Aapnu Gujarat
બિઝનેસ

મોદીની ઇઝરાયલની મુલાકાત બાદ ટુરિઝમમાં ઉછાળો

ભારતીય પ્રવાસન વ્યાપાર ઉદ્યોગ સાથે સંબંધો સુદૃઢ કરવાના હેતુથી ઈઝરાયલનાં પ્રવાસન મંત્રાલય દ્વારા આજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈઝરાયલનું પ્રવાસન મંત્રાલય ૨૦ સભ્યોનાં ડેલિગેશન સાથે ભારતના પ્રવાસે છે. આ પ્રસંગે ઈઝરાયલ પ્રવાસન મંત્રાલયના ભારત અને ફિલિપાઈન્સનાં ડાયરેક્ટર શ્રી હાસન મદાહેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત અને ઇઝરાયલના વડાપ્રધાનની ભારત મુલાકાત બાદ ઇઝરાયલના ટુરીઝમ ઉદ્યોગમાં નોંધપાત્ર ઉછાળો અને હકારાત્મક અસરો જોવા મળ્યા છે. ભારત સહિત એશિયન કન્ટ્રીઝમાંથી હવે મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. છેલ્લા સાત મહિનામાં ૪૪ હજારથી વધુ ભારતીયો ઇઝરાયલના પ્રવાસે આવ્યા છે, જેમાં સૌથી વધુ બિઝનેસ ટ્રીપ સફળ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇઝરાયલના પ્રવાસન મંત્રાલયના ભારત આવેલા ડેલિગેશનમાં ડેસ્ટીનેશન મેનેજમેન્ટ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ કંપનીઓએ ભારતનાં ૧૦૦ ટોચના ટ્રાવેલ અને ટુર ઓપરેટરો, માઈસ પુરુ પાડનારાઓ, અપ માર્કેટ લિઝર ઓપરેટર્સ અને સમૂહ માધ્યમો સાથે વિચાર વિર્મશ કર્યા હતાં. આ રોડ શોમાં પ્રેઝન્ટેશન અને આદાન પ્રદાનનો વર્કશોપ યોજાયો હતો. આ રોડ શોમા ઈન્ટરેક્ટીવ બીટુબી સેશન્સ, શિક્ષણ કાર્યક્રમો અને વર્કશોપ્સનો સમાવેશ થાય છે. ઈઝરાયલ પ્રવાસન મંત્રાલયના ભારત અને ફિલિપાઈન્સનાં ડાયરેક્ટર શ્રી હાસન મદાહેએ ઉમેર્યું હતું કે, ઈઝરાયલમાં પ્રવાસ ઉદ્યોગ ઝડપથી વૃધ્ધિ પામી રહ્યો છે. તેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતથી આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જાન્યુઆરીથી જુલાઈ ૨૦૧૮ના સમયગાળામાં ૪૪,૦૦૦ ભારતીય પ્રવાસીઓએ ઈઝરાયલની મુલાકાત લીધી હતી. અમદાવાદ દૃઢ અવકાશ ધરાવે છે અને ભારતમાં તે અમારા મુખ્ય બજારોમાંનું એક છે. શહેરમાંથી પરદેશ જનારા પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. આ પ્રવાસીઓ ઓફબીટ સ્થળની શોધમાં સતત હોય છે. ઈઝરાયલ તેમની આ શોધમાં સચોટ રીતે ફીટ બેસે છે. ઈઝરાયલમાં ભારતીય પ્રવાસીઓ માટે શાકાહારી ખોરાક અને વેગાન વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે. ચાલુ વર્ષનાં માર્ચમાં એર ઈન્ડિયાએ નવી દિલ્હી અને તેલઅવીવ વચ્ચે ઐતિહાસિક ડાયરેક્ટ ફલાઈટ શરૂ કરી હતી. ડાયરેક્ટર ફલાઈટને કારણે ભારતીય પ્રવાસીઓને ઈઝરાયલ જવામાં સરળતા થઈ છે. ઉપરાંત ઈઝરાયલી એરલાઈન અલએઆઈ પણ હાલમાં સપ્તાહમાં ત્રણ દિવસ મુંબઈ અને તેલઅવીવ વચ્ચે ઉડાન કરે છે.
ઈઝરાયલનાં કેરિયર આર્કિયાએ પણ ઈઝરાયલ અને ભારત વચ્ચે કામગીરી હાથ ધરવા માટે રસ દાખવ્યો છે. શ્રી મદાહે જણાવ્યું કે, અમે ભારતીયો માટે સરળ વીસા પ્રોસિઝર માટે કેટલાક ચોક્કસ પગલાંઓ પણ લીધા છે. તેમાં સેનજેન દેશો, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયાનાં તેમજ વીસા ધરાવતા પ્રવાસીઓ માટે ડોક્યુમેન્ટસમાં છૂટછાટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વીસા ફીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જેનાથી ભારતીય પ્રવાસીઓને ઈઝરાયલનાં પ્રવાસ માટે પ્રોત્સાહન મળે. તો, અમદાવાદથી ઇઝરાયલની સીધી ફલાઇટ ભવિષ્યમાં શરૂ કરાય તે માટે પણ સંબંધિત સત્તાવાળાઓ સાથે અમે સલાહ મસલત કરી રહ્યા છીએ. ઈઝરાયલમાં વિશ્વકક્ષાની વિવિધ હોટલો, અત્યાધુનિક કન્વેન્શન સેન્ટર્સ, બીચો, આકર્ષક નાઈટલાઈફ, આંતરરાષ્ટ્રીય ખાદ્ય સામગ્રી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. ઈઝરાયલમાં તેલઅવીવ અને જેરુસલેમ, મૃત સમુદ્ર અને ઐલટ સહિતના અનેક આકર્ષણનાં કેન્દ્રો છે.

Related posts

વેચવાલી જારી : FPI દ્વારા ઇક્વિટીમાંથી નાણાં ખેંચાયા

aapnugujarat

અઝીમ પ્રેમજી દેશના સૌથી જંગી આવક મેળવનારા પ્રમોટર બન્યા

aapnugujarat

નવા ડેબિટ કાર્ડમાં હેકિંગની આશંકા, એસબીઆઈએ ગ્રાહકોને કર્યા એલર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1