Aapnu Gujarat
ગુજરાત

સજા હાર્દિકનું ભાવિ બગાડી શકે ?!

હાર્દિક પટેલને વિસનગરમાં ૨૦૧૫માં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાના ગુનામાં કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. કોર્ટમાંથી જ જામીન મળી જતા હાર્દિકને હાલ તો જેલમાં જવાનું નહીં આવે, પરંતુ કોર્ટના આ ચુકાદાને જો ગુજરાત હાઇકોર્ટે સ્થગિત કે રદ્દ ન કર્યો તો હાર્દિક માટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવી લગભગ અશક્ય બની શકે છે. નોંધનીય છે કે, હાર્દિકે હાલમાં જ ૨૫ વર્ષ પૂરા કર્યા છે અને તેથી તે ગુજરાતના રાજકારણમાં સક્રિય રીતે ઝંપલાવવાના પ્લાનીંગમાં હતો ત્યાં આજે આવેલા ઐતિહાસિક ચુકાદાને પગલે તેની ભવિષ્યની તૈયારીઓ અને આયોજનમાં મુશ્કેલી વધી શકે છે. પાટીદાર અનામત આંદોલનના નારા સાથે જાહેરજીવનમાં પાસના કન્વીનર હાર્દિક પટેલે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી પરંતુ પ્રારંભિત તબક્કા બાદ છેલ્લા બે-ત્રણ વર્ષથી એક પછી એક મુદ્દાઓને લઇ હાર્દિક વિવાદમાં રહ્યો છે. હાર્દિક અગાઉ પોતે ચૂંટણી નથી લડવાનો તેવી અનેકવાર જાહેરાત કરી ચૂક્યો છે, પરંતુ તેના આ મહિને જ આવેલા ૨૫મા જન્મદિન બાદ એવી મજબૂત અટકળો હતી કે, હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. મહત્વનું છે કે, ૨૦૧૭માં થયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે ઉંમર ઓછી હોવાથી હાર્દિક ચૂંટણી નહોતો લડી શક્યો. ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કોઈપણ વ્યક્તિને ગમે તે ગુનામાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય તો તે ચૂંટણી ન લડી શકે. ત્યાં સુધી કે નીચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારાયો હોય, અને સજા પામેલ વ્યક્તિ જામીન પર બહાર હોય તો પણ તે ચૂંટણી ન લડી શકે. જ્યાં સુધી હાઈકોર્ટ હાર્દિક પટેલને થયેલી સજાને રદ્દ ન કરી નાખે ત્યાં સુધી તે ચૂંટણી લડી શકશે નહીં, કારણકે નીચલી કોર્ટે તેને દોષિત જાહેર કરીને તેને બે વર્ષની સજા તેમજ ૫૦,૦૦૦ રુપિયાનો દંડ પણ ફટકારી દીધો છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે ચૂંટણી વખતે કોંગ્રેસને સંપૂર્ણ ટેકો આપ્યો હતો, અને તેના વતી પ્રચાર પણ કર્યો હતો. હવે ૨૦૧૯ની ચૂંટણીમાં હાર્દિક કોંગ્રેસની ટિકિટ પર લડે તેવી મજબૂત અટકળો હતી. હાર્દિક પોતે પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ચૂક્યો છે. જોકે, તેણે પોતે ક્યારેય ચૂંટણી લડવા અંગે ફોડ પાડયો નથી. ગુજરાતમાં હાર્દિક સાથે જ સક્રિય થયેલા યુવા નેતા અલ્પેશ અને જિજ્ઞેશ બંને હાલ ધારાસભ્યો છે, ત્યારે હાર્દિક માટે પણ સક્રિય રાજકારણમાં ચૂંટણી લડ્‌યા વગર સક્રિય રહેવું મુશ્કેલ થઈ જાય તે સ્વાભાવિક છે. હાર્દિકને કાયદાકીય જાળમાં ફસાવવા માટે સરકારે મજબૂત ગાળિયો કસ્યો હતો. હાર્દિક સામે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવા ઉપરાંત કેટલાક સ્થળોએ જાહેરનામું ભંગ કરવાના, પરવાનગી વગર રેલી તેમજ સભાઓ કરવાના અને આ બધામાં સૌથી ગંભીર કહી શકાય તેવો અમદાવાદ અને સુરત સેશન્સ કોર્ટમાં રાજદ્રોહના અતિ ગંભીર કેસો પણ ચાલે છે, જેમાં તે ૧ વર્ષ જેલમાં પણ રહી આવ્યો છે. હાર્દિકને જો વિસનગરના કેસમાં રાહત મળી પણ જાય તો પણ તેની સામે રહેલા બીજા કેસોમાં જો ચૂંટણી પહેલા જ ચૂકાદો આવી જાય તો તેના માટે ચૂંટણી લડવું મુશ્કેલ બની શકે છે.
તેમાંય રાજદ્રોહ જેવા કેસમાં જો તે દોષિત સાબિત થાય તો હાર્દિક ૨૦૧૯ની ચૂંટણી ન લડી શકે. લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ના સેક્શન ૮ (૩) અનુસાર કોઈપણ કેસમાં થયેલી સજા ભોગવી લીધાના છ વર્ષ સુધી કોઈપણ વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. આમ, હવે કાનૂની ચુકાદા બાદ હાર્દિક પટેલના ગુજરાતના રાજકારણમાં આગળના પગરણ કપરા અને મુશ્કેલીભર્યા બની રહે તેવી પૂરી સંભાવના છે.

Related posts

મોદી હાર જોઇને ગભરાયા છે : મનમોહનસિંહ

aapnugujarat

સાનિયા દે મર્ડર કેસમાં બે આરોપી દોષિત જાહેર

aapnugujarat

પીએસઆઇ આપઘાત કેસમાં પત્નીના ડીવાયએસપી એન.પી.પટેલ સામે ગંભીર આરોપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1