Aapnu Gujarat
ગુજરાત

સિવિલમાં દર્દીનાં મૃત્યુ બાદ ત્રણ ડૉક્ટરોને માર મારતાં હડતાળ : પોલીસ ખાતરી બાદ હડતાળ સમેટી લેવાઈ

શહેરના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં છાશવારે ને છાશવારે ડોક્ટરો તેમજ દર્દીનાં સગાંવહાલાંઓ વચ્ચે બોલાચાલી અને મારામારીના અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે ગત મોડી રાતે એક દર્દીનું મોત નીપજતાં તેના સગાવ્હાલાઓ દ્વારા ત્રણ ડોક્ટરો પર હુમલો કરાતાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જોરદાર હોબાળો મચી ગયો હતો. ડોકટર પર હુમલાની ઘટનાના વિરોધમાં બી.જે.મેડિકલ કોલેજના રેસીડેન્ટ ડોકટરો તાત્કાલિક હડતાળ પર ઉતરી ગયા હતા અને બાદમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ ઘટના સંદર્ભમાં ચાર શખ્સો વિરૂધ્ધ શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાવા પામી છે. બીજીબાજુ, પોલીસે તબીબોને કાર્યવાહીની ખાતરી આપતાં રેસીડેન્ટ ડોકટરોની હડતાળ સમેટાઇ ગઇ હતી. જેને પગલે સિવિલ હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓએ પણ રાહતનો દમ લીધો હતો. આ અંગેની વિગત એવી છે કે, ઓઢવ વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર કામ કરતા યુવકને ઇજા પહોંચતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના બંને પગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેની ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલુ રહી હતી તે સમયે યુવકનાં સગાવ્હાલાઓએ ડોક્ટરોને ઝડપી સારવાર કરવા માટે કહ્યું હતું. ડોક્ટરો યુવકની સારવાર કરતા હતા તે દરમ્યાન જ તેનું મોત થયું હતું. યુવકનું મોત થતાંની સાથે તેનાં સગાવ્હાલા અને પરિજનો ઉશ્કેરાયાં હતાં અને ડોક્ટરોને બીભત્સ ગાળો બોલવા લાગ્યાં હતાં. તેમાંથી ચાર પાંચ જણાંએ સિવિલ હોસ્પિટલના ત્રણ ડોક્ટરો સાથે મારામારી કરતાં જબરદસ્ત હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ધ્રુમિલ મજમુદારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં દર્દીનાં ચાર સગાવ્હાલા સામે ફરિયાદ કરી હતી. પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, ડોકટરોને મારવાના સિવિલ હોસ્પિટલ સંકુલમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને તેના વિરોધમાં બી.જે.મેડિકલ કોલેજના તમામ રેસીડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતરી ગયા હતા. આ હડતાળને પગલે સિવિલ હોસ્પિટલમાં અન્ય દર્દીઓ અને તેમના સગાવ્હાલાને ભારે અસર પહોંચી હતી અને તેઓ ભારે હાલાકીમાં મૂકાઇ ગયા હતા. વિવાદ વકરતાં શાહીબાગ પોલીસે રેસીડેન્ટ ડોકટરોને પ્રસ્તુત કેસમાં સખત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને હડતાળ સમેટી લેવા અનુરોધ કર્યો હતો. જેને પગલે ડોકટરોએ પણ દર્દીઓ અને તેમના સગાવ્હાલાની તકલીફ અને હાલાકીને ધ્યાનમાં લઇ પોતાની હડતાળનો અંત આણ્યો હતો અને આખરે ડોકટરોની હડતાળ સિવિલમાં સમેટાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટરો ઉપર દર્દીનાં સગાંવહાલાંઓ હુમલા કરે છે, જેને રોકવા માટે હોસ્પિટલના સત્તાવાળાઓએ સિક્યોરિટી ગાર્ડ તેમજ પોલીસચોકી બનાવી છે. ર૪ કલાક સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ કર્મચારીઓ પણ હાજર હોવા છતાંય ડોક્ટરો પર હુમલાના બનાવો બની રહ્યા છે. પોલીસે આ કેસમાં મૃતક દર્દીના બે સગાની ધરપકડ કરી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. સિવિલમાં તબીબો સાથે ખરાબ વર્તન વારંવાર થાય છે.

Related posts

बापूनगर की खालसा स्कूल में चालू क्लास में छत धराशायी

aapnugujarat

સાબરકાંઠામાં વનમહોત્સવ નિમિત્તે રોપાઓનું વિતરણ કરાયું

editor

६० से अधिक उम्र के कैदी और सभी महिला कैदी के पेरोल मंजूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1