Aapnu Gujarat
ગુજરાત

માણેક બુરજનું સમારકામ શરૂ થશે

ગત જુલાઇ-ર૦૧૭માં યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશના સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરના ભવ્ય વારસાના જતન અને જાળવણી માટે વિવિધ યોજનાઓનું આયોજન અને હેરિટેજ વોક, વર્લ્ડ હેરિટેજ વીક તેમજ વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી, હેરિટેજ આધારિત સાંસ્કૃતિ કાર્યક્રમો, શેરી નાટકો વગેરેનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ત્યારે શહેરના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિના જતનના ભાગરૂપે રૂ.૨૩ લાખના ખર્ચે ઐતિહાસિક માણેક બુરજનું રિસ્ટોરેશન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ શહેરના શંકરભુવન સામેની દિવાલનું પણ રિસ્ટોરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કાંકરિયા તળાવ ફરતે આવેલાં પગથિયાં, હવેલીઓ, કિલ્લાની દીવાલ, દરવાજાઓ વગેરે સ્થાપત્યના રિસ્ટોરેશનની કામગીરી પણ કરવામાં આવી છે. હવે તંત્ર દ્વારા ઐતિહાસિક માણેક બુરજના રૂ.ર૩ લાખના ખર્ચ રિસ્ટોરેશનનું કામ હાથ ધરાયું છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયા બાદથી મ્યુનિસિપલ સત્તાધીશો દ્વારા દેશ-વિદેશના લોકોમાં અમદાવાદ વિશે જિજ્ઞાસા ઊભી થાય તે દિશામાં વિશેષ પગલાં લેવાઇ રહ્યાં છે. અમદાવાદને સેપ્ટ દ્વારા તૈયાર કરાયેલા ડોઝિયરના આધારે વર્ષ ર૦૧૧માં ટેન્ટેટિવ લિસ્ટ ઓફ વર્લ્ડ હેરિટેજ સિટીઝમાં સ્થાન અપાયું હતું. ત્યારબાદ લગભગ છ વર્ષની જહેમત બાદ શહેરને દેશનાં અન્ય મુંબઇ, દિલ્હી જેવાં ઐતિહાસિક શહેરોની સ્પર્ધામાં સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બનવાનું ગૌરવ પ્રાપ્ત થવાથી સત્તાવાળાઓ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટનું ગઠન કરાયું છે. આગામી દિવસોમાં હેરિટેજ સિટી સેક્રેટરિયેટ્‌સ ઊભું કરાશે. દરમ્યાન અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના ડાયરેક્ટર આશિષ ત્રામ્બડિયા ઐતિહાસિક માણેક બુરજના રિસ્ટોરેશન અંગે વધુ માહિતી આપતાં જણાવે છે કે, અમ્યુકો તંત્ર દ્વારા તાજેતરમાં જ શહેરની સ્થાપનાકાળના ઇતિહાસ સાથે જોડાયેલા સંત માણેકનાથ બાવાના બુરજના રિસ્ટોરેશનની કામગીરીને મંજૂરી અપાઇ છે. આ માટે રૂ.ર૩ લાખ ખર્ચાશે તેમજ બાર મહિનામાં માણેક બુરજના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરાશે. એલિસબ્રિજના તિલકબાગના છેડે આવેલા માણેક બુરજના રિસ્ટોશનથી શહેરનો હેરિટેજ વારસો વધુ દીપી ઊઠશે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ભદ્રના કિલ્લાની દીવાલના રિસ્ટોરેશનની કામગીરી હેઠળ અંદાજે રૂ.ચાર કરોડ ખર્ચાયા છે. આ કામગીરી તબક્કાવાર હાથ ધરાઇ છે. ગુજરીબજારને લગતી કિલ્લાની દીવાલના રિસ્ટોરેશનની કામગીરી આટોપાઇ ગઇ છે જ્યારે હવે શાહપુરમાં શંકર ભુવન સામેની કિલ્લાની દીવાલના રૂ.૩૦ લાખના ખર્ચે રિસ્ટોરેશનના વર્કઓર્ડરને તંત્ર દ્વારા મંજૂરી અપાઇ છે. આ દીવાલના રિસ્ટોરેશનનો પ્રોજેક્ટ પણ બાર મહિનામાં પૂર્ણ કરી દેવાનો અંદાજ છે. આમ, શહેરના ઐતિહાસિક સ્થાપત્યો અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અમ્યુકો સત્તાવાળાઓએ ગંભીરતાપૂર્વક કામગીરી હાથ ધરી છે, જેને લઇ નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Related posts

भूज-मांडवी हाइवे पर ट्रक ने एक्टिवा को टक्कर मारने पर मां-पुत्र की मौत

aapnugujarat

રાધનપુરમાં વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

નવરંગપુરા પાર્કિંગમાં એક વાહન પાર્ક કરી શકાયું નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1