Aapnu Gujarat
બ્લોગ

૧૧ વિશ્વ કપ, ૫ વિજેતા – ૧૯૭૫થી ૨૦૧૫ સુધીનો સંપૂર્ણ ઈતિહાસ

૩૦ મેથી આઈસીસી વિશ્વ કપની શરૂઆત થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટની ૧૨મી એડિશન હશે. જેમાં કુલ ૧૦ ટીમો વિજેતા બનવા માટે ટકરાશે.
વર્ષ ૧૯૭૫માં ઈંગ્લેન્ડને પ્રથમ વિશ્વ કપની યજમાની કરવાની તક મળી જ્યાં વેસ્ટ ઈન્ડિઝે વિશ્વ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી. અત્યાર સુધી ૧૧ વિશ્વ કપ રમાઈ ચુક્યા છે જેમાં માત્ર ૫ ટીમો વિજેતા બની છે. ૧૯૭૫માં પ્રથમવાર વિશ્વ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ક્લાઇવ લોયડની આગેવાનીમાં લોડ્‌ર્સના મેદાન પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ૧૭ રનથી પરાજય આપીને પ્રથમ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
પ્રથમ વિશ્વ કપમાં ધાક જમાવનાર વેસ્ટ ઈન્ડિઝે સતત બીજું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ક્લાઇવ લોયડની શાનદાર આગેવાનીમાં વિન્ડીઝ ટીમે ફાઇનલમાં ઈંગ્લેન્ડને ૯૨ રનથી પરાજય આપ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે બે વખતની વિશ્વ વિજેતા વેસ્ટ ઈન્ડિઝને ફાઇનલમાં હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. લોડ્‌ર્સમાં રમાયેલી ફાઇનલમાં કપિલ દેવની આગેવાનીમાં ટીમે ૧૮૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝને માત્ર ૧૪૦ રનમાં ઓલઆઉટ કરીને ૪૩ રનથી મુકાબલો જીતી ઈતિહાસ રચી દીધો હતો.
વર્ષ ૧૯૮૭ના વિશ્વકપની યજમાનીની જવાબદારી પાકિસ્તાન અને ભારતની હતી. મુકાબલો ૬૦ની જગ્યાએ ૫૦ ઓવરના ફેરફાર સાથે સામે આવ્યો. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ઈંગ્લેન્ડને ૭ રનથી હરાવી પ્રથમ વખત વિશ્વ વિજેતા બનવાની સિદ્ધિ મેળવી હતી.
વર્ષ ૧૯૯૨નો વિશ્વ કપ એક યાદગાર ટૂર્નામેન્ટ રહી જેમાં ભાગ લઈ રહેલી ટીમો પ્રથમ વખત રંગીન ડ્રેસમાં ઉતરી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો પ્રતિબંધ હટ્યો અને ટીમ પ્રથમ વખત મેદાનમાં ઉતરી. ઇમરાન ખાનની આગેવાનીમાં પાકિસ્તાને ફાઇનલમાં ઈંગ્લેન્ડને ૨૨ રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. વર્ષ ૧૯૯૬નો વિશ્વ કપ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની યજમાનીમાં રમાયો હતો. શ્રીલંકા પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યું અને અર્જુન રણતુંગાની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
એલન બોર્ડર બાદ સ્ટીવ વોની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ બીજી વખત વિશ્વ કપ કબજે કર્યો હતો. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સેમીફાઇનલમાં મુકાબલો ટાઇ થયા બાદ સારી નેટ રનરેટથી ફાઇનલમાં પહોંચેલી કાંગારૂ ટીમે પાકિસ્તાન પર એકતરફી જીત મેળવી હતી. ભારતીય ટીમ ૨૦૦૩માં વિશ્વ કપ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને સતત બીજુ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સૌરવ ગાંગુલીની આગેવાનીમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સહેવાગ અને ઝહીર ખાન જેવા દિગ્ગજોથી ભરેલી ભારતીય ટીમને ૧૨૫ રનથી હાર મળી અને બીજીવખત વિશ્વ વિજેતા બનવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. સતત બે વિશ્વ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમે રિકી પોન્ટિંગની આગેવાનીમાં ૨૦૦૭ના ફાઇનલમાં શ્રીલંકાને ૫૩ રનથી હરાવીને ટાઇટલની હેટ્રિક પૂરી કરી હતી. સતત ત્રણ વિશ્વ કપ જીતનારી ઓસ્ટ્રેલિયા વિશ્વની પ્રથમ ટીમ બની હતી. એમએસ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ૨૦૦૭ના વિશ્વકપની કડવી યાદોને ભૂલીને વિશ્વ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં શ્રીલંકા વિરુદ્ધ એમએસ ધોનીએ વિજયી છગ્ગો ફટકારીને ભારતને ૬ વિકેટથી જીત અપાવી હતી. આ સાથે ૨૮ વર્ષ પછી ભારતે વિશ્વ કપ કબજે કર્યો હતો. વર્ષ ૨૦૧૫નો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં યોજાયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે પરાજય આપીને પાંચમું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

Related posts

બ્રિટને સ્ટુડન્ટ વિઝામાં ભારતને કેમ બાકાત રાખ્યું?

aapnugujarat

કેવી રીતે NRIના રૂપિયા ભારતના અર્થતંત્રને વેગ આપે છે

aapnugujarat

પિતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1