Aapnu Gujarat
ગુજરાત

પાર્કિંગ મામલે રાજપથ ક્લબનાં પ્રમુખ-ઉપપ્રમુખ સામે ગુનો દાખલ

શહેરમાં બેફામ ર્પાકિંગ, ટ્રાફિક અને રખડતાં ઢોરની સમસ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના સત્તાવાળાઓને રૂબરૂ કોર્ટમાં બોલાવીને ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટના કડક વલણને જોતાં શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવી ગયાં હતાં. ગઈકાલે રાતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા એસ.જી. હાઇવે પર આવેલ રાજપથ ક્લબને ગેરકાયદે અને આડેધડ પાર્કિંગ મુદ્દે સીલ મારી દેવાયું હતું. બીજીબાજુ, અમ્યુકો બાદ પોલીસે પણ કડક હાથે કાર્યવાહી કરતાં રાજપથ ક્લબના પ્રમુખ જગદીશ પટેલ, ઉપપ્રમુખ, મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને બહાર રોડ પર વાહન પાર્ક કરનાર વાહનચાલકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલનો ગુનો દાખલ કરતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. રાજપથ ક્લબ દ્વારા પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા નહી કરવામાં આવતાં સર્વિસ રોડ પર બેરિકેડ મૂકી દઈને રોડ પર વાહન પાર્કિંગ કરવામાં આવતાં પોલીસે આ કાર્યવાહી કરી હતી. ક્લબ પાસે આનંદપ્રમોદ અને પ્રિમાઇસીસનું લાઇસન્સ પણ ન હોવાનું બહાર આવ્યું છે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી પ્રતિષ્ઠિત એવી રાજપથ ક્લબને ગઈ કાલે રાતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી પાર્કિંગ મુદ્દે સીલ મારી દેવાયું હતું. ક્લબની બહાર આવેલા સર્વિસ રોડ પર બેફામ રીતે વાહન પાર્કિંગ કરવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. ટ્રાફિક પોલીસે અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ મુદ્દે નોટિસ પણ આપવામાં આવી હતી, જોકે ક્લબ દ્વારા તેને ગણકારવામાં આવી ન હતી. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠ સમક્ષ શહેરમાં બેફામ પાર્કિંગ, ટ્રાફિક અને રખડતાં ઢોરની સમસ્યા અંગેના કેસની સુનાવણી થઇ હતી, જેમાં હાઇકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારને ટ્રાફિક અને પાર્કિંગના મુદ્દે લગાવેલી ફટકાર બાદ શહેર પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવતાં મોડી સાંજે રાજપથ ક્લબ પર ત્રાટકી હતી. પાર્કિંગ મુદ્દે બે ડીસીપી કક્ષાના પોલીસ અધિકારીની હાજરીમાં જંગી પોલીસ કાફલા સાથે વીડિયોગ્રાફી કરી મોડી રાત્રે રાજપથ કલબના દરેક રૂમ સીલ કરી દીધા હતા. ક્લબની ઓફિસને પણ સીલ મારી દીધું હતું. ક્લબની બહાર આવેલા સર્વિસ રોડ પર બેફામ રીતે આડેધડ પાર્કિંગ કરવામાં આવેલી ગાડીઓના વાહનચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. એસ.જી હાઇવે ટ્રાફિક-ર પોલીસ સ્ટેશનના પીઆઈ એન. એચ. રાણાએ આ અંગે રાજપથ ક્લબના પ્રમુખ, ઉપપ્રમુખ દ્વારા ક્લબમાં યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં ન આવતાં મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને બહાર રોડ પર વાહન પાર્ક કરનાર વાહનચાલકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાજપથ ક્લબ દ્વારા યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઊભી નથી કરવામાં આવી અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થાય તે રીતે વાહનો પાર્ક કરાવવામાં આવે છે તેવો ગુનો દાખલ કર્યો છે. અમ્યુકો બાદ હવે પોલીસ તંત્ર દ્વારા પણ રાજપથ કલબ સામે કાર્યવાહી થતાં શહેરની અન્ય કલબો અને સત્તાધીશોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.

Related posts

શહેરમાં ત્રણ જ વર્ષમાં ૩૦ હજાર ઇ-રિક્ષા

aapnugujarat

गुजरात HC के डायमंड जुबली पर बोले पीएम मोदी – न्यायपालिका ने संविधान को किया मजबूत

editor

ગુજરાત ચૂંટણી : ૭૬ ઉમેદવારનું કોંગ્રેસનું ત્રીજુ લિસ્ટ જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1