Aapnu Gujarat
ગુજરાત

બોપલ : બુકાનીધારી ટોળકી ત્રાટકી, ૪ બાઇક ચોરી ગયા

શહેરના છેવાડે આવેલા બોપલ વિસ્તારમાં ફરી એકવાર પથ્થરમાર ટોળકી સક્રિય બની છે. બોપલ-શીલજ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં મોઢે રૂમાલ બાંધીને આવેલા ૧૦થી ૧૨ તસ્કરોએ એક સાથે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચાર જેટલા બાઈકની ચોરી કરી હતી. ઉપરાંત એપાર્ટમેન્ટમાં ચોરીનો પ્રયાસ પણ કર્યો હતો. એપાર્ટમેન્ટના રહીશો જાગી જતાં ચોર-ટોળકી પાછળના ભાગે આવેલા રેલવે ટ્રેક તરફ નાસી ગઈ હતી. બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બોપલ-શીલજ રોડ પર આવેલા નીલકંઠ વિલા બંગ્લોઝ પાસે સન સિમ્પોલો એપાર્ટમેન્ટમાં આવેલા છે. એપાર્ટમેન્ટમાં નીલ ત્રિવેદી પોતાના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં જ નીલભાઇ વહેલી પરોઢે ઉઠીને નીચે આવ્યા તો, પાર્કિંગમાંથી તેમનું બાઇક ગાયબ હતું. તપાસ કરી તો ખબર પડી કે, તેમના સિવાય એપાર્ટમેન્ટના અન્ય બ્લોકમાંથી ત્રણ જેટલાં બાઈક ચોરાયાં હતાં. એપાર્ટમેન્ટના અન્ય રહીશની નજર મોેંઢે રૂમાલ બાંધી હાથમાં પથ્થર લઇને ત્રાટકનારી ટોળકી પર પડતાં તેમણે બૂમાબૂમ કરી હતી, જેને પગલે ટોળકીના સભ્યો પાછળના ભાગે આવેલ રેલ્વે ટ્રેક તરફ નાસી છૂટયા હતા. બીજીબાજુ, એપાર્ટમેન્ટમાં તપાસ કરતાં એક બ્લોકમાં પહેલા માળે બંધ મકાનમાં ચોર ટોળકીએ મકાનનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં અને ચાર બાઈકની ચોરી થતાં આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બોપલ વિસ્તાર એ ગામડાનો અંતરિયાળ વિસ્તાર છે ઉપરાંત રેલવે ટ્રેકની આસપાસમાં અનેક પોશ એપાર્ટમેન્ટ આવેલા છે. ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક બોપલ વિસ્તારમાં ઘણા સમયથી રહેલો છે. અનેક વખત એપાર્ટમેન્ટો અને બંગલામાં ૧૦થી ૧૨ લોકોની ચડ્ડી બનિયાનધારી લાકડી, ડંડા અને પથ્થર જેવા ઘાતક હથિયારો સાથે એપાર્ટમેન્ટમાં ચોરી કરવા ઘૂસે છે. જો કોઈ જાગી જાય અથવા તો પ્રતિકાર કરે તો તેને માર મારી અને પથ્થરમારો કરી ગેંગ નાસી જતી હોય છે. બોપલ વિસ્તારના અનેક એપાર્ટમેન્ટોમાં પથ્થર સાથે આવેલી ટોળકી અગાઉ અનેક ચોરીઓ કરી છે. વારંવાર ચોરીના બનાવો બનતા હોય છે પરંતુ બોપલ પોલીસ વિસ્તાર મોટો અને પોલીસ ઓછી હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં પૂરતું પેટ્રોલિંગ કરી શકતી નથી. બોપલ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટો અને બંગ્લોઝની અંદર અગાઉ ચડ્ડી બનિયાનધારી ગેંગો અને દાહોદિયા ગેંગે તરખાટ મચાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી છે પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસ, એલસીબી અને એસોજીની ટીમો આવી ગેંગોને પકડવામાં નિષ્ફળ નીવડી છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય એલસીબી આવી ચડ્ડી બનિયાનધારી ગેંગોને ઝડપવામાં નિષ્ફળ ગઈ છે. એક પણ મોટા ગુનાનો ભેદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે છેલ્લા એક વર્ષમાં ઉકેલ્યો હોય તેવું જણાતું નથી.

Related posts

નર્મદા યોજનામાં રોડા નાખનારા અર્બન નક્સલવાદી : CM BHUPENDRA PATEL

aapnugujarat

તક્ષશિલા અગ્નિકાંડ મામલે ઉપવાસ યોજે તે પૂર્વે હાર્દિકને સુરત પોલીસે અટકાવી દીધો

aapnugujarat

कच्छ में 4.1 तीव्रता का भूकंप

editor

Leave a Comment

UA-96247877-1