Aapnu Gujarat
બ્લોગ

હસવા રમવાની ઉંમરે ટ્યૂશન પ્રથા હાવી

શિક્ષણ એ જીવન જીવવાની તૈયારી નથી, શિક્ષણ ખુદ જીવન છે.૨૦મી સદીના મહાન વિચારકો પૈકીના એક ગણાતા અમેરિકન તત્ત્વજ્ઞાની, મનોવિજ્ઞાની અને શિક્ષણવિદ્‌ જ્હોન ડુઇ (૨૦મી ઓક્ટોબર, ૧૮૫૯-પહેલી જૂન, ૧૯૫૨)ના આ એક જ વાક્ય પર અત્યાર સુધી અનેક ગ્રંથો લખાઈ ચૂક્યા છે. ચીન અને જાપાનમાં થયેલા શૈક્ષણિક સુધારા પર પણ ડુઇના વિચારોનો જબ્બર પ્રભાવ છે. ડુઇનું કહેવું હતું કે, શૈક્ષણિક જીવન જ અસલી જિંદગી છે. આપણે આગળની જિંદગી કેવી રીતે જીવીશું એની લ્હાયમાં મહામૂલા વર્ષોને શિક્ષણના ભાર તળે દબાવી દઈએ છીએ. આ વાત પ્રાથમિક શિક્ષણને સૌથી વધારે લાગુ પડે છે કારણ કે, જિંદગીના એ જ સમયગાળામાં બાળકો શિક્ષણની સાથે સાથે સ્વશિક્ષણ પણ લઈ રહ્યા હોય છે. બાળકોને શિક્ષણ તો આપવું જ પડે, પરંતુ તેમને જાતે શિક્ષણ લેવા મુક્તિ આપવી પણ એટલી જ જરૂરી છે.આજકાલ ઉચ્ચ શિક્ષણમાં ફૂલેલીફાલેલી એન્ટ્રન્સ કોચિંગ ઈન્ડસ્ટ્રી અને સ્પર્ધા કરતાયે વધારે ચિંતાજનક મુદ્દો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં આડકતરી રીતે ફરજિયાત થઈ ગયેલી ટ્યૂશન પ્રથા છે. બાળકોને જાણે નર્સરીથી જ વિશ્વ વિજેતા બનવા મોકલવાનો હોય એટલું સ્પર્ધાનું વાતાવરણ આપણે સર્જી દીધું છે. આ સ્થિતિ માટે રાજકારણીઓ કરતા વધારે મોટા ગુનેગાર આપણે જ છીએ. સ્કૂલોની ઊંચી ફી ભર્યા પછીયે ટ્યૂશન ફરજિયાત કેમ? હા, આડકતરી રીતે પ્રાઈવેટ ટ્યૂશન ફરજિયાત જ થઈ ગયું છે. સ્કૂલથી જ પાયો કાચો રહી જશે તો મારો દીકરો કે દીકરી જિંદગીમાં કશું કરી જ નહીં શકે એવા કાલ્પનિક ભયે લાખો વિદ્યાર્થીઓના બાળપણને બરબાદ કરી નાંખ્યું છે. હસવા રમવાની ઉંમરે પણ ટ્યૂશન પ્રથા હાવી થઈ ગઈ છે. આપણા અનેક સાહિત્યકારો-લેખકોએ પણ સ્કૂલમાં ઘંટ પડવાની ક્ષણને આનંદમય ગણાવી છે. આવું કેમ? બાળકોને સ્કૂલમાં ભણવું જ નહીં ગમતું હોય? જો આવું હોય તો બાળકોને અપાતા શિક્ષણ વિશે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે. સ્કૂલમાંથી બહાર આવતા બાળકોને જોઈએ ત્યારે તેમનું બાળપણ જ છીનવાઈ ગયું હોય એવું સ્પષ્ટ જોઈ શકાય છે! શહેરોની મોટા ભાગની સ્કૂલો ગીચ રહેણાક વિસ્તારોમાં હોય છે. પાર્કિંગની પૂરતી જગ્યા હોતી નથી. બાળકોની જોખમી ટ્રાફિક વચ્ચે જ અવરજવર કરતા હોય છે. આ સ્થિતિમાં સ્કૂલ છૂટવાનો ઘંટ વાગે એ પહેલાં માતાપિતા, વાલીઓ, રીક્ષા કે વાન ડ્રાઈવરો સ્કૂલની આસપાસ ગોઠવાઈ ગયા હોય છે. એકેયને સમય બગાડવાનું પોસાય એમ નથી કારણ કે, સ્કૂલનો સમય માંડ પૂરો થાય છે ત્યાં ટ્યૂશનની સાથે સાથે ક્રિકેટ, સ્વિમિંગ, સ્કેટિંગ, માર્શલ આર્ટ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, યોગ, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ્‌સ, કેલિગ્રાફી, પેઇન્ટિંગ, અબાકસ કે વૈદિક ગણિતના જાતભાતના ક્લાસીસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય છે. વળી, આ બધું પતાવીને સ્કૂલ અને ટ્યૂશનનું લેસન પાછું ઘરે કરવાનું હોય છે.સ્કૂલે જતા જતા બાળકોને નાસ્તાના બે લંચ બોક્સ અપાય છે, એક સ્કૂલ રિસેસમાં ખાવા અને બીજું વાન-રીક્ષામાં ખાવા. વાલીઓએ આ સ્થિતિ સ્વીકારી લીધી છે. એટલે જ તેઓ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી પણ ફનના બદલે ફેનેટિકની જેમ કરાવે છે. બાળકો નાના હોય તો જુદા જુદા ક્લાસીસમાં પણ માતાપિતાએ જ તેમને લેવા-મૂકવા જવું પડે છે. કોઈ પણ નાના-મોટા શહેરમાં સ્પોટ્‌ર્સ ક્લાસીસની બહાર પાણી, લીંબુ શરબત, જ્યૂસ અને લસ્સીના ટેટ્રાપેક લઈને વાલીઓના પણ ’ક્લાસ’ ચાલુ હોય એવા દૃશ્યો સામાન્ય છે. બાળકોને સ્કૂલે જવા ઊઠીને તૈયાર થવામાં, સ્કૂલ સુધી જવામાં, સ્કૂલમાં ભણવામાં અને સ્કૂલથી પાછા આવવામાં જ આઠેક કલાકનો સમય ખર્ચાઈ જાય છે. સ્કૂલિંગ, એક્સ્ટ્રા ક્લાસ અને ટ્યૂશનમાં બાળક સાથે માતાપિતાનો પણ સમય પૂરો થઈ જાય છે. જો બાળકોની દિનચર્યામાંથી ટ્યૂશનનો સમય નીકળી જાય તો સ્પોટ્‌ર્સ કે આર્ટને લગતી પ્રવૃત્તિમાં વધુ સારું પર્ફોર્મન્સ આપી શકે, પરંતુ દેખાદેખી અને સ્પર્ધાના કારણે સર્જાયેલા વાતાવરણમાં કોઈ વાલી ટ્યૂશન છોડાવવાની હિંમત કરી શકતા નથી. વર્કિંગ કપલની સંખ્યા વધી રહી હોવાથી પણ ટ્યૂશન ક્લાસીસનો ધંધો પૂરબહારમાં ખીલ્યો છે.આ બધાય મુદ્દાની રજૂઆત પછીયે એકવાત નક્કી છે કે, જો સ્કૂલમાં જ સારું શિક્ષણ મળે તો ટયૂશનો કરાવવા જ ના પડે. એ માટે વાલીઓએ જ સામૂહિક રીતે સ્કૂલો સાથે સતત સંપર્કમાં રહેવું પડે, પરંતુ એક હજાર વિચાર કરીને જે સ્કૂલમાં બાળકને મૂક્યું છે ત્યાંના શિક્ષણથી મોટા ભાગના માતાપિતાને સંતોષ નથી. અનેક વાલીઓ શબ્દો ચોર્યા વિના કહેતા હોય છે કે, અમને સ્કૂલ ટીચિંગમાં વિશ્વાસ જ નથી. સ્કૂલ ટીચર એક ક્લાસમાં બધા બાળકો પર ધ્યાન નથી આપી શકતા, જ્યારે ટ્યુટર વ્યક્તિગત ધ્યાન આપે છે. એવી જ રીતે, સ્કૂલ ટીચરોની ફરિયાદ છે કે, અમે ભણાવીએ ત્યારે વિદ્યાર્થીઓ ધ્યાન નથી આપતા કારણ કે, એ બધું તેમણે ટ્યૂશનમાં શીખી લીધું છે. ટ્યૂશનના કારણે અમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. અનેક બાળકો ટ્યૂશન કરતા હોવા છતાં પરીક્ષામાં સારા માર્ક્સ નથી લાવી શકતા. એ માટે વાલીઓ પાછો અમારો કે સ્કૂલનો વાંક કાઢે છે…
આ સ્કૂલ ટીચરોની ફરિયાદ છે, પણ બીજો પણ એક મુદ્દો નોંધવા જેવો છે. દેશભરમાં સ્કૂલ શિક્ષકો જ ટ્યૂશન કરાવતા હોય એવા શિક્ષકોની સંખ્યા વધારે છે. એનો અર્થ એ કે, ખાનગી ટ્યૂશન ક્લાસીસમાં ’સેવા’ આપતા કે થોડાઘણાં વિદ્યાર્થીઓના જૂથને ભણાવતા અનેક શિક્ષકો સ્કૂલમાં નોકરી કરે છે! વાલીઓ પણ એવું જ ઈચ્છે છે કે, સ્કૂલમાં ભણાવતા શિક્ષક જ ટ્યૂશન લે તો વધારે સારું! આવું વિચારવા પાછળ બે કારણ સૌથી મહત્ત્વના હોય છે. પહેલું કારણ- વાલીઓને એવું લાગે છે કે, સ્કૂલ અને ટ્યૂશનમાં ભણાવવાની પદ્ધતિ એકસરખી હશે તો બાળકને તકલીફ નહીં પડે. બીજું કારણ- સ્કૂલ ટીચર સાથે જ ટ્યૂશન કરાવીશું તો બાળકને ’સાચવી’ લેશે, નાપાસ નહીં કરે. બોલો, હજુયે આપણી આ માનસિકતા છે કારણ કે, મા-બાપ ઈચ્છે છે કે, બાળકનું વર્ષ ના બગડે તો સારું. વર્ષ બગડશે તો પાછળ રહી જશે.
આ ડર આપણી ફાસ્ટ લાઈફના ભ્રમમાંથી પેદા થયો છે. સ્કૂલ શિક્ષક ટ્યૂશન કરતા હોય તો સ્કૂલ સંચાલકો પણ આંખ આડા કાન કરે છે કારણ કે, કોઈને સારો શિક્ષક જતો રહે એ પોસાય એમ નથી. શિક્ષકને જે કરવું હોય એ કરે, પરંતુ અમારી સ્કૂલનું રિઝલ્ટ ના બગડવું જોઈએ! સ્કૂલોની જેમ વાલીઓ માટે પણ માર્ક્સ એ બાળકની જિંદગીનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. પ્રાથમિક-માધ્યમિકમાં વિદ્યાર્થી નાપાસ થાય એ સ્કૂલો, માતાપિતા માટે બહુ જ મોટી શરમ છે, નિષ્ફળતા છે અને તેનો મનોવૈજ્ઞાનિક ભાર દેશના લાખો બાળકો વેંઢારી રહ્યા છે. આજે ’ભાર વિનાના ભણતર’ની વાતો તો ઘણી થાય છે, પરંતુ ’ભાર વિનાનું ભણતર’ એટલે કેવું ભણતર, એ તો કોઈ શાંતચિત્તે વિચારતું જ નથી.એક બીજા મહત્ત્વના મુદ્દાની પણ ચર્ચા કરવી જરૂરી છે. ટ્યૂશનના દુષણની વાત કરતી વખતે બે બિલકુલ ખોટી દલીલ કરાય છે. પહેલી દલીલ- સરકાર ફિક્સ પગારદારના વિદ્યાસહાયકોની ભરતી કરે છે અને આવા અનેક શિક્ષકોના પગાર ખૂબ ઓછા છે એટલે તેઓ ટયૂશનો કરે છે. આ દલીલ અર્ધસત્ય છે. ટ્યૂશનની દુનિયામાં ફિક્સ પગારદાર શિક્ષકો કરતા ગ્રાન્ટેડ કે ખાનગી સ્કૂલોમાં સારો પગાર મેળવતા શિક્ષકો વધારે સક્રિય છે. ફિક્સ પગાર મેળવતા વિદ્યાસહાયકો પાસે સ્વાભાવિક રીતે જ બહુ ઓછા લોકો ટ્યૂશન રખાવવા આકર્ષાય છે. દેશના તમામ રાજ્યોમાં ટ્યૂશન કરતા ફિક્સ પગારદાર શિક્ષકો ઘણાં ઓછા છે, એટલે એ દલીલમાં વજુદ નથી. બીજી દલીલ- ટ્યૂશનનું દુષણ ’ટયૂશનિયા શિક્ષકો’ના કારણે સર્જાયું છે. આ દલીલ પણ મજબૂત નથી. આપણે ’બલિનો બકરો’ શોધીને દરેક મુશ્કેલીઓનું ઓવર સિમ્પ્લિફિકેશન કરી દઈએ છીએ. એકલા શિક્ષકોનો વાંક કેમ કાઢવાનો? કોઈ પણ જટિલ મુશ્કેલીનો ઉકેલ લાવવા આપણે એનાલિટિકલ થિકિંગ કરવાના બદલે આરોપો-પ્રતિઆરોપો કરીને મૂળ વાત જ ભૂલી જઈએ છીએ. આ આપણી રાષ્ટ્રીય કુટેવ છે.ગયા અઠવાડિયે જ સમાચાર હતા કે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓએ સરકારી આદેશ પ્રમાણે ટ્યૂશન કરતા શિક્ષકો પર દરોડા પાડવા જુદી જુદી ટીમો બનાવી છે… બધા જાણે છે કે દરોડા પાડવાથી ટયૂશનો બંધ નહીં થાય. છતાં, વારતહેવારે (વાંચો ચૂંટણીઓ વખતે) આવી નાટકબાજી થાય છે. સ્કૂલો દ્વારા વસૂલાતી ફી પર સરકારી કાબૂ રાખવાનો નિયમ પણ ડીંડકથી વિશેષ કંઈ નથી. એકેય સ્કૂલ સરકાર કહે તેમ ફી વસૂલવાની નથી. દરેક બાબતમાં વગરવિચાર્યે દંડાવાળી કરીને ’સુશાસન’ સ્થાપવાનો નિરર્થક પ્રયાસ કરાય છે એટલે ઠોસ પરિણામો મળતા જ નથી.
નેશનલ સેમ્પલ સર્વે દ્વારા કરાયેલા ’કિ ઈન્ડિકેટર્સ ઓફ સોશિયલ કન્ઝપ્શન ઈન ઈન્ડિયાઝ એજ્યુકેશન ૨૦૧૪’ નામના આંકડાકીય અહેવાલ પ્રમાણે, દેશમાં ધોરણ પાંચથી આઠ દરમિયાન ટ્યૂશન લેતા બાળકોની સંખ્યા ૭.૧૦ કરોડ છે. વળી, શહેરોમાં આ આંકડો સતત વધી રહ્યો છે. આ આંકડા સ્કૂલ શિક્ષણ પદ્ધતિની નિષ્ફળતા દર્શાવે છે.
જોકે, ટ્યૂશન કે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીના ભાર દરેક બાળકને અલગ રીતે અસર કરે છે. એ પાછળેય બીજા અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ એટલું નક્કી છે કે બાળક જાતે જ શિક્ષણ મેળવી શકે એ માટે તેને સમય કાઢી આપવાની જવાબદારી તેના સ્વજનોની છે.

Related posts

છત્તીસગઢનું સુકાન ભૂપેશ બધેલને સોંપાયું

aapnugujarat

આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ખતરાજનક બની રહેશે

aapnugujarat

‘ઈસરો’ની અવિરત આગેકૂચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1