિશ્વના કેટલાય શહેરો તબાહ થવાનો ખતરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1