Aapnu Gujarat
ગુજરાત

યુવતી પર એસિડ એટેકના કેસમાં આરોપીને જન્મટીપ : મહેસાણા સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવનારી મહેસાણાની યુવતી પર અંત્યત ઘૃણાસ્પદ એસિડ એટેક કરવાના રાજયભરમાં ભારે ચકચાર જગાવનારા કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે આજે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ કહી શકાય તેવા ચુકાદામાં આરોપી યુવક હાર્દિક પ્રજાપતિને આજીવન કેદ(જન્મટીપ)ની સજા ફટકારી છે. એસિડ એટેકના કેસમાં આરોપીને જન્મટીપની સજા ફટકારાઇ હોય તેવો રાજયનો આ સૌપ્રથમ કેસ મનાઇ રહ્યો છે. આરોપીએ એટલી બર્બરતાપૂર્વક યુવતી પર એસિડ એટેક કર્યો હતો કે, તેનો ચહેરો ૯૫ ટકા સુધી બળીને ખાખ થઇ ગયો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીના અત્યંત ઘૃણાસ્પદ અને અમાનવીય કૃત્યની ભારોભાર ટીકા અને આલોચના કરી હતી. મહેસાણા સહિત સમગ્ર ગુજરાત રાજયમાં જબરદસ્ત ચકચાર જગાવનાર આ કેસની વિગત એવી છે કે, મહેસાણા જિલ્લાના વડનગર નજીક શેખપુર ગામ ખાતે રહેતો આરોપી હાર્દિક પ્રજાપતિ મહેસાણાની ૧૮ વર્ષીય યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો. જો કે, યુવતીએ તેના પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. આ વાતની અદાવત રાખી આરોપી યુવક હાર્દિક પ્રજાપતિએ ગત તા.૧-૨-૨૦૧૬ના રોજ યુવતીના ચહેરા પર એસિડ ફેંકી હુમલો કર્યો હતો. આ એસિડ એટેકમાં યુવતીનો ચહેરો ૯૫ ટકા સુધી બળી ગયો હતો. ગંભીર રીતે ઇજા થવાના કારણે અને આખો ચહેરો એસિડથી બળી જવાના કારણે તેણીને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં મહિનાઓ સુધી તેણીની સારવાર ચાલી હતી. આ એસિડ એટેકમાં યુવતીને પોતાની બંને આંખો પણ ગુમાવવી પડી હતી. મહેસાણામાં નોંધાયેલી એસિડ અટેકની આ પહેલી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બની હતી. આઇપીએસ બનવાનાં સપનાં જોતી યુવતીને બનાવ બાદ ઘણા સમય સુધી સરકારની કોઇ મદદ પણ મળી ન હતી. બનાવ પછી લગભગ એક વર્ષ સુધી તો તેણી માસ્ક પહેરવા મજબૂર બની રહી હતી કારણ કે, તેનો આખો ચહેરો બળી ગયો હતો.
પોલીસે આ કેસમાં આરોપી યુવક હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી તેની વિરૂધ્ધ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. સરકારપક્ષ તરફથી આરોપી હાર્દિક પ્રજાપતિને સખતમાં સખત અને સબક સમાન સજા ફટકારવાની દલીલો રજૂ કરાઇ હતી, જે ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી હાર્દિક પ્રજાપતિને જન્મટીપની આકરી સજા ફટકારાઇ હતી.

Related posts

પૂર્વ-દક્ષિણ ઝોનમાં પાણી સમસ્યા નિવારવા નવા બોર બનાવાશે

aapnugujarat

સુરેન્દ્રનગર LCB પોલીસે અલગ અલગ બે તાલુકાઓમાં થી ગેરકાયદેસર દેશી હથિયારો સાથે બે શખ્શોને ઝડપી પાડયા

aapnugujarat

ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલ ભાજપમાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1