Aapnu Gujarat
બ્લોગ

કાશ પુછી શક્યો હોત કે તું મને પ્રેમ કરે છે તો જીંદગી આજે મારી રંગીન હોત

સવારનો સમય છે અને કોલેજની આસપાસ ચહલ પહલ જોવા મળી રહી છે. કોલેજની બહાર ઉભેલી ચા નાસ્તાની લારીઓ પર કોલેજના યુવક યુવતીઓ પોતાના મનગમતા પ્રિય પાત્ર સાથે મોજ મસ્તી કરી રહ્યા છે અને સાથે સાથે ચા નાસ્તાની મજા માણી રહ્યા છે. સવારમાં રસ્તા પર વાહનોની સંખ્યા ઓછી હોવાથી પુર ઝડપે વાહનો પસાર થઇ રહ્યા છે. કોલેજ શરૂ થાય તે પહેલાથી જ પ્રેમી યુગલો સાથે બેસીને મનની વાત કરી રહ્યા છે. જેવો કોલેજનો દરવાજો ખુલે છે કે તરત જ વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં દાખલ થાય છે. કોઇ ચાલતા તો કોઇ વૈભવી બાઇક, ગાડી સાથે કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરે છે ને ત્યાંથી સીધા જ ક્લાસરૂમમાં પહોંચી જાય છે. પ્રોફેસર આવે તે પહેલા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં એકબીજાનો પરીચય પુછી રહ્યા છે.

કોલેજના પહેલા દિવસે મોટા ભાગના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં આવી ગયા છે અને ફક્ત એક વિદ્યાર્થીની ગેરહાજર છે. બધાના પરીચયના અંતે વિરેન નામનો યુવક મનોમન કહે છે કે આખા ક્લાસમાં મારા મનને ગમે તેવી એક પણ યુવતી નથી. મારા મનને ગમતી કોઇ છોકરી ક્લાસમાં ન હોવાથી આ ક્લાસરૂમ સાવ ઉજ્જડ હોય તેવો લાગી રહ્યો છે. પરંતુ પાછો વિરેન પોતાના મનને શાંત્વના આપતા કહે છે કે તું નિરાશ ના થઇશ. હજુ એક યુવતી ગેરહાજર છે અને કદાચ એ જ મનને ગમતી હોઇ શકે છે. કોલેજમાં બીજા દિવસે વિરેન ક્લાસરૂમમાં થોડો વહેલો આવી જાય છે અને ગેરહાજર રહેલ યુવતિને જોવા માટે થનગની રહ્યો છે. ક્લાસમાં પ્રોફેસર આવે તે પહેલા બધા વિદ્યાર્થીઓ આવી જાય છે અને હજુ પણ પેલી યુવતિ આવતી નથી એટલે વિરેન થોડો આકુળ વ્યાકુળ થઇ જાય છે. વિરેનની નજર ક્લાસરૂમને બદલે બહારની બાજુ દોડી રહી છે. એટલામાં જ ખુલ્લાવાળ, આંખોમાં કાજળ, ગુલાબી ગાલ, હાથમાં એક ચોપડી સાથે સ્વરૂપવાન યુવતિ ક્લાસરૂમની બહાર ઉભી રહીને પ્રોફેસર પાસે ક્લાસરૂમમાં દાખલ થવા માટે રજા માંગે છે અને ક્લાસરૂમમાં દાખલ થાય છે. સ્વરૂપવાનને જોતાની સાથે જ વિરેનની આંખો મોટી થઇ જાય છે અને તે નખશીખ તેને જ નિહાળી રહ્યો છે અને એક ક્ષણ માટે તો પોતાનો શ્વાસ પણ થંભી જાય છે. વિરેનના મનમાં ખુશીનો દરીયો ઘુંઘવાટા કરવા માડે છે અને દરીયામાં જેમ મોટા મોજા ઉછળતા હોય તેમ વિરેનના મનમાં પણ પ્રેમરૂપી દરીયાના મોજા ઉછળવા લાગે છે. વિરેન મનગમતી છોકરીને ક્લાસરૂમમાં જોઇને મનોમન બોલી ઉઠે છે કે હવે આ ક્લાસરૂમ રૂપી બગીચો વેરાન નહી લાગે. થોડીવારમાં જ વિરેન પોતાની જગ્યા પર ઉભો થાય છે અને પ્રોફેસરને વિનંતી કરે છે કે અમે બધા એકબીજાથી અજાણ છીએ એટલે પરીચય કરાવો. પ્રોફેસર કહે છે કે કાલે તો પરીચય થઇ ગયો છે એટલે આજે ફરી ન હોય. વિરેને કહ્યુ કે કાલે તો પરીચય થઇ ગયો છે પરંતુ આજે નવા આવેલ વિદ્યાર્થીઓનો પરીચય બાકી છે. પ્રોફેસરે કહ્યુ કે વિરેન તું ભણવામાં ધ્યાન આપ અને પ્રોફેસર પેલી સ્વરૂપવાન યુવતીને પોતાનો પરીચય આપવા જણાવે છે. સ્વરૂપવાન યુવતિ નેહા તેનો પરીચય આપે છે ત્યારે વિરેન કહે છે કે હું વિરેન ત્યારે તેને અટકાવતા પ્રોફેસર કહે છે કે તારે પરીચય નથી આપવાનો. વિરેન કહે છે કે મારો પરીચય તો થઇ ગયો અને આખો ક્લાસ ખડખડાટ હસી પડે છે. પહેલી નજરથી જ વિરેનને નેહા ગમવા લાગે છે અને વિરેન નેહાને પોતાની પ્રેમીકા બનાવવાનું નક્કી કરે છે. કોલેજ શરૂ થયાને થોડા દિવસો થયા છે ત્યાં આનંદ નામનો વિદ્યાર્થી કોલેજ કેન્ટીનમાં જાય છે અને નેહાને શોધી રહ્યો છે. નેહા જે ટેબલ પર નિયમીત નાસ્તો કરવા માટે બેસે છે તે ટેબલ પર આજે આનંદ આવીને બેસી ગયો છે. નેહા કેન્ટીનમાં પ્રવેશ કરે છે અને તેનુ ટેબલ ખાલી ન હોવાથી કાઉન્ટર પાસે ઉભી રહી જાય છે ત્યારે આનંદ કહે છે કે નેહા આજે ભુખ નથી લાગી કે શુ? નેહાએ કહ્યુ નાસ્તો તો કરવો છે પરંતુ મારૂ ટેબલ ખાલી નથી. આ શબ્દો સાંભળતા જ આનંદ કહે છે કે લ્યો ત્યારે આપનું ટેબલ ખાલી થઇ ગયુ, હું તો ગમે તે ટેબલ પર નાસ્તો કરી લઇશ. પોતાનું ટેબલ ખાલી થતા નેહા તેની સહેલીઓ સાથે બેસીને નાસ્તો કરે છે અને બીલ ચુકવવા માટે કાઉન્ટર પર જાય છે. નેહાએ પુછ્યુ કે કેટલા પૈસા આપવાના છે? ત્યારે કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ કહ્યુ કે, તમારૂ બીલ તો પહેલાથી જ ચુકવાઇ ગયુ છે. નેહાએ કહ્યુ કે મારૂ બીલ કોણે ચુકવ્યુ? ત્યારે થોડે દુર ઉભેલા આનંદે કહ્યુ કે આપનું બીલ મે ચુકવી દિધુ છે. મારૂ બીલ તે કેમ ચુકવ્યુ તેમ નેહાએ કહ્યુ. પોતાની જગ્યાએથી થોડે દુર ખસીને આનંદે કીધુ કે નેહા તારૂ મારૂ બધુ છોડ. મારૂ જે કાંઇ પણ છે તે આપણું સહિયારૂ છે. હું તને પ્રેમ કરૂ છુ અને તને રાજકુમારીની જેમ રાખીશ તેમ આનંદે કહેતાની સાથે જ નેહાનો ચહેરો લાલ ઘુમ થઇ જાય છે, તે બીલના પૈસા આનંદના ચહેરા પર ફેંકે છે અને મોટા અવાજે કહે છે કે તારા જેવા તો મારા ઘરે નોકર છે અને તે પણ તારા કરતા વધુ રૂપીયા વાપરી જાણે છે. હું કોલેજમાં પ્રેમ કરવા નહિ ભણવા આવું છું. નેહાના કઠોર શબ્દો સાંભળીને આનંદ ત્યાંથી રફુચક્કર થઇ જાય છે અને ફરી ક્યારેય પણ નેહાની સામે આવતો નથી. આ આખો ઘટનાક્રમ કેન્ટીનમાં બેસીને વિરેન જોયા કરે છે અને પોતે નેહાને પ્રેમ કરે છે તેવુ કહેવાની હિંમ્મત કરતો નથી. વિરેન પડછાયાની જેમ નેહાની સાથે રહેવાનો પ્રયત્ન કરે છે અને સતત નેહાનું ધ્યાન રાખવાની સાથે મદદરૂપ પણ બની રહ્યો છે. કેન્ટિનમાં બનેલી ઘટના પછી નેહા એકલી રહેવાને બદલે વિરેન સાથે વધુ જોવા મળી રહી છે. નેહા વિરેનને પોતાનો વિશ્વાસુ મિત્ર માનવા લાગે છે અને મન ખોલીને બધી વાતો કરે છે. જેના કારણે કેટલા વિઘ્નસંતોષી યુવકો નેહાને કહે છે કે, તે એવુ તો શું જોયુ કે કોલેજના આટલા બધા સારા છોકરાઓને છોડીને તે વિરેનને પ્રેમમાં ફસાવ્યો છે. નેહા એક પણ શબ્દ બોલતી નથી અને ત્યાંથી સીધી વિરેન પાસે જતી રહે છે. નેહા વિરેનને પુછે છે કે તું મારો મિત્ર છે કે નહિ? વિરેને કીધુ કે આજે તને શુ થઇ ગયુ છે નેહા, તું આજે કેમ આવુ પુંછી રહી છું. આપણે મિત્ર જ છીએ અને કાયમ મિત્ર રહીશું. જેવી રીતે વિરેન નેહાને પ્રેમ કરે છે તેવી જ રીતે નેહા પણ વિરેનને દિલથી ચાહે છે. પરંતુ કોલેજનો અભ્યાસ પુર્ણ થાય ત્યાં સુધીમાં એક પણ વખત વિરેન નેહાને પોતાની દિલની વાત કહી શકતો નથી. સતત એકબીજાની સાથે રહેવા છતાં પણ આ પ્રેમી યુગલનું મિલન થતુ નથી. અભ્યાસ પુરો થયાને થોડા મહિનાઓ પછી વિરેન હિમ્મત કરીને નેહાને પ્રેમની વાત કરવા માટે બોલાવે છે. બન્ને બગીચામાં મળે છે. વિરેન નેહાને કહે છે કે આજ પછી આપણે મિત્ર નહી રહીએ ત્યારે આશ્ચર્ય સાથે નેહા કહે છે કે વિરેન તું આજે કેમ આવુ બોલે છે. તને શુ થઇ ગયુ છે મને કાંઇ ખબર પડતી નથી. વિરેન કહે છે કે નેહા હું તને મારા મનની વાત કહેવા માગું છુ. મનની વાત કહેવામાં તું કેમ ગભરાયેલો હોય તેમ લાગે છે એવુ નેહાએ કહ્યુ. હું તને પ્રેમ કરૂ છુ આવું વિરેનના મોઢે સાંભળતા જ નેહા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે અને કહે છે કે વિરેન આપણે પુછવામાં બહુ મોડુ કરી દિધુ છે. હું પણ તને મારા જીવની જેમ ચાહુ છુ પરંતુ આવતા મહિને મારા લગ્ન નક્કી થઇ ગયા છે અને હવે જો મારા લગ્ન રોકવામાં આવે તો મારી બદનામી થાય પરંતુ આપણો પરીવાર પણ બદનામ થાય. વિરેન પણ આંખોમાં આંસુ સાથે કહે છે કે, ભલે આપણે એક ન થઇ શક્યા પરંતુ આપણો પ્રેમ કાયમ આવોને આવો જ રહેશે. તું લગ્ન કરીને સુખી થજે અને હું લગ્ન કર્યા વગર જીંદગીભર તને ચાહતો રહીશ. બન્ને એકબીજાને ભેટીને ખુબ રડે છે અને ભારે હ્રદયે છુટા પડે છે. પછી વિરેન હિમ્મત કરીને નેહાના લગ્નમાં જાય છે અને દંપતિને સુખી લગ્ન જીવનની દિલથી શુભકામના પાઠવે છે. લગ્ન પછી નેહા તેના પતિ સાથે ખુશ રહે છે પરંતુ વિરેનને ભુલી શકતી નથી. એક દિવસ જ્યારે અચાનક જ વિરેનને નેહા મળી જાય છે ત્યારે કહે છે કે, કાશ પુછી શક્યો હોત કે તું મને પ્રેમ કરે છે તો જીંદગી આજે મારી રંગીન હોત.

Related posts

ભારત-જાપાન મૈત્રીથી ચીનના પેટમાં દુખાવો

aapnugujarat

શરીરના આ અંગ પર હશે તલ તો થઈ શકે છે લગ્ન જીવનમાં સંકટ, જાણો વધુ

aapnugujarat

NICE LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1