Aapnu Gujarat
બ્લોગ

કુંવરજી ભાજપનાં એસેટ બની રહેશે કે …..

વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા ધારાસભ્ય કુંવરજી બાવળિયા કોળી સમાજના અગ્રણી નેતા છે. ખેડૂત અને શિક્ષક એવા કુંવરજી બાવળિયા એક સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા તરીકેની છાપ ધરાવે છે. પૂર્વ સાંસદ રહી ચુકેલા કોંગ્રેસના કુંવરજી હાલમાં જસદણ બેઠક પરથી વિધાનસભામાં ચૂંટાયા છે.તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. જો કે તેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે વફાદાર રહ્યા છતાં અંતે તેમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. આ માટે ઘણા મજબૂત કારણો જવાબદાર છે.ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો. અને એક સિનિયર નેતા તરીકે કુંવરજી બાવળીયાને વિપક્ષના નેતા બનાવાય એવી શક્યતા હતી. પરંતુ આ સ્થાન પરેશ ધાનાણીને આપી દેવાતાં તેઓ નારાજ હતા. બીજીતરફ રાજકોટના શક્તિશાળી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સાથે પણ તેમને ખટરાગ ચાલી રહ્યો હતો. વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું હોઈ તેઓ મોટું પદ મેળવવા ઇચ્છુંક હતા. પરંતુ પાર્ટી દ્વારા યુવા નેતાઓને આગળ કરવા માટે જુના અને દિગ્ગજ નેતાઓની સતત બાદબાકી કરવામાં આવતી હતી.પાર્ટી દ્વારા સતત અવગણના કરાતી હોવાથી પોતે નારાજ હોવાનું કુંવરજીએ અનેકવાર જણાવ્યું હતું. એટલું જ નહીં આ માટે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રૂબરૂ મળી રજૂઆત પણ કરી હતી. પરંતુ આ રજૂઆતનું કોઈ પરિણામ મળ્યું ન હતું. બીજીતરફ તેમની નારાજગીનો ફાયદો ઉઠાવી ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પાડવા માટે તેમને સારી ઓફર કરવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસના પંજાનો સાથ છોડી તેઓ ભાજપમાં ભળી ચુક્યા છે. સમાજ દ્વારા પણ તેમના પગલાંની પ્રશંસા કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળીયા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને એક જાણીતો ચહેરો છે. રાજકીય ચહેરાની સાથે-સાથે તેઓ કોળી સમાજ પર પ્રચંડ પ્રભુત્વ પણ ધરાવે છે. રાજકોટ સહિત જસદણ પંથકમાં પણ તેમનું ભારે વર્ચસ્વ છે. ત્યારે તેમના આ પગલાંથી ભાજપને ફાયદો અને કોંગ્રેસને મોટું નુકસાન થવાની શક્યતા રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે.ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાને લાગી રહ્યું હતું કે કોંગ્રેસમાં અન્યાય થઈ રહ્યો છે, હવે આખી જીંદગી કોંગ્રેસમાં રહેલા કુવરજી બાવળીયાને અન્યાયનો અહેસાસ થયો અને સવારે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા અને સાંજે મંત્રી થઈ ગયા હતા. ભાજપના નેતાઓને પણ દાદ દેવી પડે, સામાન્ય કાર્યકર જ્યાંથી વિચાર કરવાનું બંધ કરે ત્યાંથી તેઓ વિચારવાનું શરૂ કરે છે. જશદણમાં ભાજપના જે નેતાઓ રાત દિવસ વર્ષો સુધી મહેનત કરી, કુવરજી બાવળીયા સહિત સમગ્ર કોંગ્રેસ સામે બાયો ચઢાવી રાખી તે કાર્યકર-નેતાઓને હવે બાવળીયાના ભાજપ પ્રવેશ ઉત્સવમાં ફટાકડા ફોડવા પડે છે.કુવરજી બાવળીયાનો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર આરોપ છે કે, તેઓ જાતીવાદી રાજકારણ રમી રહ્યા છે, પણ બાવળીયાને યાદ ના રહ્યું કે જો તેઓ કોળી આગેવાનને બદલે બીજી કોઈ જ્ઞાતીના આગેવાન હોત તો ભાજપે બાવળીયાની છીંકણી પણ સુંઘી ના હોત. જાતીવાદી રાજકારણના ત્રાજવામાં તો ભાજપ અને કોંગ્રેસ સહિત કોઈ પણ રાજકિય પક્ષને બેસાડો તો હરામ બરોબર જો ત્રાજવુ ઉપર નીચે થાય તો… જાતીવાદના મુદ્દે તો બધા એકબીજાના મોંઢામાં થુકે તેવા છે. ભાજપમાં કોળી નેતા ન્હોતા તેવું નથી, પણ જે નેતાઓ છે તેમના કિલોમીટર પુરા થવા આવ્યા છે હવે વધેલા માલને સેક્રેપ કરવો પડે તેવો છે.ભાજપના નેતાઓ રાજકરણને એક વેપાર તરીકે જુવે છે, જેમ એક વેપારી માર્ચ મહિનામાં ઈન્કમટેકસમાં ધસારાનો લાભ લેવા નવા વાહન ખરીદે છે તેવી જ રીતે ૨૦૧૯ માટે ભાજપે કુવરજીના નામનું એક વધુ વાહન સચિવાલયમાં લાવી ઊભુ રાખ્યુ છે. કુવરજીની વ્યકિતગત છાપ ખુબ સારી છે, સરળ અને પ્રમાણિક વ્યકિતને તેના કારણે જસદણમાં ભાજપના લાખ ધમપછાડા પછી પણ તે કુવરજીને સચિવાલયમાં આવતા રોકી શકયા ન્હોતા, ખુદ કુવરજીએ પણ જશદણમાં ભાજપનો એકડો ભુસી નાખવા માટે કઈ બાકી રાખ્યું ન્હોતું, પણ હવે છ મહિના પછી કુવરજીએ જસદણમાં ચૂંટણી લડવાની છે અને ત્યારે હવે કોંગ્રેસને ક્યા મુદ્દે બાવળીયા ભાંડશે તે જોવાનું રહ્યું.ભાજપમાં એવા લોકોની એક લાંબી કતાર છે જેમણે ભાજપને ઘર ઘર સુધી પહોંચાડવા માટે પોતાની જીંદગી વર્ષો આપી દીધા. તેમણે ભાજપને નેતાગીરીએ શીસ્તની ફુટપટ્ટી બતાડી ખબરદાર કહી કાંઈપણ માગ્યું છે તો… તેમ કહી ચુપ કરી દીધા. ભાજપના આ નેતાઓ પણ જોઈ રહ્યા છે, કે શકિત પ્રદર્શન વગર ભાજપના નેતાઓ તેમને સચિવાલમાં સાંભળતા સુધ્ધા નથી, હમણાં વડોદરાના યોગેશ પટેલ, કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવે લાલ આંખ કરી, ભાજપના ઘણા નેતાને લઘુશંકાનો અનુભવ થઈ ગયો, ભાજપના એવા નેતા કાર્યકરની ફોજ છે જેમણે ક્યારેય કાંઈ માંગ્યુ નથી, પણ તેમની હાલત ઘરના છોકરા જેવી છે અને કુવરજી ઉપાધ્યા થઈ લોટ ફાકી જાય છે.આમ તો કુવરજીના મામલે ભાજપ અને બાવળીયા બંન્નેએ ખાસ રાજી થવા જેવું નથી, ભાજપને ગરજ છે એટલે કોઈને પણ બાપ કહેશે.૨૦૧૯માં થનારી ચૂંટણીમાં ભાજપનો કુવરજીનો ઓબીસી નેતા તરીકે લાભ લેવા માગે છે.કુંવરજીને પોતાની પંગતમાં ખેંચી લાવવા પાછળ ભાજપની ગણતરી કોળી મતબૅંક પર પૂરેપૂરો કબજો કરવાની છે એ કહેવાની જરૂર નથી. ભાજપ પાસે પરષોત્તમ સોલંકી ને તેમના ભાઈ હીરાભાઈ સોલંકીના રૂપમાં બે ધરખમ કોળી આગેવાનો છે જ. એ સિવાય બીજા ફાસફૂસિયા કોળી આગેવાનો પણ ભાજપ પાસે છે પણ સૌરાષ્ટ્રમાં પાટીદારો વંકાયા તેના કારણે ભાજપના મતોમાં પડેલું ગાબડું પૂરવા મોટા માથાની ભાજપને જરૂર હતી. કુંવરજી એ ગરજ સારશે ને કુંવરજીના આગમનથી કોળી સમાજ સાગમટે ભાજપની તરફેણમાં મતદાન કરશે તેવી આશા ભાજપ રાખે છે. પાટીદાર અનામત આંદોલનના કારણે પાટીદારો ભાજપથી ભારે નારાજ થયા ને તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં પડેલી જ. સૌરાષ્ટ્રમાં પાટીદારોનો દબદબો છે એવા વિસ્તારોમાં ભાજપનું ભારે ધોવાણ થયેલું. લોકસભાની ચૂંટણી સામે છે ને ફરી એવું થાય તો ભાજપને નવ નેજાં આવે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે બધી ૨૬ બેઠકો જીતેલી. આ વખતે એવી શક્યતા દેખાતી નથી પણ ભાજપ કોઈ કસર છોડવા માગતો નથી. કુંવરજી જેવાં બે-ચાર મોટાં માથાંને ખેરવી લેવાય તો બધી નહીં તો વીસેક બેઠકો લગી પણ પહોંચી જવાય તો ભાજપ માટે એ મોટી વાત જ હશે.રાજકીય રીતે કુંવરજીનો પ્રભાવ મર્યાદિત છે પણ એ રાજકારણના જૂના ખેલાડી છે. બીજું એ કે એ બિનવિવાદાસ્પદ છે ને લાંબા સમયથી રાજકારણમાં હોવા છતાં તેમનું નામ બહુ વગાવોયું નથી.
આમ તો ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લાં વીસેક વરસથી સત્તામાં જ નથી એટલે કોંગ્રેસીઓને કશું કરવાના અભરખા હોય તો પણ એ અભરખા પૂરા કરવાની તક નથી મળી એટલે મોટા ભાગના કોંગ્રેસીઓની સ્લેટ કોરી છે. કેટલાક કોંગ્રેસીઓ એ છતાં સખણા રહ્યા નથી ને વરતાયા છે. કુંવરજી એ શ્રેણીના નેતા નથી ને લો પ્રોફાઈલ છે તેનો ફાયદો પણ ભાજપને મળશે. કુંવરજીએ ૨૦૦૯ની ચૂંટણીમાં ભાજપના ગઢ એવા રાજકોટના કાંગરા ખેરવી નાંખેલા ને જીતી ગયેલા એ જોતાં તેમના મર્યાદિત પ્રભાવનો ઉપયોગ ભાજપ કરી શકે તો ફાયદામાં રહે જ. બીજે ક્યાંય નહીં તો પણ સુરેન્દ્રનગર ને રાજકોટ એ બે લોકસભા બેઠકો જીતવામાં કુંવરજી ભાજપને મદદરૂપ થાય જ એમાં શંકા નથી.કુંવરજી એ રીતે ભાજપ માટે એસેટ છે પણ તેમના આગમનના કારણે ભાજપમાં કચવાટ થાય એ ભો પણ ખરો. હમણાં વડોદરાના ભાજપના ત્રણ ધારાસભ્યોએ ખુલ્લંખુલ્લા ભાજપની નેતાગીરી સામે બળાપો કાઢેલો. ભાજપની નેતાગીરીએ આ બળાપો સરકાર સામે નહીં પણ અધિકારીઓ સામે હતો એમ કહીને વાત વાળી લીધી પણ આ બળાપો ભાજપની નેતાગીરી સામે જ હતો એ કહેવાની જરૂર નથી. રાજકારણીઓ લોકોનાં કામ થતાં નથી ને એવી બધી વાતો કરે ત્યારે સમજી જવું કે, તેમને સત્તામાં બેસવાની ખંજવાળ ઊપડી છે. વડોદરાના ત્રણેય ધારાસભ્યોએ એવી બધી વાતો જ કરેલી કેમ કે આ ધારાસભ્યો લાંબા સમયથી ચૂંટાય છે પણ તેમનો કોઈ ભાવ પૂછતું નથી. ભાજપના બીજા ધારાસભ્યોની પણ એવી લાગણી હશે જ ને હવે કોંગ્રેસમાંથી આવેલા કુંવરજીને સીધેસીધા કેબિનેટ મિનિસ્ટર બનાવી દેવાયા તેથી એ કચવાટ વધશે. પક્ષ માટે તૂટી જનારાને કંઈ મળતું નથી ને બહારથી આવેલા સીધા મિનિસ્ટર બને છે એવો અસંતોષ ભાજપમાં વધશે જ. બીજું એ પણ કે, ભાજપ એક તરફ આયારામ-ગયારામની ટીકા કરે છે ને બીજી બાજુ એ આ પદ્ધતિને પોષે છે.કોંગ્રેસે કુંવરજીની વિદાયને હળવાશથી લીધી છે ને જાણે કંઈ ના બન્યું હોય એવું કોંગ્રેસના નેતાઓનું વર્તન છે. અંદરખાને તો કોંગ્રેસના નેતાઓ ઝાડ પડ્યું ને જગા થઈ એવી લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ પર વરસો લગી ચડી બેઠેલી ચંડાળ ચોકડીની સરખામણીમાં કુંવરજી મજબૂત નેતા હતા એ જોતાં તેમના જવાથી કોંગ્રેસને કશો ફરક નહીં પડે એવું સાવ તો નથી પણ ગુજરાતમાં કોંગ્રેસ જે હાલતમાં છે એ જોતાં તેણે કંઈ ખોવાનું નથી એ વાત પણ સાચી છે. ને એ રીતે જોઈએ તો શંકરસિંહ વાઘેલા ને તેમની પાછળ આખું ધાડું કોંગ્રેસને છોડી જ ગયું ને ? તેના કારણે કોંગ્રેસ નુકસાનમાં રહી ? બિલકુલ નહીં. ઊલટાનું વિધાનસભામાં કોંગ્રેસની બેઠકો વધી ને કોંગ્રેસ મજબૂત બનીને બહાર આવી. કોંગ્રેસમાં કુંવરજીનો વિકલ્પ પણ કોંગ્રેસમાં ઊભો થઈ જ જશે.

Related posts

आम नागरिक पुलिस की विकृत मानसिकता की मजाक के लिये बने है क्या…?

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

દોકલામમાં ચીનની ઘૂસણખોરી,મોદી ૫૬ ઈંચની છાતી ક્યારે બતાવશે..!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1