Aapnu Gujarat
ગુજરાત

યુવતીને વેચવાના કાવતરાનો પર્દાફાશ

રાજસ્થાનના ડુંગરપુરથી પ્રેમલગ્ન કરી અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેવા આવેલી પરિણીતાને વેચી દેવાના કાવતરાંનો પર્દાફાશ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. વાસણા પોલીસે આ સમગ્રગ કેસમાં સંડોવાયેલી મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી કેસમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, પરિણીતાના પતિના મામાની દીકરી અને બનેવીએ ભેગાં મળી કાવતરું રચી પરિણીતાનું અપહરણ કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા આસપાસનાં ગામડાંમાં ગોંધી રાખી લગ્ન માટે પરિણીતાને અલગ અલગ યુવકોને બતાવી હતી, પરંતુ યુવકોએ લગ્નની ના પાડતાં તેને પરત વાસણા છોડી દેવાઇ હતી. જો કે, કાવતરાનો પર્દાફાશ થઇ જતાં આખરે વાસણા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે તે સહિતની બાબતોની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની ૧૯ વર્ષીય એક યુવતીને તેની બાજુના ગામમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાતાં બંને ઘેરથી નાસી ગયાં હતાં. તા.૧૭ જુલાઇના રોજ બંને કોર્ટમાં લગ્ન કરી અમદાવાદ આવી ગયાં હતાં. હાલમાં વાસણાના ભરવાડવાસમાં આવેલ શિવશક્તિનગરમાં ભાડાના મકાનમાં તેણી પોતાના પતિ સાથે રહેતી હતી. તેના પતિના મામાએ ભાડાનું મકાન અપાવ્યું હોવાથી તેમને ઓળખતા હતા. ગત તા.૩૧ જુલાઇના રોજ યુવતીનો પતિ મજૂરીકામે ગયો હતો. યુવતી ઘેર એકલી હતી ત્યારે મામાની દીકરી ઇશીકા તેના ઘેર આવી હતી. ચરલ ગામે હોસ્પિટલે બતાવવા જવાનું કહી યુવતીને સાથે લઇને નીકળી હતી. સાણંદ ચોકડી પાસેથી બાઇક પર ઇશીકાના જીજાજી વિનોદભાઇ તેને બેસાડી સુરેન્દ્રનગરના રાજપર ગામે લઇ ગયા હતા. વિનોદભાઇના ઘરે કોઇ હાજર ન હતું. યુવતીને એક અલગ રૂમમાં બેસાડી રાખી હતી. યુવતીએ અહીં લાવવા બાબતે પૂછતાં વિનોદભાઇએ જણાવ્યું હતું કે તારાં લગ્ન કરાવવાનાં છે. હવે ક્યાંય જવાનું નથી તેમ કહીને રૂમમાં પૂરી દીધી હતી. પાંચ દિવસ સુધી યુવતીને રૂમમાં ગોંધી રાખી હતી. દરમ્યાનમાં એક યુવક વિનોદભાઇ સાથે આવ્યો હતો. વિનોદભાઇએ યુવકને યુવતી સાથે લગ્ન કરવા બાબતે પૂછતાં યુવકે ના પાડી હતી. દરમ્યાન યુવતીને શોધતાં પોલીસ અહીં આવશે તેવા ડરથી વિનોદભાઇ યુવતીને ત્યાંથી લઇ વીરમગામ નજીક આવેલા વિઠ્ઠલગઢ ગામના એક મકાનમાં લઇ ગયા હતા. ત્યાં પણ એક યુવક વિનોદભાઇ સાથે આવ્યો હતો અને તેને લગ્ન કરવા બાબતે પૂછતાં તેણે પણ ના પાડી દીધી હતી. પોલીસથી બચવા માટે ફરી વિનોદભાઇ તેને કુમરખાન ગામે લઇ ગયા હતા. ત્યાં એક મકાનમાં યુવતીને ત્રણ દિવસ ગોંધી રાખી હતી. આ મકાનમાં પણ એક યુવકને યુવતી સાથે લગ્ન કરવા બાબતે લઇને વિનોદભાઇ આવ્યા હતા. આ યુવકે પણ લગ્નની ના પાડતાં વિનોદભાઇ પરત યુવતીને રાજપર ગામે લઇ આવ્યા હતા. પાંચ દિવસ સુધી યુવતીને ગોંધી રાખી હતી. બીજી તરફ યુવતી ગાયબ થઇ જતાં તેના પતિએ વાસણા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઉપરાંત ગુજરાત હાઇકોર્ટમાં પણ આ અંગે ફરિયાદ કરી હતી. ૧૬ દિવસ સુધી અલગ અલગ ગામમાં યુવતીને ગોંધી રાખી તેનાં લગ્ન કરાવવા માટે અલગ અલગ યુવકોને બોલાવી તેને વેચી નાખવાનું કાવતરું પાર ન પડતાં છેવટે તા.ર૧ ઓગસ્ટના રોજ વિનોદભાઇ વાસણા બસ સ્ટેશન પાસે યુવતીને ઉતારી જતા રહ્યા હતા. યુવતી ત્યાંથી સીધી વાસણા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને બધી વિગત જણાવી હતી. પોલીસે આ બાબતે તેના પતિને જાણ કરતાં તે પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. વાસણા પોલીસે ઇશીકા અને તેના જીજાજી વિનોદભાઇ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી લીધી હતી. પોલીસે મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી ખૂટતી કડીઓ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

Related posts

સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગે પાંચ શિકારી ઝડપ્યા

editor

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે રક્ષાબંધનની અનોખી ઉજવણી

editor

બાવળા-બગોદરા હાઇવે પર એસટી અને આઇશર ટ્રક વચ્ચે સર્જાયેલો ગમખ્વાર અકસ્માત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1