Aapnu Gujarat
ગુજરાત

સિવિલમાંથી શિશુને ઉઠાવી જનાર મહિલાની અટકાયત

બનાસકાંઠા જિલ્લાના એક ગરીબ અને પછાત દંપતિને તેમના નવજાત બાળકને સરકારી સહાય અપાવવાના બહાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવી ત્યાંથી બાળકનું વજન કરાવવાના બહાને માત્ર ૧૩ દિવસના બાળકને ઉઠાવી જનાર આરોપી મહિલા સવિતા ઉર્ફે નિર્મલા ઉર્ફે નીલમ અમૃતભાઇ પટેલ(ઉ.વ.૪૮)ને શાહીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેના મોબાઇલ લોકેશનના આધારે ઝડપી લીધી હતી અને ગરીબ મા-બાપને તેમનું ૧૩ દિવસનું બાળક સહીસલામત પાછુ સોંપ્યું હતું. જેને પગલે છેલ્લા ૨૪ કલાકથી જીવ પડીકે બંધાયા હતા, તે મા-બાપના જીવમાં જીવ આવ્યો હતો અને આંખોમાં રીતસરના હરખના આંસુ આવી ગયા હતા. શાહીબાગ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આરોપી મહિલા સવિતા ઉર્ફે નિર્મલા અમૃતભાઇ પટેલ સહિતના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, આરોપી મહિલા સવિતાબહેન ઉર્ફે નિર્મલા ઉર્ફે નીલમે ત્રણ લગ્ન કર્યા હતા અને ત્રણ લગ્ન છતાં તેને સંતાનસુખ ન હતું. તેથી તેણે તેના ત્રીજા પતિ સમક્ષ આ વખતે ગર્ભવતી હોવાની વાત ઉપજાવી કાઢી હતી પરંતુ તે વાત સાચી સાબિત કરવા માટે તેને તાજા જન્મેલા બાળકની જરૂર હતી અને તેથી તેણે સંતાનસુખની લાલચમાં આ ગુનાહિત કૃત્ય આચર્યુ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર કેસની સંવેદનશીલતા ધ્યાનમાં લઇને અધિક પોલીસ કમિશનર સેકટર-૨ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૪ તથા અધિક નાયબ પોલીસ કમિશનર એફ ડિવીઝને જરૂરી નિર્દેશો આપી પોલીસના માણસોની જુદી જુદી ટીમો બનાવી હતી અને મોબાઇલ લોકેશન તેમ જ સંભવિત સ્થાનો પર આરોપીઓની તપાસ કરાઇ હતી, જેમાં પોલીસને પાટણના બાલીસણા ગામ ખાતેથી આરોપી સવિતા ઉર્ફે નિર્મલા ઉર્ફે નીલમ અમૃતભાઇ પટેલ, ગીરીશભાઇ જયંતિલાલ પટેલ અને આરોપી કમલેશ ઉર્ફે ગોગા રતિલાલ મંગળદાસ દરજી(ઉ.વ.૪૬)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગરીબ મા-બાપનું ૧૩ દિવસનું ફુલ જેવું બાળક પણ મેળવ્યું હતું અને તેનો કબ્જો તેના કાગડોળે રાહ જોઇને બેઠેલા મા-બાપને સોંપ્યું હતું. ચકચારભર્યા આ કિસ્સાની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના અંબાજી-દાંતા રોડ પર પીપળાવાળી વાવ ખાતે રહેતા મુકેશભાઇ કાળાભાઇ ખોખરિયા અને તેમની ગર્ભવતી પત્ની શારદાબહેન એક મહિના પહેલા પાલનપુર બસ સ્ટેન્ડ પર સવિતાબહેન નામની એક મહિલાને મળ્યા હતા. બાળકના જન્મ પર રાજય સરકાર તરફથી રૂ.૧૨ હજારની સરકારી સહાય આપે છે તેવી લોભામણી લાલચ આપી હતી. તમને પણ હું આ સહાય અપાવીશ તેમ કહી સવિતાબહેને શારદાબહેનની સુવાવડની તારીખ જાણી લીધી હતી. બાદમાં ૧૩ દિવસ પહેલાં શારદાબહેને એક પુત્રને જન્મ આપ્યો હતો, જેની જાણ થતાં સવિતાબહેન નામની મહિલા તેમના ઘેર પહોંચી ગઇ હતી અને પેલી રૂ.૧૨ હજારની સરકારી સહાય અપાવવાની લાલચ આપી હતી અને શુક્રવારે દંપતિને લઇને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇને આવી હતી.
દરમ્યાન મુકેશભાઇને સુવાવડના કાગળિયા જમા કરાવવા મોકલી આ ઠગ મહિલા શારદાબહેનના હાથમાંથી બાળક લઇને લાવો તેનું વજન કરાવીને આવું છું એમ કહી બાળક લઇ ગઇ હતી. ઘણા લાંબા સમય સુધી રાહ જોવા છતાં સવિતાબહેન નામની મહિલા પરત નહી આવતાં ગરીબ માતા-પિતાએ પોતાના બાળકની સિવિલ હોસ્પિટલમાં ખૂણેખૂણે તપાસ કરી હતી. પરંતુ બાળકની કોઇ ભાળ નહી મળતાં આખરે તેમણે શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ કરી હતી.

Related posts

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિરમગામ ખાતે સામાજિક સદભાવ બેઠક યોજાઇ

aapnugujarat

ઓઢવમાં મહિલા સશક્તિકરણની કરાઈ ઉજવણી

editor

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ બીજી ટર્મ મેળવશે ? ચૂંટણીમાં ચહેરા અંગે પણ ચર્ચા,પ્રદેશ પ્રમુખ પાટીલ ચૂંટણી પછી ક્યુ મહત્વનું સ્થાન મેળવશે ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1