Aapnu Gujarat
બ્લોગ

દોકલામમાં ચીનની ઘૂસણખોરી,મોદી ૫૬ ઈંચની છાતી ક્યારે બતાવશે..!!?

દોકલામનું ડાકલું ફરી વાગવા માંડ્યું છે. ગયે વર્ષે ભારત અને ચીન વચ્ચે દોકલામ નામનું ભૂત ૭૩ દિવસ સુધી ધૂણ્યું હતું. ચીને ફરીથી ચૂપચાપ દોકલામમાં રોડ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હોવાની વાત બહાર આવી છે. ૭૩ દિવસ સુધી આ મામલે બન્ને દેશો વચ્ચે જોરદાર ડખો થયો હતો, લશ્કરો સામ સામે ગોઠવાઈ ગયાં હતાં, સૈનિકોની આંગળીઓ ટ્રિગર પરથી હટતી ન હતી. રાજકીય માહોલમાં ગરમાટો આવી ગયો હતો. ચીનની નીતિ છછૂંદર જેવી છે, ફૂંકતી જાય અને કરડતી જાય.
આશ્ર્‌ચર્યની વાત એ છે કે ભારત અને ભુતાન બન્નેને આ મામલો સ્પર્શતો હોવા છતાં તેમના પેટનું પાણી ય હલતું નથી. બીજી આંચકાદાયક વાત એ છે કે આપણા વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન વી. કે. સિંહ તો ‘સબ સલામત’ હોવાની છડી પોકારે છે. સિંહની ગર્જના અહીં અટકતી નથી. તેઓ આગળ કહે છે કે સરકારને દેશની સલામતીની ચિંતા છે. અમારી નજર સતત એ વિસ્તાર પર છે. જરૂર પડે સરકાર દેશની રક્ષા કાજે જરૂરી કડક કદમ ઉઠાવશે, પણ હાલ ચિંતાનું કોઈ કારણ નથી.
સિંહ આવી ખાતરી આપી રહ્યા છે. બરાબર એ જ વખતે દક્ષિણ અને મધ્ય એશિયાનો હવાલો સંભાળતા વિદેશ ખાતાનાં પ્રિન્સિપાલ ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી એલિસ જી. વૅલ્સ એવું કહે છે કે ચીને દોકલામ વિસ્તારમાં રોડ બનાવવાની પ્રવૃત્તિઓ આરંભી દીધી છે અને ભારત તથા ભુતાને એને અટકાવવાની દિશામાં કોઈ પગલાં લીધાં નથી.
હકીકતે ચીન આપણા વિસ્તારમાં ઘૂસવાની જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે એવું જ કામ વિવાદાસ્પદ સાઉથ ચાયના સી વિસ્તારમાં કરી રહ્યું છે. ચીનની મુરાદ મેલી છે. તેને સાઉથ ચાયના સીમા સર્વભૌમત્વ ખપે છે. અલબત્ત, વિયેટનામ, મલયેશિયા, ફિલિપાઈન્સ, બ્રુનેઈ અને તાઈવાનના પ્રતિદાવાઓ છે. ચીને સાઉથ ચાયના સી તથા ઈસ્ટ ચાયના સીના ઘણા બધા ટાપુઓ પર લશ્કરી થાણા સ્થાપી દીધાં છે અને અંકુશ જમાવી રહ્યું છે. એનું કારણ સ્પષ્ટ છે. એને રસ છે. આ બન્ને પ્રદેશ વિસ્તારમાં મિનરલો, ઓઈલ અને નૈસર્ગિક સ્રોતોનો વિપુલ જથ્થો છે.
અમેરિકાએ બીજિંગની આ પ્રવૃત્તિઓને સાઉથ ચાયના સી સાથેની એક્ટિવિટી સાથે સરખાવી છે. એલિસે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભારત તેની ઉત્તરની સરહદોનું રક્ષણ કરે છે અને આ બાબત તેના ભારત માટે ચિંતાનો વિષય છે.
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વૉરમાં ભારતની રમત અડુકિયા દડુકિયા જેવી છે અને વાત અમેરિકા સારી રીતે જાણે છે. અમેરિકાનું માનવું છે કે અમેરિકા સાથેની મૈત્રી કે ભાગીદારી જાળવી રાખવી જોઈએ.
સાઉથ ચાયના સી વિસ્તારમાં ચીનની જે લશ્કરી હિલચાલની પ્રવૃત્તિઓ છે તેની સામેની ટ્રમ્પ વહીવટીતંત્ર વ્યૂહમાં ભારત અમેરિકાની સાથે છે, પણ ટ્રેડ વૉરના મામલામાં તે ચીનની સાથે હોવાના સંકેત આપે છે.
સાઉથ ચાયના સી વિસ્તારને સુરક્ષિત રાખવો એટલા માટે જરૂરી છે કેમ કે ચીનની લશ્કરી હિલચાલથી ૭૦ ટકા ગ્લોબલ ટ્રેડ ખોરવાઈ જઈ શકે એમ છે.
આમ, અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉરમાં મહત્ત્વની ધરી બની ગયું છે અને એના છાંટા ઊડી રહ્યા છે. ચીનનો દોકલામનો પગપેસારો ટ્રેડ વૉરની મોટી ગેમનો જ એક નાનકડો હિસ્સો છે.
અમેરિકા રાજકીય મુત્સદ્દીનો ઉપયોગ કરીને ભારતને પોતાની સ્થિરતા જાળવી રાખીને ચીન સાથે ‘દોસ્તી’ રાખવા કે નહીં રાખવા કે ‘દોસ્તી’ નિભાવવાનો ઈશારો કરે છે. ભારતે એનું લાંબા ગાળાનું હિત હૈયા રાખીને વ્યૂહ ઘડવો જોઈએ. સરહદની સલામતી અનિવાર્ય છે એટલું જ મહત્ત્વ અન્ય દેશો સાથેના વ્યાપારી સંબંધોનું છે.
અમેરિકા અને ચીન- બે મહારથી રાષ્ટ્રો છે. તેઓ યુદ્ધના મેદાન પર નહીં બાખડે પણ માત્ર શિંગડા ભરાવશે.
બે આખલાઓની લડાઈમાં ગરીબ ગાયનો ખો ન નીકળી જાય એનો ખ્યાલ રાખવો જરૂરી છે. દોકલામમાં નવેસરથી શરૂ થયેલી ચીનની પ્રવૃત્તિઓ પ્રત્યે જગતનું ધ્યાન દોરવું એ સૂચક છે. સૌથી મહત્ત્વની વાત દેશની સલામતી છે.(જી.એન.એસ)

Related posts

पवार कि “चाणक्य” चाल में फसी भाजपा….!!

aapnugujarat

भारत किसी का पिछलग्गू नहीं

editor

अबकी बार बच गया पाकिस्तान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1