Aapnu Gujarat
બ્લોગ

યહુદી : મુઠ્ઠીભર પણ સૌથી શક્તિશાળી પ્રજા

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન, માનસશાસ્ત્રના પિતામહ સિગમન્ડ ફ્રોઇડ, ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, ગૂગલના સહસ્થાપક સર્ગે બ્રિન, દંતકથારૂપ ફિલ્મમેકર વૂડી એલન અને સ્ટીવન સ્પિલબર્ગ, બરાક ઓબામાથી માંડીને બિલ ગેટ્‌સ જેમના મોટા ફેન છે એવા હાલ મોસ્ટ હેપનિંગ ગણાતા સંશોધક- લેખક યુવલ હરારી… આ લિસ્ટ ભયંકર લાંબું થઈ શકે છે, પણ એને અહીં જ અટકાવી દઈએ. સવાલ આ છેઃ આ બધામાં શું કોમન છે? જવાબઃ આ બધા જ્યૂ લોકો છે. જેમનાં મૂળિયાં ઇઝરાયલની હિબ્રુ સંસ્કૃતિમાં દટાયેલાં છે અને જે યહૂદી ધર્મ પાળે છે એ સૌ જ્યૂ.
આજની તારીખે દુનિયામાં પાક્કા જ્યૂ લોકોની વસતી માંડ ૧ કરોડ ૪૫ લાખ જેટલી છે. પતિ-પત્ની બેમાંથી એક જયૂ હોય અથવા એનાથી ય આગળ વધીએ તો જેના દાદા-દાદી-નાના-નાની આ ચારમાંથી કોઈ એક જ્યૂ હોય એવા લોકોને પણ ગણી લઈએ તો પણ આજે યહૂદીઓની વસતીનો કુલ આંકડો સંખ્યા ૨ કરોડ ૩૦ લાખ જેટલો માંડ થાય છે. આમાંથી ૬૬ લાખ યહૂદીઓ ઇઝરાયલમાં રહે છે. ઇઝરાયલ અને અમેરિકામાં યહૂદીઓની કુલ વસતીના ૮૩ ટકા લોકો વસ્યા છે. બાકીના ૧૭ ટકા યહૂદીઓ દુનિયાના ૯૮ દેશોમાં ફેલાયેલા છે.આખા વિશ્ર્‌વની કુલ માનવવસતીમાં યહૂદીઓનું પ્રમાણ પૂરા ૦.૨ ટકા પણ નથી, પણ દુનિયાના સૌથી પાવરફુલ અને ધનવાન લોકોની સૂચિઓમાં યહૂદીઓની સંખ્યા હંમેશાં આંખો પહોળી કરી નાખે એટલી મોટી હોય છે. વિશ્વવિખ્યાત ’ફોર્બ્સ’ મેગેઝિન દર વર્ષે દુનિયાના સૌથી શ્રીમંત લોકોની યાદી બહાર પાડે છે. ’ફોર્બ્સ’ની આવી એક સૂચિમાં દુનિયાના પચાસ રિચેસ્ટ માણસોમાં દસ યહૂદીઓ હતા એટલે કે ૨૦ ટકા જેટલા! ’વેનિટી ફેર’ મેગેઝિનના ૧૦૦ મોસ્ટ પાવરફુલ પીપલની એક સૂચિમાં ૫૧ લોકો યહૂદી હતા એટલે કે ૫૦ ટકા કરતાંય વધારે! વાત માત્ર પૈસા અને પાવરની નથી. અત્યાર સુધી ૮૯૨ લોકોએ નોબલ પ્રાઇઝ જીત્યાં છે, જેમાંથી ૨૨.૫ ટકા વિજેતાઓ યહૂદી છે. બેન્કિંગ સેક્ટર, હાઇ પ્રોફાઇલ ટેકનોલોજીની કંપનીઓ, મિડીયા, બિઝનેસ એક્ઝિક્યુટિવ્ઝ આ બધામાં યહૂદીઓની બોલબાલા છે. લેખકો, સંગીતકારો, અન્ય કલાકારો, ચિંતકો, ટ્રેન્ડસેટરો વગેરેમાં યહૂદીઓનું પ્રમાણ કમાલનું હોય છે.આવડી અમથી જ્યૂ પ્રજા શી રીતે આટલી મોટી માત્રામાં આટલા સફળ બિઝનેસમેન, ડોક્ટરો, બેન્કરો અને સ્કોલરો પેદા કરી શકે છે? એમની બૌદ્ધિક સફળતાનું રહસ્ય શું છે? આ આધુનિક યુગના સૌથી રસપ્રદ કોયડાઓમાંનો એક છે. પ્રત્યેક ક્ષેત્રના સૌથી સફળ લોકોમાં યહૂદીઓનું ’ઓવર-રિપ્રેઝન્ટેશન’ જોઈને બાકીની પ્રજાના ભવાં વંકાય છે. આખી દુનિયાના વિકસિત સમાજો ઇર્ષ્યાપૂર્વક યહૂદી પ્રજાને જોયા કરે છે, એમનું નિરીક્ષણ કર્યા કરે છે અને સમજવાની મથામણ કરતા રહે છે કે આ યહૂદીઓમાં એવું તે શું છે? આ વિષય પર કેટલાંય સંશોધના થયાં છે અને પુસ્તકો લખાયાં છે.યુરોપમાં વસતા સરેરાશ યહૂદી વ્યક્તિનો આઇક્યુ ૧૧૦થી ૧૧૫ની રેન્જમાં છે, જે યુરોપની ૮૫ ટકા વસ્તી કરતાં વધારે છે.
ગુજરાતીઓને ગમે એવી વાત એ છે કે યહૂદી બિઝનેસ-માઇન્ડેડ પ્રજા છે. સરેરાશ યહૂદીને જોબ જો બહુ સારી અને મોભાદાર હોય તો જ આકર્ષશે. સ્વતંત્રપણે ધંધો કરવામાં, પોતાના બિઝનેસ સ્થાપીને વિકસાવવામાં, એન્ત્રોપ્રિન્યોરશિપમાં યહૂદીને સ્વાભાવિકપણે જ વધારે રસ પડે છે. યહૂદીઓ નેગોશિયેટ કરવામાં, વાટાઘાટ કરીને સોદા પાર પાડવામાં બહુ હોશિયાર ગણાય છે. તેઓ ગોળગોળ વાતો નહીં કરે. તેઓ યુરોપિયનોની માફક ઉપરછેલ્લા શિષ્ટાચારને વધારે પડતું મહત્ત્વ નહીં આપે. તેઓ સીધું બોલશે, એક ઘા ને બે કટકા કરશે.ઇઝરાયલની મોસાદ આજે દુનિયાની સૌથી કાબેલ અને હાઇ પ્રોફાઇલ ઇન્ટેલિજન્સ એજન્સી (ગુપ્તચર સંસ્થા) ગણાય છે. ઇઝરાયલમાં છોકરો કે છોકરી અઢાર વર્ષનાં થાય એટલે મિલીટરમાં ભરતી થઈને કમસે કમ ત્રણ વર્ષ ગાળવા ફરજિયાત છે. યહૂદીઓમાં સ્ત્રીઓનું સ્થાન હંમેશાં મજબૂત રહ્યું છે. યહૂદી પ્રજાએ અતિ વિકાસ કર્યો છે એનું એક કારણ આ પણ છે.
સાઉદી એરેબિયામાં જેટલી મહિલા કારચાલકો હશે એના કરતાં વધારે મોટી સંખ્યામાં ઇઝરાયલમાં મહિલા પાયલટો છે!યહૂદીઓ છેક મધ્યયુગથી વેપાર-વાણિજ્ય, તબીબીશાસ્ત્ર તેમજ અર્થશાસ્ત્રમાં આગળ પડતા રહ્યા છે. જૂના જમાનામાં યહૂદી પ્રજામાં સાક્ષરતાનું પ્રમાણ ૧૦૦ ટકા હતું. યહૂદીઓની સાક્ષરતાનું મૂળ ક્યાં છે? ઇતિહાસ કહે છે કે કેલેન્ડરમાં ઇસવીસનની ગણતરી શરૂ થઈ એની થોડા સમય પહેલાં યહૂદીઓ સામે ભયંકર કટોકટી ઊભી થઈ હતી. યહૂદી ઇતિહાસ તે કાળખંડને ’ડ્રિસ્ટ્રક્શન ઓફ ધ સેકન્ડ હોલી ટેમ્પલ’ તરીકે વર્ણવે છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે જો યહૂદીઓએ ટકી રહેવું હોય તો એકેએક વ્યક્તિએ લખતાં-વાંચતા અને જ્ઞાન-આધારિત કૌશલ્યો શીખવું આવશ્યક બની ગયું. આમ, તીવ્ર અનિવાર્યતા ઊભી થવાને કારણે, પોતે ઇઝરાયલના આર્થિક વિકાસમાં રિલેવન્ટ રહી શકે તે માટે યહૂદીઓ માટે ગંભીરતાપૂર્વક ભણવા લાગ્યા અને જુદાં જુદાં કૌશલ્યો પર પ્રભુત્વ હાંસલ કરતા ગયા. તોરાહ (યહૂદી ધર્મગ્રંથ) વાંચવો અને તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો એ યહૂદીઓ માટે મૂળભૂત જરૂરિયાત બની ગઈ. આ બાબતનું સાતત્ય જળવાઈ રહે તે માટે યહૂદીઓ દીકરો હજુ સાવ નાનો હોય ત્યારથી વાંચતા-લખતા શીખવી દેતા. યાદ રહે, આ એ સમયની વાત છે જ્યારે દુનિયાની મોટા ભાગની પ્રજા અભણ હતી. ભણતરે યહૂદીઓના વિકાસમાં નિર્ણાયક ભુમિકા ભજવી.ઇસવીસનની પહેલી સદીમાં મોટા ભાગના યહૂદીઓ હજુય ખેતી કરતા હતા. ગરીબી અને હાડમારીનો પાર નહોતો. ગરીબ ખેડૂત પોતાના સંતાનને ભણાવવાનો ખર્ચ શી રીતે ઉપાડી શકે? ઘારો કે છોકરો ભણી ગણી લે તો પણ શું? એ જમાનામાં સાક્ષરતાથી કમાણી થોડી થવાની હતી? આથી જ્યૂ પ્રજા પર ધર્મસંકટ મૂકાયું કે કાં ગમે તેમ કરીને છોકરાઓને ભણાવો ને ધર્મ સાથે જોડાયેલા રહો અથવા ભણાવાનો મોહ છોડી દો અને એ રીતે યહૂદી ધર્મ સાથેનો નાતો પણ ઢીલો પાડી દો. જે યહૂદીઓને ભણતર આર્થિક રીતે પોસાય એમ નહોતું, જેમને ભણવાગણવાનું બહુ અઘરું લાગતું હતું અથવા જે ખાસ ધર્મપ્રેમી નહોતા એવા વર્ગે બીજો વિકલ્પ પસંદ કર્યો. આ વર્ગ ઘણો મોટો અને બહુમતીમાં હતો.
યહૂદી પ્રજામાં બે ફાંટા પડી ગયા. એક વર્ગ ધીમે ધીમે ખાસ કરીને ખ્રિસ્તી ધર્મમાં વટલાતો ગયો, જેના પરિણામે યહૂદીઓની વસતી ક્રમશઃ સંકોચાતી ગઈ. સામે પક્ષે, યહૂદીઓનો બીજો વર્ગ જે ભણવાગણવાને વળગી રહ્યો એણે ક્રમશઃ ખૂબ બૌદ્ધિક વિકાસ કર્યો.મોહમ્મદ પયગંબરનાં મૃત્યુ પછી ક્રમશઃ દુનિયામાં ઇસ્લામ ધર્મનો ફેલાતો ગયો. એરેબિક ભાષાનું મહત્ત્વ વધતું ગયું. નવા ઇસ્લામિક શાસન હેઠળ નવા ઉદ્યોગ-ધંધા વિકસ્યા, નવાં શહેરો ઊભાં થયાં. આ એ જમાનાનું ગ્લોબલાઇઝેશન હતું, શહેરીકરણ હતું, જેના પગલે ભણેલાગણેલા હોશિયાર લોકોની ડિમાન્ડ વધી. આ માહોલનો યહૂદી પ્રજા પર નાટ્યાત્મક પ્રભાવ પડ્યો. ઇસવીસન ૭૫૦થી ૯૦૦ દરમિયાન મેસોપોટેમિયા અને પર્શિયામાં રહેતા યહૂદીઓ, કે જે તે વખતે દુનિયાના કુલ યહૂદીઓના લગભગ ૭૫ ટકા હિસ્સો રોકતા હતા, તેમણે ખેતીને તિલાંજલિ આપીને શહેરો તરફ પ્રયાણ કર્યુ. હવે એમની સામે શિક્ષણ આધારિત કારર્કિદી બનાવવાના ખૂબ બધા વિકલ્પો હતા. ખેતીકામ કરતાં આ બધાં કામોમાંથી વળતર પણ ઘણું વધારે મળતું હતું. શિક્ષિત હોવાને કારણે તેઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં ચાવીરૂપ જગ્યાઓ પર ગોઠવાઈ શક્યા. આખી દુનિયામાં ભણેલાગણેલા યહૂદીઓની ડિમાન્ડ નીકળી પડી.
યહૂદીઓ યમન, સિરીયા, ઇજિપ્ત અને પશ્ચિમ યુરોપ સુધી ફેલાઈ ગયા. શિક્ષિત યહૂદીઓ જાતજાતની ગણતરીઓ કરવામાં, દસ્તાવેજો તૈયાર કરવામાં અને કરારોનું પાલન કરાવવામાં ખૂબ ચતુર ગણાતા. આ જ કારણ છે કે બારમી-તેરમી સદીમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇટલી વગેરે દેશોમાં પૈસા વ્યાજે ધીરવાના કામકાજમાં યહૂદીઓ અડિંગો જમાવીને બેસી શક્યા. ક્રેડિટ અને ફાયનાન્શિયલ માર્કેટ્‌સમાં આજની તારીખે યહૂદીઓ સુપર સકસેસફુલ છે એ હકીકતનાં મૂળિયાં અહીં દટાયેલાં છે.પ્રજા હોય કે વ્યક્તિ હોય, સર્વપ્રથમ હોવાનો ફાયદો હંમેશા મળતો જ હોય છે. વિપરીત ઐતિહાસિક, રાજકીય કે સામાજિક પરિબળોને પોતાની તરફેણમાં કરનાર પ્રજા યા વ્યક્તિના વિકાસને કોઈ અટકાવી શકતું નથી!

Related posts

अब गोवा पर शिवसेना की नज़रे…?

aapnugujarat

देश की दशा और दिशा तय करेगा बजट

aapnugujarat

શ્રધ્ધાંજલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1