Aapnu Gujarat
ગુજરાત

શહેરના મોટા બગીચામાં હવે પાર્કિંગ માટે જગ્યા ફાળવાશે

મેગાસિટી અમદાવાદ વિકાસની હરણફાળ ભરી રહ્યું હોઇ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. અક અંદાજ પ્રમાણે શહેરમાં દરરોજ નવાં ૮૦૦ વાહનોનુું રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે. એએમટીએસ બસ સર્વિસની નિષ્ફળતા અને બીઆરટીએસ બસ સર્વિસના સીમિત વ્યાપના કારણે વધુને વધુ અમદાવાદીઓ અંગત વાહનને પસંદ કરી રહ્યા છે. વાહનોની વધતી જતી નોંધપાત્ર સંખ્યાને લઇ આગામી દિવસોમાં પણ ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ અને માથાના દુખાવા સમાન બની રહેવાની પૂરી શકયતા છે ત્યારે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પે એન્ડ પાર્ક સહિતની વ્યવસ્થા ઉપરાંત કેટલાક મહત્વના નિર્ણય લઇ રહ્યા છે. જેમાં હવે શહેરના નવા બનતા મોટા બગીચાઓમાં જ દસ ટકા જગ્યા સાહેલાણીઓના વાહનો પાર્ક કરવા માટે અલાયદી ફાળવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે, તે દિશામાં હવે અમલવારી શરૂ કરાશે. ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર નવા નવા અભિગમને અપનાવી રહ્યું છે. જેમાં હવે તંત્ર દ્વારા શહેરમાં નવા બનતા બગીચાની અંદર જ સહેલાણીઓના વાહનને પાર્ક કરવાની સુવિધા પૂરી પાડવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અમ્યુકો દ્વારા નાગરિકો માટે વધુને વધુ પે એન્ડ પાર્કની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ રહી છે. ભદ્ર-પ્લાઝા પરિસર જેવાં અનેક પાથરણાંવાળાના ગેરકાયદે દબાણની વચ્ચે પે એન્ડ પાર્ક બનાવાઇ રહ્યો છે. હવે સત્તાવાળાઓએ બગીચાની મુલાકાતે આવતાં સહેલાણીઓના રોડ પર પાર્ક કરાતાં વાહનોથી થતી ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે કમર કસી છે. તંત્ર દ્વારા નવા બનતા બગીચાની અંદર જ પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની દિશામાં આયોજન હાથ ધરાયું છે. કમિશનર મુકેશકુમારના આદેશથી ર૦૦૦ સ્કેવર મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા મોટા બગીચામાં દસ ટકા જગ્યા પાર્કિંગ માટે અલાયદો રખાઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં ર૪ નવા બગીચા બન્યા છે. આ નવા બગીચાઓમાં પણ સાહેલાણીઓને પૂરતી પાર્કિંગની જગ્યા મળી રહે તેવું આયોજન અમ્યુકો સત્તાવાળાઓ હાથ ધરી રહ્યા છે. જેમાં ગોતા વોર્ડના વંદે માતરમ્‌ ગાર્ડનમાં તેની અંદર મુલાકાતીઓને પાર્કિંગની સગવડ અપાશે. આ પાર્કિંગમાં પ૦થી ૧૦૦ જેટલાં ટુ વ્હીલર પાર્ક થઇ શકે તેવી ડિઝાઇન તૈયાર કરાઇ છે. જોધપુર વોર્ડમાં ઇસ્કોન મંદિરની પાછળના ગાર્ડનમાં પાર્કિંગ માટેની ડિઝાઇન તૈયાર કરાઇ છે. વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં પણ મુલાકાતીઓને ગાર્ડનની અંદર જ પાર્કિંગની સુુવિધા અપાશે. આમ અત્યારે ત્રણ નવા બગીચામાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાશે. મ્યુનિસિપલ તંત્રના આધારભૂત સૂત્રો કહે છે કે નવા બગીચામાં પાર્કિંગનો નવો અભિગમ અપાનાવાઇ રહ્યો હોઇ હવે પછીના તમામ મોટા બગીચામાં ર્પાકિંગ સાથેની ડિઝાઇન તૈયાર કરાશે. શહેરની ટ્રાફિક જામની સમસ્યામાં નાગરિકોને કંઇક અંશે રાહત આપવાના ભાગરૂપે તંત્રે આવી કવાયત હાથ ધરી હોઇ સમગ્ર ગુજરાતમાં સર્વપ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પોતાના નાગરિકોને બગીચામાં પાર્કિંગની સુવિધા પૂરી પાડી તેઓને પૂરી પડાતી સેવામાં વધુ એકનો ઉમેરો કરવા જઇ રહ્યું છે.

Related posts

ભરતસિંહ સોલંકીની તબિયત ક્રિટીકલ

editor

વડોદરા જિલ્લાના ખેડૂતો પપૈયા અને કેળ જેવા પાકોને બચાવવા ક્રોપ કવરની પધ્ધતિ અપનાવી રહ્યા છે

aapnugujarat

તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1