Aapnu Gujarat
બ્લોગ

મોદી સરકારમાં હિંમત હોય તો ઝાકિર નાઈકને ભારત લાવીને બતાવે…!!?

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી વિદેશમાં આપણો દબદબો વધ્યો છે ને અત્યાર લગી આપણને ગણકારતા નહોતા એ દેશો આપણી આગળપાછળ ફરતા થઈ ગયા છે એવી વાતો આપણે બહુ સાંભળીએ છીએ. આ વાતોની હવા નિકળી જાય એવી ઘટના શુક્રવારે બની. પોતાનાં આક્રમક અને ધર્માંધતાથી ભરેલાં પ્રવચનો માટે કુખ્યાત વિવાદાસ્પદ મુસ્લિમ પ્રવચનકાર ઝાકીર નાઈક સામે ભારતમાં પ્રતિબંધ મૂકાયો પછી એ મલેશિયા જતો રહેલો. મોદી સરકારે ૨૦૧૬ની શરૂઆતમાં ઝાકિર નાઈકની સંસ્થા ઈસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશન( આઈઆરએફ) પર પાંચ વર્ષનો પ્રતિબંધ ઠોકી દીધો હતો. આ પ્રતિબંધ ધ અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ હેઠળ લગાવાયો છે. આ સિવાય ઝાકિર સામે આતંકવાદી પ્રવૃત્તિને લગતા બીજા પણ કેસો છે. આ કેસો ચલાવી શકાય એ માટે આપણી સરકાર લાંબા સમયથી ઝાકિરને અહીં ઢસડી લાવવા મથે છે.
ત્રણ દાડા પહેલાં એવી વાતો જોરશોરથી ચાલેલી કે મોદી સરકારની મહેનત રંગ લાવી છે ને ઝાકિર નાઈકને ભારત પાર્સલ કરી દેવા મલેશિયાની સરકાર રાજી થઈ ગઈ છે. અતિ ઉત્સાહી ટીવી ચેનલોએ તો ત્યાં લગી જાહેર કરી દીધેલું કે, ઝાકિરને સાંજ લગીમાં તો મુંબઈ એરપોર્ટ પર ઉતારી દેવાશે. ઝાકિરના પબ્લિક રીલેશન ઓફિસરે ચોખવટ કરી કે, ભાઈ આવું કશું છે નહીં ને ઝાકિરનો ભારતમાં આવવાનો સવાલ જ પેદા થતો નથી. એ છતાં ચેનલોવાળા મંડેલા જ રહ્યા ને છેલ્લા ત્રણ દાડાથી ઝાકિર આવે છે એવી વાતો ચાલી રહી છે. શુક્રવારે આ વાતો પર પૂર્ણવિરામ મૂકી ગયું કેમ કે ખુદ મલેશિયાના વડાપ્રધાન મહાથિર મોહમ્મદ મેદાનમાં આવ્યા. મહાથિરે તડ ને ફડ કરીને કહી દીધું કે, ઝાકિર નાઈક મલેશિયામાં જ રહેશે ને તેને ભારત મોકલવાનો સવાલ જ પેદા થતો નથી. મહાથિરે એવું પણ કહ્યું કે, ઝાકિરે ભારતમાં જે કાંઈ કર્યું હોય. અમારે તેની હારે કંઈ લેવાદેવા નથી. ઝાકિર અહીં કોઈ ગરબડ કરતો નથી ને એ ગરબડ નહીં કરે ત્યાં લગી મલેશિયામાં રહી શકશે કેમ કે અમે તેને પરમેનન્ટ રેસિડેન્સી આપી છે. મજાની વાત એ છે કે હમણાં જ મલેશિયાએ ચીનનો એક પ્રોજેક્ટ રદ કરી નાંખ્યો છે. આ પ્રોજેક્ટ રદ કરવા પાછળ મલેશિયાનાં પોતાનાં કારણો છે પણ આપણે ત્યાં એવું તૂત ચાલ્યું કે ભારતના દબાણના કારણે મલેશિયાએ ચીનને પોતાનો રસ્તો બતાવી દીધો. આ તૂત કોણે ચલાવ્યું તેની ચોખવટ કરવાની જરૂર નથી પણ આ વાતો હવામાં છે જ ત્યાં મહાથિરે ઝાકિર મામલે ચોખવટ કરી છે.
મલેશિયાનું આ વલણ ભારત માટે મોટી લપડાક છે કેમ કે ઝાકિર આપણો અપરાધી છે. ઝાકિર સામે જે કલમો લાગેલી છે તે
આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ બદલ લગાવાય છે ને એ રીતે ઝાકિર આતંકવાદી જ છે. ઝાકિરના ધંધા ખતરનાક છે ને તેમે આપણાં છોકરાંને આતંકવાદના રવાડે ચડાવવાની ગંદી રમત કરી છે એ જોતાં તેને અહીં લાવીને સજા કરવી જોઈએ પણ અત્યારે તો એવી શક્યતા દેખાતી નથી.
મલેશિયાએ ઝાકિરને ભારતને સોંપવાની ના પાડીને આપણને એ અહેસાસ પણ કરાવી દીધો છે કે, અમારી સામે તમારી કોઈ હૈસિયત નથી. આપણે ભલે અહીં ખુશ થયા કરીએ કે નવી સરકાર આવી તેમાં વિદેશમાં આપણ વટ વધી ગયો પણ વાસ્તવમાં આપણે ઠેરના ઠેર છીએ તેનો આ ઘટના પુરાવો છે. આપણે ત્યાં સરકાર ભલે બદલાય પણ આપણી હૈસિયત બદલાતી નથી તે એકદમ અપમાનજનક રીતે મલેશિયાએ આપણને સમજાવી દીધું છે ને આપણે કશું કરી શકવાના નથી. અને આ વાત મલેશિયાની પણ નથી, દુનિયાના બધા દેશો આ અહેસાસ સતત આપણને કરાવ્યા કરે છે. લલિત મોદી હોય કે વિજય માલ્યા હોય કે પછી મેહુલ ચોસકી-નિરવ મોદીની મામા-ભાણિયાની જોડી હોય, આપણે આપણા કોઈ અપરાધીને અહીં લાવી શકતા નથી તો પછી ઘંટો આપણો વટ વધ્યો ? ખાલી વટનાં ગાજર ખાધા કરવાનાં ?
અમેરિકા કે બ્રિટનમાં જઈને ભારતીયોને ભેગા કરીને તેમની સામે ભાષણ આપીએ એ વટ ના કહેવાય પણ દુનિયાનો કોઈ દેશ આપણી નાફરમાની ના કરી શકે તેવા સંજોગો પેદા કરીએ એ વટ કહેવાય. એ આપણાથી થતું નથી ને વિદેશમાં આપણી બોલબાલા વધી છે એવું માનીને આપણે હરખાયા કરીએ છીએ. ઝાકિર નાઈક સાવ ફાસફૂસિયો માણસ કહેવાય ને મલેશિયા દુનિયાના ભિખારી દેશોમાં એક છે. મલેશિયા ઝાકિરને સોંપવા તૈયાર નથી તેનું એક માત્ર કારણ એ છે કે ઝાકિર નાઈક મુસ્લિમ છે. હવે ઝાકિર જેવા લલ્લુપંજુને ખાતર મલેશિયા જેવો દેશ આપણને ના ગાંઠતો હોય તો પછી બીજા દેશો તો શું ગાંઠવાના ? આ વાત આ દેશના દરેક સમજુ માણસે સમજવાની જરૂર છે ને એ પણ સમજવાની જરૂર છે કે, ચાર વર્ષમાં કશું બદલાયું નથી. આપણે ઠેરના ઠેર છીએ. આપણે બીજી પણ એક વાત સમજવા જેવી છે. ઝાકિરને પાછો લાવવા આપણે અત્યારે હવાતિયાં માર્યા કરીએ છીએ પણ એ અહીં હતો ત્યારે આપણે તેનું કશું ઉખાડી શક્યા નહોતા. ઝાકિર નાઈક પીસ ટીવી નામે ચેનલ ચલાવતો ને તેના પર ઈસ્લામનો પ્રચાર કરવાના બહાને ઝેર ઓકતો હતો. ઝાકિર એટલો શાણો હતો કે એ બહુ સફાઈથી આ બધી વાતો કરતો ને સીધી રીતે આતંકવાદને પોષતો હોય કે લોકોને ભડકાવતો હોય તેવું કશું બોલતો નહીં પણ સરકારે ધાર્યું હોત તો એ વખતે પણ તેને આંટીમાં લઈ શકાયો હોત પણ ત્યારે કશું ના કર્યું. ઝાકિર ઈસ્લામના નામે પ્રવચન ઠોકે છે તેથી તેના પર હાથ નાંખવાથી નકામો બખેડો થઈ જાય એ ડરે મોદી સરકારે તેને કંઈ કર્યું નહીં ને ૨૦૧૬માં બાંગ્લાદેશમાં આતંકવાદી હુમલો ના થયો હોત તો કદાચ હજુ ઝાકિર એ જ ધંધા કરતો હોત. બાંગ્લાદેશના ઢાકામાં હુમલો થયો પછી થયેલી તપાસમાં હુમલામાં સામેલ આતંકવાદીઓ ઝાકિરના આશિક નિકળ્યા તેમાં આપણ સરકાર સફાળી જાગી. આ આતંકવાદીઓ પાસેથી ઝાકિરના પ્રવચનની ક્લિપ્સ ને બીજું સાહિત્ય મળ્યું હતું એટલે સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો પણ ત્યા લગીમાં મોડું થઈ ગયેલું. આપણે ત્યાં પોલીસની ને બીજી સરકારી એજન્સીઓની તકલીફ એક જ છે કે એ લોકો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા નિકળે છે. ઝાકિરના કિસ્સામાં પણ એવું જ થયેલું.
ઝાકિર શાણો માણસ છે એટલે તેને અંદેશો આવી જ ગયેલો કે સરકાર તેને ફાંસલામાં લેશે એટલે સરકાર કશું કરે એ પહેલાં સરકી ગયો. ઝાકિર ગયો પછી તેની સામે ઉપરાછાપરી તપાસો શરૂ થઈ. મુંબઈમાં પણ ભાજપની સરકાર છે તેથી મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાંચથી માંડીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોર્ટ સુધીની એજન્સીઓએ ઝાકરિ સામે કેસ ઠોકી દીધા. આ બધા કેસોની તપાસમાં જે વિગતો આવી તેમાં નવું કશું નહોતું. ઝાકિર વિદેશથી નાણાં મેળવીને લોકોમાં ધિક્કારની લાગણી ફેલાવે છે ત્યાંથી માંડીને તેની સંસ્થા મુસ્લિમ જુવાનિયાઓને ભડકાવીને આતંકવાદી બનાવવા રવાના કરે છે ત્યાં સુધીના પુરાવા મણેલા. આ બધા આક્ષેપો પહેલાં પણ થતા જ પણ આપણે કશું કર્યું નહોતું.
જો કે ઝાકિર ભાગી ગયો પછી ઝાકિરે જે છોકરાંને આતંકવાદના રવાડે ચડાવેલા તેમનાં પરિવારે ઝાકિર સામે કેસ કર્યો. ઝાકિરનો એક માણસ અરશી કુરેશી કેરળના ૨૨ મુસ્લિમ છોકરાઓને આતંકવાદી કેમ્પમાં મોકલવાના મામલે ઝડપાયો તેના કારણે ઝાકિર સામે પુરાવા પણ મળ્યા પણ એ બધાં રાંડ્યા પછીનું ડહાપણ હતું. ઝાકિરે ઘાટ ઘાટનાં પાણી પીધાં છે એટલે આ બધું થયા પછી ભારત પાછા આવવાનું માંડી જ વાળ્યું. ઝાકિર અત્યારે મલેશિયામાં છે ને ત્યાં ખાઈ, પીને લહેર કરે છે. ભારતમાં તેની સામે કેસોનો ખડકલો થયો છે તે જોતાં એ ભારત પાછો આવે એવી આશા હતી જ નહીં પણ હવે મલેશિયાની સરકારે પણ ઘસીને ના પાડી છે એ જોતાં આપણે તેનું કશું ઉખાડી શકીએ એવી શક્યતા સાવ ઓછી છે. જો કે અફસોસ કરવા જેવો નથી કેમ કે આપણો આ ઈતિહાસ છે. દાઉદ હોય કે બીજો કોઈ હોય, કોઈ આતંકવાદીને આપણે લાવી શકતા નથી ને તેમાં આ એકનો ઉમેરો થયો.

Related posts

बड़ी अदालत में अपनी भाषाएं

aapnugujarat

માનવી મર્કટવેડા નહિ છોડે તો માવઠા,સુનામી જેવી કુદરતી આફતો આવતી રહેવાની

aapnugujarat

એટમ બોમ્બની સરખામણીમાં વધુ ખતરનાક છે હાઈડ્રોજન બોમ્બ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1