Aapnu Gujarat
બ્લોગ

ભારત-જાપાન મૈત્રીથી ચીનના પેટમાં દુખાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબેની ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરની બે દિવસની મુલાકાત માટે સરકારના વહીવટી તંત્રમાં તૈયારીઓને લગભગ આખરી ઓપ આપી દેવાયો છે. બન્ને મહાનુભાવોના રોડ-શોથી લઇને સાંસ્કૃતિક કાર્યક્રમો અને બિઝનેસ ડેલિગેશન સાથેની મીટીંગ સુધીના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. બન્ને દેશ વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ મજબૂત બને તે માટે ટોચના ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.બન્ને દેશ વચ્ચે ઇલેક્ટ્રોનિક્સ, બેટરી સંચાલિત કાર, ઇલેક્ટ્રીક હેવી મેટલ, પરંપરાગત ઊર્જા સહિતના ક્ષેત્રે એમઓયુ કરાશે. તે સાથે બન્ને દેશના વિદ્યાર્થીઓ સરળતાથી આવે તે માટે પણ ખાસ પ્રોગ્રામ અને દ્રિપક્ષીય સંધિઓ કરવામાં આવશે. જાપાની પીએમ અબેની મુલાકાત ઇન્ડિયા વિઝિટ તરીકેની છે કારણકે અબે જાપાનથી સીધા ગુજરાત આવી દેશની રાજધાનીમાં ગયા વગર જ પરત જવાના છે. એટલે બન્ને દેશ વચ્ચેના મહત્વના કરાર પણ ગાંધીનગરમાં જ કરવામાં આવશે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરના માળખાગત પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવશે. બન્ને દેશોના કેટલાક ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાયા છે. ભારતમાંથી રિલાયન્સ, અદાણી જૂથ, સુઝલોન, ટાટા, મહિન્દ્રા કોટક, આદિત્ય બિરલા, નિરમા, કેડીલા, સન ફાર્મા, સહિત ૧૦૦થી વધુ ટોચના ઉદ્યોગપતિ અને જૂથનો સમાવેશ થાય છે. ૧૪મી તારીખે બપોરે મહાત્મા મંદીરમાં બન્ને દેશોના બિઝનેસ ડેલિગેશન સાથે મીટીંગ ઉપરાંત જાપાન અને ભારત વચ્ચે મહત્વના કરાર પણ કરવામાં આવશે. જેમાં ઇલેક્ટ્રોનિક્સ સાથે સૌર ઊર્જા પવન ઊર્જા ક્ષેત્ર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બન્ને દેશો શૈક્ષણિક અને સમાજિક રીતે જોડાયેલા રહે અને સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમો વધે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. કૃષિ અને મેડીકલ ક્ષેત્રે પણ આપસી સહયોગ વધારવામાં આવશે.તે સાથે અંદાજે એક લાખ કરોડ રૂપિયાના હાઇ સ્પીડ રેલવે એટલે કે અમદાવાદ-મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેનનું ખાત મુહૂર્ત પણ ૧૪મીએ કરવામાં આવશે. મહાત્મા મંદિર ખાતે ૧૪મીએ બિઝનેસ ઇવેન્ટ યોજાશે. બન્ને દેશના વડાપ્રધાન ઉચ્ચ અધિકારીઓ અને બિઝનેસ ડેલિગેશન સાથે વારાફરથી મીટીંગ કરશે. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ૧૪મીએ સાંજે સાયન્સ સિટી ખાતે રાજય સરકાર દ્વારા ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. તે પછી બન્ને દેશના વડાપ્રધાન ગુજરાતથી રવાના થશે. ગુજરાતને લઇને ખાસ કયા એમઓયુ કરાય તેની શકયતા રાજય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ચકાસવામાં આવી રહી છે.નરેન્દ્ર મોદીએ સત્તાહસ્તગત કર્યા પછી વિદેશ નીતિમાં સૌથી પહેલા જે કામો હાથ પર લીધા હતા તેમાં જાપાન સાથે આર્‌થિક સંબધો મજબૂત બનાવવાનું કામ પણ મહત્વનું હતુ. આ વ્યુહરચનાના ભાગરૃપે ૨૦૧૫ સપ્ટેમ્બરમાં મોદીએ જાપાનની મુલાકાત લીધી. મોદીની આ યાત્રા દરમિયાન જાપાને ભારતમાં આગામી પાંચ વર્ષમાં ૩.૫ ટ્રિલિયન યેનનું રોકાણ કરવાની જાહેરાત કરી. જાપાને ગત વર્ષે ભારતમાં બે અબજ ડોલરનું રોકાણ કર્યું હતુ. તેને સ્થાને હવે જાપાન આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૃપિયાનું નવુ રોકાણ કરનાર છે. દરમિયાનમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ પણ એજ ગાળામાં ભારતની મુલાકાત લીધી અને મોદી સાથે શિખર મંત્રણ પછી ચાર મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા.આ કરાર પ્રમાણે જાપાન ભારતમાં બુલેટ ટ્રેન દોડાવવામાં મદદ કરશે. બીજો કરાર સુઝુકી સહિતની કંપનીઓના ભારતમાં પ્રોજેક્ટ વધે તેનો લગતો છે. જેમાં સુઝુકી ભારતમાં કાર બનાવીને તેની નિકાસ જાપાનમાં કરશે આથી ભારતને વિદેશી હુંડિયામણ મળશે સાથે સાથે રોજગારીની તકો પણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત ત્રીજો કરાર ભારતમાં જાપાનીઝ કંપનીઓના રોકાણ સંબિધત તથા ચોથો કરાર પરમાણુ કરારનો છે.
હવે આ ઘટનાક્રમ દરમિયાન ભારતયાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેની કેવીક ખાતીરદારી થાય છે અને બંને દેશો વચ્ચે કયા ક્ષેત્રમાં કેવા કરાર થાય છે તેના પર ચીને બરાબર ધ્યાન આપ્યું. જાપાનના વડાપ્રધાન એબે સાથે ભારતે અણુઉર્જા સંબંધિત સમજુતી કરી. અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના ય કરાર થયા. આ બંને બિઝનેસ ડીલમાં ચીનને ય ખાસ્સો રસ છે. આમ છતાં ચીને તેમાં કશો વાંધો લીધો નહિ અને ભારતે દક્ષિણ ચીની સમુદ્રમાં જાપાન દ્વારા મુકાયેલ ચીન સામેની વાંધા દરખાસ્તમાં સહયોગની ખાતરી આપી. આ ઘટનાક્રમથી ચીનનું પેટ હવે દુખવા માંડયું છે.
શિન્ઝો એબેની મુલાકાત પછી તરત ચીનના પ્રવકતાએ બુલેટ ટ્રેન અંગે બંને દેશો વચ્ચે થયેલા કરારને આવકાર્યા હતા પરંતુ બે દિવસ રહીને દક્ષિણ સમુદ્ર મુદ્દે ભારત-જાપાનના સહયોગને ભારતની બિનજરૂરી દખલગીરી તરીકે વખોડી કાઢ્યો છે. દક્ષિણ ચીની સમુદ્ર સાથે ભારતને કોઈ લેવાદેવા નથી. એ ચીનનું અબાધિત જળઅધિકારક્ષેત્ર છે અને જાપાન તેમાં અકારણ હક જતાવે છે ત્યારે ભારતે જાપાનનો પ્રસ્તાવ સ્વીકારીને મોટી ભૂલ કરી છે એવો બળાપો ચીનના પ્રવકતાએ જાહેરમાં વ્યક્ત કરી દીધો.
ચીનના વાંધામાં દમ તો છે. બુલેટ ટ્રેન માટે જાપાન ભારત સાથે કરાર કરે તેમાં ચીનને વાંધો નથી. કારણ કે, ચીન ભારત સાથે દિલ્હી-ચેન્નાઈના વધુ લાંબા રૂટ માટે વધુ મોટો બુલેટ ટ્રેન કરાર કરવાનું છે. ચીનને એ પણ ખાતરી છે કે જાપાન સાથેનો સોદો ભારતને ખાસ્સો મોંદ્યો પડવાનો છે. કારણ કે, પડતર નીચી રાખવામાં આખી દુનિયામાં કોઈ ચીનની બરોબરી કરી શકે તેમ નથી.
આમ છતાં, ભારત અને જાપાન વચ્ચેના સંબધોમાં આવી રહેલી નિકટતા ચીનને સતર્ક કરવા માટે પૂરતી છે. આમ થવા પાછળના મુખ્ય બે કારણો મનાય છે.
માળખાગત સુવિધાઓ ક્ષેત્રે હરણફાળ ભરવા ઈચ્છતી ભારત સરકારને ચીનનો સહયોગ જોઈએ છે. પરંતુ ચીન સાથેનો કટુતાનો ઈતિહાસ અને ચીનનો સ્વભાવ જોતાં ભારત એકલા ચીનને વેપારનો લાભ આપવા પણ તૈયાર નથી. આથી માળખાગત સુવિધાની એવી જ હથોટી ધરાવતા જાપાન સાથે ય ભારત વ્યવસાયી સંબંધો ઈચ્છી રહ્યો છે. બસ આ જ કારણે ચીનનો ગરાસ લૂંટાય જાય તેમ છે. પરંતુ એ કારણ એટલું મહત્ત્વનું નથી કે ચીન પેટનો દુઃખાવો છતો કરી દે.
ચીનને સૌથી મોટો વાંધો દક્ષિણ ચીની સમુદ્રમાં જાપાનના દાવાને લગતો છે. ચીનના દક્ષિણ સમુદ્રમાં, પૃથ્વીના નકશા પર નાનકડા ટપકાં તરીકે ય માંડ નજર આવે એવડા ૬૦ જેટલા ટાપુઓ આવેલા છે. મહત્તમ ૭૨૩ ચોરસ કિલોમીટર અને ન્યૂનતમ ૮૪ ચો. કિમી. વિસ્તાર ધરાવતા આ બંજર તેમજ અવાવરુ ટાપુઓ પૈકી વૈશ્વિક સ્વિકૃતિ મુજબ હાલમાં ચીનની માલિકીના ૮ ટાપુઓ જ છે. સૌથી મોટા કુલ ૨૯ ટાપુઓ વિયેતનામના કબજામાં છે જયારે ફિલિપાઈન્સના ૮, મલેશિયાના ૫ અને બુ્રનેઈના ૪ ટાપુઓ છે.
ભારતના અરુણાચલ પ્રદેશના કુલ ૧૮,૦૦૦ હેકટર વિસ્તાર પર પોતાનો દાવો કરતી વખતે ચીને ૧૯૮૯થી જે રીતે ધીમી દ્યૂસણખોરી કરી હતી અને પછી વીસ વર્ષે પોતાનો દાવો ધરી દીધો હતો બિલકુલ એવી જ મોડસ ઓપરેન્ડી તેણે દક્ષિણી ચીની સમુદ્રના ટાપુઓ પર કબજો જમાવવામાં પણ અજમાવી છે.
૧૯૭૫થી ચીને આ ટાપુઓ પર પોતાના વસાહતીઓને વેપાર, માછીમારી જેવા વિવિધ કારણોસર વસવાટ કરવા મોકલ્યા. જે તે ટાપુ પર એકલદોકલ સંખ્યામાં આવતા ચીનાઓની હાજરી ગંભીરતાથી લીધા વગર વિયેતનામ, ફિલિપાઈન્સ વગેરે દેશોએ ખાસ ધ્યાન પર આપ્યું નહીં. હવે આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, ચીન એ દરેક ટાપુઓને પોતાની માલિકીના ગણાવી રહ્યું છે અને ચીનની વિરાટ લશ્કરી તાકાત સામે સાવ વામણા લાગતા આ દેશોને કબજો છોડવા દબાણ થઈ રહ્યું છે. ટાપુઓને પોતાના ગણાવવા માટે ચીનની દલીલ એવી છે કે, આઠમી સદીમાં હાન વંશના ચીની રાજાઓએ આ દરેક ટાપુઓ કબજે કર્યા હતા અને ત્યાં પોતાની આણ સ્થાપી હતી. પોતાની દલીલના સમર્થનમાં ચીન આઠમી સદીના નકશાઓ ય દર્શાવી રહ્યું છે.
આ વિવાદના મૂળમાં ખનીજ તેલનો જથ્થો અને લશ્કરી મથકો માટેના વ્યુહાત્મક સ્થાનની લડાઈ છે. વિયેતનામે વર્ષ ૨૦૦૮માં પોતાની માલિકીના ટાપુઓ પર ભારતને (ઓએનજીસીને) શારકામ કરવાનો કોન્ટ્રાકટ આપ્યો, ત્યારે ચીને વિરોધ નોંધાવીને ભારતને અહીં શારકામ કરતા રોકી દીધું હતું. ભારતે એ વખતે આંતરરાષ્ટ્રીય કાયદાનો હવાલો આપવાની જરૃર હતી તેને બદલે ચીનની દાદાગીરીને તાબે થઈને આપણે શારકામ માટે જરૃરી સરંજામ સાથે મોકલેલા જહાજો પરત બોલાવી લીધા હતા. એ પછી ભારતની નીતિ અનુભવી ચૂકેલા ચીને બીજો દાવ ખેલ્યો.
વિયેતનામના કબજા હેઠળના ટાપુઓ પછી તેણે ફિલિપાઈન્સના ત્રણ ટાપુઓ પર શારકામ કરી રહેલી ભારતીય ટુકડીને ય ભગાડી દીધી. ભારત પાણીમાં બેસી ગયા પછી વિયેતનામે કૂટનીતિની શતરંજમાં ભારતને બાદ્યું સાબિત કરતી ચાલ ખેલી જાણી છે. વિયેતનામની માલિકીના ટાપુઓ પર શારકામ કરવામાં ભારતે પાછી પાની કરી એ પછી તરત જ વિયેતનામે પ્રમાણમાં ઓછી કિંમત મળતી હોવા છતાં અમેરિકન કંપનીઓને શારકામનો કોન્ટ્રાકટ આપી દીધો.
વિયેતનામે પોતાના ૮ ટાપુ તેમજ ફિલિપાઈન્સે ૩ ટાપુઓનું વાલીપણું આગામી દસ વર્ષ માટે અમેરિકાને સોંપતા કરાર કરીને ચીનને બરાબર ગૂંચવી નાંખ્યું છે. હવે અમેરિકા આખો મામલો આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઢસડી ગયું છે ત્યારે ચીન છેલ્લા પાટલે બેસી રહ્યું છે. હવે ચીને અમેરિકાને સીધી દાટી મારીને દક્ષિણ ચીની સમુદ્ર વિસ્તારમાંથી ખસી જવા ચીમકી આપી છે.
જાપાનને ય આમ જુઓ તો દક્ષિણ ચીની સમુદ્ર સાથે દેખીતો કોઈ સંબંધ નથી, પરંતુ ચીનની સામ્રાજયવાદી નીતિ જોતાં ઘરઆંગણે તેની હાજરી જાપાનને ખૂંચે છે. આથી જાપાને બીજા વિશ્વયુદ્ધ વખતનો હવાલો ટાંકીને એ ટાપુઓ પર પોતાનો અધિકાર જતાવ્યો અને ત્યાં ચીન લશ્કરી મથક સ્થાપે તેની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે વાંધો ઊઠાવ્યો છે.
ભારતને એ સમુદ્ર સાથે ભૌગોલિક દૃષ્ટિએ ભલે સીધો સંબંધ ન હોય, પરંતુ વ્યાપારી નૌકાકાફલાની અવરજવર માટે ભારત પણ એ સમુદ્રવિસ્તારનો ઉપયોગ કરે છે. વિયેતનામ, કંબોડિયા, મલેશિયા, ફિલિપાઈન્સ જેવા દેશોમાં ભારતની નિકાસ ખાસ્સી વધારે છે અને એ માટે ભારતીય વેપારી વહાણવટું દક્ષિણ ચીની સમુદ્રમાંથી જ પસાર થતું હોય છે. આવા સંજોગોમાં ચીન ત્યાંના ટાપુઓ પર લશ્કરી મથક બાંધીને નાકાબંધી કરી દે એ ભારત માટે પણ જોખમી છે.
આ ઉપરાંત જાપાન-ચીન ઝગડામાં જાપાનનું સમર્થન કરવાનું ભારતના પક્ષે બીજું કારણ છે પાકિસ્તાન અને ચીનની મૈત્રી. પાકિસ્તાન સાથે સારા સંબધો બાંધીને ભારતને બાનમાં રાખવા ચીન વારંવાર પ્રયાસ કરતુ રહ્યું છે. આવા વખતે ચીન કદી ભારતનો વિરોધ ગણકારતું નથી. ગ્વાદર બંદર લીઝ પર લેતી વખતે કે આઝાદ કાશ્મીર તરીકે ઓળખાતા વિવાદી વિસ્તારમાંથી રસ્તો કાઢતી વખતે ચીને ભારતના વાંધાને કાને લીધો નથી. તો પછી ભારતે પણ આડકતરી રીતે ચીનનો કાન આમળવો પડે તેમ હતો. જાપાનના પ્રસ્તાવને સમર્થન આપીને ભારતે એ જ કર્યું છે.
વળી, જાપાન સાથે વેપાર વધારવામાં ફાયદો પણ છે. હાલ વૈશ્વિક ચલણ બજારમાં જાપાની યેન ખાસ્સો નીચો ચાલે છે. આથી અત્યાર સુધી મોંઘો પડતો જાપાની માલસામાન હવે ભારતને ઘણો જ સસ્તો પડે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મુદ્દે જાપાન દ્વારા ભારતને મળતું બિઝનેસ પાર્ટનર તરીકેનું બિનશરતી સમર્થન પણ દેશને કંઈક તો ફાયદેમંદ રહેશે તેવી ગણતરી મંડાઈ રહી છે.

Related posts

હાર્દિકનો સાથ કોંગ્રેસને ફળશે કે નહીં….

aapnugujarat

मोदी-ट्रंप प्रेमालाप

aapnugujarat

ચૂંટણીપ્રચારમાં ધમકી, ગાળો અને અપશબ્દોનો વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1