Aapnu Gujarat
બ્લોગ

હૃદયદ્રાવક કિસ્સો : કેન્સર પીડિત વૃદ્ધ કોર્ટના દરવાજે

કેન્સરપીડિત ૮૦ વર્ષના એક વયોવૃધ્ધ દર્દીને ન્યાય માટે ઘરડે ઘડપણ ગ્રાહક કોર્ટના દ્વાર ખખડાવવા પડયા છે. વીમાકંપનીઓની બલિહારીને પગલે અને ઇન્શ્યોર્ડ દર્દીઓના કાયદેસરના સાચા દાવાઓ નકારતી બીબાઢાળ પ્રથાના કારણે કેન્સરના જીવલેણ રોગ સામે ઝઝુમતા ૮૦ વર્ષીય વયોવૃધ્ધ ઇન્શ્યોર્ડ દર્દીને પોતાના કાયદેસરના સાચા દાવાની રકમ મેળવવા માટે ગ્રાહક કોર્ટના પગથિયા ચડવાનો વારો આવ્યો છે. અમદાવાદ એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ડી.બી.નાયક અને સભ્યોએ સમગ્ર કેસની હકીકતો જાણી વીમાકંપનીની આડોડાઇની ગંભીર નોંધ લીધી હતી અને આ કેસમાં વયોવૃધ્ધ દર્દીની ફરિયાદ દાખલ કરી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની વિરૂધ્ધ નોટિસ જારી કરી હતી. ફોરમે તા.૧૯મી મે સુધીમાં પ્રતિવાદી વીમાકંપનીને આ કેસમાં પોતાનો જવાબ રજૂ કરવા પણ નિર્દેશ કર્યો હતો. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને કેન્સરથી પીડિત ૮૦ વર્ષીય વયોવૃધ્ધ તરફથી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અમદાવાદ એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે વીમાકંપનીની સેવામાં ખામી, બેજવાબદારી અને અનફેર ટ્રેડ પ્રેકટિસ સામે ફરિયાદ દાખલ કરી છે અને કેન્સરપીડિત દર્દીને દાવાની એક લાખ રૂપિયાની રકમ, વ્યાજ અને માનસિક ત્રાસ તેમ જ આઘાતનું વળતર અને કાનૂની ખર્ચની મહત્વની દાદ માંગી છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, કેન્સરપીડિત ઇન્શ્યોર્ડ દર્દી અરવિંદભાઇ એન.દવે છેલ્લા ૨૫ વર્ષોથી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીની મેડિકલેઇમ પોલિસી ધરાવે છે. ૨૫-૨૫ વર્ષોથી તેઓ સમયસર અને નિયમિત પ્રીમીયમ ભરતા આવ્યા છે અને રૂ.એક લાખની પોલિસી રિન્યુ કરાવતા આવ્યા છે. દરમ્યાન વેદાંતા હોસ્પિટલના ડો.ભાવિન એ.શાહ દ્વારા અરવિંદભાઇ દવેનું બરોળનું કેન્સર નિદાન કરાયું હતુ અને બરોળમાં નોન-હોજિકલ લિમ્ફોમાની સારવાર માટે પેરેન્ટેરલ કિમોથેરાપીના છ ડોઝ અલગ-અલગ તારીખોએ નિશ્ચિત કરી હોસ્પિટલમાં એડમીટ કરી સારવાર અપાઇ હતી. જેનો કુલ ખર્ચ રૂ.૧,૧૦,૦૦૦ થયો હતો જે અંગે અરવિંદભાઇએ બાદમાં વીમાકંપનીમાં રૂ.એક લાખની રકમ માટે દાવો કર્યો હતો પરંતુ દર વખતની જેમ ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીએ ટર્મ્સ એન્ડ કન્ડીશનના બહાના બતાવી તેમનો દાવો નકાર્યો હતો.
સમિતિના પ્રમુખ મુકેશ પરીખે કોર્ટનું ઘ્યાન દોર્યું હતું કે, વીમાકંપનીએ કરારની શરતોથી વિપરીત જઇ ઇન્શ્યોર્ડ દર્દીનો દાવો નકાર્યો છે. અરવિંદભાઇ છેલ્લા ૨૫ વર્ષોથી નિયમિત પ્રીમીયમ ભરતા આવ્યા છે અને તેમની પોલિસી ચાલુ છે, તે સંજોગોમાં વીમા કંપની દાવાની રકમ ચૂકવવાની નૈતિક જવાબદારીમાંથી છટકી શકે નહી. પ્રસ્તુત કેસ ગ્રાહક સેવામાં ખામી અને વીમા કંપનીની અનફેર ટ્રેડ પ્રેકટિસનો સ્પષ્ટ રીતે જણાય છે અને તે જોતાં કોર્ટે કેન્સરપીડિત વયોવૃધ્ધ દર્દીને દાવાની પૂરેપૂરી રકમ અપાવી ન્યાય આપવો જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી ગ્રાહ્‌ક કોર્ટે વીમાકંપનીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.

Related posts

રામ મંદિર નિર્માણ મામલે સરકાર પર સંઘનું પ્રેશર

aapnugujarat

बैरक नंबर 12: नीरव, माल्या और चौकसी के लिए तैयार

aapnugujarat

વ્યભિચારને ગુનો માનવોનો સુપ્રીમનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1