Aapnu Gujarat
ગુજરાત

નીતિન પટેલ સીએમ રૂપાણીને ‘આવજો’ કહેવા પણ ન ગયાં !!!

ગુજરાત ભાજપમાં રૂપાણી અને નીતિનભાઈ વચ્ચે મનમેળ ન હોવાનું ઘણીવાર સપાટી પર આવ્યા બાદ પણ રથના બે પૈડાંની જેમ તેમના વિખવાદો વચ્ચે પણ ગુજરાત સરકારનો વહીંવટ સુપેરે ચાલી રહ્યો છે. નીતિનભાઈ અને રૂપાણી વચ્ચેનો વિવાદ સૌ પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં રૂપાણીએ જાહેર કરેલી સરકારી સહાય સામે બહાર આવ્યો હતો. મુખ્યમંત્રીની જાહેરાત છતાં નીતિનભાઈએ બજેટ તો મારે પાસ કરવાનું છે તેમ કહી વિવાદ ઉભો કર્યો હતો. ત્યારબાદ સમયાંતરે બંને વચ્ચે ચકમક ઝરતી રહી છે.
નીતિનભાઈ અને રૂપાણી વચ્ચે ઠીક નથી ચાલી રહ્યું એ વાત હવે ગુજરાતમાં જગજાહેર છે. આજે પ્રથમવાર એક એવો મોકો હતો. જેમાં રૂપાણી ઇઝરાયેલ જતા હોવાથી તેમનો ચાર્જ ૬ દિવસ માટે નીતિનભાઈને સોપાય તેવી શક્યતા હતી. આ બાબતે તો હાર્દિકે ચૂંટકી લઇ નીતિનભાઈને પાસની ફેવર કરી પાંચ વર્ષની મુખ્યમંત્રી બનવાની શીખામણ આપી દીધી હતી. આજે છેલ્લી ઘડીએ આ તમામ બાબતોમાં સમીકરણો બદલાઈ ગયા છે. જે અંગે સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીનો ચાર્જ નીતિન પટેલને આપવાને બદલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નીતિન પટેલને પોતાના ખાતાનો ચાર્જ આપીને રવાના થઈ ગયા હતા.
રૂપાણીએ નીતિનભાઈને કાર્યકારી મુખ્યમંત્રીનો ચાર્જ સોંપ્યો જ નથી ફક્ત પોતાના ખાતાઓના ચાર્જની વહેંચણી કરી છે. આમ નીતિનભાઈનું ૬ દિવસના મુખ્યમંત્રી બનવાનું સપનું રોળાઇ ગયું છે. આ દર્શાવે છે કે તમામ વસ્તુ યોગ્ય સ્થાને નથી. હવે તો ભાજપમાં સંગઠનમાં પણ સરકારના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચેના મતભેદ બાબતે ચર્ચાઓ થવા લાગી છે. હાલમાં ભાજપની ચિંતન શીબિર ચાલી રહી છે. નીતિનભાઈ અને રૂપાણી વચ્ચે ખાતાની ફાળવણી સમયે પણ વિવાદ થયો હતો. મુખ્યમંત્રી રૂપાણી નવી સરકારની રચના બાદ સૌપ્રથમવાર ઈઝરાયેલના પ્રવાસે રવાના થયા હતા. મુખ્યમંત્રીને શુભકામના આપવા માટે રાજ્યના મંત્રી મંડળના મોટા ભાગના સભ્યો ગયા હતા. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રૂપાણીને આવજો કહેવા પણ પહોંચ્યા ના હતા.
મુખ્યમંત્રી રૂપાણી બપોરે ૧૨.૪૫ કલાકે અમદાવાદથી ઇઝરાયેલના પ્રવાસે જવા રવાના થયા. તેઓ બપોરે નવી દિલ્હીના એરપોર્ટ પર ભારત ખાતેના ઇઝરાયેલી રાજદૂત ડેનિયલ કેર્મોન સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી સાંજે નવી દિલ્હીથી ઇઝરાયેલના તેલ અવીવ જવા રવાના થશે.
મુખ્યમંત્રીને અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ સૌરભ પટેલ,જયેશ રાદડિયા, ઈશ્વર પરમાર, પ્રદીપસિંહ જાડેજા, પરબત પટેલ, ઈશ્વરસિંહ પટેલ, વિભાવરી બહેન દવે તેમજ દંડક પંકજ દેસાઈ અને મુખ્ય સચિવ ડૉ.જે.એન સિંઘ અધિક મુખ્ય સચિવશ્રીઓ એમ.એસ.ડાગુર, સંગીતા સિંહ, પી.કે પરમાર, પંકજ કુમાર, ડૉ.રાજીવ ગુપ્તા. અગ્ર સચિવઓ મુકેશ પુરી, સુનયના તોમર, અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેએ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા વિદાય આપી હતી.
ગુજરાતનાં મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ વિજય રૂપાણી પ્રથમ વખત જ વિદેશ પ્રવાસે જવાના છે. આજે તેઓ ઈઝરાયેલનાં પ્રવાસે જશે. જ્યાં તેઓ છ દિવસ સુધી રોકાશે. ૧લી જુલાઇએ તેઓ ગાંધીનગર પરત ફરશે. મુખ્યમંત્રીની સાથે રાજ્યકક્ષાના કૃષિ મંત્રી તથા આઠ ઉચ્ચ અધિકારીઓ પણ પ્રવાસમાં જોડાશે. ઈઝરાયેલના સમગ્ર પ્રવાસ દરમિયાન કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઈઝરાયેલની અદ્યતન ટેકનોલોજી અને અનુભવો તથા જ્ઞાન અને માહિતીનો વિનિયોગ કેન્દ્રસ્થાને રહેશે.
ગુજરાતનું પ્રતિનિધિ મંડળ ઈઝરાયેલના કૃષિ પ્રધાન યુરી એરિઅલ, વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન ગીલ હસ્કેલ અને આર્થિક બાબતો તથા ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન ઈલી કોહેન સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. ત્યાંના વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે પણ ચર્ચા-વિચારણા કરાશે. ઉપરાંત મુખ્યમંત્રી ઈઝરાયેલનાં એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ, એલ્લિટ સીસ્ટમ, મોબિલ આઈ કોર્પોરેશનની મુલાકાત લઇને ‘મેક ઈન ગુજરાત’ના ભાગરૂપે ડીફેન્સ મેન્યુફેકચરીંગ ક્ષેત્રની સંભાવનાઓ ચકાસશે.

Related posts

રસ્તા બનાવતી વખતે ગુણવત્તા પર વધુ ધ્યાન આપો : હાઇકોર્ટ

aapnugujarat

અમદાવાદમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો

aapnugujarat

ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન દ્વારા ૨૭-૨૮મીએ નેચરોપથી અને યોગના સંદર્ભે રાષ્ટ્રીય સંમેલન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1