Aapnu Gujarat
બ્લોગ

હાર્દિકનો સાથ કોંગ્રેસને ફળશે કે નહીં….

ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી અનામતની માંગણી સાથે આંદોલન કરી રહેલા પાટીદારોને મનાવવા માટે રાજ્યની ભાજપ સરકારે અનેક પ્રયાસ કર્યાં હતા. તેમ જ સરકાર દ્વારા સ્વર્ણ સમાજ માટે ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પાટીદારોએ ઓબીસી સમાજને મળતી અનામત જેવા લાભો મેળવાની માગણી સાથે આંદોલન ચાલુ રાખ્યું હતું. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અને પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) વચ્ચે અનામતને મામલે બેઠકનો દોર ચાલતો હતો. અંતે પાસ દ્વારા કોંગ્રેસની ફોર્મ્યુલાનો સ્વીકારવામાં આવ્યો છે. ૭-૧૨ની નકલમાં નથી લખ્યું આપ્યું કે ગુજરાત ભાજપનું છે તેમ પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતાઓ અને પાટીદાર સમાજના આંદોલનકારીઓ વચ્ચે બેઠક મળી હતી જેમાં કૉંગ્રેસ ૪૯ ટકા અનામતને જેમની તેમ રાખીને પાટીદાર સહિતના સ્વર્ણ સમાજને બંધારણીય રીતે અનામત આપવાની તૈયારી દર્શાવી હતી. તેમ જ આ અંગે કોંગ્રેસના સિનિયર નેતા અને એડવોકેટ કપિલ સિબલની મદદ લેવામાં આવી હતી. અંતે કૉંગ્રેસ દ્વારા સ્વર્ણ સમાજ માટે અનામતની ફોર્મ્યુલા તૈયાર કરી હતી. આ બાબતે પાસ અને કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી બેઠકનો દોર ચાલી રહ્યો હતો. તેમ જ પાસના નેતાઓ દિલ્હી કોંગ્રેસના નેતાઓને મળવા ગયા હતા. તેમ જ કોંગ્રેસના કપિલ સિબલ ગુજરાત આવ્યા હતા. તેમ જ કોંગ્રેસ અને પાસના નેતાઓ વચ્ચે લંબાણપૂર્વકની બેઠક યોજાઈ હતી. રવિવારે પણ બેઠક મળ્યા બાદ પાસના નેતાઓએ કોંગ્રેસની ફોર્મ્યુલા અંગે સહમતી દર્શાવી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ એક સવાલ પુછાવા લાગેલો કે પાટીદાર અનામત આંદોલનનો કર્તાહર્તા હાર્દિક પટેલ કોંગ્રેસ તરફ ખુલ્લંખુલ્લા ઢળશે કે પછી મોઘમ વાતો જ કર્યા કરશે ? હાર્દિક ભાજપની પંગતમાં નહીં બેસે ને ભાજપની મેથી મારશે એ તો બહુ પહેલાથી નક્કી થઈ ગયેલું પણ સવાલ એ કોંગ્રેસને ટેકો આપે છે કે નહીં તેનો હતો. આ મામલે જાત જાતના પતંગ ચગતા હતા ને એવી વાતો પણ ચાલેલી કે હાર્દિક શિવસેનાને ગુજરાતમાં લઈ આવીને લડશે. કેટલાક વળી હાર્દિક શરદ પવારની એનસીપીનો હાથ ઝાલશે તેવી વાતો પણ ચલાવતા હતા તો વળી કોઈને એવું લાગતું હતું કે હાર્દિક સાવ પતી ગયેલી પાર્ટી જેવા શંકરસિંહ વાઘેલાની સોડમાં ભરાઈ જશે.હાર્દિક કોંગ્રેસને ટેકો આપશે કે નહીં તેનો ને તેની સાથે સંકળાયેલા બધા પેટા સવાલોનો જવાબ મળી ગયો. હાર્દિક પટેલે સરેઆમ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી દીધી ને એલાન કરી દીધું કે ભાજપે અમારા પર અત્યાચારો ગુજાર્યા છે તેથી ભાજપને મત આપવાનો તો સવાલ જ નથી. ભાજપે અમને વારંવાર હડધૂત કર્યા ને ધોકાવ્યા તેથી અમે તેની વિરુદ્ધ મત આપવાના તેમાં મીનમેખ નથી પણ અમે કોંગ્રેસને એટલે મત આપીશું કે કોંગ્રેસ વિરોધ પક્ષમાં હોવા છતાં તેણે અમારી વાત સાંભળી છે ને અમને બંધારણીય રીતે અનામત આપવાની પણ તૈયારી બતાવી છે.કોંગ્રેસે પાટીદાર સહિતના સવર્ણોને અનામત આપવાની જે વાત કરી છે એ શક્ય છે કે નહીં એ અલગ ચર્ચાનો વિષય છે. એ ચર્ચા અત્યારે શક્ય નથી પણ હાર્દિકની આ જાહેરાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે તેમાં શંકા નથી. હાર્દિકની આ જાહેરાતના કારણે કોંગ્રેસને મોટું બળ મળ્યું છે ને સામે ભાજપને મોટો ફટકો પડ્યો છે એ કહેવાની જરૂર નથી. હાર્દિક કોંગ્રેસની પંગતમાં બેસી ગયો તેથી કોંગ્રેસ જીતી જશે ને ભાજપનું અચ્યુતમ કેશવમ થઈ જશે એવું કહેવું વધારે પડતું છે પણ કોંગ્રેસની તાકાતમાં વધારો થયો છે તેમાં બેમત નથી. ગુજરાતને માથે લેનારી યુવા ત્રિપુટીમાંથી અલ્પેશ ઠાકોર પહેલાં જ કોંગ્રેસની પંગતમાં બેસી ગયેલો છે ને હવે હાર્દિક પણ તેમની સાથે છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાણી ગાજ્યા કરે છે પણ તેનો એવો પ્રભાવ નથી કે મતદાન પર અસર પાડી શકે પણ અલ્પેશ ઠાકોર ને હાર્દિક પટેલ એવા નેતા ખરા કે ભાજપને ફટકો મારી શકે.ગુજરાતમાં પાટીદારો ભાજપની મતબેંક હતા પણ હાર્દિકના કારણે આ મતબેંકમાં ગાબડું પડ્યું છે. હાર્દિકનો પાટીદાર યુવાનો અને મહિલાઓ પર ભારે પ્રભાવ છે. હાર્દિક સામે જાત જાતના આક્ષેપો થયા ને તેની સેક્સ સીડી સુધ્ધાં બહાર આવી ગઈ છતાં એ પ્રભાવ ઓસર્યો નથી. હાર્દિકની સભાઓમાં ઉમટતી ભીડ તેના પુરાવારૂપ છે. આ પ્રભાવ ઓસર્યો નથી તેનું કારણ એ છે કે હાર્દિકે પાટીદારોને અનામતના મુદ્દા સાથે કોઈ સમાધાન નથી કર્યું ને તેના માટે જે સહન કરવું પડ્યું એ સહ્યું છે.
હાર્દિક પર રાજદ્રોહનો કેસ કર્યો ને નવ મહિના જેલમાં પૂરી રાખ્યો, જાત જાતની લાલચો આપી ને સામ-દામ-દંડ-ભેદ એમ તમામ રસ્તા અપનાવ્યા છતાં હાર્દિક તૂટ્યો નથી. તેની સાથેના બીજા ઘણા આંદોલનકારી ફસકી ગયા પણ હાર્દિક મરદનું ફાડિયો સાબિત થયો એવી છાપ પાટીદાર યુવાનોમાં છે.હાર્દિકે બહુ ચાલાકીપૂર્વક પાટીદાર અનામતના મુખ્ય મુદ્દાની સાથે પાટીદારોની લાગણીઓને સ્પર્શે નહીં બલકે ભડકાવે તેવા બીજા મુદ્દા પણ સળગતા રાખ્યા છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસે પાટીદારોનાં ઘરોમાં ઘૂસીને બહેન-દીકરીઓને ફટકારીને તેમના પર દમન ગુજાર્યો છે તેવા આક્ષેપોનો મારો ચલાવીને હાર્દિકે પાટીદાર યુવાનોમાં જોરદાર આક્રોશ પેદા કર્યો છે. પાટીદાર મહિલાઓ પણ આ કારણે ખુન્નસે ભરાયેલી છે. એ વખતે પાટીદારોના કહેવાતા નેતાઓ મોંમાં મગ ભરીને બેસી રહ્યા હતા જ્યારે હાર્દિક એકદમ ખુન્નસ સાથે નિવેદનો પર નિવેદનો ફટકારતો હતો. હાર્દિકને બંધ કરવા ભાજપે તેને જેલમાં નાખ્યો પણ જેલમાં ગયા પછી પણ હાર્દિકના તેવર બદલાયા નહીં. બલકે એ વધારે આક્રમક બનીને બહાર આવ્યો તેના કારણે એ પાટીદારોના એક વર્ગમાં હીરો છે. આ વર્ગને હાર્દિકે ભાજપની એટલી વિરુદ્ધ કરી નાખ્યો છે કે તેને ભાજપ ગમે તેટલું સારું કરે પણ તેનો વાંક જ દેખાય છે, સામે હાર્દિક ગમે તે ખોટું કરે તો પણ તેનો વાંક નથી દેખાતો.હાર્દિક ભાજપને નુકસાન કરી શકે છે તેનો અંદાજ ભાજપને છે જ. હાર્દિકનો પ્રભાવ મર્યાદિત છે ને આખો પાટીદાર સમાજ તેના કહેવા પ્રમાણે મતદાન નથી કરવાનો પણ વિધાનસભાની ચૂંટણીમાં બે-પાંચ હજાર મત આમતેમ થઈ જાય તેમાં પરિણામ બદલાઈ જતું હોય છે ને હાર્દિક સૌરાષ્ટ્ર તથા ઉ.ગુજરાતની ૮૦ બેઠકોમાંથી પચાસેક બેઠકો પર એવું કરી શકે તેમ છે. ભાજપ પણ આ વાત જાણે છે તેથી લાંબા સમયથી હાર્દિક શું કરે છે તેના પર નજર રાખીને બેઠો હતો. હાર્દિકે કૉંગ્રેસનો હાથ ઝાલ્યો એ પછી ભાજપે જે રીએક્શન આપ્યું તેના પરથી સ્પષ્ટ છે કે ભાજપમાં થોડો ગભરાટ ફેલાયો જ છે. હાર્દિકની પત્રકાર પરિષદ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાબડતોબ પત્રકાર પરિષદ કરી ને તેમાં તેમણે એકદમ મેહોણા (મહેસાણા)ના પટેલની ભાષામાં હાર્દિક સામે ફટકાબાજી કરી. નીતિન પટેલે જે વધારે પડતી આક્રમકતા બતાવી તેના પરથી સ્પષ્ટ છે કે ભાજપ હાર્દિક સાથે આરપારની લડાઈના મૂડમાં છે.આ લડાઈ કેવી હશે તે કળવું મુશ્કેલ છે પણ એક વાત નક્કી છે, બહોત મજા આયેગા.

Related posts

MORNING TWEET

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

अबकी बार बच गया पाकिस्तान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1