Aapnu Gujarat
બ્લોગ

એક દેશ અનેક ચહેરાઃ મજાનો આપણો દેશ

આ એવો દેશ છે જ્યાં માતૃભાષા નહીં જાણનાર માણસ રાજ્યનો મુખ્ય પ્રધાન થઈ શકે છે અને એ પણ ત્રણ ત્રણ મુદ્દત માટે. ૨૦૦૦ની સાલમાં નવીન પટનાયક ઓડિશાના મુખ્ય પ્રધાન બન્યા હતા અને આજે અઢાર વરસથી રાજ કરી રહ્યા છે. કદાચ આવતા વરસે યોજાનારી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરી જીતશે એમ માનવામાં આવે છે. તેમને તેમની માતૃભાષા ઉડિયા વાંચતા કે લખતા આવડતી નથી અને માંડ ભાંગીતૂટી ભાષા બોલે છે, પરંતુ તેનાથી ઓડિશાની પ્રજાને કોઈ ફરક પડતો નથી.બીજી બાજુ આ એવો દેશ છે જ્યાં ઇસ્લામને અને મુસ્લિમ રાષ્ટ્રીયતાને બચાવવા માટે દેશનું વિભાજન થઈ શકે છે, પરંતુ પાછું એ જ નવા સ્થપાયેલા ઇસ્લામિક દેશનું ભાષાના નામે વિભાજન પણ થઈ શકે. પાકિસ્તાન તેના અસ્તિત્વના ૨૫ વરસ પૂરાં કરે એ પહેલાં પશ્ચિમ પાકિસ્તાનના (હાલનું બંગલાદેશ) બંગાળી મુસલમાનોએ પોતાની માતૃભાષા બચાવવા પાકિસ્તાન સાથે છેડો ફાડ્યો હતો. ૧૯૪૭માં ઇસ્લામ બચાવવા પાકિસ્તાન બન્યું અને ૧૦૭૧માં બંગાળી ભાષા બચાવવા પાકિસ્તાન તૂટ્યું.મહારાષ્ટ્ર ભાષાની બાબતમાં અત્યંત સંવેદનશીલ રાજ્ય છે. મહારાષ્ટ્રની સ્થાપનાનું આખું આંદોલન સંયુક્ત મહારાષ્ટ્રના નામે થયું હતું અને હજુ પણ સંયુક્ત મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના રાજકારણનો ધ્રુવમંત્ર છે. આખા જગતમાં જો કોઈ નાદાર, ભ્રષ્ટ અને ફૂવડ મહાનગરપાલિકા હોય તો એ મુંબઈની છે પણ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવામાં આવશે એવો ડર બતાવીને શિવસેના મુંબઈ પર રાજ કરે છે. જે શાસકોને પહેલી તકે રવાના કરવા જોઈએ એ દાયકાઓથી મુંબઈમાં રાજ કરે છે અને ખિસ્સા ભરે છે. મહાનગરપાલિકાની દરેક ચૂંટણી વખતે મરાઠીઓ રોજેરોજની હેરાનગતિ ભૂલી જઇને સંયુક્ત મહારાષ્ટ્રને બચાવવા થોકમાં સેનાને મત આપે છે. આ ઉપરાંત સીમા સમિતિનો અહેવાલ મહારષ્ટ્રની વિરુદ્ધ ગયો હોવા છતાં મરાઠીઓ બેળગાંવનો ચીપિયો છોડતા નથી.
મહારાષ્ટ્ર આમ પણ ઘણું મોટું રાજ્ય છે જેનું વહીવટી સુગમતા માટે વિભાજન થવું જોઈએ. મહારાષ્ટ્રમાં છેક પૂર્વના છેડે આવેલા ડોંગરગઢના જંગલમાં રહેતા લોકોએ સરકારી કામકાજ માટે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ આવવું હોય તો ૨૦ કલાકનો પ્રવાસ કરવો પડે છે. એવી તે કેવી અસ્મિતા જે લોકોને હેરાન કરે અને લોકો સુધી સરખી રીતે શાસન પહોંચે પણ નહીં. પણ મરાઠીઓ ખુશ છે. સંયુક્ત મહારાષ્ટ્ર તેમના માટે નશો છે અને જે ખૂટે છે એ બેળગાંવ ખૂટે છે.
મહારાષ્ટ્રના વક્તાઓ ભાષણ પૂરું કરીને જય મહારાષ્ટ્ર બોલવાનું ચૂકતા નથી.બીજી બાજુ ઉત્તર પ્રદેશ છે જ્યાંના નેતાઓ સામેથી માગણી કરે છે કે ઉત્તર પ્રદેશ ઘણું મોટું રાજ્ય છે એટલે તેનું વિભાજન કરવામાં આવે. વહીવટી સુગમતા માટે આ જરૂરી છે. એક વાર ઉત્તર પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું છે અને છતાં માયાવતી અને અજીત સિંહ આગ્રહપૂર્વક કહે છે કે ઉત્તર પ્રદેશના હજી ચાર ભાગ કરવામાં આવે. સમાજવાદી પક્ષ વિભાજનની માંગણી કરતો નથી તો તેનો વિરોધ પણ કરતો નથી.તમને ખબર છે ઉત્તર પ્રદેશના ચોથા મુખ્ય પ્રધાન કોણ હતાં? સુચેતા કૃપલાની. તેઓ બંગાળી હતાં, જન્મ અને ઉછેર પંજાબમાં થયો હતો અને પોતાનાથી ૨૮ વરસ મોટા એક સિંધીને પરણ્યા હતાં. જી હાં, આચાર્ય જીવતરામ બી. કૃપલાની. ૨૮ વરસની ઉમંરના ફરકને જોઇને ગાંધીજીએ લગ્નનો વિરોધ કર્યો હતો અને કજોડું કહ્યાં હતાં. બન્ને ગાંધીજીનાં નજીકના અનુયાયી હતાં અને તે છતાં આચાર્ય કૃપલાની અને સુચેતા મઝુમદારે લગ્ન કર્યાં હતા અને ગાંધીજીને આશીર્વાદ આપવા મજબૂર કર્યા હતા. ઉત્તર પ્રદેશની પ્રજાને આપણે ગુજરાતીઓ ઓછી સંસ્કારી પ્રજા તરીકે જોઈએ છીએ; પરંતુ ઉત્તર પ્રદેશના લોકોએ બહારના, સામાજિક વિદ્રોહ કરનારા, એક મહિલાને મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારી લીધા અને એ પણ ૧૯૬૦ના દાયકામાં જ્યારે ઉત્તર પ્રદેશની ૮૦ ટકા પ્રજા અશિક્ષિત હતી. સુચેતા કૃપલાની ભારતના પહેલાં મહિલા મુખ્ય પ્રધાન હોવાનું માન ધરાવે છે અને તેમને એ માન ઉત્તર પ્રદેશની એ સમયની અશિક્ષિત પ્રજાએ આપ્યું હતું.મહારાષ્ટ્રમાં શરદ પવાર છે જેઓ બીજી અનેકરીતે વિખ્યાત અને કુખ્યાત છે, પરંતુ તેઓ નાસ્તિક છે. શરદ પવાર મૂળ તો રાષ્ટ્ર સેવા દળના કાર્યકર્તા એટલે પ્રગતિશીલ વિચારો તેમને ગળથુથીમાં મળેલા. મુસ્લિમ સત્યશોધક મંડળના સ્થાપક હમીદ દલવાઈ તેમના મિત્ર અને આંદોલનના સાથી હતા. દલવાઈ મુસલમાનોમાં સામાજિક સુધારાઓનો આગ્રહ રાખતા હતા અને મુખરપણે પોતાના વિચારો પ્રગટ કરતા હતા. તેમના વિચારો અને આંદોલન સામે મહારાષ્ટ્રમાં રૂઢિચુસ્ત મુસલમાનોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. ૧૯૭૭માં હમીદ દલવાઈનું કિડની બગડી જતાં અવસાન થયું ત્યારે તેમની અંતિમવિધિ વિષે વિવાદ થયો હતો. રૂઢિચુસ્ત મુસલમાનો વિરોધ કરતા હતા. શરદ પવાર એ સમયે મહારાષ્ટ્રની કેબિનેટમાં પ્રધાન હતા. તેઓ હમીદ દલવાઇના શબને જસલોક હોસ્પિટલમાંથી પોતાના સત્તાવાર નિવાસસ્થાને લઈ આવ્યા હતા અને હમીદની અંતિમક્રિયા કરી હતી.એ સમયે તેમણે હિન્દુત્વવાદી હિંદુઓનો કે ઇસ્લામવાદી મુસલમાનોનો ભય નહોતો અનુભવ્યો. શરદ પવાર મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ ક્યારે ય અષાઢી એકાદશીએ પંઢરપુર વિઠોબાની પૂજા કરવા નથી ગયા, જે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનો માટે અનિવાર્ય ગણાય છે, જાણે કે કેમ વિઠ્ઠલ મહારાષ્ટ્રના સત્તાવાર ભગવાન હોય. શરદ પવારને તમે ક્યારે ય કોઈ ગુરુના દરબારમાં નહીં જોયા હોય. આમ છતાં ય દરેક અર્થમાં રેશનલિસ્ટ શરદ પવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે.
આ દેશમાં તમિલો સૌથી ધાર્મિક પ્રજા છે, પરંતુ તામિલનાડુમાં જાહેરમાં પોતાને નાસ્તિક તરીકે ઓળખાવનારા એમ. કરુણાનિધિ ૧૯૬૯થી લઈને અત્યાર સુધીમાં પાંચ વખત મુખ્ય પ્રધાન બની ચૂક્યા છે. એ પહેલાં અન્નાદુરાઈ મુખ્ય પ્રધાન હતા અને તેઓ પણ નાસ્તિક હતા. તેમના ગુરુ રામસ્વામી પેરિયાર નાસ્તિક હતા અને ખરું પૂછો તો આખું દ્રવિડ આંદોલન નાસ્તિક હતું. તમિલો સવારે પૂજા કરે અને પછી પોતાના નાસ્તિક નેતાની ભક્તિમાં કુરબાન પણ થઈ જાય. આ માણસ મદ્રાસી લાગે છે એમ કવિ સિતાંશુ યશશ્ચન્દ્રની ભાષામાં આપણે કહી શકીએ.તો આવો આપણો મજાનો દેશ છે. વિવિધતા અને વિરોધાભાસોથી યુક્ત અને સાંકડી સંકુચિતતાથી મુક્ત. આ દેશને બચાવવાનો છે.

Related posts

बजट अच्छा है लेकिन क्रांतिकारी नहीं

editor

बैरक नंबर 12: नीरव, माल्या और चौकसी के लिए तैयार

aapnugujarat

નવરાત્રિની શોભા : નવરંગી ચુંદડી અને પંચરંગી ચણિયાચોળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1