Aapnu Gujarat
બ્લોગ

ફૂલનદેવી – બૅન્ડિટ ક્વીન

આડત્રીસ વર્ષ થઈ ગયાં બેહમાઈ હત્યાકાંડને. ૧૯૮૧ના ફેબ્રુઆરીની ૧૪મીની રાતે ગામ પર ફૂલનદેવીની ડાકુ ટોળકી ત્રાટકી અને ૨૨ ઠાકુરોને મોતને ઘાટે ઉતારી દીધા. આ સાથે, ફૂલનદેવી ‘ડાકુરાણી’ – બૅન્ડિટ ક્વીન – તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગઈ. લોકોને કુતૂહલ થયું એના વિશે વધારે જાણવાનું. ફ્રેન્ચ લેખક જોડી મૅરી-થેરેસ-કૂની અને પોલ રામબલીએ ફૂલનદેવીના જીવનને એની આત્મકથા રૂપે શબ્દદેહ આપ્યો. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચે ફેલાયેલો આ પ્રદેશ બુંદેલખંડ તરીકે ઓળખાય છે. એની મુખ્ય નદી ચંબલની અટપટી કોતરો સમાજના વિદ્રોહીઓ માટે હજી થોડાં વર્ષો સુધી આશરો બની રહી. બુંદેલખંડના ઉત્તર પ્રદેશ રાજ્યવાળા ભાગમાં જલૌન જિલ્લાના નાના ગામ ‘ઘૂરા કા પુરવા’ના એક તદ્દન કંગાળ કુટુંબમાં જન્મ લીધા પછી હિંસા અને અપમાનના શિકાર બનવું એના નસીબનું અવિભાજ્ય અંગ હતું. મલ્લાહ જાત. દલિતોમાંયે દલિત, ગરીબોમાંયે ગરીબ. બાળપણથી એણે માત્ર હિંસા, સ્ત્રી તરીકે અત્યાચાર અને અપમાન વેઠ્યાં. સમાજે એને એવી દઝાડી કે એ પોતે જ સળગતો કાકડો બની ગઈ. પરંતુ એના જીવનના શાંતિના દિવસો આવ્યા. એ બે વાર લોકસભામાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચુંટાઈ. જીવનજળ જંપવા લાગ્યાં હતાં. દિલ્હીમાં રહેવા માટે બંગલો મળ્યો હતો. લોકસભામાંથી બપોરે એ જમવા આવી ત્યારે વીસ વર્ષ પહેલાં એણે આચરેલી હિંસા એક મોટરબાઇક પર સવાર થઈને આવી. અને હિંસાનો શિકાર બનનાર, બનાવનાર ફરી હિંસાનો ભોગ બની ગઈ. માત્ર ૩૮ વર્ષની ઉંમરે ૨૦૦૧માં એક આગ ઠરી ગઈ. બાપ દેવીદીન પાસે કુટુંબનું પેટ પૂરવા માટે માત્ર એક એકરની જમીન. વરસ ચાલે એટલું પાકે નહીં. બીજાનાં ખેતરોમાં પણ કામ કરવું પડે. ગામમાં ઠાકુરોનું વર્ચસ્વ. મલ્લાહ જાતને તો મગતરાંથી પણ નીચે સમજે. ઠાકુરોનાં ખેતરોમાં કામ કરવું, એમનાં ઢોર ચારવાં, ઢોરો માટે ઘાસ કાપી લાવવું,એમનો પડ્યો બોલ ઝીલવો પણ બદલામાં કંઈ ન માગવું, એ એમનો ધર્મ. મલ્લાહ સ્ત્રીઓ ઠાકુરાણીઓની પગચંપી કરે, માથામાં તેલ ઘસી દે, એમની સેવાચાકરી કરે. હુકમ થાય એટલે ઠાકુરને ઘરે પહોંચી જવાનું. ના કેમ પાડે? એમની બહેન દીકરીઓ પર ઠાકુરોનો સુવાંગ અધિકાર. ના કહેનારને છડેચોક બળાત્કારનો ભોગ બનવું પડે. આમ છતાં, ફૂલનમાં ના પાડવાની હિંમત હતી. માનવીય જીવનથી નીચેનું અધમ જીવન જીવવા એ તૈયાર નહોતી. દસ વર્ષની ઉંમરથી વીસની થઈ ત્યાં સુધી ફૂલન પર એટલા સામૂહિક બળાત્કાર થયા કે એનો હિસાબ પણ એને યાદ ન રહ્યો. એક દૂબળીપાતળી છોકરી હવસખોરો સામે શું કરી શકે? એની અંદર વેરની આગ ભડકે બળતી રહી. નાનપણથી જ એનામાં કંઈ પણ સાંખી લેવાનો વિરોધ ઊકળતો હતો. એના કાકાના છોકરા માયાદીને જ્યારે કુટુંબની જમીન પર કબજો કરી લીધો ત્યારે દસ વર્ષની ફૂલન એની સાથે બાખડી પડી. માયાદીન લીમડાનું ઝાડ કાપવા માગતો હતો પણ આ છોકરીને હંફાવવાનું એને ભારે પડ્યું. ફૂલન અગિયાર વર્ષની હતી ત્યારે માબાપે ત્રીસ વર્ષના પુત્તી લાલ સાથે એને પરણાવી દીધી. ખરેખર તો બાપે પુત્તી લાલ ને એક ઘરડી ગાય, ખખડધજ સાઇકલ અને એકસો રૂપિયામાં ફૂલનને વેચી મારી હતી. શરત એ હતી કે ફૂલન ચૌદ વર્ષની થાય ત્યાં સુધી પતિ એની સાથે સમાગમ નહીં કરે, પણ હવસના માર્યા પતિએ ત્રણ જ મહિનામાં એની સાથે બળાત્કાર કર્યો. કુમળી બાળાને ખબર પણ નહોતી કે લગ્ન એટલે શું. પુત્તી લાલ એને બળજબરીથી લગ્નના પાઠ ભણાવવા લાગ્યો ત્યારે ફૂલનની અંદરની સિંહણ છંછેડાઈ. લગ્ન એટલે પાયલનો ઝણકાર, ચમકતાં ઝૂમખાં – એવું કંઈ નહોતું. લગ્નનો ખરો અર્થ એને સમજાયો. અંતે માબાપને દયા આવી અને એને ઘેર પાછી લાવ્યાં. પણ એના દુઃખનો અંત નહોતો. હવે તો ઠાકુર જુવાનિયાઓ એના પર હાલતાં ને ચાલતાં શબ્દોનાં અને નજરનાં તીર ચલાવવા લાગ્યા. એક વાર સરપંચના દીકરાએ એને પકડી; ફૂલન એના મોઢા પર તમાચો મારીને ભાગી છૂટી. ગામમાં પંચાયત એકઠી થઈ. ઠરાવ કર્યો કે આ છોકરીને ગામ બહાર તગેડી મૂકવી. માના દુઃખનો આરો કે ઓવારો નહોતો પણ લાચાર હતી. માએ પાંચ રૂપિયા આપ્યા તે લઈને બહેન રુક્મણીને આશરે ગઈ. એ બહેનને ઘરે રહેતી હતી ત્યારે એના ગામ ઘૂરા કા પુરવામાં લુંટારા ત્રાટક્યા. કાકાના છોકરા માયાદીને જૂનું વેર વાળ્યું. પોલીસને કહ્યું, ફૂલનનું આ કારસ્તાન હતું. પોલીસે રુક્મણીને ઘરેથી ફ્રૂલનની ધરપકડ કરી. ફૂલન અને એના બાપને પોલીસે હવાલતમાં કેટલાયે દિવસ ગોંધી રાખ્યાં અને બાપની નજર સામે જ પોલીસવાળા એના પર પોતાનું પુરુષાતન દેખાડતા રહ્યા. અંતે મા જ્યારે સાબિત કરી શકી કે એ તો બહેનને ઘરે હતી ત્યારે એનો છૂટકારો થયો. આટલું થયા પછી પણ એના પર દયા કરનાર કોઈ નહોતું. ઉલટું, હવે તો પાડોશના ગામેથી પણ માણસો પોતાની વાસનાને તૃપ્ત કરવા આવતા થઈ ગયા. આમ તો એ આવતા હતા ગામના ઠાકુરોથી ફૂલનને બચાવવાના બહાનાં સાથે, પણ ફૂલન એમના બચાવવાનો અર્થ સમજી ગઈ. એના માટે ઘર પણ સલામત ન રહ્યું એ બહાર ઝાડ પર, ડાળીઓની વચ્ચે છુપાઈને રાત વિતાવતી થઈ ગઈ. એની અંદર વેરની પિપાસા ભડભડ બળતી હતી. એ જ અરસામાં ચંબલના ડાકુ બાબુ ગૂજરની નજર એના પર પડી. બાબુ ગૂજર પોતાના સાથી વિક્રમ મલ્લાહ સાથે એક રાતે આવ્યો અને ફૂલનને ચંબલની કોતરોમાં ઉઠાવી ગયો. એ ત્યાં રહી તે દરમિયાન વિક્રમ મલ્લાહને એના માટે કૂણી લાગણીઓ જન્મી ચૂકી હતી. એ ફૂલનની જીવટનો પ્રશંસક બની ગયો અને એનાં દુઃખોને સમજવા લાગ્યો. એક વાર બાબુ ગૂજર ફૂલનને જમીન પર પટકીને એના પર ચડી બેઠો. વિક્રમે જોયું કે આજે ફૂલનની ઇજ્જત ફરી લુંટાશે. એણે બંદૂક ઉપાડી, નિશાન લીધું, ભડાકો થયો અને બાબુ ગૂજર લાશ બની ગયો. વિક્રમ એને ચાહવા લાગ્યો હતો. એને રાઇફલ ચલાવતાં પણ વિક્રમે જ શીખવ્યું. ફૂલનની જિંદગીમાં પહેલી વાર કોઈ જણ એની મદદે આવ્યો હતો. એ દિવસ સુધી ફૂલનનો અનુભવ તો એ હતો કે “ગરીબે તો નમવું જ જોઈએ, તવંગરોના પગ પકડવા જોઈએ. ગરીબ મકાઈ ખાય અને પૈસાવાળા કેરીની જ્યાફત ઉડાડે. પેટની આગ ભય અને દીનતા પેદા કરે છે. મારા બાપે સાંખી કેવાની સલાહ આપી. મેં કોશિશ તો કરી પણ કરી નહોતી શકતી. મારામાં ગુસ્સો ઘણો ભરેલો હતો.”
ફૂલને વિક્રમ મલ્લાહ અને રાઇફલમાં પોતની સલામતી ભાળી અને એણે પોતાની ગૅંગ બનાવી. “મને ટુકડે ટુકડે સમજાવા લાગ્યું હતું કે મારી દુનિયા કઈ રીતે ઘડાઈ છે; પુરુષજાતની તાકાત, ઊંચી જાતની તાકાત, શક્તિની સત્તા. મને ખ્યાલ નહોતો કે હું જે કરતી હતી તે બંડ હતું; મારી પાસે ન્યાય મેળવવાનું એક જ સાધન હતું.” એની ગૅંગમાં મોટા ભાગે બધા કાં તો ચમાર અને કાં તો મલ્લાહ હતા. ઊંચા વરણના લોકોના સતાવેલા ગરીબો હવે એની સાથે જોડાવા લાગ્યા.
ફૂલન કોઈ ગામે છાપો મારે, ધનિકોને લૂંટે અને લૂંટમાંથી ગરીબોને પણ ભાગ આપે. કેટલાયે તો પોતાની ગૅંગ બનાવી અને લૂંટફાટ શરૂ કરી પણ ફૂલનની આંટ એવી જામી ગઈ હતી કે જાસાઓ અને ધમકીઓમાં બધા ફૂલનનું નામ વાપરે!
ફૂલન કહે છે કે “મારે લંબાયેલા હાથોમાં બંડલો મૂકવાં હતાં અને એમના જીવવાનો હક ઝુંટવવાની કોશિશ કરનારને સજા કરવી હતી.” વિક્રમ અને ફૂલન સૌ પહેલાં તો એના પહેલા પતિ પુત્તી લાલ પાસે પહોંચ્યાં. ફૂલને એની જાંઘમાં છુરો ભોંકી દીધો અને રસ્તાને કિનારે નગ્ન હાલતમાં છોડી દીધો; તે સાથે એના મોઢામાં એક ચિઠ્ઠી રાખીઃ “નાની ઉંમરની છોકરીઓને પરણનારા મોટી ઉંમરના માણસોના આ હાલ થાય છે.” પરંતુ આવું સુખ માંડ એક વર્ષ ચાલ્યું. વિક્રમે બે ડાકુ ઠાકુર ભાઈઓ શ્રીરામ અને લાલેરામને જામીન પર છોડાવવા માટે પચાસ હજાર રૂપિયા આપ્યા. ભાઈઓએ તે પછી વિક્રમ સાથે દગો કર્યો અને એને ગોળીએ દઈ દીધો. હવે ફૂલન એમના હાથમાં સપડાઈ ગઈ. બન્ને ભાઈ ફૂલનને પોતાને ગામ બેહમાઈ લઈ ગયા અને ત્યાં કેટલાંયે અઠવાડિયાં રાખીને એની સાથે કાળું મોં કરતા રહ્યા. તે પછી શ્રીરામ એને લઈને ગામેગામ ફેરવવા લાગ્યો અને સૌને પોતાની હવસ સંતોષવા માટે બોલાવતો. એ સૌને કહેતો, “નીચી જાતની દેવીઓ સાથે આમ જ થાય!” આમ એક ગામમાં ફૂલન પર એક બ્રાહ્મણને દયા આવી અને એણે એને ભાગી જવામાં મદદ કરી. ફૂલન ફરી ચંબલ પહોંચી. ત્યાં એની જૂની ગૅંગના માણસોને મળી, પોતાની નવી ગૅંગ બનાવી. હવે એને શ્રીરામ અને લાલેરામના લોહીથી પોતાનું ખપ્પર ભરવું હતું. ૧૪ મી ફેબ્રુઆરી ૧૯૮૧ (વૅલેન્ટાઇન ડે!)ની રાતે એ ધાડું લઈને બેહમાઈ પહોંચી. ગામમાં કોઈ જાન આવી હતી. ડાકુ આવ્યા જાણીને ભાગદોડ મચી ગઈ. ગામવાળા અને જાનવાળા જ્યાં ત્યાં સંતાવા લાગ્યા.પણ ફૂલનને જોઈતા હતા બે જણ – શ્રીરામ અને લાલેરામ. એને કોઈએ કહ્યું કે એ તો ગામમાં નથી. તરત ફૂલને ગામના બધા પુરુષોને પકડી લાવવાનો હુકમ કર્યો. એની ટોળીના માણસો ઘેરેઘેર ગયા અને ઠાકુરોને પકડી પકડીને બહાર લાવ્યા. એમને નદીના પટમાં એકઠા કર્યા. જોતજોતામાં રાઇફલોમાંથી ગોળીઓ ધાણીની જેમ ફૂટવા લાગી અને બાવીસ જણ મોતના મોંમાં હોમાઈ ગયા. જો કે ફૂલનના પોતાના કહેવા પ્રમાણે એને ખબર પડી હતી કે શ્ર્રીરામ-લાલેરામ બીજા ગામમાં છે એટલે એ એમનો પીછો કરતી ત્યાં ગઈ હતી અને હત્યાકાંડ થયો ત્યારે એ ત્યાં નહોતી, પરંતુ એ વિવાદનો મુદ્દો છે. આપણા માટે એટલું જ કે કહેવાતી ઊંચી જાત અને નીચી જાત વચ્ચેનો આ સૌથી લોહિયાળ સંઘર્ષ હતો, જેમાં કહેવાતી નીચી જાતની એક સ્ત્રીએ પોતાના વ્યક્તિગત અપમાન, નાલેશીનો બદલો લીધો. પરંતુ એનું સમાજશાસ્ત્ર સાદું હતું. આ અપમાન સમાજની ઊંચનીચનું પરિણામ હતું.૧૯૮૩માં ફૂલનદેવીએ આત્મસમર્પણ કર્યું. તે પછી કેસ ચાલ્યા વિના જ એને અગિયાર વર્ષ જેલમાં રાખવામાં આવી. મુલાયમ સિંઘની સમાજવાદી પાર્ટીની સરકારે ઉત્તરપ્રદેશમાં સત્તા સંભાળી અને એની સામેના કેસો પાછા ખેંચી લીધા, એટલું જ નહીં, એને ૧૯૯૬ની લોકસભાની ચૂંટણીમાં મિર્ઝાપુરની સીટ માટે ટિકિટ આપી. એ જીતી ગઈ, તે પછી ૧૯૯૮માં એને હાર ખમવી પડી. આમ આ એક વારનો ચમત્કાર હતો? ના. ફરી ૧૯૯૯માં ચૂંટણીમાં ફૂલનદેવીને વિજય મળ્યો.
આમ એ ખરેખર લોકોનાં મન જીતી શકી હતી. ૨૫મી જુલાઈ ૨૦૦૧ની બપોરે હિંસાનો ભોગ બનેલી અને હિંસાના માર્ગે એનો બદલો લેનારી આ બંડખોર સ્ત્રી ફરી હિંસાનો જ ભોગ બની. આજે બેહમાઈને ૩૫ વર્ષ થઈ ગયાં છે. આજે ભારત નવ-ઉદારવાદના રસ્તે આગળ વધે છે. વિશ્વની આર્થિક મહાસત્તા બનવાનાં સપનાં સેવે છે. ત્યારે ડૉ. આંબેડકરના શબ્દો યાદ આવે છે કે ગામડાં અન્યાય અને અસમાનતાનો અડ્ડો છે. કહેવાય છે કે આર્થિક સ્થિતિ સુધરે તો નાતજાતના ભેદ ન રહે, પરંતુ આજે પણ શી સ્થિતિ છે? આવો, જોઈએ – દર ૧૮ મિનિટે એક દલિત અપરાધનો ભોગ બને છે. દરરોજ ૩ દલિત સ્ત્રી બળાત્કારનો ભોગ બને છે, ૨ દલિતની હત્યા થાય છે અને ૨ દલિત ઘરોને સળગાવી દેવાય છે. ૧૧ દલિતો મારપીટનો શિકાર બને છે. ૩૭ ટકા દલિતો ગરીબાઈની રેખા નીચે જીવે છે, દલિત સમાજમાં જન્મ લેતાં દર ૧૦૦૦ બાળકોમાંથી ૮૩ પોતાનો પહેલો જન્મદિન જોવા જીવતાં નથી રહેતાં. ૨૧ ટકા દલિત બાળકો કુપોષણથી પિડાય છે. ૪૮.૪ ટકા ગામોમાં આભડછેટને કારણે દલિતો પાણીના સ્રોતો સુધી પહોંચી શકતા નથી. ૪૫ ટકા દલિતો નિરક્ષર છે. ૬૨ ટકા દલિત સ્ત્રીઓ સુધી અક્ષરજ્ઞાન પહોંચ્યું નથી. દલિત સ્ત્રીઓ જાત અને એમના સ્રીપણાને કારણે બેવડો ભેદભાવ સહન કરે છે. ત્રીજા ભાગના દલિત પરિવારોનાં ઘરમાં પ્રાથમિક સુવિધાઓ નથી. ૨૩.૫ ટકા ગામોમાં ટપાલી દલિતને ઘરે ટપાલ આપવા જતા નથી. (૨૦૧૭ના આંકડા પરથી).
સંપૂર્ણ આર્થિક સમાનતા તો આપણા સૌ – દલિત કે સવર્ણ – માટે એક સપનું છે પણ સામાજિક સમાનતા સ્થાપવી એ તો આપણા હાથની વાત છે. શોષણમુક્ત સમાજ બનાવવા માટે માત્ર ઉચ્ચ વર્ગોના વ્યક્તિગત અને સામૂહિક સંકલ્પની જરૂર છે. આ દિશામાં જે કંઈ કાર્ય થશે તે ઉચ્ચ વર્ગો માટે જ એક ‘બફર’, એક ઢાલ તરીકે કામ કરશે. ફૂલનદેવીનું ગર્ભાશય કાઢી નાખવાની શસ્ત્રક્રિયા કર્યા પછી ડૉક્ટરે કહ્યું કે બસ, હવે વધારે ફૂલનદેવીઓ જોઈતી નથી. આ ફૂલનદેવી પ્રત્યેનો તુચ્છકાર હતો કે જે પરિસ્થિતિમાં ફૂલનદેવી પેદા થાય તેના પ્રત્યેનો તિરસ્કાર?

Related posts

સદીના અંત સુધી હિંદુ કુશ પર્વતોના ૧/૩થી વધારે ગ્લેશિયર પીગળી જશે

aapnugujarat

૧૧ વિશ્વ કપ, ૫ વિજેતા – ૧૯૭૫થી ૨૦૧૫ સુધીનો સંપૂર્ણ ઈતિહાસ

aapnugujarat

વિશ્વને હાલમાં ૭ કરોડ શિક્ષકોની જરૂર : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1