Aapnu Gujarat
Uncategorized

મગફળીના ગોડાઉન આગ કેસમાં વેલ્ડિંગનું કારણ કેમ

રાજકોટના શાપર-વેરાવળ હાઈવે પર આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના ચકચારભર્યા પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, ગોડાઉનના માલિક નરેન્દ્ર ત્રિવેદી દ્વારા વેલ્ડીંગનું કામ કરાવાયું હતું. શેડના પતરા ઉડી જવાના કારણે વેલ્ડીંગ કરાવવામાં આવતું હતુ. આ ગોડાઉનમાં વીજ કનેકશન ના હોઇ બાજુના ગોડાઉનમાંથી વીજલાઇન ખેંચી વેલ્ડીંગ કરાવવામાં આવતું હતું. વેલ્ડીંગના કારણે આગ લાગી હોવાની વાત છુપાવવાનો પ્રયાસ થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વેલ્ડીંગના કારણે આગ લાગવાનું કારણ ફરી એકવાર સામે આવતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. તો સાથે સાથે મગફળીના ગોડાઉનમાં દર વખતે આગ માટે વેલ્ડીંગનું જ કારણ સામે આવતાં સરકાર અને તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. કારણ કે, અગાઉ ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં પણ વેલ્ડીંગનું કારણ બહાર આવ્યું હતું અને હવે ફરી એકવાર મગફળીના ગોડાઉનમાં વેલ્ડીંગનું જ કારણ સામે આવતાં સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આ પ્રકરણમાં જરૂરી ગુનો દાખલ કરવાની તપાસ હાથ ધરી છે. જો કે, સીઆઇડી ક્રાઇમ હાલના તબક્કે કેવી રીતે અને કોની સામે ગુનો દાખલ કરવો તેની અસમંજસમાં છે કારણ કે, હાલ તો, સીઆઇડી ક્રાઇમ માત્ર ગોડાઉનના માલિક અને વેલ્ડીંગનું કામ કરનારા મજૂરોને તપાસના દાયરામાં લઇ શકી છે અને કોઇ મોટા માથાની સંડોવણી સુધી હજુ પહોંચી શકી નથી, તેથી તપાસનીશ એજન્સી સામે પણ સવાલો ઉઠતાં સીઆઇડી ક્રાઇમ થોડી મૂંઝવણમાં મૂકાઇ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું હતું કે, સમગ્ર કેસની તપાસ અને સેમ્પલીંગ પછી રિપોર્ટ રજૂ કરવા માટે તમામ એજન્સીઓને પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે અને તેથી રિપોર્ટ બાદ જ કોઇ ચોક્કસ તારણ પર પહોંચી શકાશે. હાલના તબક્કે કોઇના પર દોષારોપણ કરવું યોગ્ય નહી કહી શકાય. સીઆઇડી ક્રાઇમના ડીઆઇજીના વડાની આ મોટી અને સારી વાતો બાદ અચાનક જ હવે શાપરના મગફળીના ગોડાઉનમાં બે જ દિવસમાં વેલ્ડીંગથી આગ લાગ્યાનું કારણ તપાસમાં લાવી દેવાયુ છે, જેને લઇને ફરી એકવાર હવે આગને લઇ સવાલો ઉઠયા છે. સવાલો ઉઠી રહ્યા છે રાજય સરકારની વિશ્વસનીયતા અને તંત્રની કામગીરી પર. સવાલો એવા ઉઠી રહ્યા છે કે, દર વખતે મગફળીના ગોડાઉનમાં કેવી રીતે વેલ્ડીંગથી જ આગ લાગી જાય છે અને સીઆઇડી ક્રાઇમ તપાસ સંભાળે તેના બે જ દિવસમાં આગનુ કારણ વેલ્ડીંગ હોવાનું તપાસમાં ખુલી જાય છે. જેથી હવે સીઆઇડી ક્રાઇમ પણ ગુનો દાખલ કરવા મુદ્દે અસમંજસમાં રાચી રહ્યું છે. જો કે, હવે આગામી દિવસોમાં તપાસનીશ એજન્સીનું શું વલણ રહે છે અને એફએસએલ, કૃષિ યુનિવર્સિટી સહિતની એજન્સીઓના રિપોર્ટમાં હવે શું સામે આવે છે તેની પર સૌની નજર મંડાઇ છે. ઉલ્લેખનીય છે કે, શાપર ખાતેના મગફળીના ગોડાઉનમાં તા.૬ઠ્ઠી મેએ લાગેલી ભયંકર આગમાં રૂ.સાડા ત્રણ લાખથી વધુની મગફળી બળીને ખાખ થઈ ગઇ હતી.

Related posts

उ. कोरिया आर्थिक विकास पर कर रहा है ध्यान केंद्रित : चिनफिंग

aapnugujarat

સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નીમીતે રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને આરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા

aapnugujarat

ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1