Aapnu Gujarat
ગુજરાત

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત APMC સયાજીપુરા ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મેળો યોજાયો

રાજ્યના ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવા માટે ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળે તેમજ ખેતીવાડી ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી આપવા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિસાન કલ્યાણ દિને સયાજીપુરા APMC ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કૃષિ મેળાને વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તથા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ખુલ્લો મુક્યો હતો. આ કૃષિ મેળામાં ખેડૂતોને આધુનિક ખેતપદ્ધતિઓ અંગે જાણકારી આપતા વિવિધ પ્રદર્શન સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા જેને વિશાળ સંખ્યામાં ખેડૂતોએ નિહાળ્યું હતું. આ અવસરે સરદાર પટેલ એવોર્ડ વિજેતા ગોલાગામડીના પ્રગતિશીલ ખેડૂત શ્રી કિરીટભાઇ પટેલનું મહાનુભાવોના હસ્તે શાલ-પ્રશસ્તિપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ હેઠળ  સુનિતાબેન પાટણવાડિયા તથા મીનાબેન પાટણવાડિયાનું તાલુકા કક્ષાના બેસ્ટ આત્મા એવોર્ડ હેઠળ રૂા. ૧૦૦૦૦/-નો ચેક તથા શાલ ઓઢાડી બહુમાન કરવા સાથે ઇલાબેન સોલંકીને ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના હેઠળ રૂપિયા એક લાખનો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે ખેડૂતોએ આધુનિક અને વૈજ્ઞાનિક ખેત પદ્ધતિથી ખેતીની સાથે પશુપાલન વ્યવસાય અપનાવી આર્થિક રીતે સધ્ધર થવા જણાવ્યું હતું.

શ્રી ત્રિવેદીએ પ્રવર્તમાન સમયમાં ઓછા રાસાયણિક ખાતર, દવાઓથી ઉત્પાદિત પાકની માંગ વધી છે ત્યારે ખેડૂતોએ સજીવ ખેતી તથા ફળ-ફુલ અને બાગાયતી ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. કેન્દ્ર/રાજ્ય સરકારે હંમેશા ખેડૂત હિતમાં અનેક કિસાન હિતલક્ષી નિર્ણયો કર્યા છે તેની જાણકારી આપતાં શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે રૂા. ૩૭૩૫ કરોડની મગફળી, રૂા. ૧૭૭ કરોડની તુવેરની ટેકાના ભાવે ખરીદી કરી છે. એટલુ જ નહીં રાજ્યના ખેડૂતોને જીરો ટકા વ્યાજે રૂપિયા ત્રણ લાખ સુધીની કૃષિ લોન પણ આપવામાં આવે છે.

શ્રી ત્રિવેદીએ ખેતીમાં પાણીના બચાવ માટે ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો. નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થતાં ખેડૂતોને હવે યુરિયા માટે લાઇનોમાં ઊભા રહેવું પડતું નથી અને સરળતાથી યુરિયા ખાતર ઉપલબ્ધ થાય છે.  શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે, ગુજરાત વરીયાળી, બટાકા, કેરી,પપૈયા, કેળા, ચીકુ, ઇસબગુલ સહિત દૂધ ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે.

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં શરૂ કરેલા કૃષિ મહોત્સવના ક્રાંતિકારી પરિણામો મળ્યા છે. જેના કારણે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ થયા છે અને ગુજરાતનો કૃષિ વિકાસ દર ૧૦ ટકા જેટલો રહ્યો છે. શ્રી જાડેજાએ જણાવ્યું કે, આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં કેન્દ્ર/રાજ્ય સરકારે અનેકવિધ કૃષિ લક્ષી સુધારા અને નિર્ણયો કર્યા છે. ખેડૂતો કૃષિની સાથે પશુપાલન અને રોકડીયા પાકોની ખેતી તરફ વળ્યા છે. રાજ્યના દૂધ ઉત્પાદનમાં પણ સતત વધારો થયો છે જે દર્શાવે છે કે ગુજરાત કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.

રાજ્ય સરકારના કેન્દ્રબિંદુમાં ખેડૂતો રહેલા છે એવી લાગણી વ્યક્ત કરતા શ્રી જાડેજાએ જણાવ્યું કે, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળે તો સારૂ પાક ઉત્પાદન મેળવવાની ક્ષમતા ખેડૂતોમાં છે. રાજ્ય સરકારે ગુજરાત ગૌરવ દિને સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડ્યું છે જેને પરિણામે આગામી ચોમાસામાં કરોડો ઘનમીટર પાણીનો સંગ્રહ થશે જે ખેડૂતો માટે આર્શીવાદરૂપ સમાન બની રહેશે.

સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે મહત્તમ કૃષિ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ સમયાંતરે પોતાની જમીનની ચકાસણી કરાવી લેવાનો અનુરોધ કરી જમીન ફળદ્રુપ હશે તો મહત્તમ પાક ઉત્પાદન મળશે તેમ જણાવ્યું હતું. ખેડૂતો સમૃદ્ધ હશે તો રાષ્ટ્રનો વિકાસ થશે તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રગતિશીલ ખેડૂતશ્રી વનરાજસિંહ ચૌહાણે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં સજીવ ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જીતુભાઇ સુથારે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી દિપક શેઠે આભારવિધિ કરી હતી.

આ અવસરે અગ્રણી ભરતભાઇ પંડ્યા, દિલુભા ચુડાસમા, APMC ના ચેરમેન તરલાબેન પટેલ, કલેકટરશ્રી કિરણ ઝવેરી, પોલીસ કમિશનરશ્રી મનોજ શશીધર, પદાધિકારીઓ-અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂત સમુદાય હાજર રહ્યો હતો.

Related posts

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ ઝોનની સ્વમુલ્યાંકન અને સમીક્ષા બેઠક યોજાઇ

aapnugujarat

मानसून की ऋतु की औसत १२६.१७ फीसदी बारिश

aapnugujarat

બોપલમાં વકીલની ઓફિસમાં પાંચ લાખની ચોરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1